Magazines

અદિતિ રાવ હૈદરીઃ પ્રેમ ગ્લેમર અને તમાશામાં નહિ પરસ્પર આદરમાં છે

By GS TEAM
28 May 20264 mins read
અદિતિ રાવ હૈદરીઃ પ્રેમ ગ્લેમર અને તમાશામાં નહિ પરસ્પર આદરમાં છે

- અદિતિ કબૂલ  કરે છે કે તે અને સિદ્ધાર્થ બિલાડીઓના ફુલટાઈમ કેરટેકર બની ગયા છે. આ રમતિયાળ નિવેદન તેમના દૈનિક જીવનમાં સમાવિષ્ટ ઉષ્મા અને હાસ્યની ઝાંખી 

કરાવે છે

-અદિતિ રાવ હૈદરી માટે જીવન સરળ છતાં ગાઢ રીતે અર્થસભર અભિગમથી  દોરવાતી હોવાનો અહેસાસ થાય  છે, તમામ બાબતોના હાર્દમાં પ્રેમ હોય છે. પછી તે પતિ સિદ્ધાર્થ સાથે તેનો સંબંધ હોય, કામથી પાછા ઘરે આવવાની ખુશી હોય કે તેમની પાળેલી બિલાડીઓ ઈગ્ગી અને ઓલી સાથે રમતિયાળ ધમાલમસ્તી હોય, અદિતિ માને છે કે ખરી ખુશી ભાવનાત્મક જોડાણ અને પારસ્પરિક આદરમાંથી ઉદ્ભવે છે. ગ્લેમર અને જાહેર દેખાડા સાથે સંકળાયેલા ઉદ્યોગમાં અદિતિના મંતવ્યો સહચર્ય અને પરિવારની વધુ સૌમ્ય, વધુ વાસ્તવિક સમજદારી દર્શાવે છે.

તાજેતરમાં અદિતિએ સિદ્ધાર્થ માટે લાગણીસભર જન્મદિવસ પોસ્ટ શેર કરીને ઓનલાઈન તમામના દિલ જીતી લીધા. ચાહકોએ તુરંત પ્રશંસા સાથે પ્રતિસાદ આપ્યો અને તેના શબ્દોમાં રહેલી ઉષ્મા અને નિષ્ઠાની સરાહના કરી. જો કે અદિતિના મતે તેમની વચ્ચેનો બોન્ડ સોશિયલ મીડિયા જાહેરાતો અથવા નાટયાત્મક રોમેન્ટિક ચેષ્ટાઓ કરતા કંઈક વધુ ગાઢ પર ઘડાયેલો છે. અદિતિ માટે તેમના સંબંધનો સાર ભાવનાત્મક પ્રમાણિકતા, પ્રશંસા અને સહિયારા મૂલ્યો છે.

સિદ્ધાર્થ વિશે વાત કરતા અદિતિ તેને એક પતિ ઉપરાંત એક અભૂતપૂર્વ માનવી તરીકે વર્ણવે છે. અદિતિ ભારપૂર્વક જણાવે છે કે આ લાગણી તેમના અંગત સંબંધથી પ્રેરાઈને નથી વ્યક્ત કરતી પણ સિદ્ધાર્થ ખરેખર એક ઉમદા વ્યક્તિ છે. અદિતિ માને છે કે તેમના લગ્નનો સૌથી મજબૂત આધાર એ હકીકત છે કે બંને જણા ભાવનાત્મક તાલમેલ તેમજ જીવનમાં સમાન પ્રાથમિકતા ધરાવે છે. અદિતિના મતે તેમની દુનિયા પ્રેમની આસપાસ ભ્રમણ કરે છે અને તેમનું સહિયારુ ભાવનાત્મક કેન્દ્ર એકમેકને સમજવાની તેમજ એકબીજાનો આધાર બનવાની તક આપે છે.

અદિતિએ ભારપૂર્વક જણાવ્યું કે ભલે પ્રેમ જરૂરી હોય, પણ એક અર્થસભર સંબંધ ટકાવી રાખવા માટે આદર અને પ્રેરણા પણ એટલા જ મહત્વના છે. અદિતિ સ્વીકારે છે કે તે એવા વાતાવરણમાં વધુ સ્વસ્થતા અનુભવે છે જેમાં ભાવનાત્મક હૂંફ  સાથે વિકાસ અને પડકારની તકો હોય. તેનો અને સિદ્ધાર્થનો વ્યવસાય સમાન હોવાથી તેમના સંબંધમાં નવું સ્તર ઉમેરાયું છે. અદિતિ સિદ્ધાર્થના અનુભવ અને કલાત્મક સફરની કદર કરતા કહે છે કે સિદ્ધાર્થ એક કલાકાર તેમજ એક વ્યક્તિ તરીકે તેને કાયમ પ્રેરિત કરતો રહે છે.

અદિતિ માટે પોતાના પાર્ટનરની કદર એક સ્વસ્થ અને સંતુલિત સંબંધ ઘડે છે. તે માને છે કે એકબીજાના વ્યક્તિત્વ, પ્રતિભા અને અભિગમનો આદર કરવાથી પ્રેમ વધુ શાશ્વત બને છે. લગ્નને માત્ર એક જડ બોન્ડ તરીકે જોવાની બદલે અદિતિ તેને એવો અવકાશ બનાવવા ઈચ્છે છે જેમાં બે વ્યક્તિ સતત એકબીજાને બહેતર બનવાની પ્રેરણા આપતા રહે. લાગણી અને પ્રેરણાનું આ સંતુલન અદિતિના મતે ખરી બાબત છે.

પોતાના વ્યસ્ત વ્યાવસાયિક જીવન છતાં કપલની સૌથી આનંદદાયક પળો ગૃહજીવનની સાદગીમાં સમાયેલી હોય છે. અદિતિ હાસ્ય સાથે જણાવે છે કે તેમના ઘર પર તેમની બંને બિલાડીઓ ઈગ્ગી અને ઓલીનું રાજ ચાલે છે. અદિતિ કબૂલ  કરે છે કે તે અને સિદ્ધાર્થ આ બિલાડીઓના ફુલટાઈમ કેરટેકર બની ગયા છે. આ રમતિયાળ નિવેદન તેમના દૈનિક જીવનમાં સમાવિષ્ટ ઉષ્મા અને હાસ્યની ઝાંખી કરાવે છે.

તેમનો પ્રાણીપ્રેમ તેમના સહિયારા વિશ્વનો મહત્વનો હિસ્સો બની ગયો છે. અનેક કપલો માટે પાળેલા પ્રાણીઓ હૂંફ આપતા, સાથ આપતા અને દૈનિક જીવનમાં ખુશાલી આપતા ભાવનાત્મક આધાર બની ગયા હોય છે. અદિતિ અને સિદ્ધાર્થ માટે ઈગ્ગી અને ઓલી પાળેલા પ્રાણી કરતા વધુ છે, તે એવા પારિવારીક સભ્યો બની ગયા છે જે તેમના ઘરને લાગણી અને જીવંતતાથી ભરી દે છે. બિલાડી પ્રત્યે કપલની સમર્પિતતા તેમની દેખભાળ કરવાની તેમજ સંભાળ લેવાની ભાવના છતી કરે છે  જે ગુણો તેમના સંબંધનો મૂળભૂત પાયો છે. અનેક  રીતે અદિતિ રાવ હૈદરીના મંતવ્યો આધુનિક પ્રેમની તાજગીભરી છબી રજૂ કરે છે, જે તમાશાના સ્થાને ભાવનાત્મક આત્મીયતાને વધુ મહત્વ આપે છે. તેના શબ્દોમાં કરૂણા, આદર, પ્રેરણા અને સંબંધમાં સહિયારા મૂલ્યો ઉજાગર થાય છે. પૂર્ણતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની બદલે તે સમજદારી અને પારસ્પરિક કદર પર રચાયેલા સહેવાસને મહત્વ આપે છે. જે યુગમાં સેલિબ્રિટી સંબંધો ઘણીવાર ગ્લેમર અને જાહેર ચકાસણીની નજરે જોવામાં આવે છે ત્યારે અદિતિનો અભિગમ મૌલિક અને સુસંગત લાગે છે. સિદ્ધાર્થની પ્રેરક હાજરી વિશે બોલવાનું હોય કે ઈગ્ગી અને ઓલી સાથેના જીવન બાબતે હાસ્ય હોય, એક વાત તો સ્પષ્ટ છે, અદિતિ માટે પ્રેમ માત્ર એક લાગણી નથી. તે એવો આધાર છે જેના પર તેના જીવનનો પ્રત્યેક અર્થસભર હિસ્સો ટકી રહે છે.