અમ્બર હર્ડને હવે કમબેક કરવાની ઉતાવળ

અમ્બર હર્ડ અને જોની ડેપ વચ્ચેની જોરદાર ચગેલી કાનૂની લડાઈ સેલિબ્રિટી ટ્રાયલોના ઇતિહાસમાં 'સુવર્ણ અક્ષરો'થી અંકિત થઈ ગઈ છે. એમના ડિવોર્સના અસલી કોર્ટરૂમ ડ્રામાએ બંનેને જાહેર અભિગમો તો બદલી નાખ્યા ને તેમની કારકિર્દી પર પણ ઊંડી છાપ છોડી. ચૂકાદા પછી અમ્બરે સ્પોટલાઈટથી દૂર રહેવાનું પસંદ કર્યું. યુરોપમાં સ્થાયી થયા પછી હર્ડે મોટાભાગે ગોપનીયતા જાળવી રાખી. તેણે અંગત શાંતિ અને પારિવારીક જીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાનાં સંતાનોને પ્રાથમિકતા આપી. આ વર્તાવ એનાં પ્રારંભિક વર્ષોથી બિલકુલ અલગ હતું, જ્યારે તે સતત લોકોની નજરોમાં રહેતી, ખાસ કરીને બ્લોકબસ્ટર 'એક્વામેન'માં રોલ કર્યા પછી. જોકે તાજેતરના અહેવાલોમાંથી એવો સંકેત મળે છે કે અમ્બર હર્ડ મનોરંજન ઉદ્યોગમાં ફરી પ્રવેશ કરવાની તૈયારી કરતી હોવી જોઈએ. હવે ચાલીસ વર્ષની વયે તેણે તેની અભિનય કારકિર્દી ફરી સજીવન કરવાની તેમજ આર્થિક સ્વતંત્રતા હાંસલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અલબત્ત, હોલિવુડમાં કમબેક કરવું આસાન નથી.
એક સંકેત મુજબ હર્ડ સ્પેનમાં પોતાના જીવનથી સંતુષ્ટ છે, પણ તેનામાં રહેલી મજબૂત મહત્વાકાંક્ષા તેને આગળ વધવા પ્રેરી રહી હતી. અમ્બર હર્ડ માટે એનું અંગત જીવન હજી પણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. તે ત્રણ બાળકોની માતા છે અને પોતાનો મોટાભાગનો સમય તેમના ઉછેરમાં પસાર કરે છે. તેની દૈનિક દિનચર્યામાં ચાલવું, સંતાનો સાથે પાર્કની મુલાકાતો અને એમની સાથે ક્વોલિટી સમય સાથે પસાર કરવા જેવી સાદી, પારિવારીક ગતિવિધિઓ સામેલ છે.
તાજેતરમાં એક ગ્લેમરસ ઇવેનવ્ટમાં તેની જાહેર હાજરી સૂચક છે. શક્ય છે કે હોલિવુડમાં પૂર્ણ કમબેક માટે એની તજવીજ પડદા પાછળ ચાલી રહી હોય. અમ્બર હર્ડ સાવધાનીપૂર્વક ફરી લાઈમલાઈટમાં આવવા ઈચ્છે છે એ તો નક્કી.








