અમર ઉપાધ્યાય: સોશિયલ મીડિયા બધાની લાગણીઓ જાહેર કરી દે છે

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-ટુ' શોમાં તાજેતરમાં જ છ વર્ષનો લીપ આવ્યો અને અમર ઉપાધ્યાય દ્વારા ભજવાતા મિહિર વિરાણીના ચિત્રણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું. લીપ પહેલાં આ પાત્ર નૈતિક રીતે અસ્પષ્ટ અને બિનઅસરકારક જણાતું હતું. જેને કારણે દર્શકોએ મિહિર ને તુલસીના પાત્રમાં જેટલો વિશ્વાસ અને પ્રેમ દાખવવો જોઈએ, એટલો દાખવી શક્યા નહોતા. અત્યારે આ શૉ ઝડપભેર અવ્વલ નંબર પણ આવી ગયો.
આ શો અંગે સોશિયલ મીડિયા પરના સાધારણ વિરોધને પ્રતિબંધિત કરતાં અમર ઉપાધ્યાય કહે છે, 'સાચું કહું તો શરૂઆતમાં મને તેની અસર થઈ હતી અને કારણ કે આખરે તો તમે માણસ છો. હું થોડો આશ્ચર્ય ચકિત થઈ ગયો, કારણ કે મિહિરને ખોટા ઈરાદા ધરાવતી વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો ન હતો. લાગણીના સ્તરે એ વિરોધાભાસી હતો, ચાલાક કે નકારાત્મક નહીં. આ પછી મને સમજાયું કે આવી તીવ્ર પ્રતિક્રિયા આ દર્શકોના પાત્ર પ્રત્યેના લગાવથી આવે છે.'
ઓરિજિનલ 'ક્યોંકિ...' વખથે સોશિયલ મીડિયા નહોતું. તેથી શોમાં જે કંઈ વળાંકો આવ્યા તે લોકોના ફીડબેકને ધ્યાનમાં લીધા વિના લખાયા હતા. આજે, ઓડિયન્સની પ્રતિક્રિયાઓ તાત્કાલિક આવે છે. અમર ઉપાધ્યાય કહે છે, 'પહેલાં વાતચીત ઘરે થતી અથવા મિત્રોમાં થતી હતી. આજે સોશિયલ મીડિયા દરેકની લાગણીને સાર્વજનિક બનાવી દે છે. વાર્તાને સંપૂર્ણ રીતે પ્રગટ થવાની તક મળે તે પહેલાં લોકો ક્યારેક તત્કાળ પ્રતિક્રિયા આપી દે છે, જે ક્રિયેટિવ ટીમ પર પ્રેશર ઊભું કરે છે. આ સાથે તે તમને ધીરજ પણ શીખવે છે. એ જે હોય તે, હવે બધું બરાબર છે. મિહિર પહેલાં જેવો હતો તેવો જ બની ગયો છે અને લોકોને તે ગમવા પણ માંડયો છે.'








