Magazines

વિષ્ણુપુરાણ અનુસાર કરેલી પ્રહલાદજીએ ભગવાન વિષ્ણુની સ્તુતિ

By GS TEAM
24 Jun 20263 mins read
વિષ્ણુપુરાણ અનુસાર કરેલી પ્રહલાદજીએ ભગવાન વિષ્ણુની સ્તુતિ

વિષ્ણુપુરાણના પ્રથમ અંશના 19મા અધ્યાયમાં પ્રહલાદજીએ ભગવાન નારાયણની સ્તુતિ કરી છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપોનું વર્ણન કર્યું છે. આપણે એમ માનીએ છીએ કે ભગવાન મંદિરમાં જ છે પણ ભગવાન ઘટઘટમાં છે તે આ સ્તુતિ દ્વારા સ્પષ્ટ થાય છે.

પ્રહલાદ બોલ્યાં કે, હે પુંડરીકાક્ષ ! આપને નમસ્કાર હો; હે પુરુષોત્તમ ! આપને નમસ્કાર હો; હે સર્વ લોકોના આત્મા ! આપને નમસ્કાર હો; અને તીક્ષ્ણ ચક્રને ધારણ કરતા આપને નમસ્કાર હો. બ્રહ્મનિષ્ઠોના દેવ અને ગાયો તથા બ્રાહ્મણોનું હિત કરનાર આપને નમસ્કાર હો; જગતના હિતકારી શ્રીકૃષ્ણ ગોવિંદને વારંવાર નમસ્કાર હો. બ્રહ્મસ્વરૂપે જગતને ઉત્પન્ન કરતા, સ્થિતિકાળે વિષ્ણુસ્વરૂપે વિશ્વનું રક્ષણ કરતા અને કલ્પના અંતે-સંહારસમયે રુદ્રસ્વરૂપધારી ત્રિમૂર્તિ આપને નમસ્કાર હો. દેવો યક્ષો, અસુરો, સિદ્ધો, નાગો, ગંધર્વો, કિન્નરો, પિશાચો, રાક્ષસો, મનુષ્યો અને જે પશુઓ, પક્ષીઓ, વૃક્ષાદિ સ્થાવરો, કીડીઓ તથા સર્પો અથવા સરકીને ચાલતાં પ્રાણીઓ છે; તેમ જ પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ છે; અને ગંધ, રસ, રૂપ, શબ્દ તથા સ્પર્શ-એ તેમના જે ગુણો છે અને મન, બુદ્ધિ અહંકાર, કાળ તથા સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણ જે ગુણો છે - આ બધાંનો પરમાર્થ એટલે જે તાત્ત્વિક કારણ છે તે બધું હે અચ્યુત ! આપ જ છો. વળી વિદ્યા, અવિદ્યા, સત્ય, અસત્ય, અર્થ, અનર્થ, પ્રવૃત્તિ તથા નિવૃત્તિ અને વેદમાં કહેલું જે કર્મ છે, તે પણ આપ જ છો. 

હે વિષ્ણુ ! બધાં કર્મોના ફળ ભોગવનાર, દરેક કર્મનાં સાધનો અને દરેક કર્મોનું જે કંઈ ફળ છે, તે પણ આપ જ છો. હે પ્રભુ ! મારામાં, બીજાઓમાં, તે સિવાયનાં બીજાં પ્રાણીપદાર્થોમાં અને સમગ્ર ભુવનોમાં આપની જ વ્યાપ્તિ છે, જે આપના ઐશ્વર્યના ગુણોની સૂચક છે. યોગીઓ આપનું જ ધ્યાન કરે છે, યજ્ઞા કરનારાઓ આપને જ યજે છે-પૂજે છે; અને આપ એક જ દેવો તથા પિતૃઓનું સ્વરૂપ ધરીને હવ્યો તથા કાવ્યો ને જમો છો. હે ઈશ્વર ! અહીં આપનું મોટું સ્વરૂપ વિશ્વરૂપે અથવા બ્રહ્માંડરૂપે રહ્યું છે; તેનાથી સૂક્ષ્મ સ્વરૂપ આ જગતરૂપે રહ્યું છે; તેનાથી પણ સૂક્ષ્મ રૂપો જુદાં જુદાં પ્રાણીઓ તરીકે રહ્યાં છે, તે બધાં પ્રાણીઓમાં જે અંતરાત્મા જીવ રહ્યો છે તે આપનું અતિશય સૂક્ષ્મ રૂપ છે તે આપના પુરુષોત્તમ નામના સ્વરૂપને નમસ્કાર હો. હે સર્વાત્મન ! સર્વ પ્રાણીપદાર્થમાં આપની જે શક્તિ અપરા નામની રહી છે, તે ગુણોના આશ્રયવાળી- ત્રિગુણાત્મક છે; તે આપની સનાતની શક્તિને નમસ્કાર હો. તેમજ બીજી જે આપની શક્તિ પરા નામની છે, તે તો મન-વચન વિષયરૂપ જ નથી, સર્વ વિશેષણોથી રહિત છે છતાં, જ્ઞાનીઓના જ્ઞાનથી જે માપી શકાય છે અથવા જીવાત્માના જ્ઞાનથી જે જાણી શકાય છે, તે આપની પરા શક્તિને હું વંદન કરું છું. જેમનાથી જુદું કંઈ છે જ નહિ, છતાં કાર્યસ્વરૂપ દરેક પ્રાણીપદાર્થથી જે પોતે જુદા જ છે તેમને નમસ્કાર હો.

જે ઈશ્વર સમસ્ત પ્રાણીપદાર્થની અંદર રહે છે અને શુભાશુભ કર્મને જુએ છે તે સર્વના સાક્ષી પરમેશ્વર આપ વિષ્ણુને નમસ્કાર હો. જેમનાથી જુદું આ જગત છે જ નહિ તે અવિનાશી નિર્વિકાર હોઈ સર્વ જગતની આદિમાં હોનાર ધ્યાન કરવા યોગ્ય છે, તે મારા પર પ્રસન્ન થાઓ. જે અવિકારી પ્રત્યગાત્મામાં આ જગત વણાયું છે અને પરોવાયું છે અને તેથી જ આ જગત પણ અક્ષર તથા અવ્યય છે - પ્રવાહસ્વરૂપે નિત્ય જ છે, તે સર્વના આધારભૂત શ્રીહરિ મારા પર પ્રસન્ન થાઓ. ઁકારસ્વરૂપ આપ વિષ્ણુને મારા વારંવાર નમસ્કાર હો.

જેમાં બધું રહ્યું છે જેમાંથી બધું પ્રગટે છે, જે સર્વસ્વરૂપ છે અને જે સર્વના આશ્રયરૂપે છે તે અનંત પરમેશ્વર સર્વમાં રહેલા હોવાથી સર્વવ્યાપી છે. તો આવો  આપણ સૌ પ્રહલાદજીએ કરેલી ભગવાન નારાયણની સ્તુતિનો પાઠ કરીએ અને જેમ પ્રહલાદજી પર ભગવાને કૃપા કરી હતી તેમ ભગવાન નારાયણની કૃપા આપણા સૌ ઉપર બની રહે એ જ અભ્યર્થના સાથે...અસ્તુ !.              

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી