વિલન પછી હવે ભૂત : અભિષેક બચ્ચન નવી ઈનિંગ્સ શરૂ કરવાની તૈયારીમાં

- અભિષેક બચ્ચનનો આ નવો તબક્કો તેની કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનો સાબિત થઈ શકે છે. એ શાહરૂખની 'કિંગ'માં વિલન બન્યો છે. ઉપરાંત, સિદ્ધાર્થ આનંદની હોરર ફિલ્મ પણ કરી રહ્યો છે
હિરો તરીકેની મધ્યમ સફળતા પછી હવે અભિષેક બચ્ચન પોતાની કારકિર્દીના રસપ્રદ અને નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન તેણે પોતાના અભિનય દ્વારા સાબિત કર્યું છે કે તે માત્ર એક સ્ટાર કિડ નથી, પણ એક ગંભીર અને બહુમુખી કલાકાર છે. હવે તેની આગામી ફિલ્મોની યાદી એવો સંકેત આપે છે કે તેણે પોતાને નવાં-નવાં પાત્રોમાં ઢાળીને દર્શકોને ચોંકાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. ખાસ કરીને, વિલનથી લઈને હોરર પાત્રો સુધી તેની પોતાની સફર ભારે રસપ્રદ બનવા જઈ રહી છે.
હાલના દિવસોમાં અભિષેક બચ્ચન શાહરૂખ ખાનની અતિ અપેક્ષિત ફિલ્મ 'કિંગ'ના શૂટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એક ખતરનાક વિલન તરીકે દેખા દેશે. આ તેેની કારકિર્દી માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે, કારણ કે દર્શકોએ તેને હજી સુધી મુખ્યત્વે સકારાત્મક અથવા કોમેડી ભૂમિકાઓમાં વધુ જોયો છે. 'કિંગ'નું ટીઝર પહેલા જ રજૂ થઈ ચુક્યું છે અને તેને જોરદાર પ્રતિક્રિયા મળી છે, જેનાથી ફિલ્મ બાબતે ઉત્સાહ હજી વધી ગયો છે.
'કિંગ'ની સાથે સાથે એક વધુ મોટી જાણકારી સામે આવી છે, જેનાથી અભિષેકના પ્રશંસકોની ઉત્સુકતા હજી વધી ગઈ છે. અહેવાલ અનુસાર, તેણે લોકપ્રિય નિર્દેશક સિદ્ધાર્થ આનંદની સાથે એક નવી ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે. પોતાની સ્ટાઈલિશ અને મોટા બજેટની ફિલ્મો માટે જાણીતા સિદ્ધાર્થ આનંદ હવે એક અલગ જ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ફિલ્મ એક હોરર થ્રિલર છે, જે ભાવનાત્મક ઊંડાણ અને ટેકનિકલ ભવ્યતાનો અનોખો સંગમ બની રહેશે.
આ આગામી હોરર ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે તેની વાર્તા માત્ર ભય પર આધારીત નથી, પણ તેમાં એક પિતા અને પુત્રીના સંબંધને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આ પાસું ફિલ્મને એક ભાવનાત્મક આયામ આપશે, જેનાથી દર્શકો ભય પામવા ઉપરાંત પાત્રો સાથે જોડાણ પણ મહેસૂસ કરશે. બોલિવુડમાં હોરર ફિલ્મોનો ટ્રેન્ડ સમય-સમય પર બદલાતો રહ્યો છે, પણ આવી રીતે ભાવનાત્મક હોરર બહુ ઓછી જોવા મળે છે. એવામાં આ પ્રોજેક્ટ અલગ અને આકર્ષક બની ગયો છે.
અહેવાલ મુજબ આ ફિલ્મ મોટા પાયે બનાવવામાં આવશે અને તેમાં અત્યાધુનિક વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે. સિદ્ધાર્થ આનંદની ફિલ્મોની ઓળખ જ તેની ભવ્યતા અને ટેકનિકલ ઉત્કૃષ્ટતા હોય છે, આથી આ પ્રોજેક્ટ પાસેથી પણ દર્શકો કંઈક નવું અને શાનદાર જોવાની આશા રાખી શકે છે. જોકે હજી સુધી ફિલ્મનું નામ પણ નક્કી નથી થયું કે તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ અંદરની ખબરો અનુસાર શુટીંગ સપ્ટેમ્બર ૨૦૨૬થી શરૂ થવાની સંભાવના છે.
રસપ્રદ બાબત છે કે અભિષેક બચ્ચને પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં ક્યારેય પૂર્ણ રૂપે હોરર ફિલ્મમાં કામ નથી કર્યું. તેણે કોમેડી, ડ્રામા, એક્શન અને બાયોપિક જેવી શૈલીઓમાં પોતાની છાપ છોડી છે, પણ હોરર તેના મટે એક નવું અને પડકારજનક ક્ષેત્ર છે. એવામાં આ ઝોનરમાં તે કેવું પરફોર્મ કરે છે અને દર્શકોને કેટલા પ્રભાવિત કરી શકે છે તે જોવું રસપ્રદ થઈ રહેશે.
અભિષેકની કારકિર્દીની વાત કરીએ તો તેણે 'ધૂમ', 'બંટી ઔર બબલી', 'ગુરુ' અને 'પા' જેવી ફિલ્મોમાં પોતાના અભિનય માટે સારી પ્રશંસા હાંસલ કરી. જોકે વચમાં તેની કારકિર્દી થોડી ધીમી જરૂર પડી, પણ હાલના વર્ષોમાં તેણે ઓટીટી પ્લેટફોર્મ્સ અને પસંદગીની ફિલ્મો દ્વારા પોતાની ફરીથી સ્થાપિત કરી દીધો છે. હવે 'કિંગ' અને નવી હોરર ફિલ્મ સાથે તે મોટા પડદા પર ફરી એકવાર દમદાર વાપસીની તૈયારી કરી રહ્યો છે.
બીજી તરફ 'કિંગ' ફિલ્મની વાત કરીએ તો એમાં દીપિકા પાદુકોણ પણ મહત્તવની ભૂમિકામાં નજરે પડશે. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં એક્શન, ડ્રામા અને થ્રિલનું શાનદાર મિશ્રણ જોવા મળશે, જેમાં અભિષેકનો વિલન અવતાર એક મુખ્ય આકર્ષણ બની રહેશે.
અભિષેક બચ્ચનનો આ નવો તબક્કો તેની કારકિર્દી માટે અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે. એક તરફ તે કિંગમાં નકારાત્મક ભૂમિકા નિભાવીને પોતાની અભિનય ક્ષમતાનું નવુ પરિમાણ દેખાડવા જઈ રહ્યો છે ત્યારે બીજી તરફ હોરર ફિલ્મ દ્વારા તે એવી શૈલીમાં પગલા માંડી રહ્યો છે જે તેના માટે સંપૂર્ણ રીતે નવી છે. આ વિવિધતા ફિલ્મ ઉદ્યોગમાં તેનું સ્થાન વધુ મજબૂત કરશે.
દર્શકો માટે પણ આ સમય ઉત્સાહ યુક્ત રહેશે, કારણ કે તેમને એક કલાકાર તરીકે અભિષેકના નવા રૂપને જોવાની તક મળશે. આ બંને પ્રોજેક્ટ સફળ થાય તો તેનાથી અભિષેકની કારકિર્દી એક નવા શિખરે પહોંચશે, ઉપરાંત બોલિવુડમાં પણ કોન્ટેન્ટ અને પ્રયોગના નવા માર્ગ ખુલી જશે.








