Get The App

તમારી સંયમિતભૂમિકાને અને તમારી સંયમ ભૂમિને લાખ-લાખ વંદન

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
તમારી સંયમિતભૂમિકાને અને તમારી સંયમ ભૂમિને લાખ-લાખ વંદન 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

આછા અને ઓછા કપડામા માદક નૃત્ય કરતી એક રૂપવતી યુવતી પોતાના મનના માનીતાના મનનું રંજન કરવામાં મશગૂલ હતી. જાતજાતના ને ભાતભાતના અંગમરોડ તથા અંગપ્રદર્શનની અદ્ભુત કલાઓ તે આરજૂ સાથે રજૂ કરી રહી હતી.

નૃત્યકળાને પ્રદર્શિત કરતી તે થાકતી પણ ન હતી. જ્યારે આપણા વહાલાને રિઝવવાનો હોય ત્યારે થાક શાને ? પ્રભુભક્ત માનવી પ્રભુને પ્રિયતમ તરીકે જ્યારે સ્વીકારે છે, ત્યારે તે પોતાનું બધું પ્રભુના ચરણોમાં ન્યોચ્છાવર કરી દે છે. 'તન-મન-ધન પ્રભુના ચરણોમાં.'

સ્ત્રી પણ પોતાનુ તન-મન અહીં ખોલી રહી છે, નૃત્યકળા દ્વારા. શરીર નાચે છે, વસ્ત્રોને ય નચાવે છે, બહારના અંગો અને અંદરના  ય અંગોને નચાવે છે. જુદા જુદા પ્રકારના અંગો અને માધ્યમથી બધું જ અંગપ્રદર્શન-અંગનર્તન કરી ચૂકી તે નર્તકી.

અને હવે તે આગળ વધી રહી છે

- અંગસ્પર્શન કરવા.

***

એક યુવાન, રૂપવાન અને વિવાહીત શ્રાવકને ઘેર એકાંતમાં એ શીલવાન શ્રાવકની સામે એક રૂપનર્તકી પોતાની નૃત્યકળા પ્રદર્શિત કરી રહી હતી. શ્રાવકના મનને રીઝવવાને બદલે પોતાના મનને તે રીઝવી રહી હતી.

આવી તો હતી આ દૂર દેશથી, આદન (એડન) બંદરે રહેતી આ યુવતી આવી હતી અહીંના બાદશાહ મહમ્મુદ તુઘલક (મતાંતરે બાદશાહ-સુલતાન પીરોજ શાહ)ના દરબારે. વિક્રમની ૧૪મી સદીમાં દિલ્હીની ગાદી પર રાજ કરનારા સુલતાનના દરબારમાં આ નર્તકીએ પોતાની અદ્ભુત નૃત્યકળા પ્રસ્તુત કરી.

બાદશાહને સલામ કરીને સલામત અંતરે ઊભી રહેલી તે નર્તકી પર બાદશાહ ખૂબ ખુશ થયા હતા. બાદશાહ સલામત પણ નર્તકીની નૃત્યકળાને જાણે સલામ કરતા હોય તેમ બોલ્યા, 'વાહ, નર્તકી, વાહ, આજે તે મારું મન મોહી લીધું છે. હું આજે અત્યંત ખુશ છું. તારે જે માંગવું  હોય તે માંગ. તું જે માંગીશ, તે આપીશ.'

બાદશાહ આજે આટલા ખુશ થયા હતા, કે તે કદાચ પોતાનું રાજ્ય પણ આપી દે. જીહજુરીયા ત્યાં ઊભા-ઊભા ગભરાઈ રહ્યા હતા. ક્યાંક બાદશાહ પોતાનું રાજ્ય ન આપી દે. આ નર્તકીનું કાંઈ કહેવાય નહીં. કોઈક હિન્દુની પ્રેરાઈ અહીં આવી હોય તો બાદશાહ પાસેથી આ રીતે ભેરણામાં રાજ્ય પડાવી લે... રાજાને આ રીતે પટાવી લે.

અનેક દરબારીઓ ત્યાં બેઠા હતા. બધાં જ જુદી-જુદી વિચારણા કરી રહ્યાં હતા. ત્યા જ બધાની વિચારણાઓનો અંત કરતો એક ટહુકો સંભળાયો. નર્તકી બોલી રહી હતી - 'બાદશાહ સલામત !'

એનો મધુર રણકો સાંભળતા જ બધાના મનમાં રણઝણ થવા લાગી. તે બોલી - 'બાદશાહ સલામત ! હુ આદન બંદરથી અહીં આવી છું. એડન બંદરની નર્તકી છું. આમ તો હું ક્યાંય જતી નથી. પણ મેં સાંભળ્યું છે કે અહીં મહણસિંહ નામનો એક જિનભક્ત=શ્રાવક રહે છે. જે દ્રઢધર્મી તો છે, પણ શીલધર્મી પણ છે. એ પોતાની સ્ત્રી સિવાય બીજા કોઈનામાં ય રસ નથી ધરાવતો. આપ જહાંપનાહના જનાનખાનાનો એ સુરક્ષા-મંત્રી છે. ગમે ત્યારે જનાનખાનામાં જતો હોવા છતાં એ આજ સુધી કોઈ સ્ત્રીથી લપેટાયો નથી. ખરડાયો નથી. એણે સ્વપ્નમાં પણ કોઈ પરસ્ત્રીને ભોગવી નથી. પરસ્ત્રીના સંગથી-અંગથી-અનંગથી એ કદી રંગાયો નથી. આપની પરીક્ષામાં પણ સંપૂર્ણપણે-અખંડપણે એ ઉત્તીર્ણ થયા છે. તો મારી એક ઇચ્છા છે કે એની સામે મારે મારું નૃત્ય પેશ કરવું છે. આમ તો એ મને પ્રવેશ નહીં આપે, પણ આપનો હુકમ એ ટાળી નહીં શકે. બસ, આ એકમાત્ર ઇચ્છા છે. એ મારી ઇચ્છા આપ પૂર્ણ કરાવો.'

બાદશાહનો હુકમ થયો અને એ નર્તકી પરમ જિનભક્તના ગૃહે નૃત્ય કરવા આવી. અનેકાનેક નૃત્ય પછી પણ જ્યારે એ ભગવાન મહાવીર સ્વામીના શાસનનો પરમભક્ત ઊંચી નજરે ય નથી જોતો, ત્યારે આ નૃત્ય કરતી કરતી નર્તકી તેના અંગસ્પર્શન માટે આગળ વધે છે. પણ મહણસિંહ ત્યાંથી પાછળ હટી જાય છે, અને કહે છે - 'બહેન, તેં નૃત્યની આજ્ઞાા લીધી છે, અડવાની નહીં.'

તરત જ નર્તકી નૃત્ય કરતી કરતી અટકી જાય છે. હાથ જોડે છે. ચરણસ્પર્શ કરી લે છે. અને કહે છે - 'ભાઈ, જેવી મેં પ્રશંસા તમારા શીલપાલનની છેક એડન બંદરે સાંભળી હતી, તેનાથી પણ તમે વધુ દ્રઢ છો. તમારી સંયમિત ભૂમિકાને અને તમારી આ સંયમભૂમિને મારા લાખ-લાખ વંદન છે.'

મહણસિંહને નમસ્કાર કરી નર્તકી ફરી સુલતાન પાસે આવી અને અદબ વાળીને કહ્યું - 'બાદશાહ ! મહણસિંહ આપના રાજ્યની એક મહાન વિભૂતિ છે. આપના રાજ્યનું એક અમૂલ્ય રત્ન છે. મેં જેવી પ્રશંસા સાંભળી હતી, તેથીયે વધુ તેમની મહાનતા મેં મારી સગી આંખે જોઈ છે. આજે જ્યારે માનવી વાસનામાં ડૂબતો જાય છે, ત્યારે આ મહણસિંહ વાસનાના કાદવ વચ્ચે કમળ બનીને ખીલી રહ્યા છે. આ મહણ કમળ-મહાન કમળ મહેકતું રહો. સનાતન સુવાસિત રહો. અખિલ બ્રહ્માંડમાં તેમની બ્રહ્મ તેજ ખીલતું રહો. અને વિશ્વમહનીય મહણસિંહના બ્રહ્મણ (બ્રહ્મ)ની જેમ સૌ જીવો બ્રહ્મ-તેજથી તેજસ્વી બનો.

પ્રભાવના

વિજાતીય પર ખરાબ દ્રષ્ટિ નહી કરનારા મહાન મંત્રીશ્રી મહણસિંહ પાસે બે મોતી હતા - જેનું નામ હતું 'શિવ-શક્તિ'. આ મોતીને જોડીયા મોતી કહેવાતા. આ મોતી ક્યારેય એકબીજાથી જુદા ના રહે. જુદાઈ જાણે સહન ના થતી હોય તેમ તે બંને મોતી ભેગા થઈ જ જાય. એમ કહે છે કે માની લો આમાંનું એક મોતી તમે કોઈ વેપારીને વેચી દો, તો સાંજ સુધીમાં તો તે મોતી પાછું પોતાની પાસે રહેલા મોતી પાસે આવી જાય.

નિર્મળ ગંગાજળ જેવા આ મોતી નિર્મળ મનના માનવી પાસે જ શોભે. માટે કુદરતે પણ આ નિર્મળ મોતી મહણસિંહને આપ્યા હતા.

દિલ્હીના બાદશાહે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે આ મોતીની જાતે પરીક્ષા પણ કરી. અને પરીક્ષાની રીક્ષામાં બેસીને પણ તે મોતી ઉત્તીર્ણ થયા. જેમ મહણસિંહનું મન-મોતી પણ નર્તકી પાસે ન જતાં સંયમ-શીલમાં ઉત્તીર્ણ થયું.