Magazines

નિર્ભય ને અભયનું વરદાન મળે છે

By GS TEAM
8 Apr 20264 mins read
નિર્ભય ને અભયનું વરદાન મળે છે

- जो डर गया, वो मर गया । जो निडर रहा, वो अमर देव बना ।

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

- ગામ લોકો જાત-જાતની વાતો કરી રહ્યા હતા... કોઈ કહેતું, 'કાલિકા માતા કોપાયમાન થયા છે. એમની પૂજામાં ગડબડ થઈ હશે અથવા તો ભોગ ધરવામાં અન્યાય થયો હશે...' કોઈ કહેતું, 'જોગણી માતા રીસાયા હશે. એ પોતાનું ખપ્પર ભરવા આવી હશે.'

ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. જ્યાં જુઓ ત્યાં શોકનું વાતાવરણ છે. રડવા-કકળવા સિવાય બીજું કાંઈજ નજરે ચડતું નથી.

શ્મશાનમાં લાશો ખડકાઈ રહી છે. અગ્નિસંસ્કારનું સ્વરૂપ આપવાની તો વાત દૂર રહી, મડદા બાળવાની જગ્યા પણ ઓછી પડી રહી છે. તો કબ્રસ્તાનમાં પણ આજ હાલત હતી.

ઘરે-ઘરે મોતનું માતમ છવાયું હતું. કોઈની મા મૃત્યુ પામ્યા હતા, તો કોઈના પિતા... કોઈના ભાઈ તો કોઈની બેન.. કોઈનો દીકરો તો કોઈની દીકરી... કોઈની વહાલી પત્ની જતી રહી હતી તો કોઈ પત્ની વિધવા થઈ ગઈ હતી. લગભગ કોઈ ઘર બાકી ન હતું. મૃત્યુ ન પામ્યું હોય તેવું.

***

ગામ લોકો જાત-જાતની ભાત-ભાતની વાતો કરી રહ્યા હતા... કોઈ કહેતું - કાલિકા માતા કોપાયમાન થયા છે. એમની પૂજામાં ગડબડ થઈ હશે અથવા તો ભોગ ધરવામાં અન્યાય

થયો હશે...

કોઈ કહેતું - જોગણી માતા રીસાયા હશે. એ પોતાનું ખપ્પર ભરવા આવી હશે. એટલે આટલા મોત થયા છે.

કોઈ કહેતું - મેલડીમાતાને કાંઈક ઊલટું પડયું હશે. મેલડી મા લડીને જ રહેશે. કોઈને ય છોડશે નહીં. હવે તો હાથ જોડશે તોય તેને તોડશે જ... આવી અનેકાનેક વાતો વહી રહી હતી.

***

કોઈ ભૂવા-ભોપાને બોલાવી લાવતું... તો કોઈ-કોઈ દોરા-ધાગા બનાવી આપતા. તાવીજ-માદળીયાનો રાફડો ય ઊભો થઈ ગયો હતો...

જ્યોતિષીઓ-માંત્રિકો-તાંત્રિકો-વિધિવિધાનકો પણ જ્યાં-ત્યાં કરાવવામાં આવી રહ્યાં હતા... પૂજા-હવન-હોમ-યજ્ઞા આદિ પણ ઠેર-ઠેર થવા માંડયાં હતા... ધાન્યના બલિ-બાકલા પણ રોજેરોજ ઉછાળવામાં આવી રહ્યાં હતા... જેથી લોકપાલ-ક્ષેત્રપાલ-દિક્પાલ આદિ દેવો સંતુષ્ટ થાય.

પણ પરિણામ શૂન્ય...

૧૫ વરસનો એક નવયુવાન આગળ આવ્યો ગ્રામ્ય જનતાની સમક્ષ તેણે નમ્ર પણ બુલંદ અવાજે કહ્યું - 'આ હિંસાનો માર્ગ કેમ પસંદ કર્યો છે ? દેવ-દેવીઓ જો નારાજ થયા હોય તો એમને મનાવવા માટેનો પ્રયત્ન કરાય. નારાજગીનું કારણ શોધાય. પણ આ રીતે હિંસા તો કોઈ જીવોની ના જ કરાય.'ળ

મંત્ર-તંત્ર આદિ પ્રયોગો કરતાં હતા, ત્યાં સુધી હજુ બરાબર હતું... પણ આ પશુઓની બલિ શરૂ કરી, તે જરાય શોભનીય નથી. 

વળી, દલિત મનુષ્યોને પણ તેમાં નાંખ્યા... એમના ઘરોને બાળવાના ? એમણે બિચારાઓે શું ગુનો કર્યો ? ગામમાં રોગચાળો આવ્યો, તેમાં દલિતો શું કરે ? એમને શા માટે મારવાના ? એમને બાંધવાના ? એમને તરસ્ય-ભૂખ્યા રાખવાના ?

કોઈપણ જીવને આપણે હેરાન કરશું તો દેવતત્વ વધારે નારાજ થશે. દેવતત્વ તો ત્યારે જ રાજી, જ્યારે કોઈ જીવની ના હોય તારાજી!'

અને પછી પોતાની અનુભવકથા કહેતા કહ્યું - 'હું છેલ્લા ચાર દિવસથી બધે ફરી વળ્યો છું. શ્મશાનમાં, કબ્રસ્તાનમાં, ભૂતપીપળા પર, ભૂતબંગલા આદિ સર્વત્ર જગ્યાએ જઈ આવ્યો. ભૂત, યક્ષ, મેલડીમા કાલિકા મા વગેરે બધા જ દેવતત્વોને આહ્વાન કરીને કહ્યું કે તમો કેમ મારા ગામને ખતમ કરો છો. કોઈ જ પ્રત્યુત્તર ના મળ્યો.'

પણ...પણ, તેમના મૌનમાંથી મને લાજવાબ જવાબ જડયો. ભય માણસને મારી નાખે છે. એ વાત સાચી કે ગામમાં કોલેરા ફાટયો છે. લોકોને ઝાડા-ઊલટી થાય છે... અને મરી જાય છે. આટલું જ થાય ને માણસ મરી જાય !! મોટાભાગના માણસો ભયથી મરી રહ્યાં છે. ભય કાઢી નાંખો... નિર્ભય બની જાઓ. નિર્ભય-નિડરને દેવતત્વ પણ કશું ના કરે. નિર્ભયને અભયનું વરદાન મળે છે. ભયને ભોંયભેગો કરી નિર્ભયપણે ઉભા થઈ આગળ વધો.

- જોડર ગયા, વો મર ગયા....

જો નિડર રહા, વો અમર - દેવ બના..''

ત્યારે ગામ આખાને પછીથી જગત આખાને નિર્ભયતાનો જાગૃતપાઠ આપનાર આ યુવાન એટલે વિજાપુર ગામનો બહેચરદાસ પટેલ... જે પછીથી દીક્ષા લઈને બન્યા યોગનિષ્ઠ જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ.....

પ્રભાવના

વિક્રમસંવત ૧૯૪૫માં ૧૫ વર્ષની કિશોર યુવાવયે વિજાપુરમાં લોકોને ભયમુક્ત કર્યા અને ૨૭ વર્ષની મધ્યયુવાવયે દીક્ષા લઈને જેમણે વિશ્વને ભયમુક્ત કરવાના શપથ લીધા તેવા આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજાએ દૂધ વેચાવાની પણ કલ્પના ના થઈ શકે તેવા સમયમાં પાણી વેચાવાની ભવિષ્યવાણી કરી હતી.

સંસ્કૃત-ગુજરાતી ગદ્ય-પદ્ય મળી કુલ ૧૦૮-ગ્રંથ લખનારા, કુલ ૨૪ વર્ષનો સંયમપર્યાય અને ૧૨ વર્ષનો આચાર્ય પર્યાય પાળનારા પૂજ્યશ્રીના નામનો ઉલ્લેખ ભારતના વર્તમાન વડાપ્રધાન સન્માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતાની મન કી બાતમાં કર્યો હતો.

શ્રી ઘંટાકર્ણ મહાવીરના ઉદ્ગાતા પૂજ્યશ્રીનો આ ઘંટરાવ કર્ણમધુર બની રહ્યો...