Get The App

શેઠ જમનાભાઈ ભગુભાઈ: મહાજનોના મહાજન!

આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

એ સમયકાળ મહાજનનો હતો. જૈનોનો ચારે તરફ ડંકો વાગતો

Updated: Feb 26th, 2020

GS TEAM

Google News
Google News

જમનાભાઈ શેઠ દેરાસરમાં જઈને પૂજાઓ સાંભળતા. એમને ખબર પડે કે આજે દેરાસરમાં કોઈ ગવૈયા આવીને અથવા કોઈ મંડળ આવીને સરસ પૂજા ગાશે, તો તેઓ અચૂક જાય

દાનવી, કાબેલ વહીવટ કર્તા, વ્યવહાર કુશળ અને સંપૂર્ણ ધાર્મિક શેઠ જમનાભાઈ ભગુભાઈ મૂળ અમદાવાદના પણ તેમની જીવન છટાને કારણે ભારત ભરમાં છવાઈ ગયેલા.

મિલ માલિક તરીકે ખ્યાતનામ જમનાભાઈ ભગુભાઈ કુશળ વહીવટ કર્તા હતા. રાજઘરાનાની જેમ જીવન જીવતા જમનાભાઈ ખૂબ ઉદાર અને ધર્મના રંગે રંગાયેલા હતા. તેમના બગીચાની આસપાસ સરસ બગીચો હતો. આ બગીચામાં ગુલાબના, ચંપાના અને બીજા હજારો ફૂલ ઉતરતા તેમાંથી અમદાવાદ શહેરના અને કલલ, ભોંયણી, પાનસર, શેરીસાના દેરાસરમાં રોજ મોકલતા.

જમનાભાઈ શેઠ દેરાસરમાં જઈને પૂજાઓ સાંભળતા. એમને ખબર પડે કે આજે દેરાસરમાં કોઈ ગવૈયા આવીને અથવા કોઈ મંડળ આવીને સરસ પૂજા ગાશે, તો તેઓ અચૂક જાય. પોતે પણ પૂજા ભણાવે. પૂજા ભણાવવા માટે તેમણે મંડળની સ્થાપના પણ કરી હતી. જૈન ઉપાશ્રય જઈને પ્રવચન પણ નિયમિત સાંભળે. સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવા માટે તેમણે ટ્રસ્ટ પણ બનાવેલું. જૈન શાસ્ત્ર ગ્રંથો લખાવવા અને છપાવવા માટે પણ ખૂબ દાન કરે.

શેઠ જમનાભાઈએ કુંભારીયાજીમાં ભગુભાઈના વંડામાં ધર્મશાળા બંધાવી છે. તેમણે કલોલમાં શિખરબંધી જીનાલય બંધાવ્યું હતું. માતરના દેરાસરનો જિણોદ્ધાર તેમણે કરાવ્યો. તે જમાનામાં તે માટે તેમણે રૂપિયા પાંચ લાખ ખર્ચ્યા હતા. ભોંયણીમાં મલ્લીનાથ ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠાના દિવસે તેઓ નિયમિત નવકારસી કરાવતા.

એ સમયકાળ મહાજનનો હતો. જૈનોનો ચારે તરફ ડંકો વાગતો.

ઇ.સ.૧૯૨૬ થી ૨૮ દરમ્યાન જૈનોએ અસહકારી આંદોલનના ભાગ રૂપે શત્રુંજ્યતીર્થની યાત્રા થોડા સમય માટે બંધ રહી. ત્યારે શેઠ જમનાભાઈએ અમદાવાદ શાહીબાગ વિસ્તારના પોતાના બંગલાની બાજુના પ્લોટમાં શત્રુંજ્યતીર્થની ટૂંકો સહિત આબેહૂબ પ્રતિકૃતિ ખડી કરી. જેના દર્શનનો લાભ આજ સુધી જૈનોને મળી રહ્યો છે.

જમનાભાઈ શેઠે શાહીબાગ ગીરધરનગર ખાતે આવેલા બંગલામાં ઇ.સ.૧૯૦૪માં હોમિયોપેથિક અને બોયોકેમિક દવાખાનું શરૂ કર્યું. એ સમયે આ એક ક્નાન્તિકારી પગલું હતું. શેઠની ઇચ્છા હતી કે જરૂરિયાત મંદ લોકોને આ દવાખાનાનો લાભ મળે. ઇ.સં. ૧૯૨૩માં આ દવાખાનું તેમણે કાળુપુર વિસ્તારના મનસુખભાઈની પોળમાં ખસેડયું.

તેમણે બે વાર લગ્ન કરેલા. તેમના બીજા પત્ની માણેક બેને જમનાભાઈ શેઠના પ્રથમ પત્ની સમરથબેનના નામે સમરથબાઈ હોલ બંધાવ્યો. આ હોલ જૈન જ્ઞાાતિના લોકોને ભાડે આપવામાં આવતો. પાછળથી ત્યાં હોમિયોપથિક સેન્ટર અને ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું નામ લીમકા બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં પણ છપાયું છે. માણેક બેન પણ દીર્ઘ દૃષ્ટિ ધરાવતા હતા. તેમણે ઇ.સ. ૧૯૫૧માં જમનાભાઈ ભગુભાઈ રિલીજિયસ ટ્રસ્ટની સ્થાપના કરી અને તેમાં આ દવાખાનાને પણ સાંકળી લીધું.

જમનાભાઈ શેઠની ઉદારતાની વાતો જાણીએ ત્યારે આનંદ અને આશ્ચર્ય બંને થાય છે. તેમણે જીવદયાનું પણ ઘણું મોટું કાર્ય કર્યું છે. તેમણે સાંચરડામાં પાંજરાપોળની સથાપના કરી છે. વિ.સં. ૧૯૫૬માં દુકાળ વખતે કાંકરિયા તળાવ પાસે અને જમાલપુર દરવાજાની બહાર મોટો ઢોરવાડો ખોલ્યો. તેમાં એક હજાર પથુઓને રાખવાની વ્યવસ્થા કરી. ૧૯૦૯થી ૧૯૨૫ સુધી તેઓ અમદાવાદ પાંજરાપોળના પ્રમુખ પદે રહ્યા. ડાભલામાં ઢોર માટે આશ્રય સ્થાન બનાવવા માટે રૂપિયા પચીસ હજાર આપ્યા. આ માર્ગે તેમણે લાખ્ખો રૂપિયા ખર્ચ્યા.

અમદાવાદમાં ભદ્રકાળીમાતાના મંદિરમાં દુર્ગષ્ટમીના દિવસે બકરો વધેરવામાં આવતો. એક વખત યજ્ઞા વખતે જ કોઈ સાહસિક બકરો લઈને નાસી છૂટયો. ભયંકર અશાંતિ ફેલાઈ. પૂજારીએ જિલ્લા કલેક્ટર મિ.હાર્ટ શોર્નને ફરિયાદ કરી. શેઠ જમનાભાઇએ શેઠ મંગળદાસ અને સારાભાઈ ડાહ્યાભાઈને પોતાના બંગલે બોલાવ્યા. મંદિરમાં કોઈ પણ પશુનો વધ ન કરવો તેવું સમાધાન થયું. અને પૂજારીના માટે રૂપિયા દશ હજારની થાપણ શેઠ જમનાભાઈ અને શેઠ મંગલદાસે મૂકી. નિર્દોષ પશુઓના રિવાજને બંધ કરવામાં જમનાભાઈ નિમિત્ત બન્યા.

દર વર્ષે જમનાભાઈ શેઠ ઉનાળામાં ડુમ્મસ જઈને રહેતા.ઇ.સ.૧૯૨૫ના ઉનાળામાં તેઓ ડુમ્મસ ગયા. જેઠ વદી ચૌદસના દિવસે તેમણે પૂજા ભણાવી અષાઢ સુદ એકમની પણ પૂજા રાખી. માણસોને સામાન લાવવાનો ઓર્ડર આપ્યો. તે દિવસે સાંજે ધ્રાંગધ્રાના મહારાજા પધાર્યા. તેમની સાથે વાતો કરી. કુટુંબીજનો  સાથે વાતચિત કરી અને રાત્રે એક વાગે તેમને હાર્ટ એટેક આવ્યો. તેમનું અવસાન થયું. ડુમ્મસના દરિયા કિનારે ખુલ્લામાં અગ્નિદાહ થયો ત્યારે હજારો લોકો ઉમટયા.

શેઠ જમનાભાઈના અવસાન પછી શેઠાણી માણેક બેન શેઠની ધાર્મિક પરંપરા કાયમ જીવંત રાખી હતી.

પ્રભાવના 

સરવર-તરવર સંતજન,

ચોથો બરસણ મેહ

પરોપકાર કે કારણે,

ઇણ ચારોં ધરિયો દેહ

Tags :