Get The App

પૂર્વભવનો ચક્રવાક આ ભવમાં કઈ રીતે મળે ?

Updated: Sep 18th, 2019

GS TEAM

Google News
Google News
પૂર્વભવનો ચક્રવાક આ ભવમાં કઈ રીતે મળે ? 1 - image


સરોવરમાં એકવાર એક હાથી પાણી પીવા આવ્યો, ત્યારે શિકારીએ એને તીર માર્યું, તીર નિશાન ચૂકી ગયું અને હાથીને બદલે ચક્રવાકના શરીરને એણે છેદી નાખ્યું

કૌશાંબીના નગરશેઠ ઋષભદેવને ઘેર આઠ પુત્રોના જન્મ પછી વહાલસોયી પુત્રી તરંગવતીનો જન્મ થયો. નગરશેઠ ઋષભદેવ દીકરી તરંગવતી પર અખૂટ વહાલ વરસાવતા હતા. બાળક તરંગવતી ધીરે ધીરે યુવાવસ્થામાં પ્રવેશ પામી અને એના અંતરમાં અનેક ભાવો અને આવેગો ઉછળવા લાગ્યા. એણે એની સખી સારસિકાને પોતાના અંતરમાં ચાલતા પ્રણય ભાવોની વાત કરી.

યુવાન તરંગવતીના મનમાં સંસારસુખ માણવાનાં સોણલાં જાગવાં લાગ્યા અને પછી તો એના સ્વપ્નમાં પણ કોઈ રાજકુમાર જેવો યુવાન આવતો હોય અને એની સાથે મિલન થતું હોય એવી ઘટના જોવા લાગી. સ્વપ્નમાં મનની અતૃપ્ત ઇચ્છાઓ રમવા લાગી.

એકવાર ઉદ્યાનમાં રમત ખેલતાં તરંગવતીએ ચક્રવાક અને ચક્રવાકીનું કિલ્લોલ કરતું યુગલ જોયું અને યુગલ પર નજર પડતા જ તરંગવતી મૂર્છિત બની ગઈ. એની આ મૂર્છાવસ્થામાં એને જાતિસ્મરણ જ્ઞાાન થયું અને પૂર્વભવની સઘળી સ્મૃતિઓ સળવળી ઊઠી. એણે સૂક્ષ્મ ચેતનાથી અનુભવ કર્યો કે પૂર્વભવમાં એ અંગદેશની ચંપાનગરીમાં એક મનોહર જળાશયમાં વસતી આનંદી ચક્રવાકી હતી અને પોતાના જીવનસાથી ચક્રવાક સાથે આનંદભેર જીવતી હતી.

આ સરોવરમાં એકવાર એક હાથી પાણી પીવા આવ્યો, ત્યારે શિકારીએ એને તીર માર્યું, તીર નિશાન ચૂકી ગયું અને હાથીને બદલે ચક્રવાકના શરીરને એણે છેદી નાખ્યું. આને પરિણામે ચક્રવાક તરફડીને મૃત્યુ પામ્યો. શિકારીએ નજીક આવીને જોયું તો એની સામે ચક્રવાકનો નિશ્ચેતન દેહ સામે પડયો હતો. મનમાં વસવસો પણ થયો કે એણે લક્ષ્ય હાથીનું લીધું હતું અને વીંધાઈ ગયો બિચારો આ નિર્દોશ ચક્રવાક ! એણે તો આવી કલ્પના ય કરી નહોતી. પોતાના આવા વિપરિત કાર્યને જોઈને શિકારીને મનોમન ખૂબ દુઃખ થયું.

નિષ્પ્રાણ ચક્રવાકના દેહને ઉપાડીને એણે એને રેતીના ઢગલા પર મૂક્યું અને એ ચક્રવાકની અંતિમ ક્રિયાને માટે લાકડાં શોધવાં ગયો. થોડીવારે એ લાકડાં લઈને આવ્યો. મૃત્યુ પામેલા ચક્રવાકને દહન કરવાની તૈયારી કરવા લાગ્યો, ત્યારે ચક્રવાકી ચક્રવાકના મૃતદેહની આજુબાજુ વિલાપ કરતી ઘૂમતી રહી. એની વેદનાનો કોઈ પાર નહોતો. અસીમ દુઃખથી એ આક્રંદ કરતી હતી. હૃદય ભાંગી જાય તેવો આઘાત લાગ્યો હતો.

શિકારીએ ચક્રવાકની અંતિમ ક્રિયા કરવાનું કામ શરૂ કર્યું. એણે લાકડાંઓ ગોઠવીને નાનકડી ચિતા રચી. એના પર ચક્રવાકનો દેહ મૂક્યો અને અગ્નિ પેટાવ્યો. પોતાના સ્વામીના દેહને નજરોનજર અગ્નિમાં ભડભડ સળગતો જોવાનું ચક્રવાકીને માટે હૈયું ચીરી નાખે તેવું હતું.એને થયું કે મારા સ્વામી વિના હવે આ જીવન જીવવાનો શો અર્થ ? અને પછી ' નાથ, હું પણ તમારી સાથે આવું છું' એમ બોલીને એણે આ સળગતી ચિતામાં ઝંપલાવ્યું.

અગ્નિની જવાળાઓએ એની ગોદમાં આ યુગલના મૃતદેહને સમાવી લીધા. માનવીની ભાષામાં કહીએ તો ચક્રવાકી પોતાના પતિ ચક્રવાકની પાછળ સતી થઈ. મૂર્છિત તરંગવતીએ સ્વપ્નવસ્થામાં જાતિસ્મરણજ્ઞાાનના બળે પોતાના પૂર્વજીવનની આ આખીય ઘટના જોઈ.

મૂર્છામાંથી જાગૃત થયેલી તરંગવતીની વાત સાંભળીને સારસિકાનું હૃદય કંપી ઉઠયું. કેવો અનુપમ પ્રેમ ! કેવાં બે હૃદય ! એકબીજા વિના ઘડીયે ન જીવી શકે એવો સ્નેહ. અને આમ વિચારતી સારસિકાની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. તરંગવતીના હૃદયની ભાવનાઓની સારસિકાને ઓળખ મળી.

એણે જાણ્યું કે તરંગવતીનું હૃદય પ્રણયની અતૃપ્ત ઝંખનાઓથી તરફડાટ અનુભવી રહ્યું છે. તરંગવતીએ મનોમન વિચાર કર્યો હતો કે જેમ મારો પુનર્જન્મ તરંગવતી તરીકે અહીં થયો તેમ ચક્રવાકનો પણ પુનર્જન્મ થયો હશે, ક્યારે એ ફરી મળશે ? ક્યાં રહેતો હશે એ ? મારે એને કોઈ પણ ભોગે શોધી કાઢવો પડશે. પૂર્વભવના જીવનસાથી વિના હું જીવી શકું તેમ નથી.

તરંગવતીએ ચક્રવાકને શોધવાનો પ્રયત્નો આદર્યા. મનમાં એવો વિચાર પણ કરતી હતી કેજો આ પ્રયત્નોમાં સફળ નહીં થાઉં, તો એ પોતે શ્રી જિનેશ્વર ભગવંતે પ્રાણીઓના સાર્થવાહરૂપ જે માર્ગ કહ્યો છે, એ પંથે ચાલી નીકળીશ. ચક્રવાકના વિરહને કારણે તરંગવતી સતત વિહ્વળ બની રહે છે. એને ભોજન ભાવતું નથી. ચિત્તમાં સતત અજંપો રહે છે. શરીર કૃશ થતું જાય છે.

પોતાની પુત્રીની આવી દયનીય અને નિર્બળ સ્થિતિ જોઈને એની માતાને થાય છે કે' આ દીકરીને થયું છે શું ?' ત્યારે તરંગવતી પોતાના મનની વાત છૂપાવીને માતાને કહે છે,' આજે શરીરનું સ્વાસ્થ્ય બરાબર નથી. માથું દુઃખે છે.' અથવા તો 'હમણાં બરાબર ઊંઘ આવતી નથી એટલે આવું થાય છે.'

આ રીતે જુદાં જુદાં કારણો આપીને તરંગવતી માતાને સમજાવતી હતી. બીજી બાજુ તરંગવતી સતત વિચાર કરે છે કે કઈ રીતે પૂર્વભવનો પ્રિય ચક્રવાક આ ભવમાં પાછો મળે. એના હૃદયમાં બેચેની છે, એનું મન વિચારે ચડયું છે, છેલ્લે એની બુદ્ધિ એને એક ઉપાય શોધી આપે છે કે નગરના જાહેરમાર્ગો પર પૂર્વભવની ઘટનાનાં મોટાં- મોટાં આકર્ષક ચિત્રો ચિત્રકારો પાસે સુંદર રીતે દોરાવીને મૂકાવવાં અને એ ચિત્રો જોઈને કદાચ એના પૂર્વભવનો પ્રિયજન એની માફક જાતિસ્મરણજ્ઞાાન પ્રાપ્ત કરે અને એને પોતાનો ગયા ભવનો પ્રિયતમ પાછો મળે.

પછી તો પૂર્વભવના પ્રસંગોને આલેખતા ભવ્ય ચિત્રો નગરના જાહેર માર્ગો પર મૂકવા માંડયા. કોઈ ચિત્રમાં એક ચક્રવાક અને ચક્રવાકી હોય, હાથીના લક્ષ્યને વીંધવા માટે બાણ છોડવા લક્ષ્ય સાધતો શિકારી હોય, હાથી જરા બાજુએ ખસી જતાં એ બાણ ચક્રવાકના કોમળ દેહને ભેદી જતું હોય. તો ત્રીજા ચિત્રમાં ચક્રવાકને મૃત્યુ પામેલો જોઈ ચક્રવાકી અનરાધારે રૂદન કરતી હોય અને પછી ચક્રવાકને અગ્નિદાહ અપાતો હોય ત્યારે ચક્રવાકી એમાં ઝંપલાવતી હોય.

નગરજનો આ ચિત્રો જોવાં લાગ્યાં. કોઈ એની કલાની પ્રશંસા કરતાં, તો કોઈ એવો સવાલ પણ ઊઠાવતા કે જાહેરમાર્ગ પર આવાં ચિત્રોની શી જરૂર ? પણ એમને જાણ હતી કે રાજાજ્ઞાાને કારણે આ ચિત્રો મૂકવામાં આવ્યા છે, ત્યારે લોકો કશી ટીકા-ટિપ્પણ વિના એ ચિત્રોને નિહાળતાં. આમ કેટલોક સમય ચાલ્યું, એ પછી કાર્તિકી પૂર્ણિમાનો દિવસ આવ્યો અને એ શુભ અવસરે નગરમાં મેળો ભરાયો અને અહીં એક અણધારી ઘટના બની. (ક્રમશઃ)

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

Tags :