Magazines

એઆઇ સર્જકતાનું સ્થાન નહીં લઇ શકે : શકુન બાત્રા

By GS TEAM
14 May 20265 mins read
એઆઇ સર્જકતાનું સ્થાન નહીં લઇ શકે : શકુન બાત્રા

- 'સીનને અર્થ આપવાનું કામ તો માણસે જ કરવું પડે છે. બે શોટ વચ્ચે પ્રવર્તતી શાંતિનો, કે ડાયલોગ પહેલાં લેવાતા પૉઝનો અર્થ એઆઈ કાઢી શકતું નથી.'  

એ ક જમાનામાં મૂક બોલપટની બોલબાલા હતી. એ પછી અવાજ ઉમેરાતાં તેમાં સંગીતના સૂર પણ ભળ્યા. બન્યું બોલપટ યાને ઇંગ્લીશમાં ટોકીઝ.  ટોકીઝ સિનેમાને કારણે એક અલગ જ પ્રકારનું સિનેમાસંગીત સર્જાયું. એ પછી વીએફએક્સથી માંડી સીજીઆઇ સુધીના અનેક ટેકનોલોજીકલ પડકારો સિનેમાએ સામી છાતીએ ઝીલ્યા છે અને દરેક વખતે સિનેમા તેમાંથી વધારે નીખરીને બહાર આવી  છે. હવે એઆઇનું આગમન થયું છે ત્યારે ઘણાં ફિલ્મ સર્જકો તેના પર હાથ અજમાવી રહ્યા છે. ૨૦૧૬માં કપૂર એન્ડ સન્સ જેવી હીટ ફિલ્મ અને ૨૦૨૨માં ગહરાઇયાં ફિલ્મ આપનારા શકુન બાત્રા એ નવી પેઢીના ફિલ્મ નિર્દેશક છે. તેઓ એઆઇને કારણે ફિલ્મમેકિંગમાં શું ફેરફારો થઇ રહ્યા છે તેની રસપ્રદ વાત માંડે છેઃ 

હું હમેંશા કહેતો આવ્યો છું કે ફિલ્મ મેકિંગ એ સ્વરૂપ છે, અસલી વ્યવસાય તો સ્ટોરી ટેલિંગ છે. કેટલાક સ્ટોરી કહેવા માટે પેનનો ઉપયોગ કરે છે, તો ઘણાં કેમેરાનો ઉપયોગ કરે છે. મેં સ્ટોરી કહેવા માટે કેમેરા પસંદ કરેલો છે. એઆઇ દ્વારા બનાવવામાં આવતી ફિલ્મ જોઇ આભા બની જવાય છે અને તે સુંદર પણ હોય છે પણ તેમાં આત્મા હોતો નથી. તે એક મકાન હોય છે, ઘર નહીંં. મને એઆઇને કારણે ચિંતા થાય છે અને હું તેનાથી ચકિત પણ છું.  હું એક સામાન્ય ફિલ્મમેકર છું. ઝડપથી બદલાઇ રહેલાં માહોલમાં હું સમજવાની કોશિશ કરી રહ્યો છું કે આ શું બની રહ્યું છે. મારી સ્ટોરીટેલિંગની કારીગરી પર તેની શું અસર પડી શકે? હું એઆઇ ટૂલ્સ પર પ્રોમ્પ્ટ ટાઇપ કરૂ છું અને બરાબર ટ્રેઇન કરવામાં આવેલાં અલગોરિધમ તેના પ્રતિભાવમાં ઇમેજીસ રજૂ કરી આપે છે. જાણે કોઇ જાદુગર ટોપામાંથી સસલું ન કાઢતો ન હોય. આ વિચિત્ર લાગે તેવી હકીકત છે. મને સેટ પર સો માણસની ચહલપહલ વચ્ચે કામ કરવાની ટેવ છે. લાઇટ્સનો અવાજ આવતો હોય, વોકીટોકી પર ઓર્ડર છૂટતાં હોય અને આખા સેટ પર ચાયની પ્યાલીઓ ફરતી હોય. પણ હવે હું એક રૂમમાં મારા લેપટોપ પર બેસીને હિમાલયમાં કારચેઝની કલ્પના કરૂ છું અને કેમેરાને હાથ પણ લગાડયા વિના મારી કલ્પના પડદાં પર સાકાર થઇ ઉઠે છે. વિચિત્ર લાગે પણ આ હવે હકીકત છે. અને દરેક વિચિત્રતા ખરાબ જ હોય એવું કશું નથી.  મારા એઆઇ સાથેના અખતરાંઓમાંથી હું શીખ્યો છું કે તે સર્જકતાનું સ્થાન લઇ શકે નહીં. તે માત્ર સર્જકતા વિશેના આપણાં જુના થઇ ગયેલાં ખ્યાલોને પડકારે છે. તે તમને વિકલ્પો આપે છે. ઘણીવાર તો એકસાથે અનેક વિકલ્પો આપે છે. તેની કામ કરવાની ગતિ ચોંકાવી મુકે તેટલી તેજ છે. તે તમને જાતજાતના વિચારો અજમાવવાની તક આપે છે. જેના માટે પહેલાં બજેટનો વિચાર કરવો પડતો એ આઇડિયા અજમાવવા માટે હવે માત્ર લેપટોપની જ જરૂર રહે છે. પણ હજી  સીનને અર્થ આપવાનું કામ તો માણસે જ કરવું પડે છે. તેને ખબર નથી કે પાત્ર કોઇ સવાલનો જવાબ આપતાં પહેલાં પોઝ શા માટે લે છે. તે બે શોટ વચ્ચે પ્રવર્તતી શાંતિનો અર્થ કાઢી શકતી નથી. તેને એ ભાન નથી કે ઘણીવાર એક નજર સંવાદ કરતાં પણ વધારે કામ આપી જાય છે. આ બધાં નિર્ણયો આપણે એટલે કે માણસોએ લેવાના હોય છે અને ભવિષ્યમાં પણ તે માણસો જ લેશે. જે લોકો સ્ટોરીને બદલે સ્ટાઇલને મહત્વ આપે છે તેમના માટે એઆઇને કારણે જોખમ ઉભું થઇ શકે.  એઆઇની નકારાત્મક બાજુઓ પણ છે. એઆઇ સર્વસુલભ બનવાને પગલે સારું દેખાતું કન્ટેન્ટ ઢગલાંમોઢે તૈયાર થશે પણ તેમાં પામવા જેવું કશું નહીં હોય. તેને માટે એઆઇ સ્લોપ નામનો શબ્દ પણ વપરાય છે. સરસ વિઝ્યુઅલ્સ હોય એક સમાન ભાવ હોય પણ તેમાં કશું આત્મીય લાગે નહીં. ફિલ્મમેકર્સ સામે પડકાર એ છે કે આ પ્રકારના એઆઇ સ્લોપ સામે ટકી શકે તેવું મનોરંજક કન્ટેન્ટ કેવી રીતે બનાવવું અને તેને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવું.

 બીજી મહત્વની મર્યાદા એ છે કે હાલમાં વપરાતાં એઆઇ ટૂલ્સને પશ્ચિમી દેશોની સામગ્રીને આધારે ટ્રેઇન કરવામાં આવેલાં છે. પરિણામે હાલ એવું બને છે કે આપણે પ્રોમ્પ્ટ હિન્દી ફિલ્મના સીનનો  આપીએ પણ સીન બનીને રજૂ થાય સ્કેન્ડેનેવિયન આર્ટ ફિલ્મનો. પણ તેમાં હતાશ થઇ એઆઇનો વિકલ્પ પડતો મુકવા જેવો નથી. આપણે એવા એઆઇ ટૂલ્સ વિકસાવવા પડશે જેમાં આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પડતું હોય. ભારતીય ફિલ્મમેકર્સ, આર્ટિસ્ટ્સ અને ડિઝાઇનર્સે આ એઆઇ ટ્રેનિંગ પ્રોસેસમાં સક્રિય ભાગ લઇ તેને આપણો રંગ લગાડવો પડશે. એ પછી એઆઇ વધારે રસપ્રદ અને આધારભૂત બની રહેશે. આ જ એક માર્ગ છે જેના દ્વારા આ ટૂલ્સ આપણી દૃશ્ય પરિભાષા અને આપણી લાગણીઓની તાર્કિકતાને સમજી તેનો યોગ્ય પ્રતિભાવ આપશે. 

આ ઉપરાંત કોપીરાઇટના મુદ્દા પણ છે. તાજેતરમાં રાંઝણા ફિલ્મનો અંત બદલવામાં આવ્યો તેનો વિવાદ ઘણાં સવાલો પેદાં કરી ગયો. બીજા કોઇની ફિલ્મને રિમિક્સ કરી શકાય? જો આમ કરવામાં આવે તો રિમિક્સ વર્ઝનની માલિકી કોની ગણાય? એઆઇ સાથે કામ પાર પાડતી વખતે આ બધાં મુદ્દાને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. પ્રયોગ કરવાની સ્વતંત્રતાને મારી નાંખ્યા વિના સર્જકતા મહોરે તેવું વાતાવરણ આપણે સર્જવું પડશે. મારી પાસે એઆઇ વિશેના તમામ સવાલોના જવાબો નથી પણ હું જેમ જેમ એઆઇ વાપરતો જાઉં છું તેમ તેમ તેના દ્વારા સર્જાતા સવાલોના જવાબો પણ મેળવવાનો પ્રયાસ કરતો  રહું છું. ઘણીવાર એઆઇની અસીમ શક્યતાઓને કારણે મારો રોમાંચ સમાતો નથી તો કોઇ દિવસે મને સેટ પરનું માણસોથી ભર્યુ ભર્યું વાતાવરણ યાદ આવી જાય છે. પણ એક બાબતે મારું વિસ્મય અકબંધ રહેશે. સ્ટોરી ટેલિંગની કળામાં એઆઇ શું શું કરી શકે તેમ છે તે જાણવાનું મારે માટે રસપ્રદ બની રહેશે. આખરે તો મહત્વની કહાની છે. મને ખાતરી છે કે જ્યાં સુધી કહાની કેન્દ્ર સ્થાને હશે ત્યાં સુધી સિનેમાનો જાદુ આ ટૂલ્સને કારણે ઓસરશે નહીં. જય પ્રેમ કહાની!