Magazines

શું 32000 રૂપિયામાં મારા પિતાજીને વેચી દઉ?

By GS TEAM
26 Nov 20254 mins read
શું 32000 રૂપિયામાં મારા પિતાજીને વેચી દઉ?

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

''મારા પિતાજી કોઈ બજારમાં વેચવાની ચીજ નથી કે આ રીતે તમે બોલી રહ્યાં છો ? અને એ પણ માત્ર ૩૨૦૦૦ રૂપિયા માટે... તમારે જોઈતા હોય તો પાંચ લાખ આપી દઉં પણ આ મારા માટે શક્ય નથી.લ્લલ્લ

આર્યદેશ ભારતની રાજધાની દિલ્લીમાં એક માણસ આવ્યો. તે સમયના ત્યાંના એક ધનાઢય વેપારીની દુકાને ચડયો. અને બોલ્યો - 'શેઠજી, તમારા પિતાજી સાથે મારે ખૂબ જ સારા સંબંધો હતા. અમારે તેમની વચ્ચે સારો વ્યવહાર ચાલતો. પૈસાની લેતી-દેતી પણ થતી.'

'બરાબર છે. મારા પિતાજીને બહુ મોટો વ્યવસાય હતો. તેમની શાખ પણ સારી. દરેક સાથે સારી વ્યવહાર રાખતા. પૈસાના લેવડ-દેવડ પણ ઘણી હતી.'

'તો, હવે, આગળની વાત સાંભળો, મહત્ત્વની વાત.'

'બોલો.'

'તમારા પિતાજી સાથેનો બધો જ વહીવટ આમ તો પતી ગયો. પણ ૩૨૦૦૦ રૂપિયા બાકી રહ્યા છે. અર્થાત્ મારે લેવાના બાકી છે. તમારા પિતાજી આપવાનું ભૂલી ગયા હશે. અથવા તો એમનો સમય વહેલો પૂરો થઈ ગયો હશે. તમારા પિતાજી હયાત હોત તો તો એ સામેથી આપી દેત. પણ અત્યારે એ હયાત નથી. એટલે શું કહેવું? પિતાજીની બાકી રહી ગયેલ રકમ તમે ચૂકવી દ્યો ? આગંતૂકે પોતાના આગમનની સ્પષ્ટતાની છડી પોકારી.'

પેલા ધનાઢય વેપારીએ કહ્યું - 'એક વાતની સ્પષ્ટતા કરી દઉં. મારા પિતાજીનો વહીવટ એકદમ પારદર્શી હતો. તેઓ ગયા એ પહેલા બધું ચોખ્ખું કરીને ગયા. લેવડ-દેવડની બધી નોંધ તેઓ કરતા. તેમણે જતાં પહેલા બધાને પૈસા ચૂકવી દીધા હતા. અને જે બાકી હતા, તે બધુ મને જણાવીને ગયા છે. બધા નામો ચોપડે જ છે. હું હમણાં જ જોવડાવી દઉં.'

ચોપડા બધા જોવડાવ્યા પછી વેપારીએ કહ્યું - 'તમારું નામ આમાં ક્યાંય છે. નહીં... અર્થાત્ આપવાના કોઈ થતાં નથી. અને તમારે લેવાના થતા નથી.'

'બની શકે કે તેઓ ચોપડામાં નોંધવાનું ભૂલી ગયા હોય ?'

'ના, એ શક્ય જ નથી. આજ સુધીનો તેમનો ઈતિહાસ બોલે છે કે તેમના વહીવટમાં ક્યાંય ગરબડ થઈ નથી.'

'તમારી એ ભૂલ છે. અને મારે પૈસા લેવાના બાકી છે. એ હવે તમારે આપવા જ જોઈએ.'

'તમારે લેવાના બાકી નીકળતા હોત તો હું અબઘડી આપી દેત. પણ લેવાના બાકી છે નહીં.'

આ વાર્તાલાપ પછી આગંતુક ત્યાંથી નીકળી જાય છે. અને ત્યાંથી તે સમયના દિલ્હીના સુલતાન પિરોજ સિંહના દરબારમાં જાય છે. અને પોતાની વાત જણાવે છે.

બાદશાહના દરબારમાં એક તરફ ઊભા છે વેપારી અને બીજી તરફ ઊભા છે આગંતુક સજ્જન. જે વાત વેપારીની દુકાને થઈ હતી, તેના અનુસંધાનમાં બાદશાહે પૂછયું - 'બોલો, શું કહેવું છે ? તમારું પિતાજીનું દેવું છે કે નહીં ?'

'મારા પિતાજીનું દેવું હોત તો હું અવશ્ય ચૂકવી દેત. અને પિતાજીનું દેવું ચૂકવવું એ દરેક દીકરાની ફરજ છે.' વેપારીએ સરસ રીતે જણાવ્યું.

તે પછી આગંતૂકે ખૂબ જ પ્રેશર કર્યું. પણ વેપારીએ જરાય મચક ના આપી.

બે ટાઈમ પ્રતિક્રમણ અને ત્રણ ટાઈમ જિનપૂજા કરનારા આ વેપારી જગતસિંહે કહ્યું - 'મારા પિતાજીની પ્રામાણિકતા પર આ વાત કલંકરૂપ છે. પૈસા આપવાનો વાંધો નથી. પણ બાકી રહી ગયા છે. એ વાત બરાબર નથી.'

આગંતૂક માણસ પણ જગતસિંહના પિતાજી મદનસિંહની પ્રામાણિકતાથી વાકેફ હતો. એમની ઉદારતા. ધર્મથી પ્રભાવિત હતો. એ માણસનો લેવડ-દેવડ અને વેપાર મદનસિંહ સાથે સરસ ચાલતો હતો. હવે એના પુત્ર જગતસિંહ સાથે પણ કરવો જ હતો. પણ એ તેના દીકરા જગતસિંહના સત્ત્વ-ન્યાયપ્રિયતા આદિ ચકાસવા ચાહતો હતો. એટલે બાદશાહ સાથે મસલત કરીને આ નાટક ઊભુ કર્યું હતું. અને હવે આ નાટકના છેલ્લા એપિસોડ તરીકે છેલ્લો ઘા નાંખ્યો.

'જો તમારા પિતાજીને પૈસા આપવાના બાકી ના હોય તો ખાઓ તમારા પિતાજીની સોગન. આ ભરી સભામાં સૌની સામે પિતાજીના સોગન ખાઈને કહી દે.'

હવે જગતસિંહ કહે છે - 'હું સાચો છું. પણ પિતાજીના સોગન નહીં ખાઉ. સોગન ખાવા એટલે પિતાજીને - પિતાજીની શાખને વેચી દેવી. અને આ રીતે હું પિતાજીને ૩૨૦૦૦ રૂપિયા માટે વેચી દેવા નથી માંગતો. ૩૨૦૦૦ તો શું ચીજ છે. પાંચ લાખ હોય તો પણ આ રીતે પિતાજીને વેચું નહીં. જોઈતા હોય તો પાંચ લાખ આપી દઉ. બાકી, બાકી રહેલ છે માટે આપી દેવાની કોઈ વાત નહીં.'

વાતે વાતે, ખોટી-ખોટી સોગન ખાનારા માણસો માટે આ કિસ્સો પ્રેરણાદાયક છે. ૬૦૦ વરસ પહેલાનો આ પ્રસંગ એ જ જણાવે છે કે સોગન ખાતા પૂર્વે સો વાર નિચારજો.

અને છેલ્લે, પેલા ચિંતકની એક પંક્તિ-

'સત્યને સાબિત કરવું પડે, એ સત્ય માટે એક કલેકરૂપ છે.'

પ્રભાવના

પહેલી ડિસેમ્બરે આવતી મૌન એકાદશી આપણને એક વાત જણાવે છે કે જીવનમાં મૌન આતે આવશ્યક છે. ખોટું-ખરાબ-અસભ્ય-અસત્ય-કસમયે બોલના કરતો મૌન રાખવું હિતાવહ છે. આજના દિવસે અનેક તીર્થકરોના દીક્ષા આદિ દિવસો છે કુલ ૧૫૦ (દોઢસો) કલ્યાણક આજના દિવસે છે. આજના દિવસે સંપૂર્ણ મૌન પાળવાથી દોઢસો કલ્યાણકની આરાધનાનો લાભ મળે છે.

માત્ર વચનનું જ મૌન નહીં : માત્ર ભોજનનું જ મૌન નહીં, પણ મનનું પણ મૌન રાખવું જોઈએ.

આજના દિવસે ખરાબ બોલવું નહિ તેમ ખરાબ વિચારવું પણ નહિ. આમ મનના મૌન સાથેની આરાધના એ પરમાત્માના કલ્યાણકનું સન્માન-બહુમાન છે, એને ઈમાન સાથે નિભાવીએ.