Magazines

હોલિવુડમાં જે ચમકે છે તે બધું સોનું નથી

By GS TEAM
26 Jun 20252 mins read
હોલિવુડમાં જે ચમકે છે તે બધું સોનું નથી

જેનિફર લોરેન્સ

હોલિવુડની ચમકદમક અને લાલ જાજમની પાછળ મહિલાઓનું શોષણ, ભેદભાવ અને અસમાનતા જેવી વરવી વાસ્તવિકતા છુપાયેલી છે. હોલિવુડની કેટલીક અગ્રણી અભિનેત્રીઓએ અહીં નિખાલસતાપૂર્વક તેમની વ્યાવસાયિક સફરમાં થયેલા કડવા અનુભવો શેર કર્યા છે

રીઝ વિધરસ્પૂન

જેનિફર લોરેન્સ

જેનિફર લોરેન્સ એક ફિલ્મના શૂટીંગ સમયે થયેલા અપમાનજનક અનુભવને યાદ કરતાં કહે છે, 'મારી જ એક ફિલ્મમાં એક એક્ટ્રેસને કાસ્ટ કરવામાં આવી હતી, જેણે ઝડપથી વજન ઉતારવાનું હતું, પણ તે એમ ન કરી શકી શકી. બિચારીને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી. એ સમયે એક મહિલા પ્રોડયુસરે મને મારાથી પાતળી પાંચ અન્ય મહિલાઓ સાથે નગ્ન ઊભા રાખીને ફોટા પાડયા હતા. ત્યાર પછી આ મહિલા પ્રોડયુસરે મને કહ્યું કે મારે મારા ડાયટ માટે આ નગ્ન ફોટાનો પ્રેરણા તરીકે ઉપયોગ કરવો જોઈએ. લો બોલો!' 

જેનિફરે પછી અન્ય પ્રોડયુસરોને આ બાબતે વાત કરી ત્યારે તેમણે પણ આ ઘટનાને યોગ્ય ઠરાવી હતી.

ચાર્લિઝ થેરોન

ચાર્લિઝ થેરોન તો હોલિવુડ માટે 'જંગલી' શબ્દ વાપરે છે. એ કહે  છે, 'અહીં મહિલાઓને ભાગ્યે જ મોટા બજેટની ફિલ્મનું દિગ્દર્શન સોંપાય છે. વળી, મહિલા-કેન્દ્રી ફિલ્મ સફળ ન થાય તો પછી કોઈ આવું કથાનક ધરાવતી ફિલ્મ કોઈ બનાવતું નથી.'

મેગન ફોક્સ

પંદર વર્ષની વયે અભિનયની કારકિર્દી શરૂ કરનાર મેગન ફોક્સે  હોલિવુડને મહિલા વિરોધી ગણાવતા કહ્યું કે, 'સાવ શરૂઆતમાં જ મારી સાથે જાતીય સતામણી થઈ હતી. હું 'મી ટુ' ચળવળથી એક દાયકો આગળ હતી. છેક ૨૦૦૮ અને ૨૦૦૯માં પણ હું હોલિવુડમાં મહિલાવિરોધી, અપમાનજનક અને પુરુષપ્રધાન બાબતો પર બોલતી હતી. તેના માટે મારી મજાક પણ કરવામાં આવી હતી.'

ઓક્ટેવિયા સ્પેન્સર

ઓક્ટેવિયાએ હોલિવુડમાં હિરોઇનોને મળતી ફીમાં રહેલી  અસમાનતા બાબતે પ્રકાશ પાડયો છે. તે કહે છે, 'એક સમયે મારી સહકલાકાર જેસિકા ચેસ્ટને મને એક પ્રોજેક્ટમાંથી વધારે વળતર મેળવવામાં સહાય કરી હતી. મેં તો છેક ૨૦૧૮માં કહ્યું હતું કે મહિલા કલાકારોને પુરુષોને સમકક્ષ વળતર મળવું જોઈએ. અહીં તો અશ્વેત મહિલા કલાકારોને શ્વેત મહિલા કલાકારો જેટલું વળતર પણ મળતું નથી. મને સવાલ એ થાય છે કે પુરુષ સહકલાકારો આ મુદ્દે કેમ આગળ આવીને કશું બોલતા નથી?'

રીઝ વિધરસ્પૂન

૨૦૧૭માં રીઝ ૧૬ વર્ષની હતી ત્યારે હોલિવુડના એક દિગ્દર્શકે રીઝની જાતીય સતામણી કરી હતી. એક જાહેર ઇવન્ટમાં એણે કહ્યું હતું કે, 'મને એવા અનુભવો થયા છે જેને હું ભૂલી શકતી નથી. ક્યારેક તો તે બધું યાદ કરતાં રાતે ઊંઘી પણ શકતી નથી. મને ટેન્શન થઈ જાય છે. મને થાય ેકે હું ત્યારે બોલી કેમ નહીં? એજન્ટોએ મારા મનમાં ઠસાવી દીધું હતું કે તું ચુપ રહી અને ડિરેક્ટરને વશ થઈ ગઈ એટલે જ મને એ કામ મળ્યું હતું. મને તો આ એજન્ટ્સ પર પણ બહુ ગુસ્સો આવે છે.'