Magazines

અદનાન સામી: બોલિવુડમાં આજે સૂરીલાં ગીતો ક્યાં છે?

By GS TEAM
11 Dec 20253 mins read
અદનાન સામી: બોલિવુડમાં આજે સૂરીલાં ગીતો ક્યાં છે?

- 60-70ના દાયકામાં દર્શકો સૂરીલાં ગીતો સાંભળવા સિનેમા હૉલમાં જતાં : ટીવી પર મ્યુઝિકલ શોઝમાં આજે પણ એ જમાનાનાં ગીતો ગૂંજે છે 

ફિલ્મ પારસમણી (૧૯૬૩) રજૂ થઇ તે પહેલાં  તેનાં  ગીતો  આખા ભારતમાં બેહદ લોકપ્રિય થઇ ગયાં હતાં. હસતા હુઆ નુરાની ચહેરા, વોહ  જબ યાદ આયે, સલામત રહો વગેરે ગીતો રેડિયો પર રજૂ થતાં ત્યારે તે જમાનાનાં યુવક-યુવતીઓ રેડિયો ખુશખુશાલ થઇ જતાં. કોલેજીયનો આ બધાં કર્ણપ્રિય ગીતો સાંભળવા માટે પારસમણી ફિલ્મ જોવા જતાં. સંગીત નિર્દેશક લક્ષ્મીકાંત-પ્યારેલાલની કારકિર્દીની આ પહેલી ફિલ્મનાં ગીતો સુપરહીટ થયાં હતાં. દર્શકો  સંગીત નિર્દેશકના નામે ફિલ્મ  જોવા જતાં. એટલે જ તો ૬૦ --૭૦ નો દાયકો ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ ગણાય છે. 

તેથી જ જાણીતા ગાયક - સંગીત નિર્દેશક અદનાન સામી તેની નારાજી વ્યક્ત કરતાં કહે છે, આજના બોલીવુડનાં ગીતોમાંથી મીઠાશ, મધુરતા, સુંદરતા જાણે કે સાવ જ અદ્રશ્ય થઇ ગયાં હોય તેવું  નિરાશાજનક વાતાવરણ સર્જાયું છે.  ગીત-સંગીત, નૃત્ય તો હિન્દી ફિલ્મોનો આત્મા છે. આમ પણ  ભારતીય સંસ્કૃતિમાં  લોક સંગીત,  લોક નૃત્ય,સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્યોનું અનેરું મહત્વ છે. 

હજી હમણાં રજૂ થયેલી પરમ સુંદરી ફિલ્મમાં 'ભીગી સારી ગીત' ગાનારો અદનાન સામી કહે છે, નિરાશાજનક  પરિવર્તન તો એ થયું છે કે બોલિવુડ કોઇક કારણસર હોલીવુડના પગલે પગલે ચાલવા માંડયું  છે. હિન્દી  ફિલ્મોના નિર્માણમાં હોલિવુડનો આધુનિક સ્પર્શ અનુભવાય છે. હા, સમયના પ્રવાહ સાથે પરિવર્તન જરૂરી છે તેની ના નહીં. આમ છતાં હિન્દી ફિલ્મોની ઓળખસમાં ગીત, સંગીત, નૃત્યને કોરાણે તો ન જ મૂકાય. આધુનિક ટેકનોલોજીના મોહમાં કાંઇ આપણી ભારતીય સંગીતની  મહાન  પરંપરાને તો ન જ ભૂલી જવાય. જરા યાદ કરો,  હિન્દી ફિલ્મોના કલાગુરુ ગણાતા વી. શાંતારામજીની સદાબહાર ફિલ્મ નવરંગ(૧૯૫૯)નાં   :  આધા હે  ચંદ્રમા રાત આધી,  અરે જારે હટ નટખટ, તુ  છુપી હે કહાં વગેરે સૂરીલાં અને નૃત્યસભર ગીતો. ઉત્તમ અભિનેત્રી અને શ્રેષ્ઠ નૃત્યાંગના સંધ્યાનાં આ બધાં કર્ણમંજુલ ગીતો સાથે   સુંદરતમ નૃત્યો પણ હોવાથી નવરંગ ફિલ્મ અમર બની ગઇ છે. 

હિન્દી ફિલ્મ જગતના ઇતિહાસની ગૌરવસમી ફિલ્મ  : મુઘલ - એ આઝમ(૧૯૬૦) નાં ગીતો :   પ્યાર કિયા તો ડરના કયા, મોહે પનઘટ પે નંદલાલ, તેરી મહેફીલ મેં    : વગેેરે   ગીતોએ તો ફિલ્મની સોનેરી સફળતામાં એટલું   જ સોનેરી યોગદાન આપ્યું હતું.   ખાસ કરીને મધુબાલાનું   : પ્યાર કિયા તો ડરના ક્યા : ગીત એમ કહો કે ઓલ ટાઇમ ગ્રેટ કહી શકાય. આ યાદગાર ગીતમાં રૂપકડી  મધુબાલાનું   મનભાવન  નૃત્ય અને કલાના બેનમૂન નમૂનારૂપ સેટ જોવા માટે દર્શકો દીવાના બની ગયા હતા. 

એ.આર.રહમાન, પ્રીતમ, વિશાલ - શેખર વગેરે  સંગીત નિર્દેશકોએ  સાંભળવા ગમે તેવાં  અમુક  ગીતો  બનાવ્યાં છે  ખરાં પણ તેની સંખ્યા બહુ ઓછી છે.  દર્શકો  સિનેમાહોલમાં તેમનાં ગીતો સાંભળવા  ગયાં હોય તેવો કોઇ પ્રસંગ બન્યો હોવાના કોઇ અહેવાલ  નથી.  ટેલિવિઝન પર રજૂ થતી  સંગીત સ્પર્ધામાં  કે કોઇ સંગીત સમારોહમાં સ્પર્ધકો ૬૦ -૭૦ ના દાયકાની  ફિલ્મોનાં જ  ગીતો ગાય છે. અને તે  સ્પર્ધકો પણ આજની નવી પેઢીનાં જ હોય છે.