Magazines

પથ્થરોમાં પણ પ્રાણ હોય છે...આ મૂર્તિ નથી, જીવંત તત્વ છે...

By GS TEAM
29 Apr 20263 mins read
પથ્થરોમાં પણ પ્રાણ હોય છે...આ મૂર્તિ નથી, જીવંત તત્વ છે...

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

આ હતી તો રૂપસુંદરી, પણ આજે પૂરવાર થઈ હતી મૃત્યુ સુંદરી... એની કામણગારી કાયા આજે કલ્પાંતકારી બની હતી. એનો નમણો હાથ આજે યમરાજનો હાથ બન્યો હતો.

આંખોના કટાક્ષ-બાણો ફેંકીને નગરના હજારો યુવાનોને ઘાયલ કરવાની શક્તિ ધરાવતી આ રૂપરમણી આજે આંખોમાંથી અંગારા વરસાવતી અને હાથથી તલવાર ચલાવતી તે આસુરી શક્તિને જેર કરીને હજારો યુવાનોને ઘાયલ કરી રહી હતી.

કામના મેદાનમાં મેદાન મારનારી આ કામિની આજે રણ મેદાનમાં દુશ્મનોને મરણ આપીને મેદાન મારી રહી હતી.

એના કામકલાના દાવ જોઈને પાગલ બનનારા એના પતિના દુશ્મનો આજે એની યુદ્ધકલાને જોઈને પાગલ બન્યા હતા. કામ-શાસ્ત્રમાં નિપુણ કામિની આજે શસ્ત્ર-કામમાં પણ નિપુણ પૂરવાર થઈ હતી.

જગતના ચોકમાં અબલા નામ ધરાવનારી આ નારી આજે પ્રબલા બની હતી. મંદ મંદ પવનની જેમ વહેનારી આ યુવતી આજે વાવાઝોડું બનીને

આવી હતી.

***

મેવાડની ધરતી પર ત્રાટક્યો હતો એક મોગલ બાદશાહ... લોહિયાળ જંગ ખેલનારો એ ઔરંગઝેબ નામનો શાસક મંદિરોનો નાશ કરવા નીકળ્યો હતો.

મેવાડના રાણા રાજસિંહને એણે કહેવાડવ્યું કે કાં દયાળશાહે બનાવેલ મંદિર નષ્ટ કરો, કાં રાજસિંહ મારી શરણાગતિ કરે... નહિતર યુદ્ધ એ જ કલ્યાણ...

સંદેશો સાંભળનાર મંત્રી દયાળશાહે જવાબ આપ્યો - ' ન તો મંદિર નષ્ટ થશે, ન રાણા તમારું શરણ સ્વીકારશે. અમને યુદ્ધ મંજૂર છે.'

યુદ્ધના મેદાનમાં ૫૦૦૦૦નું વિશાળ સૈન્ય લઈને મોગલ બાદશાહ ઔરંગઝેબ તૂટી પડયા. ૧૦-૨૦ હજારનું નાનું સૈન્ય ધરાવતા રાજસિંહ રાણાના મંત્રી દયાળશાહ ખૂબ વીરતાપૂર્વક ઝઝૂમ્યા.. પણ તોય સંખ્યાબળ કામ કરી રહ્યું હતું.

ત્યાં જ મંત્રી દયાળશાહના ભવનમાં બેઠેલ મંત્રીપત્ની પાટમદેને સમાચાર મળ્યા, દયાળશાહનાં સૈન્યમાં ભાગંભાગ ચાલી રહી છે. આ સમાચાર સાંભળતાં જ પાટમદેએ ૨૦૦૦ ક્ષત્રિયાણી - રાજપૂતાણીઓને તૈયાર કરી. શસ્ત્રસજ્જ બની પાટમદે ૨૦૦૦ ક્ષત્રિય પત્નીઓની સાથે રણમેદાનમા ઉતરી પડી.

હાથનાં કંગન પહેરનારી આ નારીઓ હાથમાં તલવારને ઢાલ ધારણ કરીને દયાળશાહની આગળ ઢાલ બનીને આવી ગઈ... ઝાંઝરના ઝમકાર કરનારી આજે રણચંડી બની ગઈ હતી...

એમની યુદ્ધકળા જોઈને ઔરંગઝેબ પણ મોં માં આંગળા નાંખી ગયો, અને સાંજ સુધીમાં યુદ્ધવિરામ જાહેર કરી દીધું. કારણ કે હવે વધુ પ્રમાણમાં સૈન્ય-નાશ ઔરંગઝેબને પોસાય તેમ પણ ન હતો.

***

ઔરંગઝેબની છાવણીમાં દયાળશાહ અને પાટમદે ઊભા હતા. રતિ અને કામદેવ જેવા આ પતિ-પત્નીએ ઔરંગઝેબની સામે ભેટણું ધર્યું.

છાબ પરનો રૂમાલ હટાવતાં ઔરંબઝેબની આંખો તેની છાતી જેવી પહોળી થઈ ગઈ. ચમકતી તલવારને જોઈ 'આ શા માટે ?' ના પ્રશ્ન સાથે ઔરંગઝેબે દયાળશા અને પાટમદે સામે જોયું.

હાથ જોડી પાટમદે નામની રમણી નમણાં શબ્દોમાં નમણાશ ભાવે બોલી - 'બાદશાહ સલામત ! આપ એકવાર અમારા બનાવેલા જિનમંદિરને કલાની દ્રષ્ટિથી નીહાળો. પછી તમને એમ લાગે કે જિનમંદિર બનાવીને અમે ખોટું-ખરાબ કાર્ય કર્યું છે, તો આ જ તલવારથી અમારા બંનેના માથા ધડથી જુદા કરી નાંખજો.'

ભારતીય નારીની યુદ્ધકલા અને વાકકલાથી પ્રભાવિત થયેલ ઔરંગઝેબ દયાળશાહની સાથે કિલ્લામાં ગયા. રાણા રાજસિંહ, દયાળશાહ, પાટમદે સાથે ઔરંગઝેબે જિનમંદિરની એક એક કલાકૃતિ નીહાળી. નવ માળના આ ઉત્તંગ જિનાલય સહિત આકાશને આંબતા કિલ્લાને પણ નીહાળ્યો. બાવન દેરીવાળા આ જિનાલયના એક એક વૈજ્ઞાનિક રહસ્યોને જાણ્યા.

પાટમદેએ રાખેલી ચમકતી-ખુલ્લી તલવારને મ્યાન કરતા તે ઔરંગઝેબે કહ્યું - 'મને આજે જ ખબર પડી કે પથ્થરોમાં પણ પ્રાણ હોય છે. આ મૂર્તિ નહીં, પણ જીવંત તત્વ છે. તમારી આ કલાકૃતિ સદાકાળ અમર રહો.'

શ્રી ઋષભદેવ ભગવાનનું આ જિનમંદિર ધરાવતો કિલ્લો સમય જતાં 'દયાળશાહના કિલ્લા'ના નામથી પ્રસિદ્ધ થયો.

પ્રભાવના

દયાળશાહના કિલ્લામાં બનેલું આ ઋષભદેવ ભગવાનના જિનમંદિરનો ખર્ચ તે સમયે એટલે કે વિક્રમની અઢારમી સદીના મધ્યકાળમાં લગભગ એક કરોડ રૂપિયા જેટલો થવા પામ્યો હતો.

યુદ્ધની આ ઘટનાનો સમય વિક્રમ સંવત્ ૧૭૩૨ આસપાસનો છે. સિસોદિયા ગોત્રના સંઘવી તેજરાજના વંશમાં જન્મ્યા હતા આ વીર સપૂત દયાળશાહ મંત્રી...

ઉદયપુરની નજીક કાંકરોલી ગામ અને રાજસાગર તળાવ વચ્ચે એક પહાડ ઉપર આ ઋષભદેવ ભગવાનનું જિનમંદિર નિર્માણ પામ્યું હતું.

દયાળશાહે ભરાવેલ આદેશ્વર ભગવાનની એક મોટી જિનપ્રતિમા આજે વડોદરા પાસે છાણી ગામમાં પૂજાઈ રહી છે. વિક્રમ સંવત ૧૭૩૨, વૈશાખ સુદ ૭ ગુરૂવારના રોજ પ્રતિષ્ઠિત પામેલ આ જિનપ્રતિમાની અંજનવિધિ કરનાર આચાર્ય ભગવંતો હતા - આચાર્ય વિનયસાગરસૂરિજી મહારાજ અને આચાર્ય દેવસુંદરસૂરિજી મહારાજ.