Magazines

ત્રાસવાદને નાથવાની શક્તિ પણ તેઓ ધરાવે છે

By GS TEAM
24 Jun 20263 mins read
ત્રાસવાદને નાથવાની શક્તિ પણ તેઓ ધરાવે છે

- માત્ર જૈન સંસ્કૃતિની જ નહિ, પણ સમસ્ત સંસ્કૃતિઓની રક્ષા કરી છે

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

- એક મુઠ્ઠી ઉગામી - ઉપાડી...જોરદાર એ મુઠ્ઠીનો પ્રહાર કર્યો... અને 50-50નો ભાંગીને ભૂકો કરી નાંખ્યો...માણસ નહિ....

૧-૨-૩-૪ કે ૧૦-૨૦ નહિ, પણ પૂરા ૫૦ વાંસ..એક પણ ઓછો નહિ અને એક પણ વધારે નહિ - પૂરેપૂરા ૫૦ વાંસ ભેગા કર્યા....અને ભેગા બાંધ્યા....અર્થાત્ એક આખો ભારો ૫૦ વાંસનો બાંધ્યો. પછી સામે ઉભેલા ક્ષત્રિયપણાની મોટી મોટી વાતો કરનારા એ માણસને કહ્યું - 'એક જ પ્રહારે આ ૫૦-૫૦ વાંસને ભાંગી બતાવ.'

પેલો ગેં-ગેં-ફેં-ફેં થઈ ગયો...એક વાંસને ભાંગવો પણ ભારી પડે, ત્યાં ૫૦-૫૦ વાંસ શેં ભંગાય ? શેકેલા ૫૦-૧૦૦ પાપડ હોય તો એક જ પ્રહારે ભાંગી શકાય, પણ આ મજબૂત લોખંડ જેવા વાંસ, અને એ પણ એક-બે નહિ, પૂરા પચાસ એક જ પ્રહારે ભાંગીને ભૂકો બોલાવવાના ! અશક્ય !! અશક્ય !!

વાણિયાની મજાક કરનારો અને ક્ષાત્રવટનું તેજ દેખાડનારો એ ક્ષત્રિય બચ્ચો ચૂપ થઈ ગયો...વાંસની ભારી-ભારી લાકડીઓ....કેમેય તૂટે નહિ, એવી મજબૂત....સામેવાળો તો માત્ર ૫૦ વાંસની ભારીનું ભારી દૃશ્ય જોઈ મૌન થઈ ગયો. એક અક્ષર પણ બોલવાની એની તાકાત રહી નહિ.

ત્યારે પેલો વાણિયો ઊભો થયો...શેક્યો પાપડ પણ ભાંગી ન શકે, આવી મજાક જે વાણિયાની થાય, એ વાણિયાએ મનમાં પૂર્ણ નવકાર મહામંત્રનો જાપ કર્યો. અને એક જ મુઠ્ઠીના પ્રહારે એ ૫૦-૫૦ વાંસનો ભાંગીને ભૂકો કરી દીધો.

લોખંડ જેવી મુઠ્ઠીના એ ફોલાદી પ્રહારને જોઈને પેલો જાતને ફોલાદી માનનારો આ દૃશ્ય જોઈને જ ત્યાંથી પલાયન થઈ ગયો.. આખા રાજ્યને આ રફેદફે કરી નાંખશે, એમ માનીને રફુચક્કર થઈ ગયેલો પેલો શંખ નામે સેનાપતિ શંખની જેમ ચક્કર ખાતો-ખાતો સદિકની પાસે જાય છે.

* * *

ગુજરાત રાજ્યના એ મહામંત્રી...મહામાત્ય વસ્તુપાલના એ નાનાભાઈ....નામે તેજપાલ....એ પણ મહામાવ્ય...આ બંને ભાઈઓ પરમ તેજસ્વી...પરમ શૂરવીર....

ભગવાન મહાવીરના શાસનમાં જન્મ પામીને મન તો ફોલાદ હતું, પણ એમના કસાયેલા બાવડામાં પણ સેંકડો હજારો ફોલાદ જેવું મહાબળ-પરાક્રમ હતું.

તેઓ ધારે તેને જીતી શકે. તેઓ લગભગ એકપણ યુદ્ધ કદી હાર્યા નથી...સેંકડો યુદ્ધો તેઓ ખેલ્યા છે...જેમાં તેમના પરાક્રમની યશોગાથા દુશ્મનોએ પણ ગાઈ છે.

એટલે એમના ૩૬ યુદ્ધ તો ખૂબ જ પ્રશંસનીય બન્યા છે. જેમનો ઉલ્લેખ જુદા જુદા ઇતિહાસકારોએ પોતાના ગ્રંથોમાં કરેલો છે.

એમની શૂરવીરતાની વાત આ એક જ વાક્યથી સમજાઈ જાય તેમ છે, જેની નોંધ ખરતરગચ્છીય આચાર્ય જિનચન્દ્રસૂરિજી (સાતમાં)ના શિષ્ય આચાર્યશ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય મુનિશ્રી અભયસોમ ગણિજી એ પોતાની કૃતિ 'વસ્તુપાલ-તેજપાલ ચોપાઈ' નામે પોતાના રાસમાં કરી છે.

વિક્રમ સંવત ૧૭૨૯માં રચાયેલ આ કૃતિનો ઉલ્લેખ સાધ્વી સમચપ્રજ્ઞાાશ્રીજીએ વિવૃદશિરોમણિ આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મહારાજ સંપાદિત ''અનુસંધાન-૧૦૧'' નામે ગ્રંથમાં કર્યો છે.

તેઓ લખે છે - 'તેજપાલના નામે એક જ દિવસમાં આઠ યુદ્ધ ખેલ્યાની વાત પણ અહીં પ્રસ્તુત છે. એટલે એક જ દિવસમાં આઠ આઠ યુદ્ધ !! શું બાહુબળ હશે ? કેવા મહાપરાક્રમી !!

હજારો જિનાલયો અને લાખો મૂર્તિઓના નિર્માણ કરીને ધરા પર ધર્મની ધજા ફરકાવનારા આ નરવીરે એક જ દિવસમાં આઠ આઠ વિજય ધ્વજ પણ લહેરાવ્યા છે.

આ નરવીર તેજપાલ જ્યારે ખંભાતમાં ત્રાસ ફેલાવનારા સદિક નામે મુસ્લિમ નવાબને જીતવા જાય છે, ત્યારે રસ્તામાં તેમનો ચમચો શેખ સેનાપતિ તેજપાલને કહે છે.

'ખડકના ખેલ ખેલવાનું કામ ક્ષત્રિયોનું છે. તારા જેવા વાણિયા તો માત્ર ત્રાજવા સંભાળે.'

ત્યારે તેજપાલ કહે છે - મેં આખો સંસાર તોલી લીધો છે. ખડક-તલવારની તાકાત તો પછી બતાવીશ, હમણાં તને આ ખડક ઉપાડનાર મારા ખડક (શિલા) જેવા પંજાની તાકાત બતાવું.

અને એમણે એક જ મુઠ્ઠીના પ્રહારથી ૫૦ વાંસ ભાંગી દીધા. આ જોઈ પેલો શેખ મનથી ભાંગીને ત્યાંથી ભાગીને સદિક પાસે જાય છે અને સદિક પણ આ બધું જાણીને સામેથી તેજપાલના શરણે આવે છે. પોતાનો ત્રાસવાદ બંધ કરે છે. આતંકવાદનો આતંક દૂર થાય છે.

પ્રભાવના

એમ કહે છે કે વિક્રમની તેરમી સદીમાં થયેલ રાજકીય પુરુષોમાં સૌથી વધુ કાવ્યો, પ્રબંધો, પ્રશસ્તિઓ, ચરિત્રો, વાર્તાઓ, રાસો, ચોપાઈઓ, ગ્રંથો જેમના જીવન ઉપર રચાયા હોય, એવી મહાન વ્યક્તિ એટલે જુગલજોડી - યુગલ બાંધવ - ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ.

એમણે માત્ર જૈન સંસ્કૃતિની જ રક્ષા નથી કરી, પણ સમસ્ત સંસ્કૃતિઓની રક્ષા કરી છે. એમણે જિનાલયો બાંધ્યા, મંદિરો બાંધ્યા...મઠ અને મસ્જિદો પણ બાંધેલ છે. તો વાવ-કૂવા અને ધર્મશાળાઓ પણ બાંધી છે.