Magazines

અધિકમાસ - પુરૂષોત્તમ માસ .

By GS TEAM
27 May 20262 mins read
અધિકમાસ - પુરૂષોત્તમ માસ                             .

આધુનિક ટેલિસ્કોપ, કોમ્પ્યુટર આદિ ન હોવા છતાં ભારતીય સનાતન વૈદિક પરંપરાનાં ઋષિઓને ન કેવળ પૃથ્વી અને ચંદ્રની અનિયમિત ગતિને સમજી છે અપિતુ અધિકમાસ, ક્ષયમાસ આદિથી કાલનું નિયમન પણ કર્યું છે

ભારતીય જ્યોતિષની પંચાંગીય કાલગણનાનો ધર્મશાસ્ત્ર જોડે અવિચ્છેદ્ય સંબંધ છે.

પૃથ્વી સૂર્યની ફરતે સંપૂર્ણ ચક્કર લગાવે એટલા સમય (સૌર વર્ષ)માં, ચંદ્ર, પૃથ્વીનાં ૧૨ ચક્કર (૧ ચાંદ્રવર્ષ) પૂર્ણ કરે છે. યદ્યપિ ચાંદ્રવર્ષ સૌરવર્ષ કરતાં ૧૧ દિન નાનુ છે. આ તફાવત બીજા વર્ષે ૨૨ દિવસ અને ત્રીજા વર્ષે ૩૩ દિવસનો થાય છે. ત્રીજા વર્ષના તફાવતમાં ૨૯.૫ દિનનો ચાંદ્રમાસ સમાય છે. એનાથી પૂનઃ સૌરવર્ષ અને ચાંદ્રવર્ષનો મેળ બેસે છે; લગભગ સાથે સાથે શરૂ થાય છે.

પૃથ્વીથી જોતાં ચંદ્ર-સૂર્ય એક રેખામાં થાય એ અમાવસ. અમાસનાં અંતથી ચાંદ્રમાસ શરૂ થાય છે. અમાન્ત વખતે સૂર્યની સ્થિતિ અનુસાર ચાંદ્રમાસનું નામ રખાય છે. પૃથ્વીથી જોતાં, અમાન્ત વખતે; સૂર્યનાં પશ્ચાદ્વર્તી આકાશ (background) માં મેષરાશિનાં તારાઓ હોય; સૂર્ય મેષરાશિમાં હોય તો એ ચાંદ્રમાસનું નામકરણ વૈશાખ કરવું, વૃષભમાં હોય તો જ્યેષ્ઠ, આદિ ધર્મશાસ્ત્રીય દ્રષ્ટિએ, પ્રત્યેક માસનાં દેવતાઓ છે. પ્રત્યેક માસમાં એક સંક્રાંતિ (=સૂર્યની રાશિ પરિવર્તિત) થવી જોઈએ; એ માસ જ શુદ્ધ છે. સંક્રાંતિનાં દેવતાઓ એ માસનાં દેવ ગણાય. જો એક અમાસ પહેલા સૂર્ય રાશિ બદલે અને બીજી અમાસ પછી સંક્રાંતિ થાય તો અમાસથી અમાસ પર્યંતનાં એ ચાંદ્રમાસમાં સૂર્યની સંક્રાંતિનો સંભવ ન થયો, સૂર્યને એટલું વધારે ચાલવું પડયું; સૂર્યનાં અધિક ચાલવાથી એ 'અધિકમાસ' કહેવાય છે. આ વર્ષે એક અમાન્ત વખતે સૂર્ય વૃષભરાશિમાં છે અને પછીની અમાન્ત વખતે પણ સૂર્ય વૃષભમાં જ હોવાથી એ બન્ને માસની જ્યેષ્ઠ સંજ્ઞા થઈ ! પ્રથમ અમાન્તથી શરૂ થતાં ચાંદ્રમાસમાં કોઈ સંક્રાંતિ ન થઈ, असंक्रांतिमासोडधिमासः એ અસંક્રાંતિમાસને અધિક જ્યેષ્ઠ કહેવો, બીજો નિજ જ્યેષ્ઠ.

ભારતીય પંચાંગ વર્ષ ચાંદ્રસૌર (Luni-Solar) છે અતઃ યથાકાળે અધિકમાસ ઉમેરાવાથી મહિનાઓ અને ઋતુઓનો મેળ જળવાય છે - ચંદ્રનાં માસ સંબંધી વ્રતો, તહેવારો, ઉત્સવોની સાથે સૂર્ય સંબંધી ઋતુઓ કાયમની જેમ સાથે આવ્યા કરે છે.

વ્યવહારમાં સૌરવર્ષની સાથે ચાંદ્રવર્ષનો મેળ જળવાય તેના અગણિત લાભ છે. શિયાળાના તહેવારોમાં ગરમી ન હોય, ઉનાળાનાં તહેવારોમાં ઠંડી ન હોય ! અખાત્રીજ (વૈશાખ સુદ ત્રીજ) આવે, ને ખેડૂતો હળોતરા કરે. ચાતુર્માસમાં વરસાદ હોય.

कालानुपूर्वाविहिताश्च यज्ञां નિયત કાલમાં થાય તો એ ઉત્તમ ફલદાયી થાય છે.

આધુનિક ટેલિસ્કોપ, કોમ્પ્યુટર આદિ ન હોવા છતાં ભારતીય સનાતન વૈદિક પરંપરાનાં ઋષિઓને ન કેવળ પૃથ્વી અને ચંદ્રની અનિયમિત ગતિને સમજી છે અપિતુ અધિકમાસ, ક્ષયમાસ આદિથી કાલનું નિયમન પણ કર્યું છે. એવા વિશ્વગુરૂ ભારતનાં તપસ્વીઓને વંદન. ઓમ

- પરંતપકુમાર જૈમિનિકુમાર વ્યાસ