Get The App

આવેશનાં નિમિત્તો સામે પણ શાંત રહીએ.. શક્તિઓની પરાકાષ્ઠામાં પણ નમ્ર રહીએ..

Updated: Oct 16th, 2019

GS TEAM

Google News
Google News
આવેશનાં નિમિત્તો સામે પણ શાંત રહીએ.. શક્તિઓની પરાકાષ્ઠામાં પણ નમ્ર રહીએ.. 1 - image

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

એક અ-જૈન લેખકે વર્તમાનપત્રમાં સરસ વાત લખી હતી કે' પડોશમાં જૈન પરિવાર રહેતો હોય તો રોજ સવાર- સવારમાં આંખોમાં આનંદ ઉભરાય એવું દૃશ્ય જોવા મળે. પરિવારના બાલગોપાલો હોય કે યુવાનો- વૃદ્ધો હોય. એ બધા પૂજા-વસ્ત્રોમાં સજ્જ થઈ સવારે પૂજા કરવા જતાં- આવતાં અચૂક જોવા મળે. હાથમાં પૂજાની પેટી અને સફેદ વસ્ત્રો : આ જોવાને ય એક લહાવો છે.' એ લેખકે જે આવી વાત લખી એનું કારણ જૈનો સાથે જોડાયેલ જિનપૂજાના- પ્રભુપૂજાના સંસ્કારો છે.

સંસારી જૈન વ્યકિતઓ- ગૃહસ્થો જે આ પ્રભુપૂજા કરે એને જૈવન શાસ્ત્રો દ્રવ્યપૂજા કહે છે. એ ગૃહસ્થની અપેક્ષાએ વિરતિધર જૈન શ્રમણોની કક્ષા ઉચ્ચ છે. આથી એમના માટે દ્રવ્યપૂજા નહિ, ભાવપૂજાનું વિધાન છે. આ વાત પ્રાસંગિક પણે ગત લેખમાં આવી ગઈ પણ છે. કેવી હોય એ ભાવપૂજા ? એનું એકદમ હૃદયંગમ અને સચોટ કલ્પનાસભર વર્ણન 'જ્ઞાનસાર' ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર ઓગણત્રીશમા ભાવપૂજાષ્ટકમાં કરે છે. કમાલ આ અષ્ટકની એ છે કે ગૃહસ્થ વ્યકિત પૂજાની પૂર્વતૈયારી રૂપે સ્નાન- પૂજાવસ્ત્રપરિધાનાદિ કરે ત્યાંથી લઈ એ દ્રવ્યપૂજાના અંતિમ ચરણમાં આરતી- મંગલદીવો કરે ત્યાં સુધીની તમામ સરખામણી તેઓ આ ભાવપૂજામાં કરે છે. એ પણ શબ્દરમતરૂપે નહિ, શ્રમણના વાસ્તવિક ગુણદર્શનરૂપે. આવો, આપણે એ રોમાંચક કલ્પનાસૃષ્ટિમાં પ્રવેશ કરીએ. અષ્ટકનો પ્રથમ શ્લોક ગ્રન્થકાર આ પ્રસ્તુત કરે છે કે :

દયામ્ભસા કૃતસ્નાન : સન્તોષશુભવસ્ત્રભૃત્ ;

વિવેકતિલકભ્રાજી, ભાવનાપાવનાશય :

શ્લોક કહે છે કે દ્રવ્યપૂજા માટે તત્પર થતી ગૃહસ્થ વ્યકિત સર્વપ્રથમ જલથી સ્નાન કરે, શ્વેત પૂજાવસ્ત્રો પરિધાન કરે, કપાળે સરસ તિલક કરે અને ચિત્તમાં પ્રભુ ભક્તિના શુભ ભાવો ધરે. બરાબર એ જ રીતે ભાવપૂજા માટે તત્પર શ્રમણ પણ દયારૂપી જલથી સ્નાન કરે, સંતોષવૃત્તિના શુભ વસ્ત્રો ધારણ કરે, વિવેકરૂપી તિલક ભાલપ્રદેશ પર કરે, સંતોષવૃત્તિના નિત્યતા-દેહની અનિત્યતા વગેરે ભાવોથી ચિત્તને પાવન કરે. આ મજાની ઉપમાઓસભર કલ્પના દ્વારા ગ્રન્થકારે શ્રમણની સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે ઝળહળતી દયાળુતા, ભૌતિક ઐશ્વર્યના આકર્ષણથી પર સંતોષવૃત્તિ, જડ-ચેતન કૃત્ય-અકૃત્ય વગેરેમાં દેદીપ્યમાન વિવેકદૃષ્ટિ અને ભાવનાઓથી ભાવિતતાના ગુણોનો સરસ નિર્દેશ કર્યો છે. આપણે એ પૈકી એમાત્ર દયાળુતાને પ્રભુમહાવીર દેવના સમયની અદ્ભુત ઘટના દ્વારા નિહાળીએ :

તે કાળે રાજગૃહીનગરીના શ્રેષ્ઠી મેતાર્યે અઢળક ઐશ્વર્ય અને રૂપરૂપના અંબાર સમી પત્નીઓનો વૈરાગ્યપૂર્વક ત્યાગ કરીને દીક્ષા સ્વીકારી. તપ દ્વારા કાયાનો કસ કાઢતા એ મુનિવર માસક્ષમણ- સળંગ ત્રીશ ઉપવાસના પારણે માસક્ષમણ કરતા હતા. એક દિવસ તેઓ માસક્ષમણની ઘોર તપસ્યા બાદ ભિક્ષાર્થે કોઈ સુવર્ણકારના ઘરમાં પ્રવેશ્યા. સુવર્ણકાર ત્યારે ઘરના આગળના ભાગમાં સુવર્ણના જવ બનાવતો હતો. તપસ્વી શ્રમણને નિહાળીએ બહુમાનપૂર્વક, ભિક્ષા લાવવા ઘરના અભ્યંતર ભાગમાં ગયો. આ સમયમાં નિક્ટના વૃક્ષ પરથી એક પંખી ત્યાં આવ્યું અને પેલા સુવર્ણજવને સાચા અન્નકણ સમજી ઝડપથી આરોગી જઈને પુનઃ એ વૃક્ષ પર બેસી ગયું. એવામાં સુવર્ણકાર ભિક્ષા લઈને આવ્યો. મેતાર્યમુનિ એમાંથી ખપપૂરતી ભિક્ષા લઈ વિદાય થયા.

આ તરફ, કાર્ય શરૂ કરતા સુવર્ણકારને ખ્યાલ આવ્યો કે સુવર્ણજવ ઓછા થયા છે. એને શંકા થઈ કે ચોક્કસ મુનિના વેશમાં રહેલ કોઈ ઠગે જ આ ચોરી કરી લાગે છે. ગુસ્સાથી ધમધમતા સુવર્ણકારે મુનિને શોધી કાઢી. ચોરીનો માલ પરત આપવા અપશબ્દોનો વરસાદ વરસાવ્યો. દયાળુ મુનિવરે વિચાર્યું કે જો પંખીનો ઉલ્લેખ કરીશ તો આ વ્યકિત સુવર્ણજવ મેળવવા પંખીને મારી નાખ્યા વિના રહેશે નહિં.' આથી એ પંખીની રક્ષાર્થે મૌન રહ્યા. આનાથી વધારે આવેશગ્રસ્ત બની ભાન ભૂલેલા સુવર્ણકારે ચામડાની લીલી વાઘર મુનિવરના મસ્તકે કચકચાવીને બાંધી અને મુનિને ભયાનક ગરમીમાં તડકે ઊભા રાખ્યા.

ગરમીનાં કારણે જેમ જેમ વાઘર સુકાઈને સંકોચાતી ગઈ તેમ તેમ મુનિવરના મસ્તકનો નસો ભયંકર ખેંચાતી ગઈ. મુનિવરે આ પ્રાણાંત પરિષદ જીવદયાની વૃત્તિથી પ્રસન્નતાપૂર્વક સહન કર્યો અને અંતકૃત્ કેવલી બની ત્યાં જ આયુષ્યક્ષયે નિર્વાણપૂર્વક મોક્ષ પામ્યા. સાધનાના ટોચ પર રહેલ શ્રમણનાં જીવનમાં કેવી અવ્વલ કક્ષાની જીવદયા ઝળહળતી હોય એ આ પ્રાચીન ઘટનામાં પ્રતિબિંબિત થાય છે.

દ્રવ્યપૂજા કરનાર જૈન ગૃહસ્થ કેસર મિશ્રિત ચંદનનો દ્રવ એક કટોરીમાં- વાટકીમાં લઈ પ્રભુની નવ અંગે પૂજા કરે. આ ઉપક્રમને ભાવપૂજામાં કલ્પનાથી પ્રસ્તુત કરતા ગ્રન્થકાર લખે છે કે :

ભક્તિશ્રદ્ધાનઘુસૃણો- ન્મિશ્રપાટીરજદ્રવૈ :

નવ બ્રહ્માંગતો દેવં, શુદ્ધમાત્માનમચર્ય.

તેઓ કહે છે કે' ભાવપૂજામાં ભક્તિનું કેસર છે અને શ્રદ્ધાનું ચંદન છે. આ કેસરમિશ્રિત ચંદન દ્વારા હે સાધક ! તારે તાર શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માની પૂજા કરવાની છે અને તેમાં નવ બ્રહ્મચર્યવાડને નવ અંગરૂપે કલ્પવાની છે.' આ રજૂઆત દ્વારા ગ્રન્થકારએ પ્રતિપાદિત કરે છે કે ઉત્તમ સાધક શ્રમણનાં જીવનમાં આરાધ્ય તત્ત્વો પ્રત્યે ઊછળતી ભક્તિ- જબરજસ્ત બહુમાન ભાવ હોય, એમનાં વચનો પર પરમશ્રદ્ધા હોય, શુદ્ધ આત્મ- સ્વરૂપનું ચિંતન હોય અને નવવિધ બ્રહ્મચર્યનિયમોનું ઉત્તમ પાલન હોય. આ પૈકી નવપ્રકારના બ્રહ્મચર્યનિયમોની ઝલકરૂપ માત્ર એક જ વાત નિહાળીએ તો, આજે પણ અમે શ્રમણો એ નિયમ અખંડ જાળવીએ છીએ કે ઉપાશ્રયમાં સૂર્યાસ્ત બાદ એક પણ સ્ત્રીનો પ્રવેશ ન હોય : પછી ભલે ને ગમે તેવું મહત્ત્વનું- અગત્યનું કાર્ય હોય. એ જ રીતે સાધ્વીભગવંતોના ઉપાશ્રયમાં સૂર્યાસ્ત બાદ પુરુષનો પ્રવેશ વર્જ્ય હોય. શું છે આ ? બ્રહ્મચર્યપાલન કાજે શાસ્ત્રોએ દર્શાવેલ નવ નિયમો પ્રત્યેની પ્રતિબદ્ધ તા.શ્રદ્ધા-બહુમાન ભરી આ પ્રતિબદ્ધતા જ તો છે શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્માનું નવાંગી પૂજન.

દ્રવ્યપૂજાના પદાર્થો સાથે ભાવપૂજાના ગુણોની સરખામણી કરતાં ગ્રન્થકાર ત્રીજા શ્લોકમાં ફરમાવે છે કે :

ક્ષમાપુષ્પસ્રજં ધર્મ- યુગ્મક્ષૌમદ્ધયં સદા ;

ધ્યાનાભરણસારંચ, તદંગે વિનિવેશય

દ્રવ્યપૂજા કરનાર ભક્તો પ્રભુપ્રતિમાની અંગરચનારૂપે એને પુષ્પમાળાનું પરિધાન કરે, મૂલ્યવાન દુકલની-વસ્ત્રની જોડ પહેરાવે અને સુવર્ણાદિનાં આભૂષણોથી સજાવે. બસ, ભાવ પૂજા કરતા શ્રમણ પણ શુદ્ધાત્મદેવને ક્ષમારૂપી પુષ્પમાળા પહેરાવે, નિશ્ચય- વ્યવહારરૂપ કે શ્રુત-ચારિત્રરૂપ ધર્મયુગલના બે મૂલ્યવાન દુકૂલનું પરિધાન કરાવે અને મન-વચન-કાયાની એકાગ્રતારૂપ ધ્યાનનાં આભૂષણો પહેરાવે. આ સામ્યદર્શનદ્વારા ગ્રન્થકારે શ્રમણનાં જીવનમાં ઝળકતા ક્ષમા-નિશ્ચય + વ્યવહાર અને શ્રુત + ચારિત્રની આરાધના પ્રણિધાનયોગના ગુણોનો નિર્દેશ કર્યો છે. આ પૈકી આપણે અહીં ક્ષમાગુણનાં અનુસંધાનમાં અમારા દિવંગત ગુરુદેવ પ્રૌઢપ્રભાવશાળી આચાર્યપ્રવર સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનો એક વિરલ જીવનપ્રસંગ નિહાળીએ :

ઇ.સ.2004 એ વર્ષે ગુરુદેવની સાથે અમે સહુ ગુજરાતથી વિહાર કરી મુંબઈ આવી રહ્યા હતા. એ દીર્ઘ વિહારયાત્રાના અંતિમ દિવસોમાં એકદા ગિરનાર વિહારધામથી ભાયંદર તરફ વિહાર શરૂ થયો. છ કિલોમીટર ચાલ્યા બાદ ગુરુદેવની ચેરનો એકાએક એક વિરાટકાય ટ્રક સાથે અકસ્માત્ થયો. અલબત્ત, ટ્રક વળાંક ઉપર હોવાથી એની ગતિ એકદમ'સ્લો' હતી. નહિ તો અઘટિત બની જાત. ટ્રકના એક ખૂણાનો ધક્કો લાગતા ગુરુદેવ ભૂમિ પર પડી ગયા. હાથની એક આંગળી પર ફેક્ચર અને દેહ પર ઠેર ઠેર ઉઝરડા સાથે થોડું લોહી પણ વહ્યું.

ટ્રકનો પંજાબી ડ્રાયવર સજ્જન આદમી હતો. અકસ્માત્નો ખ્યાલ આવતાં જ ટ્રક ઉભી રાખી એ ગુરુદેવ પાસે જમીન પર બેસી ગયો અને હાથ જોડી રડતી આંખે બોલ્યો :'મહાત્માજી ? તમને ઇજા પહોંચાડીને મેં મોટું પાપ કર્યું છે. મને માફ કરો. આ ટ્રકમાં બેસી જાવ. તો હું તમને હોસ્પિટલમાં લઈ જાઉં..' ઇજા છતાં ગુરુદેવે આછું હસીને ડ્રાયવરને કહ્યું : ' ભાઈ ! તું અત્યારે જ ટ્રક લઈને આગળ ભાગી જા. બાકી જો હમણાં હાઈવે પર પેટ્રોલીંગ કરતી પોલીસવેન આવશે તો તારે જેલભેગા થવું પડશે. રહી વાત મારી. તો મને એટલો બધો માર નથી લાગ્યો કે તત્કાલ ગાડીમાં બેસી હોસ્પિટલમાં જવું પડે. હું ચેરમાં ધીમે ધીમે ભાયંદર પહોંચી પછી ડોક્ટરનો સંપર્ક કરીશ.' અને ખરેખર તેઓ બાકીના ચૌદ કિલોમીટર 'ચેર' દ્વારા પ્રસાર કરી ભાયંદર પહોંચ્યા ? માફી માંગતા- રડતા ડ્રાયવરને સામેથી રવાના થઈ જવાની સલાહ આપવાનો ગુરુદેવનો આ વિરલ પ્રસંગ એમની ઉચ્ચત્તર ક્ષમાભાવનાનો દ્યોતક હોય એમ નથી લાગતું ? જૈન શ્રમણની ક્ષમા અપરાધી પર પણ વાત્સલ્ય વહાવતી હોવાથી એમને 'ક્ષમાશ્રમણ' શબ્દથી આવશ્યક ક્રિયાસૂત્રમાં સંબોધવામાં આવે છે.

જૈન પરંપરામાં પ્રભુપૂજા સમયે ગૃહસ્થો અષ્ટ મંગલનું આલેખન કરે છે. એની સંખ્યા સાથે મસ્ત સરખામણી કરતા ગ્રન્થકાર ચતુર્થ શ્લોકમાં કહે છે કે :

મદસ્થાનભિદાત્યાગૈ- ર્લિખાગ્રે ચાષ્ટમડ્ ગલીમ ;

બ્રહ્મણનો શુભસંકલ્પ- કાકતુણ્ડં ચ ધૂપય.

અષ્ટમંગલમાં એવાં આઠ ચિહ્નો છે જે શુભ-મંગલરૂપ ગણાય છે. દરેક જિનમંદિરમાં આ અષ્ટમંગલનો પટ્ટ હોય છે, તો દેવલોકના વિમાનોના દ્વાર ઉપર પણ અષ્ટ મંગલના પટ્ટ હોય છે. અને હમણાં તો તપાગચ્છીય શ્રમણસંમેલન બાદ જૈન સંઘોમાં આ અષ્ટમંગલની ઉછામણી પણ શરૂ થઈ ગઈ છે. પૂજામાં પ્રભુસમક્ષ જો અષ્ટમંગલ આલેખાય છે, તો ઉપરોક્ત શ્લોક કહે છે કે ભાવપૂજામાં શુદ્ધાત્મદેવ સમક્ષ આઠ મદના- અહંકારના ત્યાગરૂપ અષ્ટમંગલ આલેખાય. જાતિ- લાભ-કુલ-ઐશ્વર્ય- બલ- રૂપ- તપ અને શ્રુત : આ આઠ વિશિષ્ટતાનાં કારણે આઠ પ્રકારનો અહંકાર પ્રગટતો હોવાનું શાસ્ત્રો જણાવે છે.

જૈન શ્રમણ પાસે આમાંની કોઈ પણ વિશિષ્ટતા ચાહે તેવી પરાકાષ્ઠાની હોય તો ય એ એને પચાવી જાણે. એ એના અહંકારથી મુક્ત રહે. આ દર્શાવવા માટે જ ગ્રન્થકારે આઠ અહંકારસ્થાનના ત્યાગરૂપ અષ્ટમંગલઆલેખનની કલ્પના કરી છે. શ્રમણ પોતાની વિશિષ્ટ ક્ષમતા છતાં કેવા નમ્ર- અહંશૂન્ય રહે એ જાણવા માટે આપણે યાદ કરીએ મહાન જ્ઞાનજ્યોતિર્ઘર ઉમાસ્વાતિભગવંતને. આ મહાન પૂર્વાચાર્યે પાંચસો ગ્રન્થો રચ્યા હતા. એમાંના એકમાત્ર તત્ત્વાર્થમહાશાસ્ત્રની જ વિશેષતાની ઝલક નિહાળીએ તો એમાં સૂત્રશૈલીથી અલ્પ શબ્દોમાં મહત્તમ શાસ્ત્રપદાર્થોનો સંગ્રહ કરાયો છે. સ્વયં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે એમના માટે સિદ્ધહેમચન્દ્રવ્યાકરણમાં કહ્યું છે કે' પદાર્થ સંગ્રહકારોમાં ઉમાસ્વાતિજી સર્વોત્કૃષ્ટ છે.' આવા મહાજ્ઞાની પૂર્વાચાર્ય પણ નમ્રતાથી પરાકાષ્ઢાએ 'પ્રશમરતિ' ગ્રન્થમાં પોતાને અલ્પબુદ્ધિમય અને અ-વિમલ બુદ્ધિમય જણાવે છે. આ શબ્દો વાંચતા હૈયું ઓવારી જાય કે એ મહાજ્ઞાની પૂર્વાચાર્ય પણ પોતાની જાતને કેવી અલ્પ ગણે છે !!

ભાવપૂજામાં ઉદ્યત શ્રમણની ઉપરોક્ત અનેક વિશેષતાઓમાંથી આપણે ફક્ત ક્ષમા અને નમ્રતાની બે વિશેષતાઓને પણ જો જીવનનો આદર્શ બનાવીએ તો આવેશનાં નિમિત્તો સામે પણ આપણે શાંત રહી શકીએ અને શક્તિઓની પરાકાષ્ઠાએ પણ નમ્ર રહી શકીએ. આ ભાવપૂજાષ્ટકની સૌથી મહત્ત્વની પ્રેરણા આપણા માટે આ છે.

ભાવપૂજાષ્ટક એ પછીના અધિકારમાં સંકલ્પવિસર્જનરૂપ કૃષ્ણાગરુધૂપ- ધર્મસંન્યાસરૂપ લૂણઉતારણ- સામર્થ્યયોગરૂપ આરતી- અનુભવદશારૂપ મંગલ દીપ- ત્રિયોગશુદ્ધિરૂપ નૃત્ય-સંયમરૂપ વાજિંત્રનાદ- સત્યરૂપ ઘંટનાદની વાત કરીને ગ્રન્થકાર કહે છે કે આવી ભાવપૂજા કરતા શ્રમણ માટે મોક્ષ સાવ હાથવેંતમાં છે. 

છેલ્લે અષ્ટકના જ અંતિમ શ્લોકની વાત : દ્રવ્યપૂજા ભેદ ઉપાસનારૂપ છે, જ્યારે ભાવપૂજા અ-ભેદ ઉપાસના રૂપ છે, દ્રવ્યપૂજાનો અધિકાર સંસારીને છે, ભાવપૂજાનો અધિકાર શ્રમણને છે.

Tags :