Get The App

દ્વેષ હિતચિંતકનું મહોરું પહેરીને આવે છે !

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

Updated: Dec 11th, 2019

GS TEAM

Google News
Google News


આ દ્વેષ કેવો ભયાનક છે. જે નિર્દોષ, આકર્ષક અને માર્ગદર્શક રૂપ ધારણ કરીને પોતાનો દુષ્ટ હેતુ સિદ્ધ કરતો હોય છે. મહાન નાટયકાર શેક્સપિયર એના શ્રેષ્ઠ નાટક' હેમ્લેટ'માં ઇયાગોનું આવું દ્વેષી પાત્ર આલેખ્યું છે એ ઇયાગો વારંવાર કહે છે, ઉરટ્વં ૈં છદ્બ, ર્ગ્દં ૈં ટ્વદ્બ.  ' હું જે લાગું છું, તે ખરેખર હું નથી.' અને એ જ ઓથેલોના સલાહકારના રૂપમાં આવીને એની પ્રિય પત્ની એફિલિયા પરના પોતાના દ્વેષને સિદ્ધ કરવા માગે છે અને  ઇયાગોની ભંભેરણીને કારણે હેમ્લેટ એને અત્યંત ચાહતી એફિલિયાનું ગળું દાબીને હત્યા કરે છે.

માનવજીવનની ઘટમાળમાં જોવા મળે છે પ્રિય વસ્તુ પ્રત્યે રાગ અને અપ્રિય પ્રત્યે દ્વેષ.પ્રત્યેક વ્યક્તિ, વસ્તુ, ઘટના કે કોઈ પણ પરિસ્થિતિની આસપાસ સામાન્ય વ્યકિતનો કાં તો રાગ વીંટળાયેલો હોય છે અથવા તો એ દ્વેષથી પીડિત કે ગ્રસિત હોય છે.

પરિગ્રહ વસ્તુમાં નથી, કિંતુ વસ્તુ પ્રત્યેની દૃષ્ટિમાં છે. એક વસ્તુ કે વ્યકિત અથવા તો એક પરિસ્થિતિ એક વ્યકિતને અત્યંત પસંદ પડતી હોય અને તેને પામવા માટે રાતદિવસ ઉજાગરા કરતી હોય અને બીજી વ્યકિતને એ વસ્તુ સહેજે ગમતી ન હોય. એને એ વસ્તુ ગમતી નથી, તેથી એના પ્રત્યે કોઈ રાગ જાગતો નથી.

આથી જ શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ (૬)માં કહેવાયું છે કે 'રાગદ્વેષથી રહિત સાધક વસ્તુનો પરિભોગ (ઉપયોગ) કરતો હોવા છતાં એ પરિગ્રહી હોતો નથી.' એનું કારણ એ કે એ વસ્તુ હોય, તો પણ એને એનો રાગ થતો નથી અને એ બીજાની પાસે હોય તો એને એનો દ્વેષ થતો નથી.

એક અર્થમાં કહીએ તો દૃષ્ટિ સાથે જોડાયેલો રાગ કોઈપણ ભોગે એની પ્રાપ્તિ માટે વ્યકિતને ઉજાગરા કરાવે છે. એક ધનવાન વિશેષ ધનપ્રાપ્તિ માટે ઉજાગરા કરતો હોય તે આપણે જાણીએ છીએ. એને ધનનો રાગ એટલો બધો હોય કે સંપત્તિની પ્રાપ્તિ પાછળ એ પરિવાર, નીતિમત્તા કે સચ્ચાઈની કશી પરવા કરતો નથી.

પ્રપંચ કરતાં અટકાતો નથી અને બીજાને છેતરતા એને ક્ષોભ થતો નથી. આમ સંપત્તિનો રાગ એની પાસે કેવાં કેવાં દુષ્કૃત્યો કરાવે છે. એની સામે દ્વેષ પણ વ્યકિતને એટલો જ કનડતો હોય છે. દ્વેષી વ્યકિત પણ પેલા ધનલોલુપની માફક ઉજાગરા કરતો હોય છે. એને એ દ્વેષ હોય છે કે મારા કરતાં ઓછી આવડતવાળો હોવા છતાં એની પાસે વધુ સંપત્તિ છે અને તેથી એ સંપત્તિવાનનો સદાય દ્વેષ કરતો રહે છે.

પોતાનાથી ચડિયાતી વ્યકિતનો પણ એ દ્વેષ કરતો હોય છે અને રાતદિવસ એવા પ્રસંગો ખોળતો હોય છે કે કઈ રીતે પોતાનાથી વધુ કુશળ વ્યકિતની ટીકા કરી શકે. કઈ રીતે વધુ સમર્થ કે પ્રસિદ્ધ વ્યકિતઓ પ્રત્યેનો પોતાનો હીન દ્વેષ પ્રગટ કરી શકે. આ દ્વેષ એને એટલો બધો પજવતો હોય છે કે એ જેનો દ્વેષ કરે છે, તેનું અહિત કરતાં પણ અચકાતો નથી. એના માટે અસત્ય બોલતાં થડકારો અનુભવાતો નથી. રાતદિવસ પોતાનું કામ છોડીને એ બીજાની નિંદા કરવામાં રત રહે છે. આવો દ્વેષી માણસ જીવનભર પોતે કશું કરતો નથી. પણ બીજાની સિદ્ધિ, ક્ષમતા, સામર્થ્ય, સત્તા કે સંપત્તિને કારણે એ બળતો રહે છે.

રાગ અને દ્વેષ વિશે જૈન ચૂર્ણિ સાહિત્યમાં એક માર્મિક ઉક્તિ મળે છે. 'નિશીથચૂર્ણિ' ની ૧૩૨મી સૂક્તિ રાગ અને દ્વેષની સરળ કિંતુ હૃદયસ્પર્શી વ્યાખ્યા આપે છે.

'માયા અને લોભથી રાગ થાય છે, ક્રોધ અને માનથી દ્વેષ થાય છે.'રાગ અને દ્વેષની ઉત્પત્તિ વિશે કેવું સરળ કિંતુ સચોટ કથન છે. માયા માનવીને દિવસે પણ સ્વપ્નો દેખાડે છે. એને જેની માયા લાગે છે, તે વસ્તુ કે વ્યકિતની પાછળ એ ઘેલો બની જાય છે. ભક્ત સુરદાસ ચિંતામણિની પાછળ કેવા પાગલ બની ગયા હતા ! રાવણ જેવો બુદ્ધિમાન પણ સીતાનું અપહરણ કરે એની પાછળનું કારણ માયા જ ને ! એવી જ રીતે લોભથી પણ રાગ જાગે છે.

લોભી વ્યકિત એને જે પ્રાપ્ત થયું છે, એનાથી પરિતૃપ્ત હોતો નથી પણ વધુ પ્રાપ્ત કરવા માટે સતત દોડતો હોય છે. આમ ક્રોધ અને માન પણ દ્વેષનું કારણ છે. રામાયણમાં કૈકેયી એ ક્રોધનું રૂપ છે તો મંથરા એ દ્વેષનું રૂપ છે. ક્રોધે કેવા કેવા વિપરીત સંજોગો સર્જ્યા એ તો ઋષિ દુર્વાસાએ કુંતીને આપેલા મંત્ર પરથી અને શકુંતલાને આપેલા શાપ પરથી જાણી શકાય છે. કંસ પોતાની સગી બહેનના સંતાનોને ક્રોધને કારણે મારી નાખે છે. એ જ ક્રોધને કારણે હિટલર નિર્દોષ યહૂદીઓનો નિર્મમ રીતે સંહાર કરે છે.

કૈકેયીનો ક્રોધ રામના વનવાસમાં પરિણમે છે. રાજકુમાર રામનો પ્રાત:કાળે રાજ્યાભિષેક થવાનો હતો. તેને બદલે એમને વનવાસ વેઠવો પડયો. કૈકેયીના ક્રોધની સાથે મંથરાના લોભનું મિશ્રણ કેવો ઉલ્કાપાત સર્જાય છે ! આખી અયોધ્યા નગરી પોતાના પ્રિય રાજકુમાર રામના થનારા રાજ્યાભિષેકની ઉજવણી માટે થનગની રહી હતી, ત્યારે મંથરાના મનમાં દ્વેષ જાગ્યો હતો. અયોધ્યાની સત્ત્વગુણી પ્રજાને રામને માટે પ્રેમ હતો ત્યારે મંથરાને રામ પ્રત્યે દ્વેષ હતો. અને આ દ્વેષ કેવો હોય છે !

રામના રાજ્યાભિષેકની પૂર્વતૈયારી રૂપે અયોધ્યાના રાજમહેલનાં કાંગરાઓ પણ દીપમાલિકાઓ ઝળહળી રહી હતી, ત્યારે દીવાઓનો આ પ્રકાશ મંથરાના મનને દઝાડે છે. એના દ્વેષને જગાડે છે. કૈકેયીની દાસી મંથરાને  જ્યારે કૌશલ્યાની દાસીઓ કહે છે કે 'કાલે રાઘવનો રાજ્યાભિષેક છે, મંથરી નાચો.' પરંતુ મંથરાના હૃદયમાં આ શબ્દો શૂળની જેમ ભોંકાય છે અને તેથી જ એનો દ્વેષ એને કૈકેયી પાસે લઈ જાય છે. દ્વેષ સામે મોંએ ક્યારેય વાત કરતો નથી. એ આટાપાટા ખેલીને પ્રગટ થતો હોય છે. એ જ રીતે મંથરા કૈકેયીની સામે જઈને પોતાની દિલની દાઝ બતાવતી નથી, પરંતુ એ લાંબા નિસાસા નાખતી, હતાશ અને નિરાશાભર્યા ચહેરે થાંભલાને ટેકો દઈને બેસી જાય છે.

અતિ વાચાળ મંથરા આમ સાવ મૌન હોય તે નવાઈની વાત ગણાય. પણ એનું મૌન એ એની દ્વેષ પ્રાગટય માટેની ભૂમિકા હતી અને એનો દ્વેષ કૈકેયીને ભરમાવે છે. દ્વેષનું પ્રાગટય કેવું માયાવી હોય છે, તે મંથરામાં જોઈ શકાય. પહેલાં તો એ કૈકેયીના સ્નેહને જીતવા માટે એને કહે છે કે તમારા પિતાએ મને તમારી સંભાળ રાખવા માટે સોંપી હતી, પણ તમારી સામે ભયંકર ષડયંત્ર રચાયું, તમારું અને તમારા પુત્ર ભરતનું ભવિષ્ય આવતીકાલે સદાને માટે અંધકારમય બની જશે. રામ ગાદી પર બેસીને તમારા પુત્ર ભરતને કારાવાસમાં પૂરશે અને કૈકેયી કદી રાજમાતા બનશે નહીં. વળી આમાં કૈકેયી કંઈ પણ વાંધો ઉઠાવશે, તો દશરથ એને કારાવાસમાં પૂરી દેશે.

અસત્ય જ્યારે અર્ધો માર્ગ કાપી કાઢે છે, ત્યારે સત્ય તો હજી જોડાં પહેરતું હોય છે. કૈકેયીને મંથરા પર શ્રદ્ધા હતી અને મંથરા પાસે વાચાળતા હતી અને એના દ્વેષને વાચળતાના રૂપે પ્રગટ કરવાની મંથરા પાસે આગવી કુશળતા હતી. દ્વેષ એ પોતાના ટેકામાં અનેક દલીલો શોધતો હોય છે. એવી વાત ઉપજાવે છે કે એ દ્વેષ સાચો ઠરે. કોઈ કુશળ વકીલની માફક મંથરા એકેએક દલીલ કરે છે. કહે છે કે રાજાએ આવા રાજ્યાભિષેકના મહાપ્રસંગે ભરતને ઉપસ્થિત રહેવાનો આદેશ આપવાને બદલે એને મોસાળ કેમ મોકલી દીધો.

મંથરાની પ્રત્યેક દ્વેષયુક્ત દલિલ કૈકેયીના હૃદયમાં એક પછી એક શકના કાંટા ભોંકે છે અને મંથરાનો એ દ્વેષ સફળ થાય છે. કૈકેયી કહે છે, તું જ મારી સાચી બહેન છે, તું જ મને રસ્તો બતાવ. ત્યારે મંથરા વળી એનો દ્વેષ જુદી રીતે પ્રગટ કરતાં કહે છે,'મહારાજ દશરથ મુખના મીઠાં છે, પણ મનના મલિન છે.' કૈકેયીના સ્વાર્થને મંથરાના દ્વેષે એવો તો સળગાવ્યો કે કૈકેયી મંથરાને કહે છે.

પરઉ કૂપ તવ વચન પર

સકૌં પૂત-પતિ ત્યાગી

'તું કહેતી હોય તો હું કૂવામાં પડું, તું કહેતી હોય તો પુત્ર અને પતિને છોડી દઉં.'

અને ત્યારે મંથરા એને રાજા દશરથ પાસે બે વરદાન માગવાનું કહે છે અને તે પણ ત્યારે કે એ વરદાન આપવાનું રાજા દશરથ 'રામના સોગન' ખાઈને વચન આપે ત્યારે, જેથી એ એમના વચનમાંથી ફરી ન જાય. કોપભુવનમાં રહેલી કૈકેયીને દશરથ વચન આપે છે અને પછીના દિવસે રામનો રાજ્યાભિષેક થવાનો હતો, તેને બદલે રામવનવાસની ઘટના બને છે.

આ દ્વેષ કેવો ભયાનક છે. જે નિર્દોષ, આકર્ષક અને માર્ગદર્શક રૂપ ધારણ કરીને પોતાનો દુષ્ટ હેતુ સિદ્ધ કરતો હોય છે. મહાન નાટયકાર શેક્સપિયર એના શ્રેષ્ઠ નાટક' હેમ્લેટ'માં ઇયાગોનું આવું દ્વેષી પાત્ર આલેખ્યું છે એ ઇયાગો વારંવાર કહે છે, ઉરટ્વં ૈં છદ્બ, ર્ગ્દં ૈં ટ્વદ્બ.  ' હું જે લાગું છું, તે ખરેખર હું નથી.' અને એ જ ઓથેલોના સલાહકારના રૂપમાં આવીને એની પ્રિય પત્ની એફિલિયા પરના પોતાના દ્વેષને સિદ્ધ કરવા માગે છે અને  ઇયાગોની ભંભેરણીને કારણે હેમ્લેટ એને અત્યંત ચાહતી એફિલિયાનું ગળું દાબીને હત્યા કરે છે.

આમ દ્વેષ વિશે આપણા દર્શનોએ અને ગ્રંથોએ ઊંડાણપૂર્વક વિચાર કરીને દર્શાવ્યું છે કે જેમ રાગ વ્યકિતના જીવનને અને સંયમને નષ્ટ કરે છે, એ જ રીતે દ્વેષ પણ વ્યકિતના જીવન અને સંયમને નષ્ટ કરે છે.

Tags :