એક નંદી છે, તો બીજો આનંદી છે, એક વર્ધન છે, તો બીજો વર્ધમાન છે, એક યુદ્ધવીર છે, તો બીજો બુદ્ધ-મહાવીર છે

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનો દીક્ષાદિવસ દીક્ષા કલ્યાણક દિવસ... એક અલગ પરિપ્રેક્ષ્યમાં આજે જોઈશું...
મા ત્રિશલાના જાયા અને સિદ્ધાર્થરાજા છે જેના પિતા... ક્ષત્રિયકુંડ નગરીના પ્રાણપ્યારા પુત્ર...
મોટાભાઈ નંદીવર્ધન અને બહેન સુદર્શનાના લાડલા ભાઈ હતા... પ્રિયદર્શનાના જે પ્રિય પિતા હતા તો શેષવતીના નાના હતા...
આજથી ૨૫૯૪ વર્ષ પૂર્વે કારતક વદ-૧૦ના શુભ દિવસે શુભલગ્ને પ્રભુ વર્ધમાને (પછીથી મહાવીર નામે જગતમાં પંકાયા) જ્ઞાતખંડવનમાં દીક્ષા લીધી.
તે શુભ સમયે હજારોની સંખ્યામાં રાજદરબારીઓ તથા લાખોની સંખ્યામાં નર-નારીઓ અને કરોડોની સંખ્યામાં દેવ-દેવીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા.
આ પવિત્ર પળ હતી જગતના તારણહારની ગૃહત્યાગ કરવા દ્વારા સંયમ સ્વીકારની... આ લાખેણી ક્ષણ હતી મનમોહ ને મહાત કરવા માટેની મહાન મહોત્સવની... આ ટાઈમ હતો નિજાનંદની મસ્તી માણવાની મહેકતી મહેફિલનો...
જગતના દરેક જીવોની તે સમયે શું સ્થિતિ હતી - પરિસ્થિતિ હતી અને ભાવનાઓ હતી, તે તો જગતપતિ જાણે... તેમની કલ્પના કરી શકાય પણ તેની આપણે આજે વાત કરવી નથી.
આજે વાત માણવી છે બે ભાઈઓ વચ્ચેની ભાવનાઓની... શાસ્ત્રોનાં પાનાંને સાક્ષી રાખીને મોટાભાઈ નંદીવર્ધન અને નાના ભાઈ વર્ધમાનની તે સમયે શું પરિસ્થિતિ હતી, તેની પરિકલ્પના કરીશું...
નંદીવર્ધન રાજા છે અને વર્ધમાન રાજકુમાર હતા... એક ગૃહસ્થ છે, બીજા ત્યાગી છે...
એકના ચહેરા પર વિષાદની રેખાઓ છે તો બીજાના મુખ પર આનંદની રેખા દેખા દે છે....
એક વિલાપ કરી રહ્યો છે - હે ભાઈ, તારા વિના મને આ રાજપાટ જંગલ જેવું ભાસી રહ્યું છે - શ્મશાનવત્ જણાઈ રહ્યું છે. ત્યારે સામે પક્ષે વર્ધમાન (મહાવીર) જંગલને મંગલ બનાવવા ઉપડયા છે. તેઓ જંગલમાં જાણ ેરાજ કરવા જઈ રહ્યા હોય, તેવી ખુમારી તેમના ચહેરા પર છલકાઈ રહી છે. તો સાધના કરવા દ્વારા સ્મશાનની પણ શાન વધારવા જઈ રહ્યા હોય તેવી અદા તેમની ચાલમાં ડોકાઈ રહી છે.
એકની આંખમાંથી આંસુના પૂર વહી રહ્યા છે, તો બીજાની આંખમાં ભરપૂર ખુશી છલકાઈ રહી છે.
એકનું નામ નંદી છે તો બીજો નિજનો આનંદી (નિજાનંદી) છે.
એક વર્ધન છે, તો બીજો વર્ધમાન છે.
એક યુદ્ધમાં વીર છે તો બીજો બુદ્ધમાં મહાવીર છે.
એકની આંખો વર્ધમાન (મહાવીર) ને જોઈ રહી છે તો બીજો નીચી નજરે પણ ઊંચી આત્મદ્રષ્ટિએ આગળને આગળ વધી રહ્યો છે.
એકનું મોઢું રડવાથી લાલ-લાલ થઈ ગયું છે, તો બીજાનો ચહેરો સંયમના આનંદથી લાલગુલાબી થઈ ઉઠયો છે. એક નાના ભાઈને જોતો છતાં પોતાની જગ્યાએ જ ઊભો છે. આત્મપ્રદેશમાં પ્રવેશ કરવાની લક્ષ્યબુદ્ધિ સાથે બીજો મક્કમપગલે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યો છે.
એક બાહ્યદ્રષ્ટિએ સ્થિર છે, પણ અંદરથી અસ્થિર છે, જ્યારે બીજો બાહ્યદ્રષ્ટિએ દેહદ્રષ્ટિએ અસ્થિર દેખાય છે. પણ આત્મદ્રષ્ટિએ સ્થિર થઈ ગયા છે. એક પોતાના વન-પ્રદેશથી પોતાના ભવન તરફ પ્રસ્થાન કરવાની અણી પર છે, જ્યારે બીજો ભવનને છોડી વન-ઉપવનમાંથી વન-વગડે સંચરવા પ્રસ્થાન કરી ચૂક્યા છે.
એક પોતાની વેદના પ્રગટ કરી રહયો છે - ભાઈ તારા વિના કેમ જીવીશું ? કેમ રોટલી ગળે ઉતરશે ? કોની સાથે હવે આનંદ-પ્રમોદની વાતો કરીશું ? ત્યારે સામે પક્ષે વર્ધમાન જાણે કહી રહ્યા છે કે ભાઈ, હું તો મૌન સાધનાનો પ્રવાસી... એક માત્ર આત્માનો સહવાસી-સહપ્રવાસી... અને તપસ્યામાં ઉપવાસી... મને આ જનમોજન્મના વાસી જીવન ન ખપે... એક જ્ઞાતખંડવનમાંથી પોતાના જ્ઞાતપ્રદેશ એવા મહેલ તરફ જનાર છે, તો બીજો જ્ઞાતખંડમાંથી અજ્ઞાતખંડમાં પ્રવેશ કરી રહ્યો છે. એ પોતાના દૈહિક જ્ઞાતપ્રદેશમાંથી આત્મિક જ્ઞાનપ્રદેશમાં જઈ રહ્યો છે.
એક દેહી છે, બીજો વિદેહી બનીને વિદેશી બન્યો છે.
દીક્ષાના આ પવિત્ર દિવસે બંને ભાઈઓની ભાવના શુભ સ્વરૂપા હતી. એક ભાઈ-પ્રેમમાં ઝૂરી રહ્યા હતા તો બીજો જીવ-પ્રેમમાં ઝૂમી રહ્યો હતો.
પ્રભાવના
માતા-પિતાના સ્વર્ગવાસ પછી પોતાની દીક્ષાની ભાવના મોટા ભાઈ નંદીવર્ધન સમક્ષ રજૂ કરી હતી. ત્યારે મોટાભાઈએ બે વરસ રાજમહેલમાં રોકાવાનું કહ્યું. તો મોટાભાઈની આજ્ઞાથી તેઓ રાજભવનમાં જ રોકાઈ ગયા. પણ તેવા સમયે તેઓએ મોટાભાઈની અનુજ્ઞા અને આશિષથી મહેલે ઘરે રહીને સંયમ જેવું જીવન જીવતા હતા.
બે વરસ સુધીના સમયગાળાના તેઓશ્રીના નિયમો :
(૧) આજથી આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું (૨) પોતાના માટે કોઈ પણ પ્રકારનો આરંભ-સમારંભ ન કરવો. ભોજન-પાણી માટે પણ નહીં. (૩) સાદા વસ્ત્રોમાં જ રહેવું. રાજ આભૂષણો-વસ્ત્રો નહીં પહેરવા. સાદા અલંકારો પણ નહીં. (૪) સચિત્ત જળનો ઉપયોગ નહીં કરવો. અચિત્ત જળ વાપરવું. (૫) અચિત્ત જળથી પણ સ્નાન નહીં કરવું. સર્વસ્નાનનો સર્વથા ત્યાગ. (૬) માત્ર દીક્ષાના દિવસે જ સચિત્ત જળથી સ્નાન કરવું.
આમ ભગવાન મહાવીર બે વરસ સુધી સાધુ જેવું જીવન જીવ્યા હતા. અને કારતક વદ ૧૦ ના રોજ દીક્ષા લીધી હતી.









