Magazines

ચિંતાના પરિણામનો સ્વીકાર કરવાથી સાચો રસ્તો મળે છે

By GS TEAM
20 May 20265 mins read
ચિંતાના પરિણામનો સ્વીકાર કરવાથી સાચો રસ્તો મળે છે

- ધૃતરાષ્ટ્રે તરત દુર્યોધન, દુ:શાસન, શકુનિ અને કર્ણને બોલાવી ગુપ્ત મંત્રણા શરૂ કરી. આ મંત્રણામાં એવું નક્કી થયું કે કુંતી અને પાંડવોને પાશુપત ઉત્સવમાં ભાગ લેવાના બહાને વારણાવત નગરમાં મોકલવા. ત્યાં ઘી, તેલ, ચરબી, ઘાસ અને લાખથી બનેલા તરત સળગી જાય એવા લાક્ષાગૃહમાં રાખવા અને કૃષ્ણ પક્ષની ચૌદશની અંધારી રાતે તેમને જીવતા સળગાવી દેવા

ધીરે ધીરે નગરજનોમાં પાંડવોની કીર્તિ ફેલાઈ ગઈ. યુધિષ્ઠિર યુવરાજપદ સ્વીકારે એવી ગુસપુસ હસ્તિનાપુરમાં થવા લાગી. પાંડવોની લોકચાહના વધતી જોઈ ધૃતરાષ્ટ્રની ઊંઘ ઉડી ગઈ. તેણે રાજનીતિજ્ઞા મંત્રી કર્ણિકને બોલાવ્યો તેની સલાહ માંગી. કર્ણિકે શત્રુ પર વિજય મેળવવાની અનેક રીતો બતાવી. એમાં એક રીત હતી : 'ય: સ્યાદનુપ્રાપ્ત વધસ્ત સ્થાગારં પ્રદીપયત્' - આદિ પર્વ. 'જો શત્રુને તાત્કાલિક મારવાની ઇચ્છા હોય તો તેમને તેમના ઘરમાં પૂરીને સળગાવી દેવા જોઈએ.'- કર્ણિકની આ સલાહ ચિનગારી સાબિત થઈ.

ધૃતરાષ્ટ્રે તરત દુર્યોધન, દુ:શાસન, શકુનિ અને કર્ણને બોલાવી ગુપ્ત મંત્રણા શરૂ કરી. આ દુષ્ટતાપૂર્ણ મંત્રણામાં એવું નક્કી થયું કે કુંતી અને પાંડવોને પાશુપત ઉત્સવમાં ભાગ લેવાના બહાને વારણાવત નગરમાં મોકલવા. ત્યાં ઘી, તેલ, ચરબી, ઘાસ અને લાખથી બનેલા તરત સળગી જાય એવા લાક્ષાગૃહમાં રાખવા અને કૃષ્ણ પક્ષની ચૌદશની અંધારી રાતે તેમને જીવતા સળગાવી દેવા. વિદુર- ધૃતરાષ્ટ્ર અને ચંડાળ ચોકડીની રહસ્યમય ગતિવિધિ પર નજર રાખતા હતા. તેમને ગુપ્ત મંત્રણાના નિર્ણયની જાણ થઈ ગઈ. વિદુર ચિંતામાં પડયા. આકળવિકળ થવા લાગ્યા, ભૂખ મરી ગઈ, ઊંઘ ઉડી ગઈ. તેમણે સ્વસ્થ થઈ વિચાર્યું કે, ખાલી ચિંતા કરવાથી કશું નહિ વળે. ચોક્કસ પગલા ભરવા પડશે. કુંતી અને પાંડવોને ગમે તેમ કરીને બચાવવા પડશે. પણ, શું કરી શકાય ? પહેલા વિચાર આવ્યો કે, કૌરવોની કપટલીલાની વાત ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્યને કરવી જેથી તેઓ ધૃતરાષ્ટ્રને આવું પાપ કરતા રોકે ! પણ મુદ્દો એ હતો કે તેમની પાસે આ વખતે કોઈ પુરાવો નહોતો, જેથી ધૃતરાષ્ટ્રનું કપટ સિદ્ધ થાય. આ સંજોગોમાં શું કરવું ? ઘણો વિચાર કર્યો પણ ચિંતામુક્ત થવાતું નહોતું. છેવટે વિદુરે આ કપટલીલાના પરિણામનો વિચાર કર્યો. જો લાક્ષાગૃહમાં આગ લાગે તો શું થાય ? કુંતી અને પાંડવો જીવતાં સળગી જાય. અને કૌરવો તેમના મોતથી રાજી થાય. તેમના જીવનમાંથી કાંટો નીકળી જાય. કાયમ માટે નડતર દૂર થઈ જાય. છેવટે વિદુરને એક રસ્તો મળી ગયો. તેમણે વારણાવત અને લાક્ષાગૃહની જાણકારી ભેગી કરી અને પછી લાક્ષાગૃહમાંથી બહાર નીકળવા માટે એક ગુપ્ત સુરંગખોદાવડાવી. સુરંગનો બીજો છેડો ગંગા નદીના કિનારે લઈ જતો હતો ત્યાં તેમણે અગાઉથી એક હોડી તૈયાર કરાવડાવી જેમાં બેસીને તેઓ નદી પાર કરી જંગલના રસ્તે વારણાવતથી દૂર જઈ શકે અને કોઈને ગંધ સુધ્ધાં ન આવે કે કુંતી અને પાંડવો લાક્ષાગૃહમાંથી જીવતા છટકી ગયા છે.

મહાભારતની કથા મુજબ વિદુરજી ચિંતાના પરિણામનો સ્વીકાર કર્યા પછી તેનો સચોટ ઉકેલ શોધી શક્યા હતા. એવું ભાગ્યે જ કોઈ હશે જેણે ચિંતા ન કરી હોય. ચિંતાના વંટોળથી બચી શકાતું નથી અડધો પુલ પસાર કર્યો હોય કે ખુલ્લા મેદાનમાં ઊભા હોઈએ અને અચાનક વરસાદ આવે તો આપણે કોરા ના રહી શકીએ. એમ અણગમતી પરિસ્થિતિની ચિંતાના છાંટા પડયા વગર રહે નહિ. ચિંતા આપણું સુખ, શાંતિ, નિરાંત અને પ્રસન્નતા છીનવી લે છે. પણ ્રીિી ૈજ િીદ્બીઙ્ઘઅ ર્કિ ીદૃીિઅ ઉર્િિઅ . દરેક ચિંતાનો કોઈને કોઈ ઉપાય જરૂર હોય છે. આપણે બદામ ખાતા હોઈએ ત્યારે એમાં એક કડવી બદામ આવી જાય તો શું કરીએ ? ચિંતા કરીએ ? ના. તરત તેનો ઉપાય શોધીએ. કાં તો કડવી બદામ થૂંકી કાઢીએ અથવા બીજી સારી બદામ ચાવીને કડવાશ ઓગાળી નાખીએ અને કડવાશ દૂર થતા જ એ વાતને ભૂલી જઈએ. સમજદાર ગૃહિણી દૂધ બગડી જાય તો ફેંકી નથી દેતી.તે ફાટી ગયેલા દૂધમાંથી માવો કાઢી સ્વાદિષ્ટ પેંડા બનાવે છે. કોઈ પણ ચિંંતાજનક પરિસ્થિતિનું અંતિમ પરિણામ વધારેમાં વધારે શું આવી શકે એનો વિચાર કરવાથી- અને પરિણામ આવી જ ગયું છે એમ ધારી લેવાથી ભય દૂર થાય છે અને ચિંતા દૂર કરવાનો સાચો રસ્તો મળી જાય છે.

ન્યૂયોર્કમાં રહેતા વિલિસ એચ. કેરિયરે એરકંડિશન ઉદ્યોગની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તે બફેલો ફોર્જ કંપનીમાં નોકરી કરતા હતા. ફેક્ટરીમાં ગેસના શુદ્ધીકરણ માટે એક મશીન બનાવી આપવાનું કામ એમને સોંપાયું હતું. તેમણે એવું મશીન બનાવવાનું હતું કે, તે ફેક્ટરીમાં બળતણ માટે વપરાતાગેસને શુદ્ધ કરે કે જેથી મુખ્ય એન્જીનને કોઈ નુકસાન ના થાય. કારણ કે એમાં ફેક્ટરીના લાખો ડોલરનું રોકાણ થયેલું હતું. મિ. કેરિયરે કામ શરૂ કર્યું પણ એક પછી એક મુશ્કેલી પડવા લાગી. તે જે મશીન બનાવતા એ ગેરંટી પ્રમાણે કામ કરતું નહોતું. બે- ત્રણ નિષ્ફળતા પછી તે નિરાશ થઈ ગયા. ચિંતા વધવા લાગી. ચિંતાની અસર શરીર અને મન પર થવા લાગી. પેટ અમળાવા લાગ્યું, મન ઉદાસ રહેતું, ચેન પડતું નહોતું પછી તેમણે વિચાર્યું આમ નહિ ચાલે. જે થાય તે થવા દેવું પણ પ્રયત્ન છોડવો નહિ. તેમણે મશીન વિષે બને એટલી જાણકારી ભેગી કરી, બીક રાખ્યા વગર ઝીણવટથી કામ શરું કર્યું. આ વખતે તે જે મશીન બનાવતા હતા તે જો નિષ્ફળ જાય તો કંપનીને વીસ હજાર ડોલરનું નુકસાન થાય તેમ હતું. તેમની નોકરી પણ જાય અને પોતાની કેરિયર પર ડાઘ લાગે તે અલગ ! તે હિંમત કરી કંપનીના હેડ એન્જીનીયરને મળ્યા, સમજાવ્યા, કહ્યું : 'સારું મશીન બનાવવા પાંચ હજાર ડોલરના વધારાના સાધનોની જરૂર પડશે. કંપનીએ મંજુરી આપી અને મિ. વિલિસે અખતરો કરી અદ્ભુત મશીન બનાવ્યું. પરિણામ સંતોષકારક આવ્યું. કંપનીના પંદર હજાર ડોલર બચ્યા અને તે ચિંતામુક્ત થઈ ગયા. જો આવી પડેલી મુશ્કેલીની જ ચિંતા કર્યા કરી હોત તો તેમનો ઉત્સાહ મંદ પડી ગયો હોત અને ભવિષ્યમાં પણ જોખમ લેવાની બીક લાગત. ગમે તેવી નુકસાનીનો એકવાર સ્વીકાર કરી લેવાથી મનનો ડર દૂર થાય છે અને કામ કરવાનો ઉત્સાહ મંદ પડતો નથી.

આપણે જ્યારે ચિંતામાં હોઈએ છીએ ત્યારે મન અહીં- તહીં ભટકતું રહે છે. સાચો નિર્ણય લઈ શકતા નથી. વર્તમાનના રોજિંદા કામોમાં ભૂલો પડે છે. પરંતુ મન એકવાર ખરાબમાં ખરાબ પરિણામનો સ્વીકાર કરી યોગ્ય, નિર્ણય લે તો તે તણામુક્ત ચિંતામુક્ત થઈ સારો નિર્ણય લઈ શકે છે અને નવો માર્ગ, નવી દિશા મળવાથી કામ સારું, સચોટ અને પ્રગતિકર થાય છે.

- સુરેન્દ્ર શાહ