સાધુનો ઉપદેશ સાથે લીધો, અને પંચનો આદેશ માથે ચડાવ્યો, તો અજાણ્યા દેશમાં - જંગલના પ્રદેશમાં રત્નો એના હાથે ચડી આવ્યા

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
- મડદુ ઉપાડનારની નજર મડદાની જાંઘ પર ગઈ. જાંઘ પર એની નજર સ્થિર થઈ ગઈ. ત્યાં કોઈ ઘસરકો ન હતો. કોઈ ઘા ન હતો કે લોહીનો કોઈ ડાઘ પણ ત્યાં ન હતો. જાંઘ પરનો એ ભાગ સીવેલો હતો. ઓપરેશન પછી ટાંકા લે તેમ આટલો ભાગ ટાંકા લીધેલો હતો
એણે મડદું જોયું. એના ઉપર પડેલો કાટમાળ જોયો. પછી ધીમે રહીને મડદા ઉપરનો કાટમાળ સાફ કર્યો. મડદાને ધીરેથી આગળ લીધું. અને ખભા ઉપર નાખીને તે ચાલતો થયો.
ખભે કોથળો નાખીને ચાલતા મુસાફરની જેમ તે માણસ વારંવાર-એ મડદા તરફ જોતો રહેતો. મડદાના કપડા ફાટી ગયા હતા. જગ્યાએ જગ્યાએ કાણા પડી ગયા હતા. જેમાંથી એના શરીરે પડેલા ઘા દેખાઈ રહ્યા હતા. લોહીના ડાઘા પણ ઠેકઠેકાણે પડેલા હતા. અને પથ્થરના ઘસરકા પણ શરીર પર સ્પષ્ટ દેખાતા હતા.
એક મકાનની દિવાલ એના પર પડી હતી. જેના કારણે આ મરી ગયો હતો. દીવાલ એના પર પડવાને લીધે એ દબાઈ ગયો હતો. દીવાલના પથ્થર તેના પર પડવાથી ઘાના ઘસરકા પણ પડયા હતા અને કપડા પણ ફાટયા હતા. ત્યાં એ મડદુ ઉપાડનારની નજર મડદાની જાંઘ પર ગઈ. જાંઘ પર એની નજર સ્થિર થઈ ગઈ. ત્યાં કોઈ ઘસરકો ન હતો. કોઈ ઘા ન હતો કે લોહીનો કોઈ ડાઘ પણ ત્યાં ન હતો. જાંઘ પરના એ ભાગ સીવેલો હતો. ઓપરેશન પછી ટાંકા લે તેમ આટલો ભાગ ટાંકા લીધેલો હતો.
એક ગામમાં એક ચોર એક દુકાનમાં એક રાતે એકલો પ્રવેશ્યો. ચોરી કરવા માટે દુકાનમાં ઘુસેલો ચોર ચોરી કરવાના મુદ્દે દીવાલ પાસે ઊભો હતો. દીવાલ કાચી હશે. તે એના પર જ તૂટી પડી. દીવાલમાં કાણું પાડવા ગયો ચોર... પણ દીવાલ આખી જ તૂટી પડીને મોટા કાણા જેવી બની ગઈ. ચોર દબાઈ ગયો દીવાલ નીચે અને દબાઈને મરી ગયો. એ દુકાનની સામેની એક દુકાનના ઓટલા પર એક અજાણ્યો માણસ સૂતો હતો. એને આ વાતની કોઈ જ ખબર નથી એ હતો મુસાફર. મુસાફરીના થાકથી અને ભૂખ-તરસથી થાકેલો એ માણસ ત્યાં દુકાનના ઓટલે બેઠો હતો. અને ત્યાં જ પછીએ ઘસઘસાટ ઊંઘી ગયો.
સવારે ગામના પંચ ગણાતા ૫-૭ માણસો ત્યાં આવ્યા. દુકાનદારની ફરિયાદથી આવેલા પંચે દુકાનની દીવાલ તૂટેલી જોઈ એનો કાટમાળ જોયો. ત્યાં કોઈ માણસ દેખાયો નહીં. પણ સામેના દુકાનના ઓટલા પર એક માણસને સૂતેલો જોયો.
દુકાનમાં ચોરી થયાની ફરિયાદથી આવેલ પંચે એ વટેમાર્ગુને જગાડયો. ચોર ચોરી કરીને ક્યારેક ત્યાં જ ઊંઘી જતા હોય છે. એવું સમજી પંચે એને ચોરી વિશે પૂછપરછ કરી. એણે એકદમ ભોળાભાવે સત્ય જણાવતા કહ્યું - ''મને આ વિશે કોઈ જ ખબર નથી. હું ચોર નથી. હાં, હું પૈસા મેળવવા ઘર અને ગામથી નીકળ્યો છું. પણ ચોરી કરીને નહીં. મારા નસીબથી મને જે મળશે, એ મેળવીશ. મારા નસીબને ચકાસવા જ હું બહાર નીકળ્યો છું. કહ્યું પણ છે કે ઘણીવાર નસીબ ઘરમાં નહીં, પણ બહારગામ ગયા પછી જ ખૂલતું હોય છે.''
એની વાત સ્વીકારી તો લીધી. પણ ચોરની તપાસ બાકી હતી. તેથી એની પાસે જ ચોરની તપાસ અર્થે દીવાલનો કાટમાળ ખસેડાયો અને એમાંથી ચોર મડદા સ્વરૂપે બહાર આવ્યો.
એ અજાણ્યા મુસાફરનો કોઈ જ ગુનો ન હોવા છતાં પંચે એને કહ્યું - 'તું અજાણ્યો છે. રજા લીધા વિના જ આ દુકાનના ઓટલા પર સૂઈ ગયો છે. તેના દંડ રૂપે તારે આ મડદાને જંગલમાં લઈ જવું પડશે. ત્યાં તેનું વિસર્જન પણ તારે કરી દેવાનું.'
અજાણ્યા ગામમાં એ બીજું કરે પણ શું ? એ અજાણ્યો હતો અને પંચનો આદેશ હતો. પંચના આદેશ પછી રાજા પણ કાંઈ ના કરી શકે. એટલે એને બીજું કાંઈ જ વિચારવાનું ન હતું.
વળી, એણે એક દિવસ પહેલાં જ ગામ છોડીને નીકળ્યા પછી અને જંગલમાં પ્રવેશ્યા પહેલાં એક સાધુનો ભેટો થયો હતો. તેમણે તેને હિતશિક્ષા સ્વરૂપે કહેલી વાતો પૈકીની એક વાત એ હતી - કોઈ પણ ગામમાં જાય, ત્યાં ગામના પંચનો આદેશ ઠુકરાવવો નહીં. પણ પૂર્ણપણે પાલન કરવું.
આમ આ મુસાફર મડદાને લઈને જતો હતો. ત્યાં તેણે ચોરની જાંઘ પર સીવેલો ભાગ જોયો. અને એણે મડદાને નીચે ઉતાર્યું પહેલાનાં લોકો ઘણીવાર કિમતી રત્નો આ રીતે જાંઘમાં સીવી લેતા આ સાંભળેલી વાતને એણે અહીં સાક્ષાત જોઈ. ટાંકા ખોલતાં જ અમૂલ્ય રત્નો બહાર નીકળ્યા. પંચે જાણે એના ભાગ્યને ખોલવા માટે જ આ મડદાને જંગલમાં લઈ જવાનો આદેશ કર્યો હશે. અને સાધુ મહારાજે પણ જાણે એટલે જ આવો ઉપદેશ આપ્યો હતો.
પ્રભાવના
૪૫ આગમ અંતર્ગત ૧૨ અંગ રૂપ દ્ધાદશાંગીના આઠમા અંગ, નામે અંતગડદશા, માં વર્ણવાયેલ આ દ્રષ્ટાંત જણાવે છે (૧) સાધુનો ઉપદેશ હંમેશ શ્રદ્ધાભાવે ગ્રહણ કરવો, અને (૨) ગામના મૂળિયા-વડીલ એવા પંચનો આદેશ માતા-પિતાની આજ્ઞાની જેમ સ્વીકારવો. ભાગ્યના દ્ધાર ઊઘડશે જ.
દેવયશ નામે એ અજાણ્યો મુસાફર ભાગ્યયોગે મેળવેલા સંપત્તિનો સદુપયોગ કરી, ફરી સાધુનો ઉપદેશ સાંભળી, પત્ની સાથે દીક્ષા લઈને પાંચ મહાવ્રત રૂપ સંયમ પાળીને, કેવલજ્ઞાન પામીને મોક્ષે જાય છે.









