Get The App

શેઠ નરશી નાથા : માનવતાનો ઝળહળતો દીપક, કચ્છના જ્યોતિર્ધર

આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Updated: Feb 19th, 2020

GS TEAM

Google News
Google News

શેઠ નરશી નાથા સં.1842ના 11મી ડિસેમ્બરે અવસાન પામ્યા ત્યારે માનવતાનો ઝળહળતો દીપક આથમી ગયો.કિંતુ એમની સ્મૃતિ આજે પણ સર્વત્ર છે.

કચ્છની કીર્તિકથાઓ વિરલ છે. કચ્છના શેઠ નરશી નાથાને સંભારીએ ત્યારે એમ લાગે છે કે આ માનવીનો જન્મ માનવતાના દીપકને પ્રકાશવંત કરવા માટે થયો છે.

શેઠ નરથી નાથાનો જન્મ સંવત 1784માં કચ્છના નલિયા ગામમાં થયો હતો. કચ્છમાં દુકાળ તો વારંવાર પડે. સં.1801માં કચ્છમાં દુકાળ પડયો. નરશી અને તેના પિતા મુંબઈ આવ્યા. મુંબઈમાં આવીને તેમણે કઠિન મહેનત કરીને પૈસા કમાવા કોશીશ કરી. એટલે સુધી કે ઘરે ઘરે જઈને ચોખ્ખું પાણી પહોંચાડવા મદદ કરી. યુવાન નરશીને તેના સૌજન્યપૂર્ણ વ્યવહારને કારણે સૌની મદદ મળી.

અંગ્રેજોના જમાનામાં તે સમયે રૂનો વેપાર ધમધમતો થયો. યુવાન નરશીએ તેમાં ભાગ્ય અજમાવ્યું, અને સફળતા મળી. કિંતુ તે સમયે તેણે એક તરફ પૈસા કમાવાના શરૂ કર્યા અને બીજી તરફ માનવતાના કાર્યો પણ શરૂ કર્યા. જ્ઞાતિમાં એકતા વધે, જેને જરૂરત છે તેને મદદ મળે તે માટે તેણે પ્રયત્નો શરૂ કર્યા. કચ્છના ગામેગામથી જ્ઞાતિબંધુઓને મુંબઈ બોલાવીને વેપારમાં સ્થિર કરવા લાગ્યા. કચ્છના ગામડાઓમાં જ્ઞાતિઓના છોકરાઓને ભણાવવા માટે સ્કુલની ફીની મદદ કરવા માંડી. જ્ઞાતિબંધુઓને દેશના જુદા જુદા ભાગોમાં મોકલી વેપારમાં વૃદ્ધિ કરવા માંડી. સમગ્ર જ્ઞાતિને એક જ રીતરિવાજમાં જોડવા માંડી.

શેઠ નરશીનાથા ધર્મની ભક્તિ પણ કરતા હતા. તેમણે મુંબઈમાં અનંતનાથ જિનાલય બંધાવ્યું. અનંતનાથ ટ્રસ્ટ ખડું કર્યું. તેની આસપાસ અનંત નિવાસ, અનંત છાયા, અનંત ભુવન જેવી અનેક ઇમારતો ખડી કરીને જ્ઞાતિજનોને વસાવ્યાં.

નિરંતર સાધર્મિકોની ચિંતા કરતા શેઠ નરશી નાથાને મુંબઈના કોર્પોરેશનના વહીવટદારો તરફથી તકલીફ તો ઘણી પડી પણ તેમણે અડગ રહીને પોતાનું કાર્ય આગળ ધપાવ્યું અને પૂર્ણ કર્યું.

કોઈપણ સારા કાર્યમાં તકલીફ આવે તે સ્વાભાવિક છે. કિંતુ નરશીનાથા જેવા માનવતાવાદી મનુષ્યો તેનાથી ચલિત થતા નથી. પરંતુ વધારે હિંમતપૂર્વક આગળ વધે છે અને દુનિયામાં એક નવી મિશાલ ખડી કરે છે.

આ બધી એ જમાનાની વાતો છે જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. કોઈપણ કોમ સંપીને રહેવામાં માનતી ન હતી, નાની નાની વાતોમાં વેરઝેર વધી જતા હતાં.

એ સમયે શેઠ નરશી નાથાએ કરેલાં કાર્યોની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

શેઠ નરશી નાથા પૈસા કમાતા ગયા અને તેમની પ્રસિધ્ધિ પણ વ્યાપક થઈ. તેમણે કચ્છમાં નલિયા અને જખૌની વચમાં મુસાફરો માટે પરબ, વાડી, વાવ, ધર્મશાળા વગેરે બંધાવ્યાં. નલિયામાં પણ ધર્મશાળા બંધાવી. માંડવીમાં વિશ્રાંતિગૃહ ખડું કર્યું. ઠાકરસી વેરસી પીરને સાથે રાખીને ચંદ્રપ્રભુ ભગવાનનું સુંદર જિનાલય બંધાવ્યું. અંજારમાં અચલગચ્છ પરંપરાના જિનાલયનો જિર્ણોધ્ધાર કરાવ્યો. ઠેરઠેર સદાવ્રતો અને ભોજનશાળાઓ બંધાવી.

શેઠ નરશી નાથાએ જોયું કે જ્ઞાતિમાં કન્યાવિક્રમના નામે દુષણ ફરી વળ્યું છે. તેમણે કચ્છના મહારાવ દેશળજી સાથે મીટીંગ કરી અને ચર્ચા કરીને જ્ઞાતિમાંથી તે દુષણ દૂર કરાવ્યું. મુંબઈથી સિધ્ધાચલનો સંઘ કાઢયો. કચ્છના બાવન ગામથી જ્ઞાતિજનોને એકઠા કરીને તેમણે જ્ઞાતિમેળો યોજ્યો. આ જ્ઞાતિમેળાનું આયોજન તેમણે જીવનભર જાળવી રાખ્યું.

કર્ણાટકના કુમઠા ગામમાં તેમણે દેરાસર બંધાવ્યું. ત્યાંથી દશ કિં.મી.દૂર વાલગિરિ જંગલમાં વિશાળ જગ્યા ખરીદી. આ જમીનમાં એલચી, લવીંગ, જાયફળ, કાજુના ખેતરો વિકસાવ્યાં. ત્યાં જ્ઞાતિજનોને વસાવ્યા. એ જ્ઞાતિજનોને ધર્મસાધનામાં તકલીફ ન પડે તે માટે ત્યાં દેરાસર પણ બંધાવ્યું. આ ખેતરો આજે પણ જ્ઞાતિના ટ્રસ્ટ પાસે જ છે. 

શેઠ નરશી નાથા દયાળુ અને ઉમદા માનવી હતા. સારું કાર્ય કરવા માટે નિરંતર વિચાર કરતા અને તેને અમલમાં મૂક્તા. તે સમયમાં કચ્છના લોકો કહેતા કે જ્યાં સુધી શેઠ નરાશી જીવે છે ત્યાં સુધી ઓશવાળ જ્ઞાતિને કોઈ તકલીફ નથી.

શેઠ નરશી નાથા સતત દાન કરતા હતા. તેઓ કહેતા હતા કે જીવનમાં વેપાર તો કરીશું અને ઘણું ધન પણ કમાઈશું પરંતુ જો કોઈને કામમાં આવીશું તો જીવન લેખે લાગશે. શેઠ નરશી નાથાએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક જ્ઞાતિબંધુઓને સમૃધ્ધ કર્યા.

જૈનોમાં એકકાળે એવો રિવાજ હતો કે કોઈને મદદ કરવી અને ખબર પડવા ન દેવી. આ કાર્ય શેઠ નરશી નાથા કુશળતાપૂર્વક કરતા હતા. તેઓ પ્રભાવના માટે લાડુ તૈયાર કરાવતા અને તેમાં સોનાની ગીની મૂકીને નબળા જ્ઞાતિજનોને ગૂપચૂપ પહોંચાડી દેતા !

શેઠ નરશી નાથા સં.1842ના 11મી ડિસેમ્બરે અવસાન પામ્યા ત્યારે માનવતાનો ઝળહળતો દીપક આથમી ગયો. કિંતુ એમની સ્મૃતિ આજે પણ સર્વત્ર છે. મુંબઈમાં નગરપાલિકાએ સં.1968માં મસ્જિદ બંદરમાં માંડવી વિસ્તારના એક ધમધમતા રોડને નરશીનાથા સ્ટ્રીટ નામ આપ્યું છે.

Tags :