'અખાત્રીજ' જે દિવસનું પુણ્ય ક્યારેય નાશ પામતું નથી .

પંચાગ પ્રમાણે વૈશાખ માસનાં શુક્લપક્ષની તૃતીયા તિથિને અક્ષયતૃત્તીય કહે છે આ દિવસો માંગલિક હોવાથી આ દિવસે તમામ માંગલિક કાર્યો કરવામાં આવે છે. આમ કરેલા શુભકર્મોનું ફળ કદીપણ ક્ષય નથી પામતું. આથી તેને અક્ષયતૃત્તીયા પણ કહે છે. આ વર્ષે ૧૯ એપ્રિલ ૨૦૨૬નાં રવિવારે તે દિવસ આવે છે.
અક્ષય તૃતીયાનું મહત્વ:
- આ દિવસને ભગવાન પરશુરામનો જન્મ દિવસ પણ મનાયા છે.
- આ દિવસેથી સત્તયુગ તથા ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.
- પરશુરામજી વિષ્ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર હતા.
- દશ મહાવિદ્યાઓમાં એક નૌવી વિદ્યા માતંગીદેવીનું અવતરણ થયું હતું.
- આ દિવસે ગંગોત્રી અને યમુનોત્રીનાં દ્વારો ખોલાય છે.
- આ પુણ્ય દિવસે કરેલા પુણ્ય-મંત્રજાપ-દાન-ધર્મકર્મોનાં પુણ્યનો ક્ષય થતો નથી. તેનું ફળ કંઈ જન્મો સુધી જ મળે છે.
- આ દિવસે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવજી એ એક વર્ષની તપસ્યા ઉપરાંત ૧ ગ્લાસ શેરડીનો રસ પીને પૂર્ણકર્યો હતો.
- આ દિવસે પિતૃઓના નિમિત્તે દાન-તર્પણ સહિત શુભ કાર્ય કરવામાં આવે છે. જેથી પિતૃ તૃપ્ત થઈ પ્રસન્ન રહે છે.
- આ દિવસે સોના-ચાંદી- અનાજ વગેરેની ખરીદી માટે પણ શુભ ગણાય છે.
- આ દિવસે કરેલ હવન-સ્નાન-પૂજાનું પુણ્ય નષ્ટ થતું નથી.
- આ દિવસે વિશેષ રૂપથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે.
- કોઈપણ સારી વસ્તુ ખરીદવાનો આ શુભ દિવસ છે.
- ગૃહપ્રવેશ માટે પણ આ દિવસ શુભ ગણવામાં આવે છે.
- મા ગંગાનું અવતરણ પણ આ દિવસે મનાય છે.
- આ દિવસ શ્રી ગણેશજીએ અને વ્યાસમુનિએ મહાભારતની રચના કરી હતી.
- આજના આ અખાત્રીજના દિવસે સુદામાજીએ ભગવાન શ્રીકૃષ્ણને તાંદુલ અર્પણ કર્યા હતા. જેથી સુદામાજીની ઝૂપડી મોટા મહેલમાં ફેરવાઈ ગઈ હતી.
- આ દિવસે શ્રીકૃષ્ણએ પાંડવોને 'અક્ષયપાત્ર' આપ્યું હતું.
- આ દિવસે કોઈ સારા કામ માટે મુર્હુત જોવાની જરૂર નથી આ દિવસ જ શુભદિવસ છે.
- માતા 'અન્નપુર્ણા'નો જન્મ પણ આ દિવસે થયો હતો.
- આ દિવસે ગીતાજીનો પાઠ પણ પુણ્ય મનાય છે.
- આ અખાત્રીજનો દિવસ મંગળ અને અક્ષય ફળ આપનારા હોવાથી આ દિવસને અક્ષયતૃતીય અથવા અખાત્રીજ કહેવાય છે. આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખાય છે.
- આ દિવસે આપણે કરેલા દુષ્કર્મો-પાપો ઇશ્વરને સમર્પણ કરી મૂલ્ય અને સદગુણોનું વરદાન માગવાની પરંપરા છે.
- કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા. ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની ઉપાસનાથી આ દિવસે પુન:ધન પ્રાપ્તિ કરી હતી.
- રથયાત્રાની શરૂઆત પણ આ પવિત્ર દિવસથી થાય છે.
- આખા વરસમાં આ એક જ દિવસ છે. જેમાં કોઈ વધઘટ થતી નથી.
- અક્ષયતૃતિયામાં દિવસે કરેલું પુણ્ય જન્મોજન્મ સુધી થાય કે નાશ પામતું નથી. આથી તેને 'અક્ષયતૃતિયા' કહે છે.
- આદિ જગત્ગુરૂ શ્રી શંકરાચાર્યજીએ કનકધારાસ્તોત્રની રચના પણ આજ દિવસે કરી હતી.
અક્ષય તૃતીયાની કથા:
હિન્દુ ધર્મમાં આ દિવસનું ખુબ જ મહત્ત્વ રહેલું છે. વૈશાખ સુદ ત્રીજને અખાત્રિજ તરીકે મનાવાય છે. આને 'ચિરંજીવી દિવસ' પણ કહેવાય છે. હય ગ્રીવ-પરશુરામ અવતાર આ દિવસે થયા હતા. આ દિવસને 'નર-નારાયણ' જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.
દેવપુરી નગરીમાં એક અતિધનિક ધર્મચંદ્ર નામનો વણિક પત્નિ અને પુત્રો સાથે રહેતો હતો તે ખૂબ જ વિશાળ હૃદયનો હતો. તપ અને ત્યાગમાં તે વ્યસ્ત રહેતો હતો. સાધુ-સંતોને ઘરે બોલાવી તેની સરભરા હૃદયપૂર્વક કરતો હતો અને ગામમાં કોઈ દુ:ખી હોય તો તેને ઘરે બોલાવીને જમાડતો રોજ સવારે ગાય અને કૂતરાને ખવડાવતો અને કીડીયારું પણ પુરતો હતો.
એકવાર પરશુરામ સાધુવેશે તેમના ઘરે પધાર્યા. વણીકે પરશુરામને આસન આપી જમાડયા. પછી પરશુરામ બોલ્યા. 'હે ધનિક, ભગત, ધર્મિષ્ઠ તૂં હજુ અક્ષયતૃતિયાનાં મહત્ત્વથી અજાણ છે. આ દિવસે તૂ ગંગા સ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયા-દાન કરી પુણ્ય મેળવો. આ દિવસનાં પુણ્યનો કદી ક્ષય થતો નથી. જન્મો-જન્મ તને તારૃં આ પુણ્ય તને કામ લાગશે.
અક્ષયતૃતિયા-અખાત્રિજનો આ મહિમા સાંભળી વણીકે આ વ્રત કરવાનો નિર્ણય કર્યો. અખાત્રિજ-વૈશાખ મહિનાનાં શુકલપક્ષની ત્રિજનાં દિવસે તેણે ગંગાસ્નાન કરી, સાધુ સંતોને જમાડી, દાન-દક્ષિણા કર્યું. બ્રહ્મભોજ કરાવ્યુ અને મોં માંગી દક્ષિણ આપી. આ કાર્યો જોઈને તેમની પત્ની મનોમન મુંજાતી હતી. પરંતુ કંઈ બોલી શકતી નહીં. સર્વસ્વનું દાન કરી ધરમ ચંદે શ્રધ્ધાથી ભગવાન પરશુરામની પૂજા કરી. આ વ્રતના પ્રભાવથી તેની સમૃધ્ધિ વધવા લાગી. જેમ જેમ તે દાન કરતો હતો. તેમ તેની સમૃધ્ધિ બમણી થતી હતી.
આ પુણ્યનાં કારણે તેનો બીજો જન્મ એ 'રાજકુળ'માં થયો અને તે રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી. તો પણ તેનો ભંડાર ભરેલો જ રહેતો હતો. આનાથી એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સહુ તેને ભગવાન માનીને પૂજવા લાગ્યા હતા.
મૃત્યુ પછી તે દેવલોકમાં ગયો. તેની ઇર્ષાળું પત્નિ બીજા જન્મમાં તે એક ગરીબના ઘરે અવતરી અને જન્મભર તે વંધ્યા રહી હતી. પૂર્વ જન્મમાં કરેલા અક્ષયતૃત્તિયામાં કરેલ દાન-પુણ્ય પણ જન્મોજન્મ ફળ આપે છે.
અક્ષય તૃત્તિયા-અખાત્રિજનાં દિવસે આપણે પણ યથાશક્તિ દાન-પુણ્ય કરીએ અને લક્ષ્મિ-નારાયણની પૂજા કરીએ. ખેડૂતો જમીનનું પૂજન કરી તેને વંદના કરે. અખાત્રિજનો દિવસ ખૂબ જ પુણ્યશાળી દિવસ ધાર્મિક ગ્રંથોમાં કહેલ છે.
- ડો. ઉમાકાંત.જે.જોષી








