જે પોતાના સદાચરણ અને દુરાચરણને સમજી લે, અને તેને અનુસરી લેવાની ઇચ્છા રાખે, તે છે સમ્યગ્દૃષ્ટિ

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
જે સમયે મનુષ્ય દુરાચરણને સમજી લે અને તેના કારણને સમજીને તથા જે સમયે મનુષ્ય સદાચરણને સમજી લે અને તેના કારણને સમજી લે ત્યારે તે મનુષ્ય સમ્યગ્દૃષ્ટિ બની ગયો જાણી લેવો. આ જીવની દૃષ્ટિ સમ્યગ્દૃષ્ટિ કહેવાય !'
'આજે ફૂલો આટલા બધા ? બમણાં લાગે છે ?'
સામેથી કોઈ પ્રત્યુત્તર તો નહીં,પણ તેના ચહેરા પર કોઈ ફૂલની મુસ્કાન પણ નહીં. લગભગ આમ કોઈ વખાણ કરે તો સામેવાળો ખૂબ મલકાય. પણ આ તો નીચું મોં હતું. આંખો બંધ હતી. મુખકમળની કળી ખીલી પણ ન હતી.
ફરીથી જુદા શબ્દોમાં તે વ્યક્તિ બોલી, 'રોજ તો આના કરતાં અડધાં જ ફૂલો હોય છે. પૈસા તો રોજ હોય છે એ જ આજે હતા. પણ ફૂલો આજે બમણાં છે. શું આજે ફૂલવાળાની ફૂલવાડીમાં વસંત પૂરબહારમાં ખીલી લાગે છે ? જેથી તને બમણાં ફૂલો આપ્યા છે !!'
આ શબ્દો સાંભળતાં જ સામે ઊભેલી વ્યક્તિની આંખો છલકાઈ ઊઠી. ગાલ પર સરતાં આંસુની જેમ તે લસરતી નીચે તેના ચરણોમાં ઢળી પડી.
*** *** ***
'સમ્યક્દૃષ્ટિ બનાય તો જ જીવન સાર્થક બને. સમ્યક્દૃષ્ટિ કોણ કહેવાય ? સંક્ષેપમાં સમજી લઈએ.
જે સમયે મનુષ્ય દુરાચરણને સમજી લે અને તેના કારણને સમજીને તથા જે સમયે મનુષ્ય સદાચરણને સમજી લે અને તેના કારણને સમજી લે ત્યારે તે મનુષ્ય સમ્યગ્દૃષ્ટિ બની ગયો જાણી લેવો. આ જીવની દૃષ્ટિ સમ્યગ્દૃષ્ટિ કહેવાય !'
સાધુની સદ્બોધ સભામાં આ વાત સાંભળી તે વ્યક્તિ પોતાના સ્થાનેથી ઊભી થઈ. સાધુ પાસે આવી. ચરણોમાં નમસ્કાર કરી આટલું બોલી - 'મારા ભાઈ, તમને શત શત વંદન. આજે તમે મને સમ્યગ્ દૃષ્ટિ આપી છે. ખૂબ ખૂબ આભાર.'
અને તે ત્યાંથી રવાના થઈ ગઈ, સમ્યગ્દૃષ્ટિ લઈને...
*** *** ***
'અરે, તું હમણાં તો ફૂલો લઈને અહીંથી ગઈ હતી. અને પા ઘડીમાં પાછી આવી. ફરી એટલા જ ફૂલો લેવા આવી ? અને તારા ચહેરા પર મુસ્કાન કેમ નથી ? પહેલા આવી ત્યારે તો ફૂલોની જેમ ખીલેલી હતી. અત્યારે તું કોઈ ચિંતામાં હોય તેમ લાગે છે ? મુરઝાઈ ગઈ લાગે છે ?'
ફૂલવાળા પાસેથી નવા ફૂલો લઈ પાસે રહેલા વસ્ત્રમાં આ પૂર્વે લીધેલા ફૂલોમાં ઉમેરો કરી વસ્ત્રને ગાંઠ લગાડતા તે વ્યક્તિ બોલી - 'નગરચોકમાં મારા ભાઈઓ મારો ઉદ્ધાર કરવા આવ્યા છે. માટે હું ફરી ફૂલો લેવા આવી છું.' આટલું બોલી તે ત્યાંથી રવાના થઈ.
ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધના જીવનકાળના સમયની એક નગરીની આ ઘટના છે. કૌશાંબી નગરીના રાજા ઉદયનની એક રાણી શ્યામાવતીની કુબ્જા દાસી, નામે ઉત્તરા ની આ ઘટના છે.
ઉત્તરા રોજ આઠ કાર્ષાપણ (તે સમયનો એક ચલણી સિક્કો) લઈને રાણી માટે ફૂલો લેવા જાય. ચાર કાર્ષાપણના ફૂલો ખરીદે અને શેષ ચાર કાર્ષાપણ ચોરી લે. વૃદ્ધત્વમાં કામ આવશે, તેમ માનીને પોતાને ઘેર લઈ જાય.
ફૂલો વેચનારા આંભિકને ઉત્તરાએ એકવાર પૂછયું, 'નગરીમાં શું અને કોણ નવું આવે, તેની ખબર પડી જતી હશે તને ? તો મને બતાવ.'
આંભિકે ઉત્તરા સામે નજર કરી. તેના કુબ્જ, વૃદ્ધ, કાળા અને લચી-કરચલીવાળા દેહને જોઈને મશ્કરીના અંદાજમાં તે બોલ્યો, 'તારા જેવા જ - તારા ભાઈઓ - કાષાય વસ્ત્રવાળા સાધુઓ આવ્યા છે, જા મળી આવ. તારો પણ ઉદ્ધાર થઈ જશે. જા, ખુજ્જુતરા, જા.'
(પીઠનો ભાગ ઉપલી આવ્યો હતો તેથી લોકો તેને ખુજ્જુતરા (કુબ્જા ઉત્તરા) કહેતા હતા)
આટલું સાંભળી તે નગરચોકમાં ગઈ. સાધુની વાણી સાંભળી. પોતાના અસદ્ આચરણને તે સમજી. સમ્યગ્દ્રષ્ટિ લઈને તે ત્યાંથી રાણી પાસે આવી. તેમના ચરણોમાં રડી પડી અને પોતાની ચાર કાર્ષાપણની ચોરીની માફી માંગી લીધી.
આંભિકને કહ્યું તેમ પોતાના ઉદ્ધાર માટે આવેલા ભાઈઓ પાસે જઈને તે તેમના સાધ્વીસંઘમાં ભળી ગઈ અને બુદ્ધ-પ્રબુદ્ધ બની ગઈ.
ચોરી કરનાર સમ્યગ્દૃષ્ટિ મેળવીને સાધ્વી બની ગઈ.
ખૂંધ વળી ગયેલી કુબ્જા બુદ્ધત્વ તરફ વળી ગઈ.
મજાકવાળા શબ્દોથી મેળવેલા ભાઈઓ પાસે જ્ઞાાનની મજા મેળવી લીધી. રાણીની નોકરાણી મટીને તે બુદ્ધસંઘની મહારાણી બની ગઈ.
પ્રભાવના
ભગવાન મહાવીરના સમયની અને ભગવાન મહાવીરના શાસનની એક ઓર કુબ્જાની વાત આવે છે. આ કુબ્જા પણ ઉદયન રાજાના મહેલમાં નોકરી કરતી હતી. પણ આ ઉદયન રાજા કૌશાંબીના ન હતા. પણ સૌવીર દેશના વીતભયપત્તન નગરના રાજા હતા.
આ કુબડી દાસીને કુરદેશથી આવેલા એક શ્રાવકે (ભગવાન મહાવીરના ગૃહસ્થ અનુયાયીએ) એક ચમત્કારિક ગોળી આપી હતી. જેના પ્રભાવે તે કુબડી મટીને રૂપવતી બની ગઈ હતી. સાધુ નહીં, પણ એક શ્રાવકે એને રોગમુક્ત કરી દીધી હતી.
વળી, આ કુબડીમાંથી રૂપવતી બનેલી દાસીને રાજા ચંડપ્રદ્યોત, ઉજ્જયિની સમ્રાટ, અપહરણ કરીને લઈ ગયો ત્યારે તેના સ્વામી રાજા ઉદયને તેને રાજા ચંડપ્રદ્યોતના સકંજામાંથી છોડાવી હતી. રાજા ચંડપ્રદ્યોતને પણ કારાગૃહમાંથી મુક્ત કર્યા હતા. ત્યારબાદ બધાંએ પ્રભુ મહાવીરના સમ્યગ્ શબ્દો પામી આત્મકલ્યાણ સાધ્યુંહતું. ધન્ય સમ્યગ્ દ્રષ્ટિ.









