Magazines

વેચવાનું નહીં, વહેંચવાનું શીખવે છે, જોડવાનું નહીં, છોડવાનું શીખવે છે. આ પરમ ગુરુદેવ શ્રી પરમદેવસૂરિજી મહારાજ

By GS TEAM
18 Mar 20263 mins read
વેચવાનું નહીં, વહેંચવાનું શીખવે છે, જોડવાનું નહીં, છોડવાનું શીખવે છે. આ પરમ ગુરુદેવ શ્રી પરમદેવસૂરિજી મહારાજ

- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

'યુદ્ધના ધોરણે એક કામ કરવાનું છે ?

' જી, શેઠજી  ! શું કરવાનું છે ?

' અનાજ ભેગું કરવાનું છે. જ્યાંથી મળે, જેટલું મળે, જે મળે, તે એકઠું કરવાનું છે.'

'જી, શેઠજી !'

' જે ભાવમાં મળે , એ ભાવમાં ખરીદી લેવાનું.'

' જી, શેઠજી !'

' જ્યાં જ્યાં આપણા વેપાર ચાલે છે, ત્યાં મોટા-મોટા ગોદામો બનાવી અનાજ તેમાં ભરી લેવાનું.'

' જી, શેઠજી !'

બે સેકંડના મૌન પછી મુનીમજીએ શેઠજીની સાથે વાર્તાલાપ શરૂ કર્યો.

'શેઠજી, એકવાત પૂછું ?'

' હા-પૂંછ.'

' આટલું અનાજ શા માટે ભેગું કરવા માગો છો ? કંઈક કારણ વિશેષ ?'

હા, આવનારા ત્રણ વરસ સુધી સળંગ ભયંકર દુષ્કાળ પડવાનો છે. વરસાદનું ટીપુંય પડશે નહીં અને અનાજનો કણ પણ પાકશે નહીં.'

' આવું કોણે કહ્યું ?'

'મારા પરમ ગુરુદેવ આચાર્ય શ્રી પરમદેવસૂરીશ્વરજી મહારાજાએ. આ જૈનાચાર્ય જ્યોતિષનું સચોટ જ્ઞાન ધરાવે છે. તેઓ શ્રીમદ આ આકાશ જોઈને ભવિષ્ય બતાવી દે છે.'

'અચ્છા. એટલે આપણે અત્યારે ચારેબાજુથી અનાજ ભેગું કરી લેવાનું. દુષ્કાળ પડશે એટલે અનાજનો કણ પણ ક્યાંયથી મળશે નહીં. લોકો પાસે અનાજ ખૂટશે એટલે તેઓ આપણી પાસેથી મોંમાંગ્યા દામ આપીને ધાન ખરીદશે. આપણે માલામાલ થઈ જઈશું. દુનિયાના સર્વશ્રેષ્ઠ ધનવાન બની જઇશું.' તમારા ગુરુદેવે તમને કમાવાનો જોરદાર અવસર આપી દીધો.'

'મુનીમજી તમે હજુ અમારા ગુરુદેવને સમજી નથી શકયા. તમે આ પંચમહાવ્રતધારી સાધુઓના ત્યાગ-વૈરાગ્યને બરાબર જાણી શકયા નથી. આ જૈનાચાર્યથી બરાબરી કરી શકે એવું કોઈ મારા ધ્યાનમાં આવ્યું નથી.'

ગુરુદેવની દિશા તરફ માથું નમાવીને શેઠજી બોલ્યા : 'મુનીમજી ! ભગવાન મહાવીરના સિદ્ધાંતોને અપનાવનારા આચાર્ય આદિ સાધુઓ સંપત્તિ ભેગી કરવાનું નહીં, સંપત્તિ ત્યાગ કરવાનો માર્ગ બતાવે છે. તેઓશ્રી ધાન્ય વેચવાની વાત નહીં, પણ ધાન્ય વહેંચવાની વાત કરે છે.

સંપત્તિ તો નસીબથી મળે છે. પુરુષાર્થના સહારે પાંગરેલ નસીબથી પ્રાપ્ત કરેલ સંપત્તિના સદ્વ્યયનો સન્માર્ગ આપે છે આ પરમ ગુરુદેવ.. દાન કરતાં શીખવું. આ છે સંપત્તિનો સન્માર્ગ.

સંપત્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને આવેલા આ પરમ દેવ સંપત્તિ ભેગી કરવાની વાત કરે ખરા !'

***

કચ્છ-ભદ્રેશ્વરનાં વતની શેઠ જગડૂશાહને એકવાર તેમના ગુરુદેવ શ્રી પરમદેવસૂરિજીએ કહ્યું કે આવનારા વિક્રમસંવત્ ૧૩૧૩,૧૩૧૪, અને ૧૩૧૫ એમ ત્રણ વરસ સુધી ભયંકર દુષ્કાળ પડશે. તારી પાસે લખલૂટ સંપત્તિ છે. તો ધાન્ય ભેગું કરી લે. અને સમય આવ્યે તારા દાન ધર્મને ઉજાગર કરજે. સંસારમાં રહીને વેચવાનું કામ તો ઘણું કર્યું, હવે વહેંચવાનું કામ કરજે.

ગુજરાત, સિંધ, દિલ્લી, મેવાડ, ગજની, કંદહાર આદિ અનેક દેશ-પ્રાંતોમાં સેંકડો દુકાનો ધરાવતા જગડૂશાહ શેઠે ઇસ્વીસન ૧૨૫૭,૧૨૫૮, અને ૧૨૫૯ના આ ત્રિવર્ષીય દુષ્કાળના શુષ્કકાળમાં કરોડો મણ અનાજ વિતરણ કર્યું હતું. કરોડો કરોડો સોનામહોરોનું દાન કર્યું હતું. ૧૧૫ થી વધુ ભોજનશાળાઓ આ જગતના ચોક પર ચાલતી હતી. ત્રણ-ત્રણ વર્ષ સુધી રાજાઓથી માંડીને નાનામાં નાના ગરીબ માણસો સુધી એમનું અનાજ આ દાનના સન્માર્ગે પહોંચ્યું હતું.

પત્ની યશોમતીના આ પતિદેવના મૃત્યુ સમયે દિલ્લીના શાસકે પણ પોતાનો મુગુટ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

પુત્રી પ્રીતિમાના આ પિતાશ્રીને દુનિયા 'જગતનો પાલનહાર' તરીકે નવાજતી હતી. માત્ર પ્રીતિમતીનો જ પાલનહાર ન હતા, આ જગત-પાલનહાર.

પ્રભાવના

એક વખત મુનીમજીએ જગડૂશાહને પૂછયું : ' શેઠજી, તમે આ દુષ્કાળમાં દાન કરવા માટે અનાજ ભેગું કરો છો, તો આ દુષ્કાળની જાણ આપણે બધાને કરી દઈએ, જેથી લોકો જ અનાજ ભેગું કરી લે ને ?'

'નહીં, મુનીમજી ! લોકો આનો દુરુપયોગ કરશે. મોંઘાભાવે અનાજ વેચવા માંડશે. લોકોને ચૂસી લેશે. દીકરા-દીકરીને વેચવા મજબૂર કરશે. આ નાદાન દુનિયા દાન તો નહીં કરે, પણ સૌને દીન બનાવશે. અને પરંપરાએ સંપત્તિનો સદ્વ્યય ન કરતાં, અપવ્યય કરીને જાતે પણ દીન અને નાદાન બનશે. એવું મારે નથી કરવું.'