Magazines

એક્ટર માનવ કૌલનો અચરજ પમાડે એવો વૈરાગ્ય ભાવ

By GS TEAM
20 Nov 20254 mins read
એક્ટર માનવ કૌલનો અચરજ પમાડે એવો વૈરાગ્ય ભાવ

- 'મેરે પાસ ટાઈમ હી ટાઈમ હૈ. મારી સોશિયલ લાઈફ સાવ શૂન્ય છે. રાતના સાડા દસ વાગે સૂઈ જાઉં છું અને સવારે સાડા ચાર-પાંચે જાગી જાઉં. પછી શું કરવાનું? બસ, લખવાનું અને સંગીત સાંભળવાનું...'

આઠ વરસ પહેલા વિદ્યા બાલનની એક સરસ ફિલ્મ આવી હતી 'તુમ્હારી સુલ્લુ'. ફિલ્મમાં વિદ્યાએ એક સાધારણ હાઉસમાંથી નાઈટ રેડિયો જોકી (આરજે) બની જતી મહિલા સુલોચનાનો રોલ કર્યો હતો. તુમ્હારી સુલ્લુમાં એના સમજુ પતિનો રોલ માનવ કૌલે કર્યો હતો. ફિલ્મના કેન્દ્રમાં વિદ્યા હતી, પણ રંગમંચમાં ઘડાયેલા અભિનેતા કૌલે પોતાના ઠરેલ અભિનયની નોંધ લેવડાવી હતી. સમીક્ષકોએ એના પરફોર્મન્સને બિરદાવ્યું હતું. વિદ્યાને ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો, પણ એના કો-સ્ટાર માનવને કોઈ માન-અકરામ ન મળ્યા. ખરું પૂછો તો ૪૯ વરસના અભિનેતાને એવોર્ડસની પરવા પણ નથી. એ બે દશકથી એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં એને પલ્બિસિટીની પણ ખેવના નથી. એણે વિવાદાસ્પદ વેબ સીરિઝ 'ત્રિભુવન મિશ્રા સીએ ટોપર'માં ગિગોલો (પુરુષ વેશ્યા)નો રોલ કરી સૌને ચોંકાવી દીધા હતા.

એક મીડિયા ઇન્ટરેક્શનમાં  માનવ કૌલને પૂછાયું કે, સર, તમારા પરિવારને તમારા બાળપણમાં જ કાશ્મીરમાંથી હિજરત કરી મધ્ય પ્રદેશના હોશંગાબાદ શિફટ થવું પડયું, જ્યાં તમારો આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઉછેર થયો. પછી તમે યુવાનીમાં મુંબઈની એક ચાલીમાં વરસો વીતાવ્યા. આ બધા ઝંઝાવાત વચ્ચે તમારી અંદરનો આર્ટિસ્ટ કેટલો ઘડાયો છે? કૌલ એનો સીધોસટ જવાબ આપે છે, 'મને નથી લાગતું કે તમારી લાઈફ કે ગરીબીથી તમારી અંદરના કલાકારના ઘડતરમાં કોઈ ફરક પડતો હોય. મહત્વની વાત એ છે કે તમે ત્યારે શું કરતા હતા, તમને રસ શામાં હતો? દાખલા તરીકે, હું ચાલીમાં રહેતો ત્યારે મારા હાથમાં વિનોદ કુમાર શુકલ અને નિર્મલ વર્માના પુસ્તકો રહેતા. મેં ત્યાં જ ગોર્કી, દોસ્તોવસ્કી અને સોલ બેલા જેવા રાઇટરોને વાંચ્યા. એ વખતે મારી પાસે ઘણો ફાજલ સમય રહેતો અને પુસ્તકો જ મારા માટે મનોરંજન હતા. મારા મતે સ્ટ્રગલથી કોઈ ફરક નથી પડતો. જો એવું હોત તો શ્રીમંત પરિવારના સંતાનો આર્ટિસ્ટ ન બની શકત. સત્યજિત રે તો સંપન્ન જમીનદાર પરિવારના નબીરા હતા. એમણે પાથેર પાંચાલી જેવી કલાસિક ફિલ્મ કેમ બનાવી? વ્યક્તિ એ જ કરે છે જેના માટે એનામાં ઉત્સાહ હોય. મને પહેલેથી સાહિત્ય, સિનેમા અને પેન્ટિંગમાં ઊંડો રસ હતો. હવે થોડા પૈસા આવ્યા છે તો હું યુરોપની ટુર પણ કરું છું. ત્યાં પણ હું કોઈ મોટા રાઇટર કે પેઇન્ટરની શોધમાં રહું છું. તેઓ ક્યાં અને કેવી રીતે રહેતા હતા એ જાણું છું. વિદેશમાં હું ભુલેચુકેય કોઈ ટુરિસ્ટ સ્પોટ જોવા નથી જતો.'

એક મીડિયાકર્મીએ માનવને આવો જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન કર્યો, સર, જે લોકોએ બાળપણમાં આર્થિક તંગી ભોગવી છે તેઓ પૈસાનું મહત્વ વધુ સમજે છે. જેમ કે શાહરુખ ખાન કાયમ પૈસા કમાવાની સીખ આપ્યા કરે છે. પરંતુ તમારામાં ક્યારેય પૈસાનો મોહ નથી દેખાતો? કૌલ થોડો ભૂતકાળ વાગોળતા કહે છે, 'મેં ચાલીમાં જો સમય વીતાવ્યો એ મારા જીવનના સૌથી સારા દિવસો છે. હું તો ત્યારે એવું જ માનતો કે હું નિષ્ફળ વ્યક્તિ છું. ક્યારેક સારું ભોજન મળી જાય તો વિચારતો કે ગુરુ, આજે આ લહાવો મળી ગયો છે. હવે લાંબા સમય સુધી એ નહિ મળે. એટલે એવો જમણવાર એન્જોય કરતો. ભવિષ્યમાં શું થશે એ ક્યારેય વિચારતો નહિ. આજે પણ પાછો ચાલીમાં રહેવા જાઉં તો મને બહુ આનંદ ઑઆવે. મતલબ કે હું શ્રીમંત થવાના મિશન પર થોડો નીકળ્યો છું? હું તો બસ એટલું વિચારું છું કે કાલનો દિવસ સરસ જાય અને એ રીતે આનંદમાં દિવસો વીતતા જાય. તમે આર્ટિસ્ટ તરીકે તમારો કસબ જાણો છો એટલે પૈસા તો આવતા રહેશે.'

પત્રકારો જાણે છે કે કૌલ ચાલીસીમાં હોવા છતાં હજુ પરણ્યા નથી. એટલે એ વિશે નાટયલેખક, દિગ્દર્શક, ફિલ્મમેકર અને સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા એક્ટરને પૃચ્છા થાય છે. તેઓ કહે છે, 'ના, મને કદી લગ્ન કરવાનો વિચાર આવતો નથી. દુનિયામાં અબજોની વસતિ છે. જ્યાં જુઓ ત્યાં ગિર્દી જ ગિર્દી છે. એમાં હું શા માટે ઉમેરો કરું? મારું યોગદાન એટલું જ છે કે આ દુનિયામાં મારા કારણે કોઈ વ્યક્તિ નહિ આવે. એ સિવાય મારું બીજું કોઈ યોગદાન નથી. બાકી, મને વારસા અને વંશવેલા જેવી બાબતોમાં કોઈ રસ નથી.' સમાપનમાં પૂછાયેલો પ્રશ્ન એકદમ અંગત છે, 'સાહેબ, તમે ૯ વરસમાં ૧૫ પુસ્તકો લખ્યા છે. આટલું બધુ લખવાનો સમય તમને ક્યાંથી મળી જાય છે?' માનવ હસતા ચહેરે ખુલાસો કરે છે, 'સચ પૂછો તો મેરે પાસ ટાઈમ હી ટાઈમ હૈ. મારી સોશ્યલ લાઈફ સાવ શૂન્ય છે. રાતના સાડા દસ વાગે સૂઈ જાઉં અને સવારે સાડા ચાર-પાંચે જાગી જાઉં. પછી શું કરવાનું? બસ, લખવાનું અને સંગીત સાંભળવાનું. મને એક લિમિટ પછી લોકો સાથે હળવા-મળવાનું પણ પસંદ નથી.'