Magazines

આશ્ચર્યોની હારમાળા .

By GS TEAM
25 Jun 20254 mins read
આશ્ચર્યોની હારમાળા                                            .

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

- અક્ષરજ્ઞાન, રસોઈજ્ઞાન, વાર્તા-ઇતિહાસ- હાસ્યકથા આદિ  ધાર્મિકસૂત્રો, ધર્મનું જ્ઞાન, ધાર્મિક કથાઓ, આદિ, સંસારની વિધિઓ પરંપરાઓ, ભાષા વિજ્ઞાન, વ્યાપારકળા આદિ તો ઘરે જ શીખી જવાતું

આશ્ચર્યથી આંખો પહોળી થઈ ગઈ. ભયંકર તરસથી વ્યાકુળ બે ભાઈઓ પાણીનો ધરો (સુકાયેલી નદીમાં પાણીનો સ્રોત) જોઈને દોડયા. કચારનાચ આ બેય ભાઈઓ ભયંકર જંગલમાં ફરી રહ્યા હતા. ગળું સુકાઈ ગયું હતું. ઉનાળામાં સુકાઈ જતાં નાના તળાવની જેમ તરસથી માથું ફાટ ફાટ થઈ રહ્યું હતું. અચાનક એ ઘરો-ઝરો નજરમાં આવ્યો. આંખોમાં ચમક આવી. પગમાં જોમ આવ્યું. બંને દોડયા. પણ ધરાથી ૫૦ કદમ દૂર હતા, ત્યાં અચાનક ઉભા રહી ગયા. આશ્ચર્યથી તે તરફ જોતાં જ રહી ગયા.

તેજ દોડતી કારને જાણે સ્પીડ બ્રેક વાગી. અકસ્માત થતાં-થતાં રહી ગયો. કોનો એ ખબર નહીં. પણ અકસ્માત ટળી ગયો. સ્પીડ બ્રેક વાગવાનું કારણ હતું, એક ભંયકર વ્યક્તિ તેમની નજરે ચડી. કાતિલ ઝેર લઈને એ વ્યક્તિ ઘરમાંથી બહાર નીકળી. અને આ બંને ભાઈઓ તરફ તેમની ગતિ ચાલુ થઈ.

અને આ બન્ને ભાઈઓ ક્ષણવાર ત્યાં જ થંભી ગયા. બંનેના  શ્વાસ પણ પળવાર થંભી ગયા. આંખો અને મોં ખુલ્લાજ રહી ગયા.

મહાભયંકર જંગલમાં સુકાઈ ગયેલી નદીના એક તટ આગળ બારેમાસ અખૂટ જળરાશિથી ભરેલો એક ઘરો. જેમાંથી એક વિકરાળ નાગ બહાર નીકળ્યો. અતિવિકરાળ સાપ પર સવારી કરી રહ્યો હતો- એક ટચુકડી આંગળી જેવો ટચુકડો સાંપ.

ક્યારેક અને ક્યાંક જ જોવા મળે એવો મહાકાય સાંપ. આ પહેલું આશ્ચર્ય. એની પર સવારી કરનારો ટચુકડો સાંપ એ બીજું આશ્ચર્ય..

 આ સવારી આગળ વધતાં વધતાં એક રેખા આગળ અટકી ગઈ. એ રેખાને ઓળંગવાની તાકાત સુદ્ધા ન હતી. આ મહાકાય સાંપમાં.. આ અહીંનું ત્રીજું આશ્ચર્ય.. અને ચોથું આશ્ચર્ય ।।

વિંધ્યાચલ પર્વત-જંગલની એક બાજુનો વિસ્તાર ઉત્તરાપથ કહેવાય. અને બીજી તરફનો વિસ્તાર દક્ષિણાપથ.

ઉત્તરાપથના એક મહાન મંત્રશાસ્ત્રીના બે દીકરા દક્ષિણાપથમાં મંત્રશાસ્ત્ર આદિ અનેક વિદ્યાઓ શીખવા ગયા હતા. મંત્રશાસ્ત્રના ગહન રહસ્યોનાં અભ્યાસ અર્થે જ ત્યાં ગયા હતા. બાકી ઘણુંખરું જ્ઞાન તો પિતા પાસેથી જ તેઓએ મેળવી લીધું હતું.

આ પૂર્વકાળની શિક્ષણપ્રથા હતી. બાળક ઘણુંખરું જ્ઞાન તો ઘરેજ મેળવી લેતો હતો. ગુરુઓ પાસે-આશ્ચમોમાં તો આગળના ગહન અભ્યાસાર્થેજ જવાનું રહેતું. અક્ષરજ્ઞાન, રસોઈજ્ઞાન, વાર્તા-ઇતિહાસ- હાસ્યકથા આદિ  ધાર્મિકસૂત્રો, ધર્મનું જ્ઞાન, ધાર્મિક કથાઓ, આદિ, સંસારની વિધિઓ પરંપરાઓ આદિ, ભાષા વિજ્ઞાન, વ્યાપારકળા આદિ તો ઘરે જ શીખી જવાતું. લગભગ બધાં જ પ્રકારના સામાન્યજ્ઞાન તો ઘરે શીખી જવાય. પણ એમાં ઊંડા ઉતરવા માટે ગુરૂઓ પાસે જવાનું હોય.

આ બંને ભાઈઓ પણ દક્ષિણાપથમાં મંત્રશાસ્ત્રના ઊંડા રહસ્યો મેળવીને ઘણાં વર્ષે પાછા ફર્યા. અતિવિક્ટ એવો પહાડી રસ્તો લીધો.

ઉનાળાના દિવસો હતા. ભીષણ ગર્મી, બપોરનો સમય, સવારથી પાણી મળ્યું નહીં. તરસ પણ વધતી ચાલી. ગળું સુકાવા માંડયું. પગની સાથે સાથે શરીર પણ ઢીલું પડવા લાગ્યું.

પાણી શોધવાં છતાં મળતું ન હતું. ત્યાં આગળ વધતાં પાણીનો એક ધરો દેખાયો હતું એટલું જોર કરીને દોડયા. પણ નજીક જતાં જ એક આશ્ચર્ય જોયું. અને એમના પગ થંભી ગયા.

ધરામાંથી વિશાલકાય સાંપને બહાર આવતો જોયો. એમને ભણાવનાર-મંત્ર તંત્ર શીખવનાર ગુરુએ પણ આવા સાપનું વર્ણન કર્યું હતું. પણ જોયો ન હતો. આ બન્ને ભાઈઓએ આવડો મોટો સાંપ જોયો. વળી આ સાંપની પીઠ પર સવારી કરનાર નાનો સાપ એકદમ ટચુકડો હતો. નાનો પણ બળવાન હોઈ શકે છે. મોટો નબળો પૂરવાર થઈ શકે છે. એટલે જ તો એક હિંદીભાષાની કહેવત છે- 'જાડે સે ડરના નહીં, પતલે સે લડના નહીં.' ઘોડાની- હાથીની સવારી કરનાર અશ્રવાર-મહાવત ઘોડા હાથીથી નાના જ હોય છે.

પણ આ સવારી કરનાર સાંપ તો ઘણો નાનો હતો. માટે આશ્ચર્ય લાગતું હતું.

વળી આ ટચુકડો સાંપ ભયંકર ઝેર ધારણ કરનારો હતો. કાજળથી પણ કાળો આ ટબુકડા સાંપનું ઝેર તાલપુટ વિષ કરતાંય ખતરનાક હોય છે. એટલે આ મોટો સાંપ નાના સાંપના દબાવમાં હતો. આમેય ઝેરીલાથી બધાં ડરતાં હોય છે, પછી એ માણસ હોય કે સાપ. ઝેરીલો માણસ વર્ષો સુધી વાતને દાઢમાં રાખતો હોય છે. એ સાપની જેમ જ ઝેર ઓકતો ફરે છે.

વળી, આ ટચુકડા સાપની એથી પણ નાનકડી ફેણ પર નાનકડો મણિ હોય છે. સુવર્ણરંગી ઝગારા મારતું મણીરત્ન એને અજય બનાવીને રાખે છે.

બંને ભાઈઓએ ઘણા વિષધરો જોયા હતા, પણ આ પ્રકારનો સાપ પ્રથમવાર જ નિહાળ્યો હતો. ગુરુજીએ જેવું વર્ણન કર્યું હતું, તેવો જ આ સાપ હતો. કોઈનાથી ડરે નહીં ને ડગે નહીં એવો આ સાપ આગળ વધી રહ્યો હતો. પણ અચાનક એ થંભી ગયો.

મોટો સાપ ચાલતા-ચાલતાં કેમ અટક્યો, એ સવાર થનાર ટબુકડો સાંપ સમજી ગયો. હવે શું થાય છે, આશ્ચર્યોની હારમાળા આ પ્રકૃતિથી કેવી કેવી રીતે સર્જાઈ શકે તે જોવાનું છે.