ચિત્રાવલિ જોતાં જ 'ઓહ' કરીને પદ્મદેવ મૂર્છિત બની ગયો !
સારસિકાએ કહ્યું, 'તારા કહ્યા પ્રમાણે હું નગરના માર્ગમાં યોજાયેલા મેળામાં મૂકાયેલા તારા પૂર્વભવનાં ચિત્રો ગોઠવીને ઉભી હતી. આવે સમયે લોકોને આશ્ચર્ય પણ થતું કે આ નગરના મેળામાં આવાં દૃશ્યો શા માટે ?
કોઈક વિરલ વ્યકિતમાં કવચિત્ પૂર્વભવની સ્મૃતિ જાગતી હોય છે. આવું જાતિસ્મરણ જ્ઞાાન એને પોતાના ગયા જન્મોનું સ્મરણ કરાવે છે. ક્યારેક અગાઉના અનેક ભવોનું સ્મરણ થાય છે, તો ક્યારેક માત્ર ગયા ભવનું જ સ્મરણ થાય છે. કૌશાંબીના શ્રેષ્ઠિ ઋષભદેવની પુત્રી તરંગવતીના મનમાં પોતાના પૂર્વભવની સઘળી સ્મૃતિઓ એક દૃશ્ય જોતાં આકસ્મિક રીતે જાગી ઉઠી અને એણે એ પૂર્વભવના પતિને શોધવા માટે પોતે જોયેલા ગયા ભવનાં દૃશ્યો ચિત્ર બનાવી નગરના ચોકમાં મૂક્યા. તરંગવતીની સખી સારસિકાએ જોયું તો મેળામાં એક યુવાનને આ ચિત્ર જોતાં જાતિસ્મરણ જ્ઞાાન થયું હોય તેવું લાગ્યું. એટલે એ દોડતી- દોડતી તરંગવતીને સમાચાર આપવા આવી કે તારો પૂર્વભવનો પ્રાણવલ્લભ મળી ગયો છે.
આ સાંભળતાં જ તરંગવતીના ઉત્સાહનો પાર ન રહ્યો. એણે એની સખીને કહ્યું, 'મને માંડીને આખી વાત કર, કઈ રીતે મારો પૂર્વભવનો પ્રાણવલ્લભ મળ્યો ?'
સારસિકાએ કહ્યું, 'તારા કહ્યા પ્રમાણે હું નગરના માર્ગમાં યોજાયેલા મેળામાં મૂકાયેલા તારા પૂર્વભવનાં ચિત્રો ગોઠવીને ઉભી હતી. આવે સમયે લોકોને આશ્ચર્ય પણ થતું કે આ નગરના મેળામાં આવાં દૃશ્યો શા માટે ? મેળો તો આનંદનો અવસર હોય, એમાં કોઈ શિકારીના બાણથી વીંધાતા ચક્રવાકનું ચિત્ર મૂકવાનો અર્થ શો ? કોઈ વળી મજાક કરતા કે જમાનો કેવો આવ્યો છે કે મેળામાં કેવા આનંદસભર ચિત્રો હોવા જોઈએ, એનીય લોકોને ખબર પડતી નથી ! કોઈ વળી વિચારમાં ડૂબી જતું કે મેળામાં આવાં ચિત્રો મૂકવાની પાછળ જરૂર કોઈ ભેદભરમ હોવો જોઈએ. વળી વિચારતા કે એવા ભેદભરમને ઉકેલવાની માથાકૂટમાં પડવાની જરૂર શી ?'
તરંગવતીએ કહ્યું,'સખી ! મને જલદી મુખ્ય વાત કહે. મારું હૃદય એ સાંભળવા અતિ આતુર છે.'
' આમને આમ આખો દિવસ પૂરો થયો. સૂર્ય અસ્તાચળે આવ્યો અને એવે સમયે આવેલો એક યુવક આ ચિત્રો ધારી ધારીને નીરખવા લાગ્યો. થોડીવાર જાણે કોઈ મૂર્તિ હોય તેમ સ્થિર થઈ ગયો અને ત્યારબાદ એક પછી એક ચિત્ર જોતાં એ કેટકેટલાય ભાવો અનુભવવા લાગ્યો અને છેલ્લું ચક્રવાકની ચિંતામાં ઝંપલાવતી ચક્રવાકીનું ચિત્ર જોઈને એ ચિત્કાર કરી ઊઠયો,' ઓહ !' એવો શબ્દ બોલીને મૂર્છિત થઈને ઢળી પડયો. મેળાની મોજ માણતા લોકો એકાએક એના તરફ દોડી આવ્યા.
હું પણ દોડીને પાણી લઈ આવી અને એના મુખ પર પાણીનો છંટકાવ કર્યો. થોડા વખતે એ શુદ્ધિમાં આવ્યો અને ફરી પાછો ચિત્રાવલીનો પ્રારંભ થતો હતો, ત્યાં જઈને એક પછી એક ચિત્ર જોવા લાગ્યો અને એકાએક એના મનમાંથી ઉદ્ગાર સરી ઉઠયા, 'આને શું કહેવાય ? આ તો મારા પૂર્વભવની જ વાત. કોણે જાણી હશે મારી આ પૂર્વભવની વાત. કોણે મારા પૂર્વભવનાં એ દૃશ્યો સાક્ષાત્ દોરાવ્યા હશે ?'
આશ્ચર્યમુગ્ધ બનીને ઉભેલા યુવાનની પાસે જઈને સારસિકાએ કહ્યું,' અરે ભાઈ, આ ચિત્રો તો મારી પ્રિય સખી અને કૌશાંબીના નગરશેઠની પુત્રી તરંગવતીએ દોર્યા છે. એને એના પૂર્વભવનું સ્મરણ થયું અને તેથી પૂર્વભવના પ્રિયતમને પામી શકાય તે માટે નગરના ચોકમાં એણે આવા ચિત્રો મૂક્યાં છે. તમારે મારી સખીને મળવું હોય તો તમને મેળાપ કરાવી આપું, પણ તે પૂર્વે તમારો પરિચય તો આપો.'
એ યુવાને કહ્યું, 'મારું નામ છે પદ્મદેવ. મારા પિતાનું નામ છે ધનદેવ અને મારી માતાનું નામ છે વસુમતિ.'
એ પછી એ યુવાન એના ઘર તરફ ગયો, ત્યારે સારસિકા એની પાછળ પાછળ ગઈ. યુવાનની પૂરી ભાળ મેળવીને એ તરંગવતી પાસે આવી.
સારસિકા પાસેથી આખોય વૃત્તાંત સાંભળીને તરંગવતી પ્રસન્ન થઈ ગઈ. એણે સારસિકાને વિદાય આપીને સ્નાન કર્યું, ગુરુવંદના કરી અને શ્રી જિનેન્દ્ર ભગવંતની પૂજા કરીને પારણું કર્યું. સમી સાંજે સારસિકાએ વિદાય લીધી હતી, પણ થોડા સમય બાદ એ ફરી ઉતાવળે દોડતી આવી. એની આંખોમાં આંસુ હતાં, ચહેરા પર આઘાત હતો અને એનો અવાજ ધ્રૂજતો હતો. એણે તરંગવતીને કહ્યું,' પ્રિય સખી, ઘણો મોટો અનર્થ થઈ ગયો. ધાર્યું નહોતું એવી ઘટના બની ગઈ. ઓહ પ્રભુ ! તેં આ શું કર્યું ? મારી સખીના એવાં તે કેવાં કર્મ કે એના જીવન પર આવો વજ્રાઘાત થયો.'
તરંગવતી સારસિકાનો આવેગશીલ સ્વભાવ જાણતી હતી. એને શાંત પડી જળ આપ્યું અને પછી સઘળી વાત કહેવાનું કહ્યું.
સારસિકાએ કહ્યું, 'ઘટના તો એવી બની કે યુવાન પદ્મદેવના પિતા શ્રેષ્ઠી ધનદેવ પોતાના સ્વજનોને લઈને તમારા પિતા ઋષભદેવ પાસે આવ્યા અને એમણે કહ્યું,' હું તમારી સુશીલ પુત્રી તરંગવતીને માટે મારા ગુણવાન પુત્રનું માગું લઈને આવ્યો છું. મારો પુત્ર પદ્મદેવ જ્ઞાાની છે, વ્યવહારકુશળ છે અને કલાઓમાં પારંગત છે. બંનેનો મેળાપ થશે તો એમનું જીવન નંદનવન સમું બનશે.'
શ્રેષ્ઠી ધનદેવ પોતાનો પ્રસ્તાવ હજી વિશેષ આગળ વધારે તે પહેલાં તારા પિતા ઋષભદેવે ધનદેવના એ માગાનો સખત શબ્દોમાં અનાદર કર્યો.( ક્રમશ :)
ગોચરી
માણસનું જેવું શીલ, એવી એની જીવનશૈલી. જેવો માણસનો ભાવ, એવી એની ભાષા. વિચાર, વાણીને વર્તનમાં જે વ્યકત થાય એનું નામ વ્યકિત. માણસના વિચારો એના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડે છે. એની ભાષા એ એના ચારિત્ર્યનું સરનામું છે. આ ચારિત્રને કારણે એ સમાજમાં પ્રભાવી બને છે સમાજ એને આદર- સન્માન આપે છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ