Magazines

બોલિવુડમાં અમાલની એન્ટ્રી 'મલિક' અટકને આભારી નથી

By GS TEAM
21 May 20264 mins read
બોલિવુડમાં અમાલની એન્ટ્રી 'મલિક' અટકને આભારી નથી

- હું આજે જે પણ છું એ સલમાન સરના કારણે છું. એમણે મને ૨૩ વરસની ઉંમરે 'જય હો'માં મ્યુઝિક ડિરેક્ટર તરીકે બ્રેક આપ્યો હતો

શો-બિઝનેસમાં નિખાલસતા પ્રસંગોપાત નબળાઈ કે અવગુણમાં ખપી જાય છે. બોલિવુડમાં તમારે પોતાની ઈમેજ જાલવવા મુત્સદ્દી બનવું પડે. પરંતુ મુત્સદ્દીપણું અમુક લોકોના સ્વભાવમાં નથી હોતું. તેઓ ડિપ્લોમેટિક બની જ નથી શકતા. ૩૫ વરસનો સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર અમાલ મલિક આવો જ નોખી માટીનો માનવી છે. એ પોતાની લાગણીને ફિલ્ટર નથી કરી શકતો. એ નખશીખ પ્રામાણિક આર્ટિસ્ટ છે અને પોતાની ખામીઓ જાહેરમાં દર્શાવવામાં સંકોચ નથી કરતો. ગયા વરસે 'બિગ બોસ'માં અમાલે પોતાના લાક્ષણિક સ્વભાવના દર્શન કરાવ્યા હતા. કેટલાકે એની નિખાલસતાને બિરદાવી તો અમુકને એમાં વધુ પડતી કટુતા દેખાઈ. પરંતુ સલમાન ખાનની ફિલ્મ 'જય હો'થી કમ્પોઝર તરીકે ડેબ્યુ કરનાર મલિકને મન બધાના વહાલા બનવા કરતા રિયલ બની રહેવું વધુ મહત્ત્વનું છે.

 બહુ ઓછા જાણે છે કે મલિકને શોમાં કોન્ટેસ્ટંટ બનવાની છેક ૨૦૧૮માં ઓફર થઈ હતી પણ એ છેક ગયા વરસે બિગ બોસ હાઉસમાં પ્રવેશ્યો. એ અંગે પોતાની કેફિયત આપતા અમાલ કહે છે, 'મેં બધાની માન્યતા મેળવવા શો નહોતો સ્વીકાર્યો. લોકો બિગ બોસને પોતાનું કરિઅર ફરી પાટે ચડાવવાનું માધ્યમ ગણે છે પણ મારા કેસમાં એવું નહોતું. છેલ્લા દશકમાં મારું કરિઅર તો સરસ ચાલી રહ્યું હતું અને મને કાયમ એવું લાગતું કે બિગ બોસ મને માફક આવે એવો શો નથી. પરંતુ મારે મારી જાતને ચેલેન્જ કરવી હતી. અને મને શો ફળ્યો પણ ખરો. બિગ બોસે મને ઘરઘરમાં જાણીતો કરી દીધો. ઉસ શો મેં મેરી એક તરહ સે ક્લિન્સિંગ (સફાઈ) હુઈ હૈ. હું અંગત કારણોસર ડિપ્રેશનમાં રહ્યા બાદ બિગ બોસ હાઉસમાં પ્રવેશ્યો હતો. એમાંથી બહાર આવ્યો ત્યારે માનસિક રીતે ઘણો સ્ટ્રોંગ બની ચુક્યો હતો. આજે મને સ્ટારડમ હેન્ડલ કરતા આવડે છે.' અમાલ માટે પોતાની આર્ટિસ્ટ તરીકેની વ્યક્તિગત ઓળખ હમેશાં મહત્ત્વની રહી છે. એના પોતાની નોખી પહેચાન માટેના આગ્રહને કારણે મલિક પરિવારમાં ટેન્શન પણ ઊભુ થયું હતું. એ સંબંધમાં વાત કરતા બબ્બે ફિલ્મફેર એવોર્ડ જીતી ચુકેલો મ્યુઝિક કમ્પોજર કહે છે,  'મારો નાનો ભાઈ અરમાન અને હું કદી એક મ્યુજિશ્યન જોડી તરીકે ઓળખાવા નહોતા માગતા કારણ કે અમે બંને જુદી જુદી પ્રકારની પ્રતિભાના ધણી છીએ. એ અમારા મ્યુઝિક ડિરેક્ટરોના ફેમિલીમાં બેસ્ટ સિંગર છે. એણે મેરિટ ઉપર બધી સિદ્ધિઓ મેળવી છે. એક સમયે એ ઘરમાં પૈસા આવે એ માટે ગાયક તરીકે મહિનામાં ૨૦ શો કરતો પરંતુ મ્યુઝિક ડિરેક્શનમાં એટલા પૈસા નથી મળતા. એ તબક્કા દરમિયાન ઘરના માહોલ ઉપર પણ અસર પડી. મોમ કે લિયે તો હમ દોનોં ભાઈ ઉનકી આંખ કે તારે હૈં.  અત્રે નોંધવું ઘટે કે ગયા વરસે અમાલે સોશ્યલ મીડિયા પર નાના ભાઈ અરમાન સહિત આખા ફેમિલી સાથેના સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી સારો એવો ઉહાપોહ મચાવ્યો હતો. જો કે પછીથી એણે એ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. બિગ બોસ બાદ ગેરસમજ દૂર થવા માંડી અને બધુ થાળે પડી ગઈ. 'હવે લોકો જાણે છે કે હું કોણ છું અને અરમાન કોણ છે. અમારી વચ્ચે જમીન-આસમાન જેટલું અંતર બધાને સમજાઈ ગયું છે. બે બદલાવમાં બિગ બોસે ભાગ ભજવ્યો છે. મારા માટે અરમાન નહિ પણ અમાલ મલિક તરીકે ઓળખાવું જરૂરી હતું. ઘણાંને તો પહેલા એ પણ ખબર નહોતી કે હું એમ. એસ. ધોની અને એરલિફટ જેવી સુપર હિટ ફિલ્મોમાં મ્યુઝિક આપી ચુક્યો છું. પહેલા હું વરસમાં ૧૦ શો કરતો પણ આજે ૩ મહિનામાં એટલા શો કરું છું, એટલા માટે કે હવે લોકો મને ઓળખે છે. આજે મારા પેરેન્ટસ કોઈ મોલમાં જાય ત્યારે લોકો એમને મળીને કહે છે કે આપ અમાલ મલિક કે પેરેન્ટ્સ હો ના. આટલો ફરક પડયો છે,' એમ સિંગર-કમ્પોઝર ગર્વથી કહે છે.

અમાલ હિન્દી સિનેમાના સુવર્ણ યુગના સંગીતકાર સરદાર મલિકનો પૌત્ર છે. એના પિતા ડબુ મલિક પણ સંગીતકાર હતા. અનુ મલિક એના કાકા થાય. સંગીતકારોના પરિવારનો નબીરો હોવા છતાં અમાલની યાત્રા કોઈ રીતે આસાન નહોતી. એ સંબંધમાં પોતાના કડવા અનુભવો શેર કરતા ગાયક-સંગીતકાર કહે છે, 'મારી મલિક અટક સાંભળીને ઇન્ડસ્ટ્રીમાં એક પણ વ્યક્તિએ મને કામ નથી આપ્યું. ઉલ્ટાનું એને કારણે મને એક ફિલ્મમાંથી કાઢી મુકાયો હતો. હું આજે જે પણ છું એ સલમાન સરના કારણે છું. એમણે મને ૨૩ વરસની ઉંમરે 'જય હો'માં મ્યુઝિક ડિરેક્ટર તરીકે બ્રેક આપ્યો હતો. અમને બંને ભાઈઓને અનુ મલિકના ભત્રીજામાંથી અરમાન અને અમાલ મલિક તરીકે પોતાની ઓળખ મેળવતા ૨૦ વરસ લાગ્યા છે.'