Magazines

અલનીનો પર નજર વચ્ચે કૃર્ષિઉત્પાદનનો અંદાજ ઘટાડાયો

By GS TEAM
7 Jun 20263 mins read
અલનીનો પર નજર વચ્ચે કૃર્ષિઉત્પાદનનો અંદાજ ઘટાડાયો

- ઈરાન યુધ્ધના પગલે ફર્ટીલાઈઝર્સના ભાવ વધવા સાથે સપ્લાયને પણ અસર પડતાં ખેડૂત વર્ગમાં ચિંતા

ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે થાય છે પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશમાં કૃષી ક્ષેત્રના વાવેતર હેઠળનો મોટાભાગનો વિસ્તાર હજી પણ ચોમાસા પર આધારીત રહ્યો છે તથા તેની સરખામણીએ સીંચાઈ હેઠળનો વિસ્તાર ઓછો રહ્યો છે. આવા સંજોગોમાં હવે દેશમાં કૃષી ક્ષેત્રની નજર મોન્સૂનના આગમન પર રહી છે. આ વર્ષે દેશમાં વરસાદ નોર્મલ સરેરાશથી ઓછો આવવાની આગાહી તાજેતરમાં થઈ હતી અને તેના પગલે કૃષી જગતમાં અજંપો પણ વધ્યો છે. ઈરાન યુધ્ધના પગલે વૈશ્વિક સ્તરે ફર્ટીલાઈઝર્સની સપ્લાયને પ્રતિકૂળ અસર પડી છે તથા વિવિધ ખાતરનો ભાવ પણ ઉંચા ગયા છે અને તેના પગલે ચોમાસા પૂર્વે જ કૃષી ક્ષેત્ર સામે નવા પડકારો ઉભી થયા હતા અને હવે ચોમાસા પર અલનીનોની અસર કેવી થાય છે તેના પર ખેડૂત વર્ગની નજર રહી છે.

અલનીનોની અસર જૂન નહીં ઓગસ્ટ દરમિયાન જોવા મળે એવી શક્યતા તજજ્ઞાો બતાવી રહ્યા હતા તથા અમુક વર્ગના જણાવ્યા મુજબ આવી અસર કદાચ નવેમ્બર સુધી પણ જોવા મળે તો નવાઈ નહિ. વર્લ્ડ મટીરીઓલોજિકલ ઓર્ગેનાઈઝેશનના નવા અપડેટ મુજબ ઉપર મુજબના નવી સમીકરણો સામે આવ્યા છે. વૈશ્વિક સ્તરે જુન, જુલાઈ તથા ઓગસ્ટમાં ટેમ્પરેચરનું પ્રમાણ નોર્મલ કરતા ઉંચુ રહેવાની શક્યતા પણ વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, યુધ્ધના પગલે ફર્ટીલાઈઝર્સના ભાવ વઝતાં તથા સપ્લાય ઘટતાં કૃષી ક્ષેત્રે ઉત્પાદન ખર્ચમાં વૃધ્ધિ થઈ છે. જંતુનાશક દવાઓના ભાવ પણ ઉંચા ગયા છે. દેશમાં કેમિકલ ફર્ટીલાઈઝર્સનો વપરાશ ઘટાડવાની હાકલ પર તાજેતરમાં સરકારે ખેડૂત વર્ગને કરી હતી. ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ વૃધ્ધિ થઈ છે તથા તેની અસર પણ કૃષી ક્ષેત્ર પર જોવા મળી છે.

દરમિયાન, ભારતમાં વિવિધ અનાજ- કઠોળનું કુલ ઉત્પાદન ૨૦૨૬- ૨૬ની કૃષી મોસમમાં (જુલાઈથી જૂન) આશરે ૩૭૩૯થી ૩૭૪૦ લાખ ટન થવાનો અંદાજ સરકારે તાજેતરમાં બહાર પાડયો છે. ૨૦૨૫- ૨૬ની કૃષિ મોસમમાં દેશમાં આ ઉત્પાદન ૩૭૬૫થી ૩૭૬૬ લાખ ટન થયું હતું. આમ ૨૦૨૬- ૨૭ની કૃષી મોસમમાં દેશમાં આવું ઉત્પાદન ઓછું થશે એવો સંકેત સરકારે આપ્યો છે. ૨૦૨૬- ૨૭ની કૃષી મોસમ માટે સરકારે આ ટારગેટ બનાવ્યો છે પરંતુ દેશણાં ચોમાસા પર અલનીનોની અસર થવાની શક્યતા જોતાં આ ટારગેટ હાંસિલ થાય છે કે નહિં એના પર પણ કૃષી બજારોની નજર રહી છે. ૨૦૨૬- ૨૭ની કૃષી મોસમાં દેશમાં ચોમાસું ઉત્પાદન ૧૫૧૦ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે જ્યારે ઘઉંનું ઉત્પાદન ૧૨૧૫ લાખ ટન તથા વિવિધ કઠોળનું ઉત્પાદન ૨૮૪થી ૨૮૫ લાખ ટન થવાના અંદાજ બતાવાઈ રહ્યો છે.

મકાઈના ઉત્પાદનનો અંદાજ ૫૨૫ લાખ ટનનો રજૂ થયો છે જ્યારે જુલાઈના ઉત્પાદનનો અંદાજ ૪૭થી ૪૮ લાખ ટનનો બતાવાયો છે. બાજરીના ઉત્પાદનનો આવો અંદાજ ૧૦૮થી ૧૦૯ લાખ ટનનો બતાવ્યો છે. તુવેરનું ઉત્પાદન ૪૦થી ૪૧ લાખ ટન તથા અડદનું ઉત્પાદન ૨૫ લાખ ટન અને મગનું ઉત્પાદન ૪૪થી ૪૫ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. વિવિધ કઠોળનું કુલ ઉત્પાદન ૨૮૪થી ૨૮૫ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. દેશમાં આશરે ૨૪૦ જીલ્લાઓ એવા છે જેમાં કૃષી ક્ષેત્રનો વરસાદ પર આધાર વધુ રહ્યો છે. આવા જીલ્લાઓમાં અલનીનોની અસર વધુ ફેલાવાની ભીતી જાણકારો બતાવી રહ્યા હતા. આ પૈકી ૧૫૭ જીલ્લાઓમાં તો વરસાદ પર આધાર વધુ પડતો રહ્યો છે. કેન્દ્રના કૃષી મંત્રાલયમાં તાજેતરમાં ચોમાસા પૂર્વે ટોચના અધિકારીઓની મિટિંગ કૃષીપ્રધાને બોલાવી હતી.