Magazines

શત્રુંજય મહાતીર્થની 495મી ધજા સમયે યાદ આવે 495 પ્રહર પૂર્વેની એક ઘટના

By GS TEAM
6 May 20263 mins read
શત્રુંજય મહાતીર્થની 495મી ધજા સમયે યાદ આવે 495 પ્રહર પૂર્વેની એક ઘટના

- શત્રુંજય ગિરિરાજ સાથેનો અજબ ઋણાનુબંધ 'નમ્રરત્ન' મહારાજ ધરાવે છે ગજબનો સંબંધ

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

તીવ્રવેગથી દોડતી એ કારે ખતરનાક વળાંક લીધો. પહેલી લેનમાં ઉભી રહેલ ટ્રકથી બચવા એ કાર સેકંડ લેન પર વળી. પણ ત્યાં જ તેની પાછળ સેકંડ લેન પર પૂરપાટ દોડતી એ ટ્રકે કારને જોરથી ટક્કર મારી. ટ્રકનો આગળનો ભાગ દબાયો... પણ કાર તો આખેઆખી મુઠ્ઠીમાં દબોચી લીધેલા કાગળની જેમ પૂરેપૂરી દબોચાઈ ગઈ.

કાર ફંગોળાઈ.. ફેંકાઈ.. અને રોડની સાઇડે ચાલતા મુનિવરને ભટકાઈ. ધૂમાડાના ગોટેગોટા ઓકતી કારે મુનિવરને દબોચી લીધા. કાળ બનીને આવેલી કાર ઁ કાર સ્વરૂપ મુનિનો કોળિયો કરી ગઇ.. વિ.સં.૨૦૮૨, ફાગણ વદ-૮, તા.૧૩-૩-૨૦૨૬.

ગિરિરાજ અને ગુરુરાજના રત્ન સમા મહારાજ યમરાજના રાજમાં પહોંચી ગયા. પણ નિયમ રાજ સાથે 'ધર્મ' રાજ તરફ.

***

 'ધર્મ'ના સૂર્યોદય સમયે 'રાજ'ને છોડી ગયેલું આ રત્નનું પ્રાગટય થયું. શત્રુંજય મહાતીર્થના ખોળે, પાલીતાણાના ગોંદરે, વિ.સં.૨૦૬૦, શ્રાવણ સુદ-૧૧. તા.૨૮-૭-૨૦૦૪ બુધવારના રોજ પિતા શ્રેયાંસભાઈ અને માતા ભાવીબેનની કૂંખે..

શત્રુંજયના આદિનાથની જેમ મુંબઈ-મુલુંડના આદિનાથદાદાની નિશ્રામાં તેમનો ધર્મ-ઉછેર થયો અને કાંદીવલી (ઇ)ના આદિનાથદાદાની છત્રછાયામાં દીક્ષા-અવસર આવ્યો. ફાગણ વદ-૨, વિ.સં.૨૦૭૬ના...

શત્રુંજયના આદિનાથ દાદાની ૪૮૯મી ધજાના દિવસે ગુરૂરાજ સાથેના ૫૯ સંયમીઓ સાથે ૫૦૦ આયંબિલ તપમાં જોડાયા. દીક્ષાના પહેલા જ વરસે અને બીજા મહિને...

શત્રુંજય ગિરિરાજની ગોદમાં મૃત્યુંજપ= માસક્ષમણ તપ (૩૦ ઉપવાસ) જેવી અઘરી તપસાધના સંપન્ન કરી, દીક્ષાના ચોથા વર્ષે, વિ.સં. ૨૦૮૦ના ચાતુર્માસમાં....

અને ૯ વર્ષની બાલવયે 'ગિરિરાજ રક્ષા અભિયાન'માં જોડાયેલા રહીને ૧૧ વર્ષની નાનીવયે ૯૯ યાત્રા કરનાર આ બાળક દીક્ષાના છેલ્લા દિવસે ફાગણવદ-૭ વિ.સં.૨૦૮૨ના રોજ આદિનાથ દાદાના વરસીતપ પ્રારંભ દિવસે વરસીતપ પ્રારંભ કરીને શત્રુંજયના ધ્યાનમાં શત્રુજયના અદૃશ્ય સુરક્ષા અભિયાનમાં ચાલી નીકળ્યા.

***

ગુરુરાજ આ.વિ.રશ્મિરત્ન સૂ.મ. અને ગિરિરાજ શત્રુંજયની ગેરહાજરીમાં બંનેના સ્મરણ સાથે મરણને મહોત્સવ રૂપ બનાવનારા મુનિરાજ શ્રી 'નમ્રરત્ન' મહારાજનું ગરવું પણ ગુણ રાજ...

૧) શત્રુંજયના આદિનાથ દાદાની છબીના સતત સાંનિધ્યમાં રહીને આત્માની છબીને ચોકખી બનાવનારા મુનિશ્રી નામ પ્રમાણે જ સદા નમ્ર બનીને રહ્યા છે.. ક્યારેય ઉંચે અવાજે બોલ્યા નથી.

'નમ્ર' નામ છે, કે તેઓ કદી કોઈને ઊંચે અવાજે બોલ્યા નથી. પણ 'નમ્ર' ઇનામ છે તેમનું આ કે તેમને કદી કોઈએ ઊંચે અવાજે કાંઈ કહેવું પડયું નથી.

૨) મુમુક્ષુપણામાં ૧૮ કિલોમીટરના વિહાર પછીયે આરામ વિના ૮ થી ૧૦ જિનાલયોમાં પ્રભુ પૂજા-ચૈત્યવંદન આદિ કરવામાં ક્યારેય થાક અનુભવ્યો નથી. તો સાધુપણામાં પણ દીર્ઘવિહાર પછીયે ગુરુને પાણી આપવાથી લઈ તમામ સેવા-શુશ્રુષામાં કદી થાક્યા નથી.

૩) દાદાગુરુ આ.વિ.રાજરત્નસૂ, ગુરુ આ.વિ. રશ્મિરત્ન સૂ., વિદ્યાગુરુ મુનિશ્રી પ્રશમરત્ન વિ.મ., પિતામુનિશ્રી સહિત સૌના લાકડવાયા.. સૌને ગમી જનારા તથા સૌને ગમાડનારા મુનિશ્રી સંયમ-ધર્મના એવા તો ચાહક હતા, જો અંત સમયના શબ્દો પિતામુનિ પ્રત્યેના હોત- 'ધૈર્ય સાથે સંયમ પાળજો ' અને ભાઇમુનિ પ્રત્યેના શબ્દો હોત- 'શૌર્ય સાથે સંયમ પાળજો.' સંયમનું શૌર્ય પણ હતું અને જીવનમાં ધૈર્ય ગુણ પણ એવો જ હતો. સાચા અર્થમાં એ હિતાર્થ મિત્ર હતા.

દાદા આદિનાથના 'રાજ'માં જીવનના શ્વાસના 'સૂર્યોદય' થયો, અને દાદા આદિનાથના તપ-ધર્મમાં જીવનના શ્વાસનો 'પ્રશમ' થયો.

પ્રભાવના

શત્રુંજય ગિરિરાજના 'આદિનાથ' દાદાની ૪૯૫મી ધજા અવસરે મુનિશ્રી નમ્રરત્ન મહારાજની બીજી માસિક પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ વાંચીએ એમણે સ્વયંસ્ફૂરણાએ લીધેલા કેટલાક સંકલ્પો :

૧) રોજ સવારે પાંચ કલાક મૌન કરવું.

૨) મહિનામાં સાત દિવસ ૨૫ થી ૩૦ ગાથાઓ કંઠસ્થ (યાદ) કરવી.

૩) સ્વાધ્યાય મુખી-અંતર્મુખી જીવન બનાવવું. આત્મ-ચિંતન કરવું.

૪) લોકો સાથે વાતોચીતો ન કરવી. લોક સંપર્ક બહુ ન કરવો.

૫) સ્વદોષદર્શન અને સ્વદોષગર્હા કરીને પોતાની ખામીઓ સુધારવી.

૬) આ જીવનનું સંપૂર્ણ અસ્તિત્વ માત્ર દેવ-ગુરુને અર્પણ છે. એમ માનવું.

૭) દાદાગુરુ, વિદ્યાગુરુ, ગુરુદેવ, પિતા-ભાઈ અને માતા મુનિના ભાવોને મારે પૂર્ણ કરવા.

૮) વડીલો જે કહે તે હસતા મુખે સ્વીકારવું. અરૂચિ નહીં લાવવી. એ બધાની ઊછળતા ભાવે સેવા કરવી.