આ જન્મની અગમ્ય ઘટનાઓ પાછળ પૂર્વજન્મના પડછાયા હોય છે
મુનિશ્વરની વાત પદ્મદેવ અને તરંગવતી સાંભળતા હતા અને પોતાના જીવન સાથે એનો તાળો મેળવતા હતા.
તમારા જીવનમાં તમારો પરમ મિત્ર કોણ ? આપણો પરમ સાચો મિત્ર છે આપણાં પોતાનાં સત્કર્મ. અને એ જ રીતે તમારો પ્રખર શત્રુ છે દુષ્કર્મ. સારાં કર્મોનું સારું ફળ મળે છે અને દુષ્કર્મો કરનાર એની પોતાની જિંદગીને અવળે માર્ગે ળઈ જઈને અનેક આફતો વહોરી લે છે. સત્કર્મ સારા ભાવ જગાડે છે, તો દુષ્કર્મ કરનારના મનમાં સતત દુષ્ટ અને અધમ વિચારો ઘેરાયેલા હોય છે.
આપણા જીવનની ઘટમાળ કંઈક એવી છે કે જેમાં આવતા સુખ અને દુ:ખના પ્રસંગોને સમજવામાં આપણે ઘણીવાર થાપ ખાઈ જઈએ છીએ. ક્યારેક અણધાર્યું દુ:ખ આવી પડે છે, તો ક્યારેક એકાએક સુખનો માહોલ રચાય છે. આવી અચાનક, અણધારી અગમ્ય ઘટનાઓ કેમ બનતી હશે ? એની પાછળ વ્યકિતના પૂર્વજન્મના પડછાયા પડેલા હોય છે. એના અગાઉના જન્મમાં કરેલા કર્મોનો બદલો આ જન્મમાં પણ એને ચૂકવવો પડે છે અને આથી જ જ્યારે પક્ષીયુગલમાંથી માનવ પ્રેમયુગલ બનેલાં પદ્મદેવ અને તરંગવતીની પારાવાર મુશ્કેલીઓ અને આફતો પછી મિલન થાય છે, ત્યારે એમના જીવનમાં પ્રેમનો પ્રકાશ ફેલાઈ જાય છે.
આ યુગલે વૃક્ષ નીચે ધ્યાનસ્થ બેઠેલાં મુનિવર પાસેથી ઉપદેશ મેળવવાની ઇચ્છા રાખી, ત્યારે બન્યું એવું કે એ મુનિશ્વરે કહ્યું કે પહેલાં તમે મારું જીવનવૃત્તાંત સાંભળો, પછી આપણે આગળ વાત કરીએ અને એ પછી મુનિરાજે પૂર્વભવમાં શિકારીને ત્યાં જન્મ્યા હતા અને હાથી પર લક્ષ લઈને બાણ વીંધવા જતાં એક ચક્રવાકને વીંધી નાખ્યું હતું તેની વાત કરી.એ ચક્રવાકના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા માટે શિકારીએ પ્રયત્ન કર્યાે, તો એની સળગતી ચિતામાં ચક્રવાકીએ ઝંપલાવ્યું.
પોતાના શિકારી તરીકેના પૂર્વભવની વાત કરતાં મુનિરાજે કહ્યું કે આ દૃશ્ય જોઈને એમનું હૃદય કંપી ઉઠયું. ચક્રવાક અને ચક્રવાકીનો કેવો અતૂટ પ્રેમ અને એ અતૂટ પ્રેમને એણે બાણ મારીને ક્રૂરતાથી વીંધી નાખ્યો. કેવું મહાપાપ થઈ ગયું મારાથી ! એવો પારાવાર અફસોસ આ પારધીના હૃદયમાં થયો. એણે વિચાર્યું કે હવે આટલા મોટા પાપનો બોજ લઈને કઈ રીતે જીવી શકીશ ? એક તો પક્ષીને હણી નાખ્યું અને એના પ્રેમને ભસ્મીભૂત કરી દીધું. આમ વિચારી મેં (શિકારીએ) પણ ચિતામાં ઝંપલાવ્યું. પ્રભુ કૃપાએ ફરીથી મને મનુષ્ય જન્મ મળ્યો અને વારાણસી નગરીમાં એક ઉત્તમ શ્રેષ્ઠીવર્યને ત્યાં મારો જન્મ થયો.
મુનિશ્વરે પોતાની જીવનકથાને આગળ વધારતા કહ્યું,' વારાણસી જેવી પવિત્ર નગરીમાં જન્મ પામવાનું અહોભાગ્ય હું પામ્યો. આ એ નગરી હતી કે જ્યાં અનેક તીર્થકર ભગવંતો વિચર્યા હતા. આ એ નગરી હતી કે જ્યાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાને સુરાજ્ય સ્થાપ્યું હતું અને સમય જતાં એ અપાર રાજ્યવૈભવનો ત્યાગ કરીને તથા ચારે ઘાતીકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું. આ એ નગરી હતી કે જ્યાં પાર્શ્વનાથના પિતા અશ્વસેન અને માતા વામાદેવી વસતા હતા.
'આવી પાવન નગરીમાં મારો જન્મ થયો, પરંતુ નગરી પાવન હોય તેથી થયું શું ? જીવન પાવન બનવું જોઈએ. અત્યંત ધનવાન કુટુંબમાં જન્મેલા મારું નામ રુદ્રયશા રાખવામાં આવ્યું. મારા માતાપિતાએ મને ગુરુકુળમાં અભ્યાસાર્થે મોકલ્યો અને હું અભ્યાસ કરતો હતો, પરંતું એવામાં મને જુગાર ખેલવાનું વ્યસન લાગુ પડયું. વ્યસન માનવીને એવી રીતે વળગે છે કે એ એક જ વ્યસન બીજાં ઘણાં વ્યસનોને તાણી લાવે છે. એક વ્યસનની પાછળ ધીમા પગલે બીજાં વ્યસનો પેસી જતા હોય છે.
મુનિશ્વરે કહ્યું,' હું જુગાર ખેલવા લાગ્યો. રાતદિવસ જુગાર ખેલવાના જ વિચાર આવે. એવા મિત્રોની મંડળી જામી અને ધીરે ધીરે હું એ જુગારીઓમાં જાણીતો બન્યો. જુગારની પાછળ મારું ધન ખોયું, આબરૂ ખોઈ અને એથીય વધુ તો મારું જીવન ખોયું, કારણ એટલું જ કે જુગારીઓની સોબતે હું મદિરાપાન અને માંસભક્ષણ કરવા લાગ્યો. એમાંથી વેશ્યાગમન અને પરદારાસેવન શરૂ થયું. જુગાર ખેલવા માટે ધન જોઈએ એટલે ધીરે ધીરે ચોરી કરવાના રવાડે ચડયો અને શિકાર ખેલવા લાગ્યો. આમ એક વ્યસને મને સાત વ્યસનોમાં ડૂબાડી દીધો.
થોડા દિવસમાં મારા કુટુંબને મારી અદ્યમ પ્રવૃત્તિની જાણ થઈ. સહુને ઊંડો આઘાત લાગ્યો. એક દિવસ હું ચોરી માટે નીકળ્યો હતો અને હાથમાં ખુલ્લી તલવાર હતી. ચોરી કરવા જતાં કેટલાંક લોકોએ મને પકડવાનો પ્રયત્ન કર્યો હું મારામાં જેટલું જોર હતું તે અજમાવીને ભાગવા લાગ્યો. ખૂબ દોડયો, નગર પાર કર્યું અને આગળ જતાં ઘનઘોર જંગલ આવ્યું. એક ગુફા આગળ આવીને હું ઊભો રહ્યો. એ ગુફા આ વિસ્તારમાં સિંહ ગુફાને નામે જાણીતી હતી. મોટા મોટા ચોર-લૂંટારાઓનું એ આશ્રયસ્થાન હતી. એમાં પ્રવેશ કર્યો, તો મેં જોયું કે હાથમાં શસ્ત્ર રાખીને ક્રૂર ચહેરાવાળા લૂંટારાઓ ચોપાસ ઘૂમતા હતા.
સામે નજર કરી તો એક ઊંચી જગાએ એ લૂંટારાનો સરદાર બેઠો હતો. સરદારને મેં વિનંતી કરી કે ચોરી કરવા નીકળેલો હું પકડાઈ જવાની દહેશતથી અહીં આવી પહોચ્યો છું. તમે મને તમારી ટોળીમાં સામેલ કરો. ચોરી કરવામાં હું તમને મદદ કરીશ. તેવી સિફતથી ચોરી કરવી એ મને આવડે છે અને એમ કરવા જતાં વખત આવ્યે કોઈની હત્યા કરતાં મને સહેજે થડકારો થતો નથી. તમારી ટોળીમાં મને સામેલ કરશો, તો તમને ખૂબ માલમિલક્ત મળશે અને ભોગવૈભવ પામશો.
ચોરોના સરદારે રુદ્રયશામાં લુચ્ચાઈભરી ચાતુરી અને ક્રૂરતા કરવાનું ઝનૂન જોયું એટલે સરદારને લાગ્યંમ કે આ ડાકુ તરીકે એ જરૂર નામ કાઢશે અને સમય જતાં હું નિર્દય યમદૂત જેવો લૂંટારો બની ગયો. એ જ લૂંટારાએ પૂર્વે યૌવનથી શોભતા એક યુગલને પકડીને એના નાયક પાસે લઈ આવ્યો અને એને દેવી સમક્ષ બલિરૂપે હોમી દેવાના હતા, ત્યારે એ નિર્દયી લુંટારાને દયા આવતા અને પોતે પૂર્વભવમાં ચક્રવાકી અને ચક્રવાકના મૃત્યુનું કારણ બન્યો હોવાથી એમને છોડાવ્યા અને સાથોસાથ વિચાર કર્યો કે હવે મારે આ પાપની દુનિયામાંથી બહાર નીકળવું છે અને એથી લૂંટારો પોતાના સરદારની પાસે પાછો જવાને બદલે જુદી દિશા તરફ વળી ગયો.
મુનિશ્વરની વાત પદ્મદેવ અને તરંગવતી સાંભળતા હતા અને પોતાના જીવન સાથે એનો તાળો મેળવતા હતા. (ક્રમશ:)
ગોચરી : આજના માનવીના જીવનમાં અવકાશ, મોકળાશ અને હળવાશ જોવા મળતા નથી. એની પાસે નિરાંતે પલાંઠી વાળવાનો અવકાશ નથી. ખુલ્લા દિલે વાત કરવાની મોકળાશ નથી અને હાસ્યથી વાતાવરણને ભરી દેવાની હળવાશ નથી. એની એક બાજુએ ઘોંઘાટ છે તો બીજી બાજુએ ગતિ છે. આ ઘોંઘાટના પ્રદૂષણ એની બુદ્ધિને બહેરી કરી નાખી છે અને આ ગતિના પાગલપને એની દૃષ્ટિને ઘૂંઘળી કરી નાખી છે. ઊંઘ વેઠીને કરવા તે આજના માનવીનું લક્ષણ છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ