શીલધર્મની સુરક્ષા કાજે દેવારીનું મેદાન વારી-ઓવારી ગયું

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
- રૂપનગરની એ રૂપરાણી... રૂપરૂપનો અંબાર... દેવલોકની અપ્સરાનેય શરમાવે અને કામલોકના કામદેવને ય ભરમાવે એવી રૂપસૌંદર્યની સામ્રાજ્ઞાી...
મોટા મોટા સામ્રાજ્યોમાં પણ ના જોવા મળે, પણ મોટા સામ્રાજ્યોમાં શોભે એવી રૂપરમણી... બોલે તો જાણે કોયલનો ટહુકો અને ચાલે તો જાણે મદમસ્ત હાથીનો લહેકો... મદમાતી શરમાતી ગજગામિની ચાલ.... બોલચાલની ભાષા એવી સુંદર કે કોઈ તેની સાથે અબોલ રહી ના શકે, અબોલા લઈ ના શકે... વાણીમાં ક્યાંય ભૂચાલ આવે નહીં... બોલાચાલી થાય નહીં એવી નમણી એની બોલચાલ... એના વિના કોઈ બોલે નહીં અને એના વિના કોઈને ચાલે નહિ એવું બોલે ને ચાલે.
બોલે તો જાણે ફૂલડા ખરે અને ચાલે તો જાણે અંગેઅંગમાંથી અત્તર શું સૌદર્ય નિખરે... અને લાવણ્ય નીતરે... રૂપનગરની આ રાજકુમારીના અંગ-મોહક અને અનંગ-દાહક રૂપની પ્રશંસા ચારેકોર પ્રસરી ગઈ હતી. મારવાડની એક નાનકડી રાઠોડી રિયાસત સમા રૂપનગરની આ પ્રભાવતી નામે રાજકુમારીના રૂપની પ્રભા વિશ્વના ફલક પર પ્રસરી હતી...
'મારે કોઈપણ હિસાબે આ રૂપરાણી જોઈએ. સમજે તો સમજાવીને... વેચે તો ખરીદીને... શક્તિ હોય તો ઉપાડીને (કીડનેપ કરીને) એટલે યુદ્ધ કરીને પણ રાજાને હરાવીને આને હરીને (ઉપાડીને) લાવો...'
ખતરનાક મોગલ શાસક ઔરંગઝેબે પોતાના સૈન્યના વડા સેનાપતિને કહ્યું. ધર્માંધ ઔરંગઝેબ આજે રૂપરાણીની કહાણીને સાંભળીને કામાંધ પણ બન્યો હતો. રૂપ વગરનો આ મોગલરાજા રૂપનગરની રાજકુમારીના વર્ણનને સાંભળીને આજે પાગલરાજા (રૂપપાગલ) પણ બન્યો હતો...
ઔરંગઝેબે ઉમેર્યું - 'હું આને મારી બેગમ બનાવીશ. એના રૂપની કદર બેગમપદ આપીને કરીશ.'
અને તરત જ મુસ્લિમસૈન્યે પ્રચાણ આદર્યું... પોતાનું આદર્યું સપનું પુરૂ કરવા તે પોતે જાતે સૈન્યનો વડો બનીને ચાલ્યો...
'પિતાજી, આ ધર્માંધ અને કામાંધ મોગલશાસક પાસે વિશાલ સૈન્ય છે. આપણું નાનકડું સૈન્ય આના દરિયા જેવા સૈન્યની સામે ખાબોચિયા જેવું છે. આપણું અસ્તિત્વ અને મારું શિયળ બચાવવું એની સામે કપરું છે. કોઈ રજપુતી લોહી જ મને બચાવી શકશે. અને જો એ રજપુતી લોહી મને નહીં બચાવે તો આ કટારથી મારું લોહી તેની સામે વહાવી દઈશ. પણ આ કટ્ટરની ગટરમાં નહીં જ જીવી શકું.'
'શું કરીશું, દીકરી ! તારા ધ્યાનમાં છે એવું કોઈ રજપુતી લોહી, જે તારી શિયળને રક્ષી શકે ? તને સુશીલ જીવન બક્ષી શકે ?'
'હાં, પિતાજી, છે એક રજપુતી લોહી... મહારાણા રાજસિંહ... મહારાણા પ્રતાપના પરિવારના જેમને ધાવણ ધાવ્યા છે... અકબરની સામે ક્યારેય જેને નમતું જોખ્યું નથી એવા મહારાણા પ્રતાપના જે પ્રપૌત્ર છે... જગદ્દગુરુ જૈનાચાર્ય હીરવિજયસુરીશ્વરજી મહારાજાના શ્રીમુખે જેમણે ધર્મનો, દેશનો અને શીલનો મહિમા સાંભળ્યો છે... ધર્મ-દેશ અને શીલ માટે મરી ફિટવાની વાતો અને વાર્તાઓ જૈનાચાર્યના શ્રીમુખે ખુમારી સાથે સાંભળી છે... ધર્મ સર્વૌપરી છે તો ધર્મને આરાધવા માટે દેશ તો એથીયે સર્વોપરી છે. આવી વાતો સાંભળીને જગદ્દગુરુ હીરવિજયસૂરિજીના આશિષ મેળવીને જેમણે પોતાનું જીવન દેશ માટે ફના કરી દીધું, એવા મહારાણા પ્રતાપના ૧૭ દીકરા પૈકી મોટા પુત્ર અમરસિંહના જે પૌત્ર છે. એવા રાજાસિંહ જ મારા શીલને રક્ષી શકે એમ છે. જગદગુરુ જૈનાચાર્યના પરિવારના આચાર્ય મહારાજ પાસે આજે પણ રાજસિંહ એવી ધર્મ-દેશની વાતોથી ખીલી રહ્યા છે...' આપણે એમને આ સમસ્યા જણાવીએ...
અને દીકરીએ રાણી રાજસિંહને રક્ષા-પત્ર લખ્યો. અને સાથે ઊમેર્યું કે તમને મેં નાથ-પતિ તરીકે સ્વીકારી લીધા છે.
અરવલ્લીનામના રાજસ્થાની પહાડીક્ષેત્રમાં બે પહાડ જાણે ટકરાયા... ઔરંગઝેબ નામે મોગલશાસક તોપોની ધડબડાટી સાથે ત્રાટક્યો હતો. ઔરંગઝેબના વિશાલસૈન્યની સામે રાણા રાજસિંહ નાનું સૈન્ય ધરાવતા હતા. પણ પહાડી સ્થાનોના જાણભેદુ તથા ભેદી વ્યૂહરચનાના જાણકાર રાણા રાજાસિંહે ત્રણ ભાગમાં આક્રમણ કર્યું... શસ્ત્રમાં ભલે તોપો તેમની પાસે ન હતી, પણ ઉત્સાહની તોપો જોરદાર હતી. એક ભાગ મોટા દીકરા જવાસિંહે સંભાળ્યો... બીજો ભાગ નાના દીકરા ભીમાસિંહે સંભાળ્યો અને ત્રીજો ભાગ રાજાસિંહે સંભાળ્યો.
જગદ્ગુરુ હીરસૂરિજી, ભગવાન ઋષભદેવ અને એકલિંગજી ના જયકારા સાથે રજપુતી લોહી ઉછળ્યું.. મરણિયા રજપુતોએ આ તોપોને ઠંડી પાડી દીધી... ઔરંગઝેબનો ભૂંડો પરાજય થયો... માફી માંગતા તેને છોડી દીધો.
શીલધર્મની સુરક્ષા કાજે દેવારીનું મેદાન વારી-ઓવારી ગયું...
પ્રભાવના
મેવાડના હલદીઘાટીના યુદ્ધ પછીનું મહાયુદ્ધ હતું આ દેવારીનું... ઔરંગઝેબના જીવનનું આ સૌથી મોટું મહાયુદ્ધ હતું.
મેવાડના આ બંને મહાયુદ્ધો મેવાડના મહારાણાએ ખેલ્યા. એક મહારાણા પ્રતાપે તો બીજું રાણા પ્રતાપના પ્રપૌત્રે... એક યુદ્ધ અકબરની સામે તો બીજું અકબરની ગાદીએ આવેલ ઔરંગઝેબ સામે. એક દેશ-ધર્મ માટે તો બીજું યુદ્ધ શીલ ધર્મ માટે ખેલાયું અને ધર્મ જીત્યો.








