Magazines

ઓફિસમાં એરકન્ડિશનિંગ:સંકટ કે સુવિધા ? .

By GS TEAM
22 Jun 20265 mins read
ઓફિસમાં એરકન્ડિશનિંગ:સંકટ કે સુવિધા ?                     .

- આધુનિક ગ્લાસ કેજ ઓફિસોમાં બારીઓ ન હોવાથી એરકન્ડિશનિંગ પ્રોફેશનલ હેઝાર્ડ બન્યું છે, આજની આધુનિક ઓફિસમાં માનવવંશશાસ્ત્ર અનુસાર ત્રણ પ્રકારના શહેરીઓ કામ કરે છે પણ તેમની ચોટલી એસીના રિમોટધારક પાસે હોય છે  

દુનિયામાં દરેક લકઝરી સમય જતાં આખરે તો જરૂરિયાતમાં પલટાઇ જાય છે. એક જમાનામાં લકઝરી ગણાતું એરકન્ડિશનિંગ આજે રોજિંદી જરૂરિયાત બની ચૂક્યુ છે.આજે મહાનગરોમાં ગ્લાસની ઓફિસો બનાવવાની ફેશન ચાલી છે. આ નવા જમાનાની ગ્લાસ અને સ્ટીલ ઓફિસમાં બારીને કાયમી વિદાય આપી દેવામાં આવી છે. ભલેને વિનોદકુમાર શુક્લ નામના હિન્દી કવિ  લખ્યા કરે , ઇસ દિવારમાં કભી ઇક ખિડકી રહતી થી.....

ખેર, આજે નવી પેઢીને આ ગ્લાસ અને સ્ટીલ ઓફિસમાં કામ કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે ઓફિસમાં એક નવા જ પ્રકારનો માહોલ અને વાતાવરણ જોવા મળે છે. બને છે એવું કે વાતાવરણ એક સમાન બનાવી શકાય પણ દરેક કર્મચારીની તબિયત અને તેની ઠંડી સહેવાની શક્તિ અલગ અલગ હોય છે. અને તેમાંથી આધુનિક એસીની ગરમ કથાનું સર્જન થાય છે. મુંબઇ જેવું ભેજવાળું હવામાન ધરાવતું શહેર હોય ત્યારે તો માહોલ ઓર મજેદાર બની રહે છે. મુંબઇગરો કર્મચારી લોકલ ટ્રેનની ગરમીમાં ભીંંસાતો પરસેવે રેબઝેબ થઇને ઓફિસ પહોંચે ત્યાં સુધીમાં તો તેની કોઇપણ પ્રકારના કલાઇમેટ ચેન્જ સામે લડવાના હોશ રહ્યા હોતા નથી. 

આવો કર્મચારી ઓફિસમાં પહોંચી ઠંડકની નિર્વાણાસ્થાને પ્રાપ્ત કરે તે પહેલાં તેણે ઘણાં અવરોધો પાર કરવાના હોય છે. પહેલાં તો તેનામાં ઓફિસમાં પ્રવેશી એસીનું રિમોટ કબજે કરી યોગ્ય તાપમાન સેટ કરવાની તાલાવેલી હોય છે. તે આ બધું કરે ન કરે અને રાહતનો શ્વાસ લે ન લે ત્યાં તો એસી ઓછું કરવાની સૂસવાતી ચીસ સંભળાય છે. જઇને જુઓ તો વેન્ટની બરાબર નીચે બેઠેલો આત્મા મોક્ષ પામવા માટે ભયંકર તપ કરી રહ્યો હોય તેમ ધૂ્રજતા અવાજે ચીસ પાડવાના પ્રયાસો કરતો હોય છે. આજકાલના જમાનામાં ઓફિસ લે-આઉટ એવી રીતે બનાવવામાં આવે છે કે એસીની સુવિધા અને તેની વચ્ચે કોઇ તાલમેલ હોતો નથી. પરિણામે જે લોકોને એસીના વેન્ટની  નીચે બેઠક આવે તેમણે પોતાની આગવી રીતે ધુ્રવીય ઠંડી સામે લડવાનું મનોબળ ઉભું કરવું પડે છે. એસીના વેન્ટની નીચે બેસીને કામ કરતો કર્મચારી એ આજનો આધુનિક તપસ્વી છે. 

સિનિયર મેનેજરોની જમાત તો આવી સ્થિતિ માટે સુસજ્જ થઇને જ ઓફિસ આવતી હોય છે. તેઓ ઠંડી સામે ટકી રહેવા માટે હિમાલયમાં ચડાઇ કરવા જતાં હોય તેમ સુસજ્જ થઇને ઓફિસે આવતાં હોય છે. તેમની પાસે તાપમાન અનુસાર પહેરવા માટે એક કરતાં  વધારે રંગના સ્વેટર્સ, શાલ અને ડઝનબંધ થર્મલ મોજાઓનો સ્ટોક હોય છે. આ લોકોના ટેકેદારો માટે ઓફિસ એ કોઇ કમર્શિયલ કોલ્ડ સ્ટોરેજથી કમ હોતી નથી. પરિણામે એક નવો વર્ગ પેદાં થાય છે જે દર પાંચ મિનિટે ટચાકાં ફોડી તેમનાં આંગળાં ઠંડીને કારણે જામી ગયા હોવાની ફરિયાદ કરતો રહે છે. આ વર્ગ તાપમાન નીચું જાય એટલે આટલી બધી ઠંડીમાં મારું મગજ કામ કરતું નથી કહી કોફી મશીનની પડખે  ધામા નાંખે છે. પહેલાં તો ગરમ કોફીના કપને બે હાથે હથેળીમાં રાખી હાથ અને આંગળાને કામ કરતાં કરવામાં આવે છે. થોડું  સારું લાગે એટલે આ વર્ગ  કબજિયાત થવાનું જોખમ ઉભું ન થાય ત્યાં સુધીઠંડીના ઇલાજ તરીકે ગરમાગરમ કોફી ઠપકારે રાખે છે. 

બીજી તરફ તાપમાન મધ્યમ રાખવા માટે બીજી  ટીમ સજ્જ હોય છે. જે કંપનીના ઓપરેશન ખર્ચનો હવાલો આપી તાપમાન ૨૪ કે ૨૬ ડિગ્રી પર રાખવા માટે રિમોટ કન્ટ્રોલ પર કબજો જમાવવા જાતજાતની યુક્તિઓ અજમાવે રાખે છે. તેઓ કહે છે તાપમાન માફકસર હોય તો જ ધ્યાન કામમાં ં ચોંટે છે અને ઓફિસને જેની તાતી જરૂર છે તે ઉત્પાદકતામાં પણ વધારો થાય છે.તેઓ પટાવાળાં અને એસી ઓપરેટર્સને સાધી રાખે છે.તેઓ તેમને અનુકૂળ તાપમાન જાળવવા કોઇપણ હદે જતાં અચકાતાં નથી.  આ જૂથ સામે પંગો લેવો સરળ હોતો નથી. 

આ બંને જૂથોની કોલ્ડવોર વચ્ચે સાક્ષીભાવે તમાશો જોતું  એક તટસ્થ જૂથ પણ હોય છે. આ જૂથ કાતિલ ઠંડીમાં માનતા કર્મચારીઓની કે માફકસર તાપમાન જાળવવા ઝઝુમતા જૂથનો પક્ષ લેવાને બદલે કોફીની ચુસ્કીઓ લેતાં લેતાં બધો તાલ જોયા કરે છે. જ્યારે એક જૂથ થાકે અને બીજું પોતાનું ધાર્યું કરે ત્યારે એ પ્રમાણે ગોઠવણ કરી તેઓ ઓફિસમાં ગોઠવાઇ જાય છે. આ નવું જૂથ હવામાનના આધારે રચાઇ રહેલાં નવા ઓફિસ સમાજનું માનવવંશશાસ્ત્રની દૃષ્ટિએ વર્ગીકરણ કરવા માટે પ્રતિબદ્ધ હોય તેમ તેમની તમામ હિલચાલો તપાસે છે અને એ મુજબ પોતાની વ્યૂહરચનાઓ ઘડી તેનો અમલ કરે છે. 

આ ત્રણે જૂથો પોતપોતાના તાપમાને થાળે પડે ત્યાં સુધીમાં તો ઓફિસમાં લંચ પડી જાય છે. એ પછી ભોજન બાદ કારમી ગરમીમાં કોઇ કશો આગ્રહ રાખવાને બદલે માત્ર ઉપલબ્ધ ઠંડકને જ મોક્ષ માની આરામમાં માને છે. આ યુદ્ધવિરામ  દરમ્યાન પણ અતિ ઉત્સાહી જૂથો તેમનો જંગ ઓનલાઇન લઇ જાય છે અને એસી જસ્ટિસ નામનું ગુ્રપ શરૂ કરે છે અને માફકસરનું તાપમાન દુનિયામાં ક્લાઇમેટ આફત સામે કેવું આશિર્વાદરૂપ છે તેની સલાહો ઠોકવાનું શરૂ કરે છે. જોત જોતામાં તો તેની સામે કૂલ લોજિક નામનું જૂથ શરૂ થઇ જાય છે. જ્યારે એસી જસ્ટિસ જૂથના કર્મચારીઓ ગરમાટો મેળવવા માટે ડેસ્ક છોડી ઉભાં થઇને કસરત કરવા માંડે ત્યારે કૂલ લોજિક જૂથના સભ્યો ઠંડકથી તેમનું કામ કર્યા કરે છે જાણે કશું બનતું જ ન હોય. 

એમાં પણ જ્યારે કોઇ નવી નવી ઇન્ટર્ન ૫૦ સ્લાઇડ્સની પીપીટી ફાઇલ લઇને પ્રેઝન્ટેશન કરતી હોય ત્યારે અચાનક સ્લાઇડ અને ઇન્ટર્નનો અવાજ ધુ્રજવા માંડે છે. પછી અચાનક કોઇએ જાણેે સ્ટેચ્યુ કહ્યું હોય એમ બધું સ્થિર થઇ જાય છે. ત્યારે બધાને થોડીવારે ખબર પડે છે કે સાલું ઠંડીની અસર તળે મગજ અને શરીરે સહકાર આપવાનું બંધ કરી દીધું  છે. 

ઇન્ટર્નને પછી કોફી પીવડાવી ભાનમાં લાવવાના પ્રયાસોની સાથે સાથે સહકર્મચારીઓ પણ કોફીના  કપ ઠપકારી ગરમાટો મેળવી ફરી ખુરશીમાં ગોઠવાય ત્યાં તો પટાવાળો આવીને એસીનું રિમોટ હાથમાં લઇ રવાના થઇ જાય છે. આતા વેળ ઝાલી,કામ સંપલા.સઘળં કામ આતા ઉદ્યા! (સમય થઇ ગયો, હવે બાકીનું કામ કાલે કરજો, મારા સાહેબો.) 

- વિનોદ પટેલ