Magazines

AI અને કોન્ટેન્ટ: વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

By GS TEAM
9 Apr 20265 mins read
AI અને કોન્ટેન્ટ: વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ 

- એક તરફ ટેકનોલોજીએ અનેકનાં કામ સહેલાં કર્યાં અને કેટલાયને નામવંત કરી દીધા. બીજી તરફ ક્રિએટર બનીને વસવસો કરનારા પણ વધી રહ્યા છે. આ બે અંતિમો વચ્ચેનું વિશ્વ શું છે?

- કલયુગ રાઇઝિંગ - ધ બિગિનિંગ

- બંદર અપના દોસ્ત

હૅગ્સફિલ્ડ કોમ્પિટિશનનું નામ ના સાંભળ્યું હોય એ બની શકે. આ સ્પર્ધા આટફિશિયલ ઇન્ટેલિજન્સથી બનતી ફિલ્મોની છે. એમાં ૧૩૯ દેશથી ૮,૮૦૦ એન્ટ્રીઝ આવી હતી. રિયલ ફિલ્મમેકિંગથી બનતી ફિલ્મોના એવોર્ડ્સ માટે આટલી અધધધ એન્ટ્રીઝ કદાચ નહીં આવતી હોય.

આવી આ સ્પર્ધામાં હાલમાં એક ભારતીય ફિલ્મે સૌનું ધ્યાન ખેંચ્યું. ફિલ્મનું નામ 'કલયુગ રાઇઝિંગ - ધ બિગિનિંગ'. સ્પર્ધામાં એણે, મેક યોર સેક્શન વિભાગમાં વિશ્વની ટોચની દસ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું. ફિલ્મનું નિર્માણ ઇમેજિન ઇફ નામની કંપનીના કૃષ્ણાએ, દિગ્દર્શન ડિરેક્ટર પ્રતય સાહાએ કર્યું. એઆઈ આટસ્ટ અંકુશ દેવા પણ એમાં અગત્યના ક્રિએટિવ સભ્ય છે.

યુટયુબ પર 'બંદર અપના દોસ્ત' નામની એક ચેનલ છે. આમ તો એ ૨૦૨૦માં ચાલુ થઈ, પણ એઆઈના આગમન પછી એની મદદથી કોન્ટેન્ટ કરવામાં મચી પડી. આજે એ દુનિયાની એવી નંબર વન યુટયુબ ચેનલ છે જેનું કોન્ટેન્ટ એઆઈ જનરેટેડ છે.

ટેલિવિઝન પર આવતી જાહેરાતોમાં પણ એઆઈએ પગપેસારો કરી દીધો છે. એ પણ મોટા પાયે. ગઈ દિવાળીમાં કોકા-કોલાએ 'ફેસ્ટિકોન્સ' નામે ઓળખાતી જાહેરાત રિલીઝ કરી હતી. એ એઆઈથી બની હતી. એવી રીતે, હેટિક ઇન્ડિયાની 'રોસ્ટ ધ રૂમ,' ફોર્ચ્યુન ઓઇલની 'હોમ-કૂક્ડ દિવાલી' એડ્સ એઆઈની પેદાશ. વૈશ્વિક સ્તરે કંપનીઓ હવે એઆઈનો ટેસથી ઉપયોગ કરીને જાહેરાતો બનાવી રહી છે. બર્ગર કિંગે 'મિલિયન ડોલર વ્હોપર,' નાઇકીએ 'નેવર ડન ઇવોલ્વિંગ,' બીએમડબલ્યુએ 'ધ ઇલેક્ટ્રિક એઆઈ કેનવાસ' એડ્સ એઆઈથી બનાવી. મલેરિયા સામે જાગૃતિ માટેનું એક ગ્લોબલ કેમ્પેઇન એઆઈથી બન્યું અને સરાહના પણ કમાયું.

એઆઈ... લે, તેરી ઝિંદગી મેં ચલી આઈ...! આ એક ટેકનોલોજીએ મનોરંજન ઉદ્યોગ, ફિલ્મમેકિંગ, ફોટોગ્રાફી, રાઇટિંગ, પેઇન્ટિંગ... અનેક ક્રિએટિવિટીનાં સમીકરણો બદલવા માંડયાં છે. ધડાધડ. એક સમયે જે કળા મોટી એજન્સીઓ, કુશળ ટેકનોલોજિસ્ટ, કરોડોના ખર્ચે ઊભા થતા પોસ્ટ પ્રોડક્શન અને વિઝયુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયોની દાસી હતી એ હવે સૌની રાજકુમારી થઈ ગઈ છે. એણે, એમ કહી શકાય કે, ક્રિએટિવિટીનું લોકશાહીકરણ કરી નાખ્યું. કારણ, હવે સામાન્ય માણસ પણ ક્રિએટિવિટીનો કસબ દેખાડીને નામ, દામ કમાઈ શકે છે. બસ, એક કોમ્પ્યુટર કે સ્માર્ટફોન સાથે જોઈએ કલ્પનાવિશ્વમાં સ્વૈરવિહાર કરતાં જાદુ કરવાની આવડત.

૨૦૨૪માં એઆઈની ક્રિએટિવિટીની બજાર આશરે ૧૪.૮ અબજ ડોલરની હતી. ૨૦૩૦માં એ હનુમાનકૂદકો મારતી ૮૦.૧૨ અબજ ડોલરની થઈ જવાની છે. યુટયુબ પર ઓલરેડી દસેક લાખ એવી ચેનલ્સ ઊગી ચૂકી છે, જે એઆઈથી કોન્ટેન્ટ જનરેટ કરે છે. ગયા વરસે યુટયુબ પર ફટાફટ વિકસનારી ૧૦૦માંની નવેક એવી હતી જેના માટે સર્જનહાર વિષ્ણુ જેવું કામ એઆઈએ કર્યું હતું. એઆઈથી ધમધમતી ૨૭૮ ચેનલ્સ એવી છે જેમના વીડિયોએ બાવીસ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ ગજવે કરવા સાથે ૬૩ અબજ વ્યુઝ પણ પટકાવી લીધા છે. પેલી 'બંદર અપના દોસ્તે' રૂ. ૩૮ કરોડ આવક પણ રળી લીધી છે એવી વાત છે. આ પૂરેપૂરી આવક એની યુટયુબ ચેનલ પર વિડિયો વચ્ચે આવતી જાહેરાતોથી થઈ છે. આ ચેનલ બોલિવુડ હબ, મુંબઈના બાન્દરા કે હૈદરાબાદના બંજારા હિલ્સ કે ચેન્નાઈના કોડામબક્કમના કોઈક મોટા માથાએ શરૂ નથી કરી. આ ચેનલ આસામમાં રહેતા સુરાજિત કરમાકર નામના સામાન્ય માણસની છે.

અંદાજ એવો છે કે આ વરસના અંત સુધીમાં એનિમેશન અને લાંબા વીડિયોની વૈશ્વિક બજારમાં ૩૦% માલ એઆઈથી ઠલવાશે. શૂટિંગ અને તોસ્તાન ખર્ચ વિના. હોલિવુડમાં એઆઈ માત્ર વીડિયો જનરેટ કરવાને નહીં, ફિલ્મમેકિંગનાં તમામ કામ માટે છૂટથી વપરાઈ રહ્યું છે. સ્ક્રિપ્ટ એનાલિસીસ, કલાકારોને હોય એના કરતાં યુવાન બતાવવા (આપણે ત્યાં પણ આવું થઈ રહ્યું છે), સેટ ડિઝાઇન, સંગીત, એડિટિંગ, બધાં માટે એઆઈ સાથીદાર છે. નવાઈ નથી કે ઓસ્કર એવોર્ડ્સમાં પહોંચવા ફિલ્મોએ હવે એ જાહેર કરવું પડે છે કે એમણે એઆઈનો વપરાશ કર્યો છે કે કેમ. બાકી, જેઓ લોહી-પાણી એક કરીને કશુંક બનાવે એમના કામને એઆઈ ધોઈ નાખે.

***

એઆઈની રેસમાં કેવી રીતે ઊતરવું? સુરાજિતની જેમ જાદુ કઈ રીતે સર્જવો?

ગમે તે બનાવવા માંડવાને બદલે શું બનાવવું છે એનો ઊંડો વિચાર કરો. શા માટે બનાવવું છે, જે બનાવીએ એનો કોણ અને શું કામ જુએ એવા અનેક પ્રશ્નો પર ગંભીર વિચાર કરો. આ એવું કામ છે જે એઆઈ માણસ જેટલી સારી રીતે ક્યારેય નહીં કરી શકે. એ પછી પણ, એઆઈની મદદથી કોન્ટેન્ટ બનાવતી વખતે માનવીય ક્રિએટિવિટી વિના દાળ ગળશે નહીં. કારણ, એક સારા ક્રિએટર માટે સારું ક્રિએટ કરવા કરતાં અઘરું કામ એ સમજવું છે કે જે સર્જ્યું છે એ ખરેખર સારું છે કે બોગસ છે. ચાલશે કે નહીં ચાલે. એ પછી, ઇન્ટરનેટની, સોશિયલ મીડિયાની દુનિયા, ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે, શું કામ કોઈ વીડિયો ચાલે અથવા વાઇરલ થઈ જાય છે એ શીખો. જાતે ના શીખી શકો તો જેઓ શીખેલા છે એમને કામ સોંપીને તમારા ક્રિએશનને પ્રમોટ કરાવો. એને માર્કેટિંગના મામલે બહુ સતર્ક રહીને એને સતત ન્યાય આપો. બાકી સારામાં સારું કોન્ટેન્ટ પણ છેવટે, દળીદળીને ઢાંકણીમાં સાબિત થશે.

એઆઈ સાથે ભવિષ્ય રોચક લાગી રહ્યું હોય તો સમજી લો કે એ અઘરું પણ થઈ શકે છે. એઆઈથી બનતાં સર્જનો માટે વેગળા નિયમો બની રહ્યા છે. કોપીરાઇટના કાયદા હજી એઆઈ સાથે કેવી રીતે પનારો પાડવો એની સમજણ મેળવી રહ્યા છે. એ થશે ત્યારે એઆઈથી તૈયાર કરેલું કોન્ટેન્ટ પણ, ઓરિજિનલની જેમ, એના સર્જકના હકની માલિકીનું છે એ સિદ્ધ થવું રહેશે. હમણાં જેમ એઆઈ આલિયાની ટોપી માલિયાને પહેરાવીને, માલિયાને એમ પ્રતીત કરાવે છે કે એણે જોરદાર કશુંક બનાવ્યું છે, એવું ભવિષ્યમાં નહીં થઈ શકે.

એકલા યુટયુબ પર દર મિનિટે ૫૦૦ કલાકના વીડિયો અપલોડ થાય છે. આટલાં બધાં કોન્ટેન્ટ વચ્ચે, લાખો સર્જકો વચ્ચે ટકી રહેવું આસાન નથી જ. ઇન ફેક્ટ, દેશનાં ઘણાં નાનાં ટાઉન્સ અને ગામોમાં યુટયુબ, ઇન્સ્ટાગ્રામ માટે કોન્ટેન્ટ બનાવવાના જુવાળ ઊભા થઈ થઈને હવે શમવા પણ માંડયા છે. આ સર્જકોને સમજાવા માંડયું છે કે ઘેરબેઠા, મનમરજી પ્રમાણે, નામમાત્રના ખર્ચમાં કોન્ટેન્ટ બની જાય છે એ માન્યતા પાયાથી ખોટી છે. બીજું, ક્રિએટર બનીને કરોડપતિ બની જવાય છે એ ભ્રમનો પણ ભાંગીને ભુક્કો થવા માંડયો છે. એઆઈ હોય કે જાતમહેનત, કોન્ટેન્ટ ક્રિએટરે છેલ્લે સારું પીરસવાનું છે. ત્યારે જઈને સારું પરિણામ આવશે.