Magazines

શરીર સંબંધો તો નશ્વર છે, આત્મા અને આત્માના સંબંધો જ ઇશ્વર છે, પરમેશ્વર છે

By GS TEAM
15 Apr 20263 mins read
શરીર સંબંધો તો નશ્વર છે, આત્મા અને આત્માના સંબંધો જ ઇશ્વર છે, પરમેશ્વર છે

- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

નમણી-નાજુક કાયા, પણ ભરાવદાર દેહ...

ગુલાબની પાંખડી જેવા હોઠ તો આંખડી પણ અંબુજ-પાંખડી...

દુગ્ધામૃતના પાનથી પુષ્ટ પણ ગુલાબી હોઠ...

મુખ પર પરમ પ્રસન્નતા સાથે અગાધ ગંભીરતા..

સોનેરી ગોરવર્ણ ધરાવતો દેહ સૌંદર્ય રસથી છલકાતો હતો અને નીતરતા લાવણ્યથી ભીનેવાન હતો.

આંખોમાં ચમક હતી, પણ આખો દેહ સૂર્યસમ ચમકતો હતો.

લાંબા-ખુલ્લા કેશ-કલાપથી શોભા અને આભા દેહની વધતી હતી.

એક જ વસ્ત્ર હતું દેહપર પણ દેહ વસ્ત્રાવૃત હતું. નિરાભરણ હતો, દેહ, નિરાવરણ નહીં. આછા વસ્ત્રથી પણ આચ્છાદિત હતો દેહ...

કમળથી કોમળ આ કાયાને જોઈ કમાલના દ્રશ્યો સર્જાતા હતા.

***

'આના દેહ પર વસ્ત્રતો ખૂબ જ સુંદર છે. પણ શરીર પર એકેય નામમાત્રનું ઘરેણું નથી.'

'ગળું કેવું શોભી રહ્યું છે હાર પહેરશે તો ગળુ દીપી ઉઠશે.'

'આંગળીઓ તો કેવી નમણી-નાજુક- પાતળી છે, પણ પહેરવા વીંટી એક પણ નથી. બધી જ આંગળીઓ ખાલી છે.

'હાથ કેવા સુંદર છે ! બાજુબંધ પહેર્યા હોય તો શોભી ઉઠશે.'

'હાથમાં સોનું-ચાંદી-રત્નો હોય તો એને કામ લાગશે ?'

'ખુલ્લા પગે ચાલે છે. હાથી-ઘોડા હોય તો મુસાફરી સારી થશે.'

'આવી કામણગારી કાયા નારીથી વીંટળાયેલી હોય તો જ સાર્થક થાય. નારીના આલિંગન વગર આ કાયા વેડફાઈ જશે.'

આવા અનેક પ્રકારના વાક્યો એકલવીર નરવીરને જોઈ.જોઈને લોકોના મુખમાંથી નીકળી રહ્યા હતા.

પરિણામ ?

લોકો આ વ્યક્તિને દાન આપી રહ્યા હતા. કોઈક સોનું-ચાંદી આપતા. તો કોઈક અલંકારો આપતા. કોઈક કન્યાઓ આપતા તો કોઈક નોકર-ચાકર આપતા. કોઈ હાથી-ઘોડા આપતા તો કોઈક ગાય-ભેંસ-ઊંટ વગેરે આપતા. કોઈ વાસણ વગેરે આપતા તો કોઈ ફળ-ફૂલ વગેરે આપતા...

પણ..પણ.. આ તેજપુંજ આમાંનુ કશું સ્વીકારતા હતા. પોતાની મસ્તીમાં એ આગળ વધે જતા હતા.

***

હસ્તિનાપુરના રાજમાર્ગે એક યુવાને આ તેજસ્વી પુરુષને જોયા. એણે એમનો દેહ ના જોયો, અંગ-ઉપાંગ ના જોયા..કે વસ્ત્ર ન જોયા, અલંકાર છે કે નહિ, તે પણ ના જોયું..

અત્યાર સુધીની વ્યક્તિઓએ માત્ર દેહ અને બહારની સ્થિતિ જોઈ હતી. આ યુવાને આંતર-સ્થિતિ નીહાળી.. એમના આત્માને જોયો. પોતાના આત્મા અને એમના આત્મા વચ્ચેના સંબંધો જોયા...

શરીરના સબંધો તો નશ્વર છે, આત્માનો સંબંધ જ સાચા અર્થમાં શાશ્વત છે. આત્મા જ ઇશ્વર છે. આત્માનો સંબંધ જ ઇશ્વરત્વ પ્રગટાવે છે.

ક્ષય રોગ જેવા રોગોના ભોગ બનાનાર અને સતત ક્ષય પામનાર, આ દેહમાં શું લેવાનું ? શું જોવાનું ? 'ક્ષય' ને ખતમ કરનાર 'અક્ષય' આત્મા જ અક્ષયપદ આપનાર છે.

શ્રેયાંસ નામના એ રાજવીરે ઋષભદેવ નામના આ આત્મવીરને જોયા પછી બંને વચ્ચેના નવ ભવના આત્મ-આત્મીય સંબંધો નીહાળ્યા. ભગવાન ઋષભદેવના આ વૃષભ આત્માને કાંઈ જ જોઇતું નથી. જોઈએ છે માત્ર નિર્દોષ- શુદ્ધ આહાર...

ફળ-ફૂલ-વસ્ત્ર-પાત્ર- હાથી-ઘોડા- નોકર- અલંકાર- કન્યા આદિના ત્યાગી આ ત્યાગવીર-ક્ષમાવીર-મહાવીર એવા ઋષભપ્રભુને વૈશાખ સુદ-ત્રીજના દિવસે ઇક્ષુરસ વહોરાવ્યો. ૪૦૦ દિવસના નિર્જલા= ચોવિહાર, ઉપવાસનું આજે પારણું થયું.

૪૦૦ દિવસના આ વરસીતપના પારણાનો દિવસ તે જ દિવસથી અક્ષય આત્મા સાથેના અક્ષય સંબંધના પ્રભાવે અક્ષય તૃતીયા= અખાત્રીજ બની ગયો.

પ્રભાવના

બુદ્ધિ-તિલક શાંતિચંદ્રસૂરિ સમુદાયના પ્રથમ આચાર્ય શાંતિચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના દીક્ષા શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં બુદ્ધિ-તિલક શાંતિચંદ્ર સૂરિ સમુદાયના પ્રથમ= આદ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજશેખર સૂરીશ્વરજી મહારાજને અક્ષયતૃતીયાનો મહિમા પૂછવામાં આવ્યો.

ગચ્છાધિપતિ સહિત ૯૫ સાધુ-સાધ્વીજીઓના વરસીતપના પારણા તા.૨૦-૪-૨૦૨૬ના રોજ મુંબાઈ-સાંચોરી જૈન સંઘના ઉપક્રમે ૫૧ દિવસીય મહામહોત્સવ પૂર્વક જે યોજાયા છે, તે અંતર્ગત પૂજયશ્રીએ અખાત્રીજનો મહિમા સંક્ષેપમાં પણ પ્રભાવપૂર્ણ શબ્દોમાં જણાવતાં કહ્યું- 'આ અક્ષયતૃતીયા અક્ષયપદ તો અપાવે જ છે, પણ આ દિવસ એવો અક્ષય છે કે આજના દિવસે કોઈપણ શુભકાર્ય થઈ શકે છે. એમાં કોઈ જ મુહુર્ત જોવાની જરૂર નથી. આ અક્ષયતૃતીયા અક્ષય મુહૂર્ત છે.

પૂજ્યશ્રીના આ નૃતીય વરસીતપ સહિત, સર્વકાળના સર્વે વરસીતપને અક્ષયતૃતીયાને શત-શત અભિનંદન-અભિવંદન...