મા ની ભક્તિ માટે કરેલો પ્રચંડ પુરુષાર્થ; મા ની ભક્તિએ જગાવ્યું પુણ્ય જોરદાર
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
'૨૦ રૂપિયાની વ્યવસ્થા હું કરી આપું. બાકીના ત્રીસ રૂપિયા તું થોડી વધુ મહેનત-મજૂરી કરીને ભેગા કરી લે. તો કામ થઈ જશે.' શેઠાણીએ પોતાના આશ્રયે રહેલા તે છોકરાને કહ્યું.
છોકરાએ જ્યારે શેઠાણીને ૫૦ રૂપિયાની વ્યવસ્થા કરવા કહ્યું. ત્યારે શેઠાણીએ પહેલાં તો સ્પષ્ટ મના કહી દીધી. પણ પછી જ્યારે છોકરાએ કહ્યું કે તેના માતાજીને શિખરજી મહાતીર્થની જાત્રા કરવા જવું છે. પહેલવહેલી વાર સમેતશિખરજી મહાતીર્થની યાત્રાનું આયોજન ગોઠવાયું હતું. માત્ર પચાસ રૂપિયા ભરો એટલે તમારી બધી જ વ્યવસ્થા આયોજકો કરી આપે.
જો કે આ એ સમયની વાત છે, કે જ્યારે પચાસ રૂપિયા ભેગા કરવા પણ કઠિન કાર્ય હતું. સમેતશિખરજી તીર્થના આયોજન તો વરસો જાય પછી એકાદવાર થાય. એટલે પ્રાગજી નામે આ છોકરાની મા ને ઈચ્છા થઈ આવી કે શિખરજી તીર્થની યાત્રા કરી આવું.
વળી, આ તીર્થયાત્રામાં માત્ર શિખરજી જ નહિ, પણ બિહાર-ઝારખંડ-ઉત્તરપ્રદેશના અનેક તીર્થો શામેલ હોય છે. ૨૪ તીર્થકર પરમાત્માઓની ૧૦૦થી વધુ કલ્યાણક ભૂમિઓની યાત્રા હોય છે. એટલે ગામડે રહેતી મા એ મુંબઈમાં મજૂરી કરતાં પોતાના દીકરા પ્રાગજીને પત્ર દ્વારા આ વાત જણાવી.
સૌરાષ્ટ્રના શિહોરના વતની પ્રાગજીએ મા ને કહ્યું હતું કે મુંબઈ જઈશું તો આવક થશે. અહીં ગામડે તો કાંઈ થાય એમ લાગતું નથી. ત્યારે મા એ મુંબઈ જવા રજા આપી હતી. મુંબઈ જવા માટેની ટિકિટના પૈસા ન હતા. પોતાની બુદ્ધિ-કૌશલથી પ્રભાવિત થયેલા એક સજ્જને ટિકિટના પૈસા ચૂકવી દીધા.
વળી, મુંબઈ પહોંચ્યા પછી પણ ક્યાં જવું એ યક્ષપ્રશ્ન હતો. પણ રડે એ પ્રાગજી નહીં. સ્ટેશનનો ઓટલો જ ઘર. મજૂરી ચાલું કરી. તેની બુદ્ધિ-પ્રતિભાથી પ્રભાવિત એક શેઠાણીએ તેને આશરો આવ્યો. પોતાની મજૂરીથી પોતાનો રોટલો રળવા જેટલું મેળવી લેતો હતો.
મુંબઈમાં માંડ માંડ પોતાનું પેટ ભરતા પ્રાગજી માટે ગામડે રહેતી તેની મા તો એમ જ વિચારતી હતી કે પ્રાગજી પાસે તો ખૂબ પૈસા હશે. મુંબઈ તો દરિયો છે. અહીં પૈસાની રેલમછેલ હોય. દરિયાના પાણીની જેમ પૈસોય ઉછળતો હોય... એટલે એણે પ્રાગજી પાસે પચાસ રૂપિયા માંગ્યા. પ્રાગજી પાસે તો એક રૂપિયો ય ન હતો. તેથી શેઠાણીને વાત કરી. પણ શેઠાણીએ ર૦ રૂપિયા આપવાની વાત કરી. અને ૩૦ રૂપિયા જાતે રળવાની વાત કરી.
મા ની ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજ છે. નાનપણમાં કંઈ કેટલીય ઈચ્છાઓ આ જન્મદાતાઓ મારી પૂરી કરી છે. તો હવે એમની ઈચ્છા પૂરી કરવી એ મારી પરમપવિત્ર ફરજ છે.
ઘરના ભગવાન એવા માતા-પિતાની ઈચ્છા જે પૂરી કરે છે, તેની ઈચ્છાઓ પૂરી કરવામાં પરમાત્માની કૃપા પણ અવશ્ય ભાગ લે છે. દુનિયાની બધી જ શક્તિઓ સક્રિય થઈ જાય છે.
પ્રાગજીએ ૨૦ રૂપિયા શેઠાણી પાસેથી લીધા. અને ત્રીસ રૂપિયા સખત મહેનત - મજૂરી કરીને ઉપાર્જન કર્યા. અને મા ની ઈચ્છા પૂરી કરી.
સમેતશિખરજી તીર્થની યાત્રા અને ભક્તિ જોઈને પ્રાગજીની માતાને એક બીજી ભાવના પેદા થઈ. મા ને તો એમ જ છે કે મારો પ્રાગજી બુદ્ધિશાળી છે. એટલે ખૂબ ધન કમાતો હશે.
મા એ પ્રાગજીને જણાવ્યું કે હવે આવી યાત્રા પ્રવાસની ટ્રેનનું આયોજન થાય તો તેમાં સૌની ભક્તિ પ્રભાવના દ્વારા કરવી છે.
મા ને ખબર છે કે આમાં હજારો રૂપિયા ખર્ચાય. પણ એ જાણ નથી કે દીકરા પાસે હજારો રૂપિયા નથી. દીકરાને જાણ છે કે પોતાની પાસે હજારો રૂપિયા નથી. પણ એ જાણતો હતો કે મા ના આશીર્વાદથી બધી જ વ્યવસ્થા થઈ જશે.
મા, ગુરુમા અને પરમાત્મા એ એવી અદ્ભુત વસ્તુ છે કે ત્યાં ધારેલું બધું તેમની કૃપા થકી થઈ જાય. આ ત્રણ તત્વને જે ઓછાં આંકે છે, તેનું અંકગણિત ઓછું જ રહે છે વધુ પૈસા ગણવાનો સમય નથી આવતો.
પ્રાગજીએ પોતાના મિત્રને વાત કરી. મિત્ર એ સમયે રેસમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. તેણે કહ્યું - 'તું પણ આની એક ટિકિટ લઈ લે.'
પાંચ રૂપિયાની ટિકિટ ખરીદી. માતૃભક્તિ જન્ય પુણ્યે યારી આપી. ટિકિટ લાગી. હજારો રૂપિયા ભાગ્યે મળ્યા. તરત જ માતાજી પાસે પહોંચાડી દીધા. એક પણ રૂપિયો તેમાંથી પોતે ન લીધો.
મા ને કહેવડાવ્યું - 'મા, આમાંથી હવે તારે જ્યારે જેટલા જ્યા વાપરવા હોય, વાપરજે. આ બધાં તારા છે. તારા પુણ્યના છે.' અને જાતને જાતે જ ટપારતા હોય તેમ કહ્યું - 'પ્રાગજીના ભાગમાં તો મજૂરી જ છે.'
મા ને પણ સત્ય સમજાયું. દિલથી આશીર્વાદ વરસાવ્યા. મા ને આનંદ હતો -પૈસા મળ્યાનો નહિ. પણ આવો સેવાભાવી દીકરો મળ્યાનો. દીકરાને આનંદ હતો - મા ની સેવા કરવાનો મોકો મળ્યો તેનો.
જેમ ઓછા સમયમાં મા ની ભક્તિ માટે હજારો રૂપિયા ટિકિટના કારણે મળ્યા. તેમ બહુ જ ટુંક સમયમાં મા ની ભક્તિના પ્રભાવે હજારો - લાખો રૂપિયાના ઢગલામાં તે રમવા લાગ્યો.
મા ની ભક્તિ માટે તેણે પ્રચંડ પુરુષાર્થ કામે લગાડી દીધો. તો માની ભક્તિના પ્રભાવે જાગેલ પુણ્ય જોરદાર કામે લાગી ગયું.
પ્રભાવના
પ્રાગજી માતૃભક્તિ કરી મોટો થયો. ભક્તિના કારણે પ્રાગજીનું નામ પણ મોટું થયું - 'શેઠ પ્રાગજીભાઈ ઝવેરચંદ - શિહોર'...
પાલીતાણાની તલેટીમાં કેસરિયાજી મંદીરનો મુખ્ય ધજાનો લાભ તો લીધો, પણ સાથે-સાથે આખા પાલીતાણાનો શહેરનો ધૂમાડાબંધ જમણવારનો પણ લાભ લીધો હતો. ધર્મશાળા આદિ અનેક સ્થળોએ આ નામ વંચાતું રહે છે.
ઉગતી જવાનીમાં જેની પાસે પાંચ રૂપિયાનું ય ઠેકાણું ન હતું, તે માણસ આથમતી યુવાનીમાં લાખો-કરોડો રૂપિયાનું ઠેકાણું બની ગયો હતો. કારણ? મન મૂકીને કરેલી માતૃભક્તિ. અને માતૃભક્તિ માટે કરેલી તનતોડ મહેનત! કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.