Get The App

વારંવાર 'મળી ગયો' એવું બોલતી સાસરિકા દોડતી આવી

Updated: Sep 25th, 2019

GS TEAM

Google News
Google News
વારંવાર 'મળી ગયો' એવું બોલતી સાસરિકા દોડતી આવી 1 - image


પોતાના પૂર્વભવની સ્મૃતિ જાગે, તેને જાતિસ્મરણ જ્ઞાાન કહેવામાં આવે છે. જ્ઞાાનના પાંચ ભેદ છે. મતિજ્ઞાાન, શ્રુતજ્ઞાાન, અવધિજ્ઞાાન, મન:પર્વયજ્ઞાાન અને કેવળજ્ઞાાન. 

યુવાનીના ઉંબરે પ્રવેશતાં જ તરંગવતીના મનમાં અનેક ભાવો ઉછળવા લાગ્યા. સ્વપ્નમાં કોઈ રાજકુમાર સાથે મિલન થતું હોય એવાં દૃશ્યો એને દેખાવા લાગ્યાં. માનવીના મનમાં જેવી ઇચ્છાઓ જાગે છે, તે અતૃપ્ત ઇચ્છાઓ એના સ્વપ્નમાં એને દેખાય છે. નગરશેઠ ઋષભદેવની આ પુત્રી એ એક વાર મનોહર જળાશયમાં કિલ્લોલ કરતાં ચક્રવાક અને ચક્રવાકીને જોયા અને આ દૃશ્યથી એનું ચિત્ત ખળભળી ઊઠયું. એના મનમાં પ્રચંડ ઝંઝાવાત જાગે છે અને તરંગવતી મૂર્છિત થઈને પડી જાય છે. એની મૂર્છામાં એને જાતિસ્મરણ જ્ઞાાન થાય છે.

પોતાના પૂર્વભવની સ્મૃતિ જાગે, તેને જાતિસ્મરણ જ્ઞાાન કહેવામાં આવે છે. જ્ઞાાનના પાંચ ભેદ છે. મતિજ્ઞાાન, શ્રુતજ્ઞાાન, અવધિજ્ઞાાન, મન:પર્વયજ્ઞાાન અને કેવળજ્ઞાાન. એમાં ભવોભવ ભ્રમણ કરતાં જીવે જે જે જોયું હોય, જાણ્યું હોય, સાંભળ્યું હોય, અનુભવ્યું હોય, એ સઘળું મતિજ્ઞાાનમાં હોય છે.

પૂર્વે બનેલી આ ઘટના તરંગવતીના ચિત્તમાં એવી અંકિત થઈ ગઈ હતી કે વર્તમાનમાં એની કોઈ કડી મળતાં મૂર્છિત અવસ્થામાં એનો આખો ભૂતકાળ જાગ્રત થઈ ગયો અને જ્યારે એણે એની આ વાત એની સખીને કરી કે પૂર્વભવમાં એક શિકારીએ ચક્રવાકને બાણથી વીંધી નાખ્યો હતો, ત્યારે એણે હૃદયદ્રાવક વિલાપ કર્યો હતો અને પછી 'સ્વામી વિના જીવન જીવવાનો શો અર્થ ?' એમ વિચારીને એણે અગ્નિની જ્વાળાઓમાં ઝંપલાવ્યું હતું.

આવું જાતિસ્મરણજ્ઞાાન કોઈ વિરલ વ્યકિતને જ થતું હોય છે, પરંતુ નિમિત્ત મળતાં નગરશેઠની પુત્રી તરંગવતીના ચિત્તમાં જાતિસ્મરણ જ્ઞાાન થાય છે. આમ તો જાતિસ્મરણજ્ઞાાનના બે પ્રકાર છે. એક સનિમિત્તક અને બીજો અનિમિત્તક. પૂર્વભવમાં જોયેલી કોઈ ચીજ કે વસ્તુનું પ્રત્યક્ષ દર્શન થતા તેનાં સંબંધી સ્મૃતિ જાગે એવી ઘટના સનિમિત્તક જ્ઞાાન તરંગવતીના જીવનમાં બન્યું.

આ જાતિસ્મરણજ્ઞાાને યુવાવસ્થામાં આવેગો અનુભવતી તરંગવતીને અત્યંત વિહ્વળ બનાવી દીધી અને રાજદિવસ પોતાના પ્રિય ચક્રવાકનું સ્મરણ કરવા લાગી અને વિચારવા લાગી કે પોતે નગરશેઠની પુત્રી રૂપે જન્મી, એ જ રીતે એ ચક્રવાક પણ ક્યાંક જન્મ્યો હશે ? શું પૂર્વભવની પ્રીત આ ભવમાં બાંધી શકાશે ? કઈ રીતે પૂર્વભવના ચક્રવાકની પૂર્વસ્મૃતિઓ આ ભવમાં જગાડી શકાય ? તરંગવતીના મનમાં અનેક તરંગો જાગવા માંડયા અને અંતે નક્કી કર્યું કે નગરના માર્ગો પર પોતાના પૂર્વભવનાં ચિત્રો દોરાવવા અને એ નિહાળતા કોઈને જાતિસ્મરણનું જ્ઞાાન થાય તો એની ઇચ્છા પૂર્ણ થાય.

યમુના નદીના કાંઠે આવેલી કૌશાંબી નગરીમાં કાર્તકી પૂર્ણિમાનો મનભર મેળો ભરાયો હતો. એ મેળામાં તરંગવતીએ પૂર્વજીવનના આ ચિત્રોપટ ખૂબ આકર્ષક રીતે ગોઠવ્યા હતા. મેળામાં આવનાર સહુ કોઈની નજરે પડતા હતા અને એનું ધ્યાન રાખવા માટે એણે પોતાની સખી સારસિકાને જવાબદારી સોંપી. એણે સારસિકાને કહ્યું,' તું આ ચિત્રો જોનારા એકેએક વ્યકિતના મનોભાવને બરાબર જોતી રહેજે. એના ચહેરા પર કોઈ ભાવોનું પરિવર્તન આવે તો ખ્યાલ રાખજે.

વળી એવું પણ બને કે આ પૂર્વભવનાં ચિત્રો જોતાં એની સ્મૃતિ જાગ્રત થાય અને એ મૂર્છિત થઈ જાય, તો એનો બરાબર ખ્યાલ રાખજે. હા, એવું પણ બને કે એ મૂર્છા પામ્યા પછી જાગ્રત થઈને તને પૂછે,' હે સુલક્ષણા સ્ત્રી, મને કહે તો ખરી કે આ ચિત્રો કોણે દોર્યા છે ?' આવી ઘટના બને તો નક્કી જાણજે કે પૂર્વભવનો એ મારો પ્રિયતમ ચક્રવાક છે. અને પછી એની સઘળી જાણકારી મેળવી લેજે અને મને કહેજે.'ળ

પુન: રાત્રી થઈ. તરંગવતી શૈયામાં સૂતી હતી કે વહેલી પરોઢ પૂર્વે એને વળી એક સ્વપ્ન આવ્યું. એણે જોયું તો પર્વત પરની લતાઓમાં એ ભ્રમણ કરતી હતી. મનોમન વિચારવા લાગી કે આ સ્વપ્નનો અર્થ શો હશે ? પિતાને પાસે જઈને સ્વપ્નનો અર્થ પૂછયો ત્યારે સ્વપ્નફળનું વર્ણન કરતાં નગરશેઠ ઋષભદેવે કહ્યું,'પ્રિય પુત્રી, ઉત્તમ સંકેતવાળું આ સ્વપ્ન તને પ્રાપ્ત થયું છે. સાત દિવસમાં જ તું ઇચ્છે છે તેવું ઉત્તમ ભાગ્ય તને પ્રાપ્ત થશે. મનમાં જે ઇષ્ટ છે, તેનો યોગ થશે.'

પિતાનાં વચનો સાંભળી તરંગવતી આનંદવિભોર બની ગઈ. એને થયું કે જેની ઝંખના રાખીને બેઠી છું. એની પ્રાપ્તિનો સમય પાસે આવી ગયો છે.

પિતાએ કહ્યું કે ઇષ્ટની પ્રાપ્તિ થશે અને એને માટે ઇષ્ટ તો ગયા ભવનો વિખૂટો પડેલો પ્રિયતમ ચક્રવાક હતો. એની ઇચ્છા તો આ ભવમાં એને પુન:પ્રાપ્ત કરવાની હતી. પોતાની આ વિચારશૃંખલામાં તરંગવતી લીન બની ગઈ. ભાવિનાં મધુર સ્વપ્નો જોવા લાગી. એની આંખોમાં આનંદ ઊછળવા લાગ્યો. એનાં અંગો નવચેતનનો અનુભવ કરવા લાગ્યા અને થોડા જ વખતમાં એની સખી સારસિકાનો અવાજ એને કાને સંભળાયો.

'મળી ગયો ! મળી ગયો !' એવું જોરજોરથી બોલતી સારસિકા તરંગવતી પાસે દોડી આવી અને એને આવી ઘેલી બનેલી જોઈને તરંગવતીને આશ્ચર્ય થયું. એણે પોતાની પ્રિય સખીને પૂછયું, 'અરે શું જડી ગયું ? શું મળી ગયું ? કહે તો ખરી ? આમ પાગલની માફક કેમ જોરજોરથી બોલે જાય છે.'

ત્યારે સારસિકાએ બંને હાથે તાળી પાડતા ઉત્સાહભર્યા અવાજે કહ્યું. (ક્રમશ:)

ગોચરી: માણસનું જેવું શીલ, એવી એની જીવનશૈલી. જેવો માણસનો ભાવ, એવી એની ભાષા. વિચાર, વાણીને વર્તનમાં જે વ્યક્ત થાય એનું નામ વ્યકિત. માણસના વિચારો એના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડે છે. એની ભાષાએ એના ચારિત્ર્યનું સરનામું છે. આ ચારિત્રને કારણે એ સમાજમાં પ્રભાવી બને છે અને પોતાનું સ્વાસ્થ્ય સ્વયં જાળવે છે.

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

Tags :