વડનગરના સંગીતકાર અને શ્રાવકરત્ન શ્રી હિરાલાલ દેવીદાસ ઠાકુર
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
- જીવનભર પ્રભુ ભક્તિ કરતા ગાયક પ્રભુની ભક્તિની તૈયારી કરતા કરતા વિદાય થઈ ગયા
આબુના પહાડ પર ઉનાળાના સમયે પણ સુરમ્ય હવામાન હતું. આહ્લાદક વાતાવરણ હતું.
સંવત ૨૦૩૫ની સાલ હતી. જેઠ મહીનો હતો.
રાત્રિનો સમય હતો.
'વિમળવસહી' જિનાલયના આસપાસમાં નૂતન દેરીઓનું નિર્માણ થયું હતું. તેની પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ચાલુ હતો. હજારો લોકોની ઉપસ્થિતિમાં સંગીતકાર હિરાલાલ દેવીદાસ ઠાકુર ભાવના ભણાવતા હતા. ભાવનામાં દેરીઓની પ્રતિષ્ઠાના ચડાવા બોલાતા હતા.
હિરાલાલ ઠાકુર ભક્તિપૂર્વક સૌને ચડાવા બોલવા માટે ઉત્સાહ પ્રેરતા હતા. સૌ હજારો રૂપિયામાં ઉછામણી બોલતા હતા. પાંચમી દેરીનો ચડાવો રૂપિયા ૨૯ હજારમાં થયો.
સભામાં બેઠેલા આગેવાન લાલચંદજી શેઠે કહ્યું,' ભાગ્યશાળીનું નામ કહો.'
હિરાલાલ ઠાકુરની આંખોમાં દડ દડ આંસુ ખર્યા.
શેઠ લાલચંદજી અને બીજા અગ્રણીઓ સમજ્યા કે હિરાભાઈની તબીયત બગડી છે. સૌ એમની પાસે દોડયા. હિરાભાઈ કહે,
'મારૂ નામ લખવા કૃપા કરો.'
સર્વત્ર આશ્ચર્ય ફરી વળ્યું.
ક્ષણ પછી સર્વત્ર આનંદ ફેલાઈ ગયો. સૌને થયું કે આ જિનશાસનનો મહિમા છે. જે ગાયક કલાકાર પ્રભુ ભક્તિ માટે આવે છે. તેમણે જ પાંચમી દેરીનો પ્રતિષ્ઠાનો તથા કાયમી ધજાનો ચડાવો લીધો હતો !
સૌએ તાળીઓના ગડગડાટથી સંગીતકાર હિરાભાઈને વધાવી લીધા.
હિરાભાઈ કહે,' આજે આ લાભ મળ્યો તેથી મારૂ જીવન ધન્ય થઈ ગયું.'
સંગીતકાર હિરાલાલ દેવીદાસ ઠાકુર જૈનોના મહાન સંગીતકાર હતા. શાસ્ત્રીય સંગીતના શહેનશાહ હતા. એમ કહેવાતું કે તેઓ જૈનોના પંડિત ઓમકારનાથ ઠાકુર છે. મૂળ તેઓ વડનગરના. વિ.સં.૧૯૭૬ના તેમનો જન્મ થયો હતો. ભોજક પરિવારમાં જન્મેલા હિરાલાલ ઠાકુર જન્મથીજ ગળથૂથીમાં સંગીતના સંસ્કાર લઈને આવેલા. તેમના નાના ભાઈ ગજાનન દેવીદાસ ઠાકુર પણ જૈનોના પ્રખ્યાત સંગીતકાર હતા.
હિરાલાલ ઠાકુર ભોજક હતા. પણ ચુસ્ત શ્રાવક હતા. શાસ્ત્રીય રાગ રાગીણીના માહિર હતા. તેમનું શુદ્ધ ગીત સાંભળવા તેઓ જ્યાં જાય ત્યાં ચાહકોનું મંડળ ખડું થઈ જતું. તેમના શુદ્ધ ગાયનની પ્રસંશા ઠેર ઠેર થતી. જૈન મુનિઓ અને જૈનો તેમને સાંભળવાનો આવસર ચૂકતા નહીં.
એકદા શ્રી અભયસાગરજી મહારાજે અચાનક તેમને કહેવડાવ્યું કે હું પાટણ પાસેના ગામડામાં છું. અહીં જિનાલય છે. જૈનોના ઘર ખૂબ ઓછા છે. તમને સાંભળવા છે. પ્રભુની ભક્તિમાં લીન થવું છે. તમે આવશો ?
અને હિરાભાઈ ઠાકુર વળતી પળે એક તબલા વાદક અને તાનપુરા વાદક લઈને ત્યાં પહોંચી ગયા. ત્રણ દિવસ રોકાયા. અને પ્રભુની પૂજા ગાઈ.
અભયસાગરજી મહારાજ પ્રસન્ન થઈ ગયા. તેમણે પૂછયું કે તેમને શું અપાવું ?
હિરાભાઈ કહે, 'ખોબો ભરીને આશિર્વાદ આપો મહારાજ !'
હિરાભાઈ ઠાકુર પાકા શ્રાવક હતા. તેમણે વડનગરમાં જિનમંદિર અને ઉપાશ્રય બંધાવ્યાં છે. તેઓ હંમેશાં જિનાલયમાં જ ગાતા. અન્ય કોઈપણ સ્થળે તેમણે ક્યારેય ગાયું નથી. કોઈ વ્યકિત ગમે તેટલી રકમ આપે તો પણ અન્ય સ્થળે તેઓ ગાવાનું પસંદ ન કરતા તેઓ સતત રિયાજ કરતા. કોઈ શિખવા આવે તો પ્રેમથી શિખવાડતા પણ તેઓ જાણતા હતા કે હવે શાસ્ત્રીય ગાયનની અસ્મિતા સમાપ્ત થવા આવી છે.
હિરાભાઈ ઠાકુર આરાધક હતા. તેમણે ઉપધાન પણ કર્યા હતા. તેમના પત્નિ જશોદા બહેન અને તેમના સુપુત્ર હસમુખભાઈએ પણ ઉપધાન કર્યા હતા. તેમના નાના સુપુત્ર કીર્તિભાઈએ બે વખત અઠ્ઠઈ તપ પણ કર્યું.
ગુજરાતના માજી મુખ્ય મંત્રી શ્રી બાબુભાઈ જસભાઈ પટેલે તેમનું સન્માન કર્યું હતું. વડનગરના સમાજે પણ તેમનું સન્માન કર્યું હતું.
વડનગરમાં તેમણે બંધાવેલા જિનાલયના ૫૦ વર્ષ પૂર્ણ થતા હતા ત્યારે તે જિનાલયની ૫૦ મી સાલગીરી ભવ્ય રીતે ઉજવવા માટે હિરાભાઈએ તૈયારી કરી. રાત્રે મહોત્સવની પત્રિકા લખવા બેઠા તા.૧૪-૫-૧૯૯૦નો દિવસ અને તે સમયે તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું !
જીવનભર પ્રભુ ભક્તિ કરી રહેલો આત્મા પ્રભુની ભક્તિની તૈયારી કરતા કરતા જ વિદાય થઈ ગયો !
વડનગરના જૈન સંઘે ઉત્સવ મુલતવી રાખવા નક્કી કર્યું. ત્યારે તેમના પરિવારે કહ્યું કે એમ ન કરો. મહોત્સવ જેમ નક્કી થયું છે તેમજ પૂર્ણ કરો.
અને એમજ થયું.
હિરાભાઈ ઠાકુરનું જીવન એટલે ભક્તિવંત શ્રાવકનું જીવન. જિન મંદિરમાં જાઓ અને પ્રભુનું ગીત ગાઓ ત્યારે આ શ્રાવક રત્ન હિરાભાઈ ઠાકુરને યાદ કરજો.
પ્રભાવના
ખાવાનું કરો અડધું...
પીવાનું કરો બમણું...
ચાલવાનું કરો ત્રણ ગણું..
હસવાનું કરો દસગણું...
પછી ડોક્ટર પાસે કેટલીકવાર ગયા કે છેલ્લે ક્યારે ગયા તેની ગણતરી નહીં કરવી પડે...!