Magazines

નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા

By GS TEAM
1 Apr 20264 mins read
નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા

શ્રી હનુમાનજી વીર છે, મહાવીર છે, વજ્રાંગી છે, આર્ષદ્રષ્ટા છે, બળવાન છે, વ્યાકરણી છે, જ્યોતિષી છે, માતૃભક્ત, પિતૃભક્ત, રામભક્ત છે. સુગ્રીવના મંત્રી બની વાલીથી મુક્તિ અપાવનાર મુક્તિદાતા છે, વિભિષણ સાથે દોસ્તી કરી રામમંત્ર આપી શુભ કરનાર શુભેચ્છક છે, મૂર્છિત લક્ષ્મણજી માટે સંજીવની લાવનાર તારણહાર છે, અશોકવાટિકા જઈ સીતાજીની શોધ કરનાર ગુપ્તચર છે. બાલબ્રહ્મચારી છે, ગદાધારી છે, જનોઈધારી છે, જ્ઞાાની છે, પરમભક્ત છે, સાત ચિરંજીવીઓમાં મોખરે છે એટલે આજે પણ એ હયાત છે. 'તુમ મમ પ્રિય ભરતસમ ભાઈ' કહી શ્રીરામે એમનું સન્માન કર્યું છે તો 'અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા' - નું વરદાન આપી સીતાજીએ પણ બહુમાન કર્યું છે. 'રામ લખન સીતા મન બસિયા'-સાર્થક છે.

શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસ્ય, સખા, પાદસેવન અને આત્મનિવેદન - નવેનવ પ્રકારની નવધા ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વમાં એક હનુમાનજી છે જે સ્વયં છાતી ચીરી હૃદયમાં શ્રીરામનાં દર્શન કરાવે છે. 'ચારો યુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજિયારા' - સતયુગમાં એ રૂદ્ર સ્વરૂપે, ત્રેતાયુગમાં શ્રી રામચંદ્ર સાથે આજીવન રહ્યા. દ્વાપરયુગમાં શ્રી અર્જુનના રથની ધ્વજા ઉપર કપિધ્વજ બની આખેઆખી ગીતા શ્રવણ કરી અને કળિયુગમાં જ્યાં જ્યાં રામકથા થાય ત્યાં શ્રોતા સ્વરૂપે બિરાજમાન થાય છે. 'આઈયે હનુમંત બિરાજીયે કથા કહુ મતિ અનુસાર' - કહી એમનું કથામંડપમાં સ્વાગત થાય છે.

ભારતમાં એકપણ ગામ એવું નહિ હોય કે જ્યાં હનુમાનજીની એકાદ નાનીશી દેરી ના હોય અને એકપણ એવું સનાતની મંદિર નહિ હોય જેની જમણી બાજુ પ્રવેશદ્વારે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત ન થઈ હોય ! સાળંગપુર, કેમ્પ હનુમાન, ડભોડા અને વાસણિયા મહાદેવ (ગાંધીનગર)ના હનુમાનજી પ્રસિદ્ધ છે. એ સર્વવિદિત છે. શનિવાર અને મંગળવાર હનુમાનજી માટે રીઝર્વ છે. ચપટીક સિંદુર, વાટડી તેલ, આકડાનાં ફૂલોનો હાર ચઢાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો એટલે દાદા રાજી રાજી. 'સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા'. જય બોલો હનુમાનકી.

હનુમાન ચાલીસા - એ હનુમાનજીને પ્રસન્ન કરવાનો સીધો ને સટ નેશનલ એક્સપ્રેસ હાઈવે (દ્રુત ગતિ માર્ગ) છે, જે ભક્તના ગંતવ્ય સ્થાને અચૂક નિર્વિઘ્ને પહોંચાડે જ છે. તુલસીદાસ રચિત આ ચાલીસા છેલ્લાં ૪૦૨ (ચારસો બે) વર્ષથી અવિરત ગવાય છે. જેમાં ૪૦ (ચાલીસ) ચોપાઈ છે. ૪૧૮ શબ્દો છે, ૧૦૪૧ અક્ષરો છે, જેમાં હનુમાનજીનાં ૧૦૮ નામ છે. ચાલીસામાં નાની મોટી કુલ ૪૦ કથાઓ છે. એક દંતકથા એવી છે કે અકબરે તુલસીદાસને જેલમાં કેદ કર્યા ત્યારે આ ચાલીસાની રચના કરી. ગાઈ - ને જેલમાંથી મુક્ત થયા. 'જો સતબાર પાઠ કરે કોઈ, છૂટહી બંદિ મહાસુખ હોઈ - જો પઢે યહ હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરી સા' માં સ્વયં શિવજી સાક્ષી પૂરે છે એટલે તો વિશ્વાસ છે કે 'નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા.'

સ્વર્ગની અપ્સરા પુંજીકસ્થલીને દુર્વાસાએ આપેલ શ્રાપને લીધે તે વાનરી સ્વરૂપે જન્મ્યાં જે અંજની કહેવાયાં. કેસરી વાનરરાજ સાથે લગ્ન થતાં હનુમાનજીનો જન્મ થયો જેથી અંજનીસુત - કેસરીનંદન કહેવાયા એવો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં છે. ગળથૂથીમાંથી જ સાહસ, પરાક્રમના સંસ્કાર મળ્યા હતા એટલે તો બાળપણમાં ભૂખ લાગી ત્યારે સૂર્યને ફળ માની આકાશમાં ગયા. 'જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ' - ચોપાઈ સાક્ષી પૂરે છે. ઇન્દ્રાસ્ત્રના પ્રહારે હડપચી (હનુ) છુંદાઈ ગઈ એટલે હનુમાન કહેવાયા.

સમગ્ર સુંદરકાન્ડનો ધ્યાનપૂર્વક પાઠ કરતાં શ્રી હનુમાનજીમાં બળ, કળ, પરાક્રમ, સાહસ, ધગશ, સ્નેહ, સેવા, સમર્પણ, સ્વાશ્રય, ભક્તિ, શ્રદ્ધા, ચતુરાઈ, પુરુષાર્થ, ધીરજ, મૈત્રી, વાક્પટુતા, ચારિત્ર્ય, પરદુ:ખભંજન અને રામનાં કાર્યો કરવા સદાય તત્પર જેવા અગણિત સદ્ગુણો હતા. 'જય હનુમાન જ્ઞાાનગુન સાગર' - તેથી કહેવાયા. આ સુંદરકાન્ડ રામાયણનો આત્મા છે, જેમાં ૩ સંસ્કૃત શ્લોક, ૬ છંદ, ૬૦ દોહા અને ૫૨૬ ચોપાઈઓ મળી કુલ ૬૮૮ પંક્તિઓનો ભંડાર છે. જેમાં રામ શબ્દ ૫૧ વખત, હનુમાન શબ્દ ૨૧ વખત અને સુંદર શબ્દ ૯ વખત આવે છે. સુંદરકાન્ડનો પાઠ ભવતારક; દુ:ખહારક; સંકટ નિવારક અને સુખદાયક છે.

આ હનુમાન જયંતીના શુભ અવસરે ધર્મલોકના લાખો વાચકો ઉપર શ્રી રામચંદ્ર ભગવાન અને સંકટ મોચક શ્રી હનુમાનજીની અસીમ કૃપા થાય એવી શુભેચ્છા સાથે આ સ્તુતિગાન કરી લેખનું સમાપન કરીએ. અસ્તુ.

'મંગલભવન અમંગલહારી, દ્રવઉ સો દશરથ અજિર બિહારી'

અમંગળને દૂર કરી મંગળ કરનારા અને દશરથ રાજાના આંગણામાં આનંદ કરનારા હે રામચંદ્રજી, અમરા ઉપર કૃપા કરો.

મનોજવં મારુત તુલ્ય વેગં, જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠામ્;

વાતાત્મજં વાનરયૂથ મુખ્યં, શ્રીરામદુતં શરણં પ્રપદ્યે.

મન જેવા વેગવાળા, પવન જેવી ગતિવાળા, જિતેન્દ્રિય, બુદ્ધિમાનોમાં સર્વશ્રેષ્ઠ, વાયુદેવના પુત્ર, વાનરયૂથના વડા - એવા શ્રી રામચંદ્ર ભગવાનના પરમદૂત એવા શ્રી હનુમાનજી મહારાજ હું આપશ્રીના શરણમાં આશ્રય લઉં છું.

રામલક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાનકી.

- પી. એમ. પરમાર