અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ શક્તિનો પ્રયોગ હંમેશા ન્યાયસંગત હોતો નથી

આજની કથા : 6
મહાભારતમાં વિવિધ ઘટનાઓ દ્વારા જીવનના અનેક પાસાઓને વણી લેવામાં આવ્યા છે. ભીષ્મ જેવા નીતિજ્ઞાના હાથે ત્રણ બહેનોના હરણની કથા પણ સમાજને એક મોટો સંદેશ આપી રહી છે.
મહાભારતની કથા : અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ
સત્યવતીના પુત્ર વિચિત્રવીર્ય લગ્ન યોગ્ય થઈ ગયા હતા. હસ્તિનાપુરને રાજકુમારીની જરૂર હતી. તે સમયે કાશી-નરેશે પોતાની ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાના સ્વયંવરનું આયોજન કર્યું. સમસ્ત ભારતવર્ષના રાજા-મહારાજાઓ આમંત્રિત હતા. ભીષ્મ માતા સત્યવતીની આજ્ઞાાથી કાશી પહોંચ્યા. પરંતુ તેઓ સ્વયંવરમાં વિચિત્રવીર્યનું નામ પ્રસ્તાવિત કરવા નહીં, પરંતુ ત્રણેય રાજકુમારીઓનું બળપૂર્વક હરણ કરવા ગયા હતા.
સ્વયંવર-સભામાં ઉપસ્થિત તમામ રાજાઓને લલકારીને ભીષ્મ ત્રણેય કન્યાઓને પોતાના રથ પર બેસાડી હસ્તિનાપુર તરફ ચાલી નીકળ્યા. શાલ્વ, શલ્ય અને અન્ય જે પણ રાજાઓ તેમને રોકવા આવ્યા, તે સૌ ભીષ્મના બાણોથી પરાજિત થયા. ત્રણેય રાજકુમારીઓને તેમની સંમતિ વિના, તેમની ઇચ્છા જાણ્યા વગર, એક અજાણ્યા રાજ્યમાં લઈ જવામાં આવી.
હસ્તિનાપુર પહોંચ્યા પછી મોટી બહેન અંબાએ સાહસ સાથે સત્ય પ્રગટ કર્યું. તેણે ભીષ્મને કહ્યું કે તે મનથી રાજા શાલ્વને વરી ચુકી છે. ભીષ્મે આ સાંભળીને તેને સન્માનપૂર્વક શાલ્વ પાસે મોકલી દીધી. પરંતુ શાલ્વે અંબાનો અસ્વીકાર કર્યો અને કહ્યું, 'તું ભીષ્મના રથમાં બેસીને આવી છે, હવે તું મારા માટે યોગ્ય નથી.'
અંબા પાછી ભીષ્મ પાસે આવી અને તેમની સાથે લગ્ન કરવાનો અનુરોધ કર્યો, કારણ કે તેના અપહરણને કારણે જ તેનું જીવન નષ્ટ થયું હતું. ભીષ્મે પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાાનો હવાલો આપીને ના પાડી દીધી.
અંબાએ પરશુરામ પાસે ન્યાય માંગ્યો. પરશુરામે ભીષ્મને યુદ્ધ માટે લલકાર્યા. તે યુદ્ધ દિવસો સુધી ચાલ્યું. પરંતુ કોઈ વિજેતા ન થયું. અંબાને ન્યાય ન મળ્યો. અંતે અંબાએ ઘોર તપસ્યા કરી અને પ્રતિજ્ઞાા લીધી, 'હું ભીષ્મના વધનું કારણ બનીશ.' આગલા જન્મમાં તે શિખંડી તરીકે જન્મી અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મના પતનનું નિમિત્ત બની. અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવીર્ય સાથે થયા. જેઓ ટૂંક સમયમાં જ નિ:સંતાન મૃત્યુ પામ્યા. ત્યારબાદ નિયોગ દ્વારા ધૃતરાષ્ટ્ર અને પાંડુનો જન્મ થયો અને મહાભારતની કથા આગળ વધી.
કથાના મુખ્ય બોધપાઠ
* શક્તિ અને નૈતિકતા અલગ છે : ભીષ્મ સર્વશક્તિમાન હતા, પરંતુ શક્તિ હોવી એ તેના પ્રયોગને ન્યાયસંગત બનાવતું નથી. ત્રણ કન્યાઓની સંમતિ વિના, તેમના સપનાઓને કચડીને કરવામાં આવેલું આ હરણ કોઈ પણ દ્રષ્ટિએ ધર્મ નહોતો. જ્યારે પરંપરા વ્યક્તિના મુળભૂત અધિકારોને કચડે, ત્યારે તે પરંપરા નહીં પણ અત્યાચાર છે.
* ઇતિહાસની સૌથી ઉપેક્ષિત પીડિતા - અંબા : અંબાની કથા એક મોટી કરૂણતા છે. તેણે કોઈ ગુનો નહોતો કર્યો, માત્ર પ્રેમ કર્યો હતો. પરંતુ એક પુરુષના અહંકારે (ભીષ્મ) તેનું અપહરણ કર્યું. બીજા પુરુષના અહંકારે (શાલ્વ) તેનો અસ્વીકાર કર્યો, અને ત્રીજા પુરુષની પ્રતિજ્ઞાાએ તેને ન્યાયથી વંચિત રાખી.
* પરંપરા મોટી કે સંમતિ ? : ભીષ્મનો તર્ક હતો કે વીર્યશુલ્ક પરંપરા મુજબ કન્યાને જીતવી એ ક્ષત્રિય ધર્મ છે. પરંતુ સ્ત્રીની સ્વાયત્તતા અને તેની પસંદગી છીનવી લેવી એ સામાજિક અન્યાયનું ઉદાહરણ છે. સંમતિ (ર્ઝ્રહજીહં) એ માત્ર કાનૂની ખ્યાલ નથી. તે નૈતિક પાયો છે.
* ન્યાય-વ્યવસ્થાની નિષ્ફળતા : અંબાએ દરેક દ્વાર ખખડાવ્યા, પણ દરેક જગ્યાએ તેને 'વ્યવસ્થાની મજબૂરી'નો જવાબ મળ્યો. અંબાનો ક્રોધ એ દરેક વ્યક્તિનો ક્રોધ છે જેને વ્યવસ્થાએ ન્યાય આપવાનો ઇનકાર કર્યો છે.
* શક્તિશાળી વ્યક્તિની જવાબદારી : જે વ્યક્તિ જેટલી શક્તિશાળી છે. તેની જવાબદારી એટલી જ વધારે છે કે તે પોતાની શક્તિનો પ્રયોગ ન્યાય માટે કરે, ન કે પરિવારની સુવિધા માટે. ભીષ્મની શક્તિના કારણે ત્રણ નિર્દોષ જીવન છિન્ન-ભિન્ન થઈ ગયા.
નિષ્કર્ષ
અંબા, અંબિકા અને અંબાલિકાની કથા પૂછે છે કે - શું શક્તિશાળીનું દરેક કાર્ય ધર્મ છે ? મહાભારત આ પ્રશ્નનો ઉત્તર અંબાના પ્રતિશોધ દ્વારા આપે છે : 'જે અન્યાયનો પ્રતિકાર આ જન્મમાં ન થઈ શકે, તે આગલા જન્મ સુધી પણ જીવતો રહે છે.' શક્તિ જ્યારે ન્યાયથી વિમુખ થાય છે, ત્યારે તે વિનાશના બીજ રોપે છે, અને તે બીજ ભીષ્મની શરશય્યા (બાણોની પથારી) તરીકે ફળ્યા.









