Magazines

સંસારની આગથી બચાવે અને સંયમના બાગમાં વસાવે એનું નામ સાધુ, મરતાં બચાવે અને જીવતા શીખવાડે એનું નામ સાધુ

By GS TEAM
25 Mar 20264 mins read
સંસારની આગથી બચાવે અને સંયમના બાગમાં વસાવે એનું નામ સાધુ, મરતાં બચાવે અને જીવતા શીખવાડે એનું નામ સાધુ

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

'સૂર્ય ક્યાં છે ?'

' બારમાં ભુવનમાં ?'

' શું કહ્યું ? બારમાં ભુવનમાં ?'

' તો હવે અહીં ભયંકર આપત્તિ આવશે. આ નગરી બળીને રાખ થઈ જશે. અહીં રહેવામાં હવે ખતરનાક જોખમ છે. આપણે વિહાર કરવો પડશે.'

' પણ હજુ તો ચોમાસું ચાલે છે.'

આપણે આ કારતક સુદ-૧૪ના દિવસે ચોમાસી ચોદશનું પ્રતિક્રમણ કરીને પૂર્ણાહુતિ લાવી દઇશું ચોમાસાની.'

' પણ આ વખતે બે કારતક મહિના છે. અત્યારે પહેલો કારતક મહિનો છે. શાસ્ત્ર પ્રમાણે તો ચોમાસી ચોદશનું પ્રતિક્રમણ બીજા કારતક મહિનાની ચૌદશે થાય. આમ બીજા કારતકમાં ચોમાસાની પૂર્ણાહુતિ થશે.'

'બરાબર છે વત્સ ! પણ ત્યાં સુધીમાં તો આ નગરીનો ખાત્મો બોલાઈ જશે. એક પ્રચંડ નિમિત્તના બળે અગ્નિ પ્રકોપ થશે અને આ નગરી સળગીને રાખ થઈ જશે. એટલે આ નગરી તો રાખ થઈ જશે. પણ આપણે રાખ ના થઈ જઈએ માટે આપણે ચોમાસાની પૂર્ણાહુર્તિ પ્રથમ કારતક મહિનાની ચૌદશે એટલે કે આ જ કારતક મહિનાની ચૌદશે ચોમાસી પ્રતિક્રમણ કરવા દ્વારા કરી જ દેવી પડશે ?

'આમાંથી બચવાનો કોઈ ઉપાય ? અર્થાત્ આ નગરીને આ આફતમાંથી બચાવવાનો કોઈ ઉપાય, ગુરૂજી ?'

'ના, આ સમૃદ્ધ, પ્રાચીન, પ્રસિદ્ધ નગરીને આ આગની આફતમાંથી બચાવવાનો કોઈ ઉપાય નથી. આ કુંડળીના લગ્નમાં બારમા ભુવનમાં (બારમા સ્થાનમાં) જે સૂર્ય છે, તે આ મોટી નગરીના મહાવિનાશનું કારણ છે.'

આ વાર્તાલાપ ચાલી રહ્યો છે, મહાન ગુજરાતની મહાન નગરી ભીલડીપુર નગરીનાં વિશાલ ઉપાશ્રયમાં જૈનાચાર્ય શ્રીમદ્ સોમપ્રભુસૂરીશ્વરજી મહારાજા અને તેમના જયોતિષ વિશારદ શિલ્પ વચ્ચે.

પોતાના નિમિત્તશાસ્ત્રના બળે આ આવનારી આફતને તેઓએ જાણી એટલે તરત જ તેઓ એ નિર્ણય પર આવ્યા કે હવે આ નગરને આપણે અલવિદા આપવી જ રહી. તેથી ચોમાસી ચૌદશ બીજા કારતક મહિનામાં આવતી હોવા છતાં, પ્રથમ કારતક મહિનામાં જ ચોમાસી ચૌદશની આરાધના કરવાનો અફર નિર્ણય લેવામાં આવ્યો.

ત્યારબાદ બે કામ કરવામાં આવ્યા.

પ્રથમ કાર્ય, સંપૂર્ણ નગરજનોને જાણ કરવામાં આવી કે આ નગરીને વહેલામાં વહેલી તકે ખાલી કરી દેવી. પોતપોતાના મકાન સિવાય જે લેવું હોય, એ લઈ લ્યો.

બીજું કાર્ય, સમસ્ત આરાધકોને જણાવવાનું કર્યું કે જેમણે પણ ચોમાસાની આરાધના કરવી હોય, તેમણે પ્રથમ કારતક મહિનામાં જ કરી લેવી. કારતક પૂર્ણિમાની સાધના જૈન-જૈનેતરો સૌ કરતાં હોય છે. સૌ લોકો ચોમાસાની સાધના કરતા હોય છે. તે તમામને જણાવી દેવામાં આવ્યું કે ચોમાસાની પૂર્ણાહુતિ પ્રથમ કારતકની ચૌદશ-પૂર્ણિમામાં કરી લેવાની.

નગરજનોએ તૈયારીઓ પ્રારંભી દીધી. ચોમાસીની સાધનાની પૂર્ણાહુતિની અને એની સાથે સાથે નગરીમાંથી હિજરત કરવાની.

સૌ નગરજનો આ જૈનાચાર્યને વંદન કરીને અને અભિનંદન આપીને આગળ વધી રહ્યા હતા.

બધા એકમુખે કહી રહ્યા હતા. જો આ જૈનાચાર્ય ના હોત તો આપણે આ મુદ્દામાલ સાફ થઈ જાત..અરે, આપણે પણ બળીને રાખ થઈ જાત. જૈનાચાર્યશ્રીનો ઉપકાર ક્યારેય નહીં વીસરાય.

આચાર્યશ્રી કહેતા, આમાં મારો કોઈ પ્રભાવ નથી. આ બધો જ પ્રભાવ છે, ભગવાન મહાવીરના શાસનનો. જિનશાસનના ચરણે-શરણે ભણવા મળેલા શાસ્ત્રોના પ્રભાવે હું આ બધું જાણી શક્યો અને જણાવી શક્યો. મારા ગુરુ આચાર્યશ્રી ધર્મઘોષ સૂરીશ્વરજી મહારાજાની મહતી કૃપા પ્રાપ્ત થઈ અને હું આવા દુર્ગમ શાસ્ત્રોનો અવબોધ સરળતાએ કરી શક્યો.

જૈનાચાર્ય શ્રી સોમપ્રભુસૂરીશ્વરજી મહારાજાએ માત્ર આવનારી આફતથી સૌ નગરજનોને બચાવ્યા એટલું જ નહીં, પણ આ નગરીને છોડયા પછી જવું ક્યાં, રહેવું ક્યાં, જીવવું ક્યાં, આ બધા જ પ્રશ્નોનો નીવેડો પણ લાવ્યા.

ભગવાન મહાવીરના શાસનના આ ધર્મધુરંધરો સાચા અર્થમાં ધર્મધુરંધરો હતા. તેમણે સંસારના જીવોને બચાવ્યા પણ છે અને સારા સ્થળે વસાવ્યા પણ છે. સંસારની આગથી બચાવે અને સંયમના બાગમાં વસાવે, એનું નામ સાધુ.

ભીલડીપુરથી કોસો દૂર જઈને એક નવું જ નગર વસાવવામાં આવ્યું. ચોમાસાની આરાધનાથી બનેલું આ નગરને નામ આપવામાં આવ્યું. આરાધનપુર- જે સમય જતાં રાધનપુર બની રહ્યું. અને ભારતની આઝાદી વેળાએ (ઇસ્વીસન ૧૯૪૭માં) પાકિસ્તાન જવાના અણી ના સમયે એક જૈન શ્રાવકના સત્પ્રયત્ને  આ રાધનપુર ભારતમાં જ બચી રહ્યું. ધન્ય શ્રાવક... ધન્ય જૈનાચાર્ય...

પ્રભાવના

ભારતીય જ્ઞાાનપરંપરાના ઇતિહાસમાં ઉલ્લેખનીય એવા સહસ્રાવધાન (વર્તમાનકાળના શતાવધાન-સહસ્રાવધાન કરતા અતિ-અતિ કઠિન એવા હજાર અવધાન) કરનારા આચાર્યશ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજાએ પંદરમી સદીમાં રચેલા પોતાના 'શ્રી ગુર્વાવલી' નામે ગ્રંથમાં ભીલડીપુર ઉર્ફે ભીમપલ્લી નગરીનાં ભંગનો ઉલ્લેખ કર્યો છે. જે મધ્યકાલીન અગ્નિ હરોળના આચાર્યશ્રી હતા.

અને વર્તમાનકાલીન અગ્નિ હરોળના લેખક સ્વામીશ્રી સચ્ચિદાનંદજીએ પોતાના સફર પુસ્તકમાં રાધનપુરને પાકિસ્તાનથી બચાવ્યાનો અને એ જૈન શ્રાવકની મૂર્તિને નગરના ચોકમાં મૂકવાનો ઉત્તમ ઉલ્લેખ કર્યો છે.