લૂંટારાના ચહેરા પર ક્રૂરતાને બદલે કરુણા પ્રગટી
તરંગવતીએ કહ્યું,'ગયા ભવમાં અમે ચક્રવાક અને ચક્રવાકી તરીકે સુખેથી જીવતા હતા. પારધિના બાણે લક્ષ્ય ચૂક્તાં ચક્રવાક વીંધાયો અને હું એની પાછળ બળીને સતી થઈ.
આ ક્રંદ કરતી તરંગવતીને સાંત્વના આપતા પદ્મદેવે કહ્યું,' આ ક્રૂર અને જંગલી લોકોના સરદારે આપણને દેવીના મહાપૂજન માટે બલિ ચડાવવાનું નક્કી કર્યું છે, તેથી તું આટલું બધું આક્રંદ કરી રહી છે. આ આપણાં કર્મનાં ફળ છે અને કર્મના ફળ ભોગવવાં પડે છે. માનવી ગમે તેટલો પ્રયત્ન કરે, તો પણ એ કર્મબંધનમાંથી છૂટી શક્તો નથી. આ જન્મના કર્મ નહીં, બલ્કે પૂર્વજન્મના કર્મોના પરિણામ પણ આ જન્મમાં પ્રાપ્ત થાય છે.'
આ સાંભળી તરંગવતીએ કહ્યું,' પ્રિય પદ્મદેવ, આ ક્રૂર અને બિહામણા સરદારને આપણે ક્યારેય ત્રાસ આપ્યો હશે કે જેથી એ આપણને આજે દેવી સમક્ષ બલિ રૂપે ચડાવવા માગે છે.'
પદ્મદેવે શાંત પાડતાં કહ્યું,' આ જ કર્મની લીલા છે. એ લીલા ન જાણીએ, ત્યાં સુધી આપણને આશ્ચર્યજનક લાગે. એનો ભેદ ઉકેલાઈ જાય ત્યારે સ્વાભાવિક લાગે. માટે તું ધૈર્ય ધારણ કરીને શાંતિથી પરિસ્થિતિનો સામનો કર. કપરી પરિસ્થિતિ વચ્ચે શાંત રહેવું એ જ સાચો ઉપાય છે. સહિષ્ણુતા એ જ ખરો માર્ગ છે. સ્વસ્થતા એ જ એની ચાવી છે માટે હૈયું પીગળાવે એવું આક્રંદ કરવાનું છોડી દે અને શાંત અને સ્વસ્થ બન.'
પદ્મદેવના હૂંફ અને આશ્વાસન આપતાં વચનો સાંભળીને તરંગવતી શાંત થઈ. એની પતિની મધુર વાણીને કારણે એનો શોક અને ભય બંને ઓછા થયા. એણે જોયું તો સરદારે આજુબાજુ ઘણાં સ્ત્રીપુરુષોને બંદી બનાવીને ક્રૂર સરદારે રાખ્યા હતા. એ સ્ત્રીપુરુષોએ તરંગવતીનું આક્રંદ સાંભળ્યું અને એને કહ્યું,' એવું તે તમારા પર શું વીત્યું છે કે તમે આવું આક્રંદ કરો છો.'
ત્યારે તરંગવતીએ કહ્યું,' જેને વીત્યુ હોય એને ખ્યાલ આવે. અમારા જીવનમાં ભરતીનો આનંદ આવે છે, પણ એ થોડા સમયમાં ઓટમાં પલટાઈ ગયો. ગોળગોળ ફરતી ચગડોળ જેમ ઊંચે જાય અને નીચે જાય એમ અમારા જીવનમાં થોડીક ક્ષણો સોનેરી સુખ આવ્યું છે અને થોડીક ક્ષણો પારાવાર દુ:ખ આવ્યું છે.'
પદ્મદેવે કહ્યું,' જીવનમાં બહુ ઓછાને સાંપડે એવું પૂર્વભવનું જ્ઞાાન અમને મળ્યું. અમે મળ્યા પણ ખરા, પણ અમારું મિલન આજે મૃત્યુની વેદના વચ્ચે આવીને ઊભું છે. કેવી છે જીવનની લીલા ? ક્યારેક હસાવે છે અને ક્યારેક રડાવે છે.'
એમની આ વાત સાંભળીને એક બંદીવાને કહ્યું,' તમે બંને ઉચ્ચ કુળના લાગો છો. અમને તમારી વાત માંડીને કહો.'
તરંગવતીએ એની વીતકકથા કહેતા કહ્યું,'ગયા ભવમાં અમે ચક્રવાક અને ચક્રવાકી તરીકે સુખેથી જીવતા હતા. પારધિના બાણે લક્ષ્ય ચૂક્તાં ચક્રવાક વીંધાયો અને હું એની પાછળ બળીને સતી થઈ. આ ભવમાં હું નગરશેઠની પુત્રી અને ચક્રવાક એક વેપારીના પુત્ર તરીકે જન્મ્યો. મને પૂર્વભવનું જ્ઞાાન થતાં મેં ચિત્રાવલીનું આલેખન કર્યુ અને મારા ગત ભવના પતિને ચિત્રાવલિની યોજના કરીને શોધી કાઢયો.
'મારા પિતાની લગ્ન માટે સંમતિ ન મળતાં અમે બંને નગર છોડીને ભાગી નીકળ્યા અને ગંગાનદી પાર કરી અમે આગળ વધતા હતા, ત્યાં આ લૂંટારાઓ અમને પકડીને અહીં લઇ આવ્યા. અને હવે દેવીના મહાપૂજાના ઉત્સવમાં અમને બંનેને બલિ તરીકે ચડાવવાનું નક્કી કર્યું છે. હે ભગવાન ! હજાર હાથવાળો તું જ અમને બચાવી શકે તેમ છે.'
આટલું બોલીને તરંગવતીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એની વાત સાંભળીને બંદીજનોનું હૃદય ગદ્ગદિત થઈ ઉઠયું. પદ્મદૈવ મૌન રહ્યો. ભોજન અને દારૂ પીને નજીકમાં પથ્થર પર બેઠેલો લૂટારો આ વાત સાંભળી રહ્યો હતો. તરંગવતીના એક એક વાક્યે એના ચહેરા પરના ભાવો બદલાતા રહ્યા.
ક્યારેક એની આંખમાં ઉત્સુકતા ચમકતી, તો કયારેક એના મનમાં જિજ્ઞાાસાનો ભાવ પ્રબળ બની જતો. ક્યારેક એ ઘટનાને સાંભળવા માટે કાન સરવા રાખીને બેસતો. એક લૂંટારાને તો આવી વાત સાથે શો સંબંધ હોય ? પથ્થરદિલ હોય, એને પ્રેમની ભાવનાઓ ક્યાંથી સ્પર્શી શકે, પરંતુ કોણ જાણે કેમ, તરંગવતી જેમ જેમ વાત કરતી ગઈ, તેમ તેમ લૂટારાના ચહેરા પરના હાવભાવ બદલાવા લાગ્યા.
તરંગવતીની વાત પૂરી થઈ એટલે એ લૂટારો એમની નજીક આવ્યો. ભયથી તરંગવતી છળી ગઈ. એને લાગ્યું કે એની આવી વાતને કારણે લૂટારો ક્રોધે ભરાયો લાગે છે. પરંતુ એ આવીને તરંગવતી અને પદ્મદેવની પાસે આવી શાંતિથી ઊભો રહ્યો. પદ્મદેવને આ લૂંટારાની હિલચાલ સમજાતી નહોતી. એના ચહેરા પર ક્રૂરતાને બદલે કરુણા દેખાઈ. આવું પરિવર્તન કેમ ? એ લૂંટારો પદ્મદેવની પાસે આવ્યો અને એને પદ્મદેવના દોરડાનાં બંધન છોડી નાંખ્યાં.
એવું તે શું થયું કે થોડીવાર પહેલાં જે ધમકીભર્યા અવાજે ડરાવતો હતો, એ એકાએક આટલા સ્નેહથી પાસે આવીને બંધનમુક્ત કરે છે ? કદાચ આ આપવીતી સાંભળીને એ કશુંક કહેવા માગતો હશે ? એણે પદ્મદેવ અને તરંગવતીની પાસે આવીને કહ્યું,' તમે શાંત થાઓ. ભય છોડી દો. મારો સરદાર દેવીના મહાપૂજનમાં તમારો વધ કરીને બલિ ચડાવવા માગે છે, પણ મેં તમને આમાંથી બચાવવાનો વિચાર કર્યો છે. વિચાર નહીં, પણ મારી ખાતરી અને નિશ્ચય છે કે હું તમને આમાંથી જરૂર બચાવીશ.'
અંધકારભર્યા આકાશમાં એકાએક સૂર્યનો પ્રકાશ ઝળહળવા માંડે અને ધરતીની જેવી સ્થિતિ થાય, એવી દશા પદ્મદેવ અને તરંગવતીની થઈ. જ્યાં આશાનું એક કિરણ દેખાતું ન હતું, ત્યાં અણધાર્યો આનંદનો સૂર્ય ઊગી ગયો. બંનેને લાગ્યું કે આ તો એક ચમત્કાર થયો. તરંગવતીએ હજાર હાથવાળા ભગવાનને કરેલી પ્રાર્થના સફળ થઈ. લૂંટારાના આવા વર્તનથી પદ્મદેવ અને તરંગવતીના મનમાંથી મૃત્યુની ભીતિ ચાલી ગઈ. બંને સ્વસ્થ બન્યા અને લૂંટારાએ એક આશ્ચર્યજનક વાત કરી. (ક્રમશ:)
ગોચરી : હૂંફ ન મળવાને કારણે આજનો માનવી વધુને વધુ હિંસક બનતો જાય છે. બાહ્ય વસ્તુઓની ચાહના એને વામણો બનાવે છે. જીવનમાં ઉષ્માનો અભાવ આવતા એનું ચિત્ત ઉષ્ણતામાં પરિણમે છે. આને માટે જરૂર છે માત્ર અભિગમ અને દિશા બદલવાની. એ દિશા બદલાય એટલે જીવન બદલાઈ જાય છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ