Magazines

એક્ટ્રેસ તિસ્કા ચોપરા હવે ડિરેક્ટરની ખુરશીમાં

By GS TEAM
10 Jul 20252 mins read
એક્ટ્રેસ તિસ્કા ચોપરા હવે ડિરેક્ટરની ખુરશીમાં

- 'મારી લાંબા સમયની ઈચ્છા હવે પુરી થઈ  છે. મેં  શોર્ટ ફિલ્મ 'રુબરુ'નું ડિરેક્શન  કર્યું  ત્યારે  મને બહુ મજા આવી હતી.  હું  મારી  પોતાની  લખેલી સ્ટોરી પરથી    ફિલ્મ  બનાવવાની છું  એ મારા માટે સંતોષની  વાત છે'

ટીવી  શોઝ  અને ફિલ્મોની  વર્સેટાઈલ   એક્ટ્રેસ  તિસ્કા ચોપરાના  કરીઅરમાં  એક ટર્નિંગ પોઈન્ટ   આવ્યો છે. એ ફિચર  ફિલ્મ 'સાલી મહોબ્બત' સાથે  ફુલફ્લેજ્ડ ડિરેક્ટર  બની ગઈ  છે.  આ  ફિલ્મ વરસના  અંત સુધીમાં રિલીઝ થવાની  શક્યતા છે.  ફુલફ્લેજ્ડ ફિલ્મમેકર  બનવાની તક  મળતા તિસ્કા  ખુશીથી  ઝુમી ઉઠી છે. 'મારી લાંબા સમયની ઈચ્છા  હવે પુરી થઈ  છે. મેં  શોર્ટ  ફિલ્મ રુબરુનું ડિરેક્શન  કર્યું  ત્યારે  મને બહુ મજા આવી હતી. હું મારી  પોતાની  લખેલી સ્ટોરી પરથી    ફિલ્મ  બનાવવાની છું  એ મારા માટે સંતોષની  વાત છે. આ સ્ટોરી મારા હૃદયની  બહુ નજીક છે,'  એમ ૫૧ વરસની રાઈટર- ડિરેક્ટર  કહે છે.

બહુ  ઓછા લોકો જાણે  છે કે તિસ્કા જાણીતા પત્રકાર અને લેખક ખુશવંત સિંહની ભાણેજ છે.  એટલે રાઈટિંગ એના લોહીમાં છે. રુબરુની  સ્ટોરી પણ  એણે જ લખી   હતી.  એ ઉપરાંત પણ એક્ટ્રેસ   સારા પુસ્તકો  લખી ચુકી છે. હકીકતમાં  'સાલી મહોબ્બત'ની  સ્ક્રીપ્ટ એણે ૨૦૨૦માં કોવિડનો  રોગચાળો   ફેલાયો એ પહેલાં  પૂરી કરી લીધી હતી.  એ વિશે વાત કરતા ચોપરા કહે છે, ''સાલી મહોબ્બત'  તો ૫ાંચ વરસ પહેલાં  લખાઈ ગઈ હતી.  મને યાદ છે કે હું જે પણ પ્રોડયુસરનેસ્ક્રીપ્ટ સંભળાવતી  ત્યારે એમનું એક  જ રિએક્શન રહેતું કે આ સ્ક્રીપ્ટનું   ડિરેક્શન  તમારે જ કરવું જોઈએ  કારણ  કે તમને સ્ટોરીની રગેરગ જાણો છો.  મેં મનીષ  મલ્હોત્રા (ફેશન ડિઝાઈનર)ને  સ્ક્રીપ્ટ સંભળાવી  ત્યારે એણે  પણ આવો જ ઓપિનિયન  આપ્યો. એટલે હવે હું ડિરેક્ટરની  ખુરશીમાં  બિરાજમાન થઈ ગઈ છું.  અલબત્ત,  મારો એક્ટિંગ માટેનો  પ્રેમ તો જેમનો તેમ જ રહેશે.

નવા રોલનો તિસ્કાને આનંદ છે જ, પરંતુ અમદાવાદની  એર ઈન્ડિયા  પ્લેન ક્રેશની  ઘટનાએ એને ઈમોશનલી થોડી ડિસ્ટર્બ કરી દીધી છે. એટલા માટે કે એના પતિ કેપ્ટન  સંજય ચોપરા  વરસો સુધી એર ઈન્ડિયામાં પાઈલટ હતા. બીજું, જે બોઈંગ ડ્રીમલાઈનર તૂટી પડયું એમાં બંને  પતિ-પત્નીએ  એક વાર  પ્રવાસ  પણ કર્યો હતો.  એર ઈન્ડિયા  એમના માટે એક ફેમિલી  જેવી છે. એટલે ૨૮૦થી વધુ લોકોના મોતમાં પરિણામનાર ટ્રેજિડીથી પોતાના પાઈલટ  ફ્રેન્ડ્સની સાથોસાથ તિસ્કા અને સંજય ચોપરા પણ શોકમાં છે.