Magazines

ન વૈદ્યોના ઔષધ બચાવી શકે, ન જોષીની કુંડળીઓ, ન માંત્રિકોના મંત્ર બચાવી શકે, ન તાંત્રિકોની મંડળીઓ

By GS TEAM
27 May 20264 mins read
ન વૈદ્યોના ઔષધ બચાવી શકે, ન જોષીની કુંડળીઓ, ન માંત્રિકોના મંત્ર બચાવી શકે, ન તાંત્રિકોની મંડળીઓ

- મૃત્યુ અવશ્યંભાવી છે... મૃત્યુને મારી નથી શકાતું, એને માણી શકાય છે

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

રંગબેરંગી પતંગિયું એક આવાસમાં પ્રવેશ્યું. આવાસમાં પ્રકાશ માટે રાખેલા એ દીવા તરફ આકર્ષાયું. પતંગિયાને એ દીવામાં પોતાની રંગબેરંગી દુનિયા દેખાઈ. એટલે તે તરફ તે ખેંચાયું.

સૌની પોતપોતાની એક દુનિયા હોય છે. ઇયળોની દુનિયા હોય છે-ગટર. ભૂંડની દુનિયા ગંદકી હોય છે...

કામી જીવોની દુનિયામાંથી બહાર આવેલ એ વ્યક્તિએ આ પતંગિયાને જોયું. પોતાના ભોગ-વિલાસના મહેલમાં ભોગ-વિલાસનો ત્યાગ કરી તે વ્યક્તિ લાકડાની દીવી તરફ એકીટશે જોઈ રહ્યા હતા, ત્યારે તેમણે આ પતંગિયાને દીવા તરફ આવતું જોયું.

મારો આત્મા ભોગના દીવામાં બળી રહ્યો છે. આ અધ્યાત્મ વિચારધારા ભલે તેનામાં ના પ્રગટી, પણ આ પતંગિયું ક્યાંક આ દીવામાં બળી મરી જશે. આ વિચાર તેજ દીવાના તેજમાં પ્રગટ થયો.

પોતાની આત્મ-ચિંતા ભલે તેને ના થઈ, પણ પતંગિયાની દેહ-ચિંતા તેને જરૂર થઈ. અન્ય જીવના દેહને ય દુઃખમાંથી બચાવવાની વિચારણા પણ અંતે તો આત્મ-ચિંતા તરફ જ વળે છે.

પતંગયું દીવામાં બળીને મરી ન જાય, તે વિચારણાથી એ વ્યક્તિએ એ પતંગિયાને પોતાના સત્-પ્રયાસથી બારી બહાર કાઢયું...

પણ, આ તો પતંગિયું... ભોગી જીવોના મન-પતંગિયા જેવું... ગમે તેમ કરીને, તોય તે પાછું અંદર પ્રવેશી જ જાય. પતંગિયું ફરી અંદર પ્રવેશી ગયું. અને દીવા તરફ આગળ વધતું રહ્યું.

અમાસની અંધારી રાતે ય એ વ્યક્તિના મનમાં આ દીવાના સહારે દયાનું અજવાળું પ્રવેશ પામ્યું હતું, તેથી કરૂણાળું તે જીવે ફરી એ પતંગિયાને બહાર કાઢયું.

પણ, મનના ભોગી પતંગિયાની જેમ તે ફરીવાર અંદર પ્રવેશ્યું. અને દીવા તરફ વળ્યું... સાધુ-સંતો જેમ મનના ભોગી પતંગિયાને બચાવવા સતત પ્રયાસરત હોય છે, તેમ આ વ્યક્તિ પણ પતંગિયાને બચાવવા સતત પ્રયત્નશીલ છે.

કલિયુગની અંધારી ક્ષણોએ જેમ મનનું ભોગી-પતંગિયું સંતોનું કહ્યું માનતું નથી, તેમ અમાસની અંધારી રાતે આવી ચડેલું આ પતંગિયું પણ તે વ્યક્તિનું બચાવકાર્ય સ્વીકારતું નથી. અને વારંવાર મન જેમ ભોગ-ચમક્યાં મરવા માટે આવી જાય છે, તેમ આ પતંગિયું પણ વારંવાર આગની-દીવાની ઝળહળ રોશનીમાં મરવા આવી જાય છે.

હવે તે વ્યક્તિએ પતંગિયાને બચાવવાનો બીજો અખતરો વિચાર્યો. કારણ કે આમાં તો વારંવાર નિષ્ફળતા જ મળી રહી હતી. પતંગિયું વારંવાર પાછું ફરી રહ્યું હતું. જેમ સાધુ-સંતો પણ મનના ભોગી-પતંગિયાને બચાવવા માટે અનેક પ્રકારના અખતરા કરતાં હોય છે.

તે વ્યક્તિ ઊભી થઈ. એક નાનકડી છાબડી લીધી અને ધીરે રહીને પતંગિયા પર ઢાંકી દીધી. પતંગિયું તે છાબડીમાં પૂરાઈ ગયું. હવે તે પતંગિયું છાબડીની બહાર નહીં આવી શકે અને પતંગિયું મૃત્યુથી બચી જશે.

નિરાંતજીવે તે વ્યક્તિ નિરાંત પામ્યો. પલંગ પર સૂતો અને નિરાંતે એવા તેના મનમાં વિચાર-પતંગિયું ઊડીને આવ્યું.

'આપણે પ્રયત્નો કરીએ તો મોતને પાછું ઠેલી શકાય છે. અને જો આ પ્રયત્નથી પતંગિયાનું મૃત્યુ અટકી જશે તો  હું મારું મૃત્યુ પણ અટકાવવાના પ્રયત્નો કરીશ. વૈદ્યરાજો, જોષી મહારાજો, માંત્રિકો-તાંત્રિકો આદિ જે પ્રયત્નો કરવા હશે, તે પ્રયત્નો કરીશ. પણ હું મારા મોતને પાછું ઠેલીશ.

અને જો આ પતંગિયું ના બચી શક્યું, તો માનીશ કે દરેકનું મૃત્યુ અવશ્યંભાવી છે. મૃત્યુથી કદી કોઈ બચી શકતું નથી. મૃત્યુને કદાચ થોડી વાર માટે ભટકાવી શકાય, પણ એને ક્યાંય-ક્યારેય અટકાવી શકાય નહીં.'

અને આમ વિચારણામાં અટવાતું વિચાર-પતંગિયું ક્યારેય અટકી ગયું અને તે વ્યક્તિ ઊંઘી ગઈ, તેની ખબર ના પડી. જ્યારે તે સવારે ઊઠી, ત્યારે તેની નજર છાબડી પર પડી. અને છાબડીની નજીક રહેલી એક ગરોળી પર પણ પડી. એને વહેમ પડયો. છાબડી ઊંચી કરી. તો જાણ થઈ કે પતંગિયું આ ગરોળીનું ખાણું બની ગઈ હતી. ગરોળી એનો કાળ બની ગઈ હતી. ગરોળી એ પતંગિયાનો કોળિયો કરી ગઈ કે કાળ એનો કોળિયો કરી ગઈ. વાત એક જ હતી. અને વાત એકદમ સ્પષ્ટ હતી કે મૃત્યુને કોઈ ક્યારેય ક્યાંય ટાળી શકતું નથી.

મૃત્યુને એ વૈદ્યોના ઔષધ બચાવી શકતા નથી. જોષી મહારાજાઓની કુંડળીઓ પણ મૃત્યુના કુંડાળામાંથી જીવોને બચાવી શકતી નથી.

માંત્રિકોના મંત્રો કે તાંત્રિકોના તંત્રો પણ મૃત્યુથી બચાવી શકતા નથી. મૃત્યુને મારી નથી શકાતું, પણ મૃત્યુને માણી શકાય છે.

આ વિચારણાથી ઉપર ઊઠીને રત્નપુરીના રાજા રત્નમુગુટ નામની એ વ્યક્તિ આ પ્રસંગથી પ્રતિબોધ પામી. જાતિસ્મરણ જ્ઞાન થયું. દીક્ષા લીધી. પ્રત્યેકબુદ્ધ બનીને મોક્ષપદ પામ્યા.

પ્રભાવના

પ્રત્યેકબુદ્ધ એટલે નિમિત્તને પામીને જેનો અંતરાત્મા જાગી જાય. પોતાની ક્ષુદ્ર વિચારણા એને સિદ્ધ તરફ આગળ વધારવામાં નિમિત્ત બને. નિમિત્તની પ્રતિબોધ પામે અને પછી વૃદ્ધત્વ-સિદ્ધત્વ પણ જાતે પામે.

બાહ્ય નિમિત્તોથી આંતર-બોધ પામે...

દેવતત્વો જેમને રજોહરણ આપીને દેવત્વ પમાડે...

એકાકી વિચરે, એકાંત માણે પણ એકલતાથી ના પીડાય, તે છે પ્રત્યેકબુદ્ધ... જાતે બોધ પામીને જગતને પ્રતિબોધની દિશા આપે...