પ્રભુપ્રતિમા જોઈને ભૂખ-તરસ ભૂલાઈ ગયા !
પદ્મદેવ અને તરંગવતી વિચારમાં પડયા કે આમ મારતે વેગે એમના તરફ આવી રહેલા ઘોડેસવાર કોણ હશે ? શાને માટે એ આટલી ઝડપે આવતા હશે ? શું સરદારની પકડમાંથી છૂટી ગયેલા એમને પકડવા માટે આ ઘોડેસવારો આવતા હશે કે પછી કોઈએ એમને મોકલ્યા હશે ?
જીવનમાં ચીલાચાલુ બનતી ઘટનાઓની વચ્ચે ક્યારેક અણધાર્યો ચમત્કાર સર્જાતા હોય છે. મન એનું કોઈ ગણિત માંડીને સરવાળો કરી શકે નહીં અને ચિત્ત એને તર્કથી સમજી શકે નહીં. એને જ ચમત્કાર કહેવાય. એવો એક ચમત્કાર જંગલી લોકોની કેદમાં રહેલા પદ્મદેવ અને તરંગવતીના જીવનમાં બન્યો કે જેમને દેવીના મહાપૂજનમાં વધ કરીને બલિ રૂપે ચડાવવાના હતા, એવા યુગલને લૂંટારાઓના સરદારે ગુફામાં કેદ કરવાનું કહ્યું હતું. એમને ગુફામાં કેદ કરવા જતા લૂંટારાએ તરંગવતીની જીવનકથા સાંભળી અને એ સાથે જ એણે કહ્યું કે તમને હું કોઈપણ ભોગે બચાવીશ.
આ સાંભળીને યુગલના મનમાં પડેલી મરણની ભીતિ દૂર થઈ. પોતાનો દૃઢ નિશ્ચય બતાવતાં લૂંટારાએ કહ્યું,' જુઓ, આ ભોંયરામાં એક ગુપ્ત માર્ગ છે. એ રસ્તેથી હું તમને બહાર લઈ જાઉં છું. તમે મારી પાછળ પાછળ આવો.' બંને એ લૂંટારાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ભોંયરાના એ માર્ગમાં વચ્ચે અનેક પથ્થરો પડયાં હતાં. કાંટા ઝાંખરા હતા. આ બધાની વચ્ચે માર્ગ કરતાં લૂંટારાની પાછળ આ યુગલ ગુફાની બહાર નીકળ્યું.
લૂંટારાએ કહ્યું,' હવે તમે મુક્ત છો. તમને કોઈ બંધન નથી. અહીંથી સીધે સીધા જાવ એટલે થોડે દૂર ગામ આવશે અને એ ગામમાં જઈને તમને યોગ્ય લાગે તેમ કરજો.'
પદ્મદેવને આ આખીય પરિસ્થિતિ સમજાઈ નહીં, જેણે કચકચાવીને દોરડાં બાંધ્યાં હતાં એણે જ મુક્ત કરીને ગુફામાંથી નાસી છૂટવાનો માર્ગ બતાવ્યો. કેવુ પરમ આશ્ચર્ય ! એના પ્રત્યે કૃતજ્ઞાતા વ્યકત કરતાં પદ્મદેવે કહ્યું, 'ભાઈ, તું અમારો જીવનદાતા છે. અમને મૃત્યુમાંથી અભય આપનારા તે, હૃદયમાં દયા અને આચરણમાં પરોપકાર દાખવીને અમને મુક્તિ અપાવી છે. વત્સ નગરના ધનદેવ વેપારીનો હું પુત્ર છું. નગરજનો મને સારી પેઠે ઓળખે છે. કદીક ઇચ્છા થાય તો અમારે ત્યાં આવજે અને અમને ઋણમુક્ત થવાની તક આપજે.'
લૂંટારાએ પદ્મદેવની વાત સાંભળી અને પછી એ ગુફા તરફ ચાલ્યો. આ યુગલ નજીક આવેલા ગામ તરફ જવા માટે આગળ વધ્યું. ગુફાના રસ્તેથી બહાર નીકળતા તરંગવતી થાકીને લોથપોથ બની ગઈ હતી. ભૂખ અને તરસથી જાણે એ તરફડતી હતી. એને માટે એક-એક ડગલું આગળ ભરવું મુશ્કેલ બન્યું હતું.
નગરશેઠની આ પુત્રીને પોતાની આવી સ્થિતિ થશે એવી કોઈ કલ્પના નહોતી. આવા ભૂખતરસ ક્યારેય વેઠયાં નહોતાં. આથી એ લથડિયાં ખાવા લાગી. એને ચક્કર આવવા લાગ્યા. ગુફાનો માર્ગ પસાર કરતાં પદ્મદેવ પણ થાકી ગયો હતો, તેમ છતાં તરંગવતીને થાકેલી જોઈને એણે કહ્યું,
'ભૂખ અને થાકથી તને ચક્કર આવે છે. તારાથી આગળ ચાલવું મુશ્કેલ છે. તું મારી પીઠ પર બેસી જા, આપણે અહીં થોભી શકીએ તેમ નથી. વહેલાસર પેલા ગામમાં પહોંચી જઈએ.'
થાકેલી તરંગવતી અનિચ્છાએ પણ પદ્મદેવની પીઠ પર બેઠી અને આગળ ચાલવા લાગી. ધીરે ધીરે દૂર એક ગામ દેખાયું. પદ્મદેવનમાં ઉત્સાહ જાગ્યો. સામેથી કેટલાક ગોવાળિયા ગાયો ચરાવવા નીકળ્યા હતા. પદ્મદેવે એને પૂછયું,' ભાઈ, આ સામે દેખાય છે તે ગામ કયું છે ?'
ગોવાળિયાઓએ કહ્યું,' એ ગામનું નામ ખાયક છે.'
ભૂખ, થાક અને તૃષાથી પિડાતી તરંગવતીએ પદ્મદેવને કહ્યું,'હવે જીવ જાય એવી પરિસ્થિતિ છે. ભૂખ્યા રહેવાતું નથી. આપણે કોઈને કહીએ કે કશુંક ખાવા માટે આપે. આ ભૂખની પીડા હવે સહેવાતી નથી.'
પદ્મદેવે કહ્યું,' સાવ સાચી વાત છે તારી. ભૂખ અને તરસ તો મને પણ લાગ્યા છે, પરંતુ મન કહે છે કે કોઈની પાસે યાચના કરવી એ તો મરણ સમાન છે. મરવું સારું પણ માગવું સારું નહીં. આમ હારી ખાવાની જરૂર નથી. ચાલ, સામેના મંદિરમાં જઈએ અને પ્રભુપ્રાર્થના કરીએ. એ હજાર હાથવાળાએ આપણને બચાવ્યા છે. એને ભાવથી વંદન કરીએ.'
બંને સુંદર રળિયામણા મંદિરની પાસે આવ્યા. તરંગવતી સઘળું ભૂલી ગઈ. ન ભૂખ યાદ આવી , ન તૃષાનું સ્મરણ થયું. પ્રભુપ્રતિમાં જોઈને એનું મન નાચવા લાગ્યું. હૃદયમાં ભક્તિનાં ભાવો ઉભરાવા લાગ્યા. પ્રભુનું સ્તવન કરી એ બહાર આવી. આવા દુ:ખના સમયે પણ પોતાનો સ્વામી પાસે હતો, એનો એને અપાર આનંદ હતો. એને કારણે જાણે દુ:ખ વહેંચાઈ જતું. પદ્મદેવને જોઈને એનામાં હિંમત આવતી હતી. એના હૂંફાળા સાથને કારણે દુ:ખનું વિસ્મરણ થઈ જતું હતું.
મંદિરની બાજુમાં આવેલા એક સરોવર પાસે જઈને બંનેએ પોતાનાં કપડાંથી પાણી ગાળ્યું. તૃષાને શાંત કરી. સરોવરના જળમાં થોડા અંદર ગયા. કદાચ સરોવરમાં વસતા ચક્રવાક-ચક્રવાકીની પ્રકૃતિનો આ અંશ તો નહી હોય ! અને બંનેએ તૃષા છુુપાવીને થોડો વિશ્રામ લેતા હતા. ત્યાં દૂરથી એક ઘોડેસવાર દેખાયો. એ ઘોડેસવાર સાથે બીજા કેટલાક પગપાળાં ચાલતા માણસો હતા.
પદ્મદેવ અને તરંગવતી વિચારમાં પડયા કે આમ મારતે વેગે એમના તરફ આવી રહેલા ઘોડેસવાર કોણ હશે ? શાને માટે એ આટલી ઝડપે આવતા હશે ? શું સરદારની પકડમાંથી છૂટી ગયેલા એમને પકડવા માટે આ ઘોડેસવારો આવતા હશે કે પછી કોઈએ એમને મોકલ્યા હશે ? (ક્રમશ:)
ગોચરી
નિવૃત્ત જીવન એ નિષ્ક્રિય જીવન નથી. જીવનની ગતિનું બીજું નામ છે નિવૃત્તિ. જો નિવૃત્તિમાં પ્રવૃત્તિ અપનાવે, તો ઘણી સમસ્યા ઉકલી જાય. જીવનપ્રવાહ તો નદીની માફક સતત વહેતો જ રહેવો જોઈએ.નિવૃત્તિ એ અહંકાર, આગ્રહ અને અપેક્ષાથી રહિત બનીને સેવાનો અમૂલ્ય અવસર છે. માનવી સગાંસંબંધીઓનો નહીં, પણ સર્વનો બની જાય છે અને સ્વયં સાક્ષીભાવથી આ સંસારમાં જીવવા લાગે છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ