જૈન સંગીતકારો: અપૂર્વસૂરની મધુર સ્મરણયાત્રા સંગીત, શિલ્પ, સાહિત્ય સંસ્કૃતિની ઓળખાણ આપે છે
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપસૂરિજી
જૈન પરંપરામાં ભક્તિસંગીતનો દિવ્ય મહિમા છે. જિનાલયમાં પ્રવેશ કરીએ અને કોઈ મધુર સૂરમાં ગાતું હોય ત્યારે આકાશમાંથી વરસતા વરસાદથી ભીની થયેલી માટીનો સુંગધીદાર અનુભવ થાય.
વિશ્વભરમાં જૈન સ્થાપત્ય પોતાનો વિશિષ્ટ પ્રભાવ ધરાવે છે. દેરાસરનાં શાંત અને પવિત્ર વાતાવરણમાં પૂજા, સ્તવન અને ગીતના લયનું જે માધુર્ય અનુભવે તેને સપજાય કે પ્રભુભક્તિની શું તાકાત છે ! સૈકાઓથી ભક્તિસંગીતદ્વારા કવિઓએ ધર્મના પંથે જે કિલ્લોલ વેર્યો છે. તેની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
અધ્યાત્મનું આકાશ તત્ત્વજ્ઞાાનથી જ છવાયેલું નથી પણ ત્યાં સંગીતની નિજાનંદ પ્રેરતી સૂરાવલિઓ પણ મેઘ ધનુષ્યની જેમ વ્યાપ્ત છે.
છેલ્લા ચારસો વર્ષમાં ભારતભરમાં ભક્તિસંગીતનો જે પ્રવાહ વહ્યો તે જૈન સંઘમાં પૂરની જેમ છવાઈ ગયો. સમયસુંદર અને જ્ઞાાનવિમયસૂરિથી માંડીને આનંદઘનજી કે યશોવિજ્યજી કે મોહનવિજ્યજી 'લટકાવા' થી માંડીને શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિજી સુધીના કવિઓએ જે અદ્ભૂત કાવ્યરચનાઓથી ભંડાર ભટી દીધો તે શાસ્ત્રીય અને દેશી રાગમાં ગાઈને ગાયકોએ ભક્ત હૃદયને છલકાવી દીધો.
ભક્તિગીતોની સુંદર રચનાઓને જૈન સંગીતકારોએ લોકકંઠમાં અમર કરી દીધી છે. 'મેરુશિખર નવરાવે હો જિનપતિ..' લગભગ સવાસો વર્ષથી પ્રત્યેક જૈનના કંઠમાં રમ્યા કરે છે તેનું શ્રેય આ સંગીતકારોને જાય છે. આમ તો અસંખ્ય રચનાઓ છે.
સંગીતકાર હીરાલાલ દેવીદાસ ઠાકુર શાસ્ત્રીય સંગીતના ઉત્તમ ગાયક હતા. જન્મે જૈન ન હોવા છતાં ધર્મચુસ્ત શ્રાવકની જેમ એઓ આરાધક પણ હતા અને ગાયક પણ હતા.
મુંબઇના કવિ અને ગાયક શાંતિલાલ શાહને સાંભળવા માટે હજારો લોકો પડાપડી કરતા. જૈન પરંપરામાં કથાગીતોની શરૂઆત તેમણે કરેલી. મધુર કંઠ અને શબ્દ પાસેથી કામ લેવાની તેમની અનોખી કળા તેમને ક્યારેય ભૂલવા નહીં દે.
કોઈપણ જિનાલયની અંજનશલાકા કે પ્રતિષ્ઠા હોય ત્યારે સંગીતકાર ગજાનન દેવીદાસ ઠાકુરને અચૂક બોલાવવામાં આવતા. હીરાભાઈ ઠાકુર અને ગજાનન ઠાકુરની બંધુબેલડીયે દાયકાઓ સુધી જૈન સંઘમાં શાસ્ત્રીય સંગીતની જે કંઠધારા વહાવી છે તે ફરીથી ક્યારે પ્રાપ્ત થશે તે કોઈ જાણતું નથી. ' મે પક્ડયો છે ધ્રુવનો તારો' ગજાનનભાઈ ગાતા ત્યારે દેરાસરમાં ભક્તિના કેવા સમીર લહેરાતા !
મુંબઈમાં જ્યંતકુમાર 'રાહી' વિશિષ્ટ ગાયક હતા. તેમની અનેક રચનાઓ છે. જૈન શ્રાવક, ઉદારતાનો અદ્ભૂત ગુણ, કવિ, અને અચ્છા સંગીતકાર જ્યંતકુમાર રાહી જે સંઘમાં જતા ત્યાં ભક્તિની રમઝટ જમાવતા. અમારી નિશ્ચામાં જે પણ અંજનશલાકાના કાર્યક્રમમાં જ્યંતભાઈ રાહી આવ્યા હોય ત્યારે સંઘે તેમને જે રકમ આપી હોય તેનાથી વધારે તો રકમ તેમણે ભક્તિકાર્યમાં વાપરી હોય ! સંગીતકાર નટવરલાલ નવસારીવાળા, વડનગરના વિનોદભાઈ 'રાગી'ને પણ સંભારવા જોઈએ. આ સંગીતકારોએ ધર્મ મહોત્સવના કાર્યક્રમ દરમિયાન જે ભક્તિગંગા વહાવી છે તે અમર છે. મુંબઈમાં ચેમ્બુરમાં રહેતા ગાયક દિલિપભાઈ અને બનાસકાંઠાના માલણ ગામના ગાયક હરજીવનદાસ ભોજને વર્ષો પછી હું આજે પણ ભૂલ્યો નથી. આ સંગીતકારોએ સંગીતસાધના કરીને જે દિવ્યતા છલકાવી હતી તેણે ભક્તોના હૃદયને ધર્મના અમૃતŽી ભરી દીધું હતું.
હરજીવન ભોજકના કંઠે આરતી અને મંગલદીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.
સંગીતનો સંબંધ સૂર સાથે છે અને શબ્દ સાથે છે. આ ગાયકોએ શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખી હતી. દેશી ઢાળમાં ગવાતાં સ્તવનો લોકકંઠમાં ચિરંજીવ થઈ ગયાં. તેનું કારણ ગીતની સરળતા અને રજૂઆતની મધુરતામાં હતી. કવિ વીરવિજ્યજીએ જે રચનાઓ કરી તે રચાઈ ત્યારે જ દેશી ઢાળમાં હતી અને આ ગાયકોએ તેને સરળ લયમાં જીવંત બનાવી દીધી, જે આજે હજારો ભક્તો અવારનવાર ગુણગણ્યા કરે છે. કવિ વીરવિજ્યજીની 'સ્નાત્રપૂજા' તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્તવન અને સજનીય અને સ્તુતિ માટે ક્યારેક એવું બને કે તેની સંપૂર્ણ કડી આવડતી ન હોય પણ તેનો લય મનમાં ગુંજ્યા કરે તે આ ગાયકોની અદ્ભૂત સિધ્ધિ છે.
જીવનના પ્રવાહમાં અનેક સંગીતકારોએ ચિત્તમાં જે સુંદર છાપ છોડી છે તે આજે અચાનક યાદ આવી ગયા. આ સંગીતકારો તો આજે રહ્યા નથી. પણ તેમણે જે મધુર ગાન કરેલું તે હૃદયમાં ગૂંજે છે.
પ્રભાવના :
હાથ બદલીએ, સાથ બદલીએ
આખે આખી વાત બદલીએ
કોઈ હવે શું તમને બદલશે ?
આપણે થોડી જાત બદલીએ !