જંગલ ટ્રેન .
જો હવે અમારા બધાની ઉંમર થવા આવી છે... વધારે ચાલી શકાતું નથી કે દોડી પણ શકાતું નથી... એવો રસ્તો બતાવ કે બધાને ફાયદો થાય
બધાએ ખૂબ મહેનત કરી... શિયાળ માત્ર બધાને ગાઈડ કરતો રહ્યો... ક્યારેક તો વાઘને પણ ધમકાવી નાંખતો
શિયાળાની કડકડતી ઠંડીમાં સિંહરાજા, વાઘ, વરુ, દીપડો, હાથી, ઘોડો તાપણું કરીને બેઠા હતા... એ સમયે હાથીએ વચ્ચે માથું હલાવીને સિંહને ધીમે કહ્યું : 'સિંહરાજા, હવે આપણી ઉંમર થઈ... થોડું ચાલીએ કે દોડીએ તો હાંફી જઈએ.'
વાઘ પણ વચ્ચે બોલી પડયો : હાથીભાઈની વાત તદ્દન સાચી... પાણી પીવા તળાવે પહોંચીએ તો શ્વાસ ચઢી જાય...
વરુ ને દીપડાએ પણ વાતમાં સૂર પુરાવ્યો.
વાત સાચી પણ એ બતાવો આનો ઉપાય છે? સિંહ જોસથી બોલ્યો.
બધા માથું ખંજવાળવા લાગ્યા.
વાઘે કહ્યું : આ માટે શિયાળને પુછીએ... એ દોઢ ફૂટીયો ચોક્કસ કોઈક રસ્તો બતાવશે...
ક્યાં છે એ દોઢ ફૂટીયો નંબર લગાવો.
ત્યાં તો શાણું સસલુ કૂદી પડયું : સમ્રાટ એ તો શહેરમાં એના મિત્રોને મળવા ગયું છે કાલે આવશે.
દીપડો આંખ ઝીણી કરી કહે : સમ્રાટ આ વખતે એને બરાબર ધમકાવજો. જ્યારે જ્યારે કામ હોય ત્યારે તે બહાર જ ભટકતું ફરે છે.
વરુએ પણ સાથ આપ્યો : તદ્દન સાચી વાત છે એને સમ્રાટ બરાબર પાઠ ભણાવો એને સુધારવાની ખુબ જરૂર છે.
હાથીભાઈ કહે : એની સાથે ગુસ્સાથી નહીં પ્રેમથી કામ લેવાનું નહીં તો એવો રસ્તો બતાવી દેશે. આપણે બધા આફતમાં મુકાઈ જઈશું.
ઘોડાથી પણ બોલી પડાયું : હાથીભાઈ સાચું બોલ્યા તમે... શિયાળની ખોપરી છટકી તો આપણે બધા લટકી પડીશું.
સારું સારું કાલે શિયાળ આવે કે બધા આપણે આજ સમયે રાત્રે મળીશું... બધા હાજર રહેજો ઘરે ગાજર ખાવા બેસી ના રહેતા.
એવું તો હોય... રાજા તમે કહો ને અમે ન આવીએ એવું તે કંઈ બને... ગેંડાએ મૌન તોડયું.
ત્યાર પછી બધા છુટા પડયા.
બીજે દિવસે રાત્રે બધા તાપણું કરીને બેસી શિયાળની રાહ જોતા હતા.
ક્યાં મરી ગયું શિયાળ... હજુ સુધી દેખાતું નથી.
હજુ સમ્રાટ સિંહ ત્રાડ નાખે ત્યાં તો ઠુમક ઠુમક કરતુંક શિયાળ આવી પહોંચ્યું.
આવતા વેંત જ સમ્રાટ સિંહના પગમાં ગુલાબના ફુલ મૂકતાં બોલ્યું : રાજાજી ગુલાબના ફુલ લેવા રોકાયું હતું એટલે મોડું થયું... હું તો આપનો ગુલામ... ચોવીસ કલાક હાજર.. બોલો શું હુકમ છે?
જો હવે અમારા બધાની ઉંમર થવા આવી છે... વધારે ચાલી શકાતું નથી કે દોડી પણ શકાતું નથી... એવો રસ્તો બતાવ કે બધાને ફાયદો થાય.
બધા શિયાળનું મોઢું તાકી રહ્યા... શિયાળ કપાળ પર હાથ મૂકી વિચારમાં પડયું.
સિંહ ચીડાયો : અલ્યા જલ્દી ભસને મુંગો કેમ થઈ ગયો...
વાઘણે સિંહને ઈશારો કરતાં કાનમાં કહ્યું : જરા હેઠા પડો... આગની જેમ ભડકો નહીં...
સિંહ ચૂપ થઈ ગયો ને શિયાળે મૌન તોડતાં કહ્યું : જંગલ ટ્રેન બનાવીએ... શહેરમાંથી બધો જ સામાન લઈ આવીશ... મારા મિત્ર ઘણા છે... પાટા નાખવાનું કામ હાથીને સોંપીશું. ડબ્બા બનાવવામાં વાઘ ને દીપડાનો ઉપયોગ કરીશું. એન્જીન કોણ ચલાવશે? સિંહની ધીરજ ખુટી...
સસલું એન્જીન ચલાવશે. એ ખૂબ હોંશિયાર છે. તેને થોડા દિવસ ટ્રેનિંગમાં મોકલી દઈશું.
કેટલા દિવસમાં ટ્રેન તૈયાર થશે?
એક મહીનો થશે. શાંતિથી કામ થશે તો પાકું થશે... દરેકે સહકાર આપવો પડશે. કોઈ છટકશે એ નહીં ચાલે.
મારે શું કામ કરવાનું? ...સિંહરાજા ઉત્સાહમાં આવી ગયા.
અરે રાજા આપને કશું જ નહીં કરવાનું... તમારે તો ફક્ત ટ્રેન તૈયાર થાય એટલે લીલી ઝંડી બતાવવાની.
સિંહ ને સિંહણની સાથે બધાએ તાળીઓ પાડી. શિયાળની વાતને વધાવી લીધી...
જોત જોતામાં મહીનો પૂરો થયો. ટ્રેન તૈયાર થઈ ગઈ. બધાએ ખૂબ મહેનત કરી... શિયાળ માત્ર બધાને ગાઈડ કરતો રહ્યો... ક્યારેક તો વાઘને પણ ધમકાવી નાંખવો. વાઘભાઈ આમ આરામ કર્યા કરશો તો વરસ નીકળી જશે... ઉભા થઈને કામે વળગો.
વાઘ પગ પછાડતો ઉભો થતો... એકવાર હાથીને તો શિયાળે ગુસ્સામાં ગેટઆઉટ પણ કરી દીધો.
સમય જવા દો. શિયાળવાની ચરબી ઉતારીશું. બધા અંદરો અંદર ધુંધવાતા રહ્યા.
સિંહે લીલી ઝંડી બતાવી ને ટ્રેન શરૂ થઈ ગઈ. બધા અંદર ગોઠવાઈ ગયા.
સસલાએ સીટી વગાડી ને ટ્રેન ધીમે ધીમે આગળ વધવા માંડી...
શિયાળ સિંહ સિંહણની બાજુમાં વટથી ગોઠવાઈ ગયું. તેના હાર તોરા કરવામાં આવ્યા.
બધા એકીસાથે બોલી પડયા : શિયાળની જય... શિયાળે બધાને રોક્યા... મારી નહીં સિંહરાજાની જય બોલાવો...
સિંહરાજા એકદમ ફૂલાઈ ગયા. તેમણે શિયાળનો ખભો થાબડયો...
- અલતાફ પટેલ