Get The App

અક્ષય તૃતીયા : અખંડ સમૃદ્ધિ પ્રાપ્તિનું પર્વ

Updated: May 13th, 2021

GS TEAM


Google News
Google News
અક્ષય તૃતીયા : અખંડ સમૃદ્ધિ પ્રાપ્તિનું પર્વ 1 - image


- અક્ષય તૃતીયાએ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા કરવાથી ભક્તો અક્ષય સમૃધ્ધિને પ્રાપ્ત કરવાપાત્ર બને છે

વર્ષભરનાં પંચાંગ અને તવારીખની મુખ્ય મહત્ત્વની  વિધિઓમાં 'અક્ષય તૃતિયા' એટલે કે 'અખાત્રીજ'ને ખાસ ગણવામાં આવી છે, જે વૈશાખ સુદ ત્રીજનાં રોજ આવે છે.

અક્ષયનો અર્થ થાય છે ક્યારેય જે પૂર્ણ ન થાય કે જેનો ક્યારેય ક્ષય થતો નથી. પૌરાણિક શાસ્ત્રો અનુસાર ્આ પવિત્ર તિથિએ પ્રાપ્ત થતાં સૌભાગ્ય અને શુભ ફળ ક્યારેય ખતમ થતા નથી. અક્ષય તૃતીયા પર જેટલા ધર્મ-કર્મ કરે છે જેટલા દાન પુણ્ય કરે તેનું વિશેષ ફળ મળતું હોય છે.

પૌરાણિક ધર્મ કથાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુએ આ ધરતી પર પરશુરામના રૂપમાં ૬ઠ્ઠી વાર અવતાર લીધેલો. તો અન્ય કથા અનુસાર ત્રેતા યુગનાં પ્રારંભમાં સ્વર્ગમાંથી અખાત્રીજનાં પાવનકારી દિને માતા ગંગાએ નદીરૂપે અવતરણ કર્યું. સૌ શ્રધ્ધાળુઓ આ દિવસે ગંગાજળમાં ડૂબકી લગાવીને પોતાના પાપમાંથી મુક્તિ મેળવે છે. તો માનવી તેના અંત સમયે ગંગાજળનું આચમન કરીને તેઓ મોક્ષની કામના કરે છે. આવી પાવનકારી ગંગામાંના અવતરણ દિને તેના જળમાંના કિનારે પૂજન કરીને વધાવવામાં આવે છે.

અક્ષય તૃતીયાએ શ્રી હરિ વિષ્ણુ ભગવાન તથા શ્રી મહાપ્રભુજીની વિશેષ પૂજા કરવાથી ભક્તો અક્ષય સમૃધ્ધિને પ્રાપ્ત કરવાપાત્ર બને છે. અક્ષય તૃતીયાની પવિત્ર તિથિએ મહર્ષિ વેદવ્યાસજીએ શ્રી ગણેશજીને કલમ આપીને મહાભારતનાં મહાકાવ્યને શબ્દોમાં ઉતારવાનો શુભારંભ કર્યો હતો. મહાભારતમાં વર્ણવેલા એક પ્રસંગ પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને તેમના વનવાસ દરમ્યાન અક્ષયપાત્રની ભેટ આપી હતી જેનાં લીધે તેઓને તેમના કપરા કાળમાં અન્નભોજનની ખોટ પડી ન હતી.

ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામા આ પવિત્ર તવારીખે પોતાનાં પરમ સખા શ્રી કૃષ્ણને મળવા તેમના રાજમહેલે પહોંચેલા. સુદામાજીએ પોતાનાં મિત્ર શ્રીકૃષ્ણને ભેટ આપવા એક મૂઠી પૌંવા લઈ ગયેલા. તો એજ દિવસે શ્રીકૃષ્ણે સુદામાજીની એ ભેટને હૃદયપૂર્વક સ્વીકારી. અક્ષય તૃતીયા અન્ન અને ભોજનના દેવી માતા અન્નપૂર્ણાનો પ્રાગટય દિન. આ પવિત્ર દિવસે મા અન્નપૂર્ણાનાં પૂજન-અર્ચન બાદ બત્રીસ ભોગનો સબરસ થાળ ધરાવવામાં આવે છે. એ સાથે માતા અન્નપૂર્ણાને પ્રાર્થના કરવામાં આવે છે કે 'હે દેવી મા, તારી કૃપા સદાય અમારા ઉપર ઉતરતી રહે છે. અમારા પરિવાર તથા બાળકોને ક્યારેય અન્ન, ભોજન વગર રહેવું ન પડે.'

ઉત્તર ભારત સ્થિત પવિત્ર તીર્થસ્થાન બદરીનાથજી એ શ્રી હરિ વિષ્ણુનું એક મહત્ત્વનું સ્વરૂપ છે. અહીં મંદિરમાં બીરાજેલા ભગવાન બદરીનાથજીનાં મંદિરનાં દ્વાર આ ઈશ્વરીય તિથિનાં દિવસે ખુલે છે. ત્યાર બાદ અંદરની મહાપૂજા કર્યા પછી જ વિધિવત ચારધામ યાત્રાનો પ્રારંભ થાય છે. અક્ષય તૃતીયા પર વૈષ્ણવો ઠાકોરજીને સુગંધિત કેસર ચંદનયુક્ત જળથી સ્નાન કરાવવામાં આવે છે. દરેક વૈષ્ણવો અખાત્રીજ પર ધન્ય બનીને ઠાકોરજીની અનહદ કૃપા પ્રાપ્ત કરવાનું પુણ્ય દાન કરે છે.

'અક્ષય તૃતીયા'નાં પાવનકારી દિને દાનપુણ્ય કરવાનો મોટો મહિમા છે. અખાત્રીજે મહત્ત્વનું વણજોયું મહુર્ત મનાતું હોવાથી, શુભ-લગ્ન વિવાહ, નવા ઉદ્યોગ ધંધાના સાહસનો શુભારંભ નવા ખરીદેલા ગૃહમાં પ્રવેશ-નિવાસ જેવા મંગલકારી કાર્યો સફળ બનતા હોય છે.

- પરેશ અંતાણી


Tags :