Magazines

મારા દેશની ટીકા હું કદી સાંખી લઈશ નહીં !

By GS TEAM
29 Apr 20265 mins read
મારા દેશની ટીકા હું કદી સાંખી લઈશ નહીં !

- ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી-૩

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

આજથી ૧૩૩ વર્ષ પૂર્વે અમેરિકાની ધરતી પર સંભળાયેલો ભારતીય સંસ્કૃતિનો જયઘોષ આજે આપણે વિસરી ગયા છીએ. ચાલો, તમને એ ભવ્ય ભારતીય સંસ્કૃતિની તેજસ્વીતાની ઘટનાની વાત કરું.

અમેરિકાના શિકાગો શહેરની આર્ટ્સ ઇન્સ્ટિટયૂટમાં ૧૮૯૩ની ૧૧ મી સપ્ટેમ્બરે વિશ્વધર્મપરિષદનો પ્રારંભ થયો અને આ પ્રારંભ સમયે વિશ્વનાં જુદાં જુદાં ધર્મોનાં ઉદ્ગાતાઓ ઉપસ્થિત હતા. એમાં સ્વામી વિવેકાનંદે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા કહીને પોતાના આગવા સંબોધનથી સહુના મન હરી લીધા હતા અને એ સમયે એવી જ એક મહત્ત્વની સિદ્ધિ વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત એવા વીરચંદ ગાંધીએ મેળવી.

વિશ્વધર્મપરિષદનો એ ચૌદમો દિવસ હતો અને એ સમયે લંડનના રેવરન્ડ જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટે હિંદુ ધર્મ પર કરેલા આક્ષેપોના વીરચંદ ગાંધીએ આપેલા સબળ પ્રત્યુત્તર પરથી મળે છે. રેવરન્ડ પેન્ટાકોસ્ટે આક્ષેપાત્મક રીતે આક્રમક ભાષામાં હિંદુ ધર્મ પર અનૈતિકતાનો આક્ષેપ મૂકતાં કહ્યું,

'આ ધર્મમાં વેશ્યાઓને પૂજારણ બનાવવામાં આવે છે અને તે પૂજારણ હોય તો પણ વેશ્યાનું કામ કરતી હોય છે.' રેવરન્ડ જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટે આપેલા આ પ્રવચનનો વિશ્વધર્મ પરિષદના ચૌદમા દિવસે વીરચંદ ગાંધી સચોટ, તર્કબદ્ધ અને વિરોધીને ચૂપ કરી દે તેવો ઉત્તર આપે છે. આ પરિષદમાં સ્વામી વિવેકાનંદ, પ્રતાપચંદ્ર મજુમદાર જેવા હિંદુ ધર્મના પ્રતિનિધિઓ હોવા છતાં વીરચંદ ગાંધીને માથે આનો ઉત્તર આપવાનું આવે છે.

મારા દેશનું અપમાન નહીં સાંખી લઉં

તેઓ કહે છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું, એની કોઈએ ટીકા કરી નથી, પરંતુ હું જે સમાજમાંથી આવું છું તેની ટીકા કરી છે. દરેક દેશમાં ધર્મ હોવા છતાં આવાં દૂષણો પ્રવર્તમાન હોય છે. તેનાથી ધર્મને નીચો ન ગણી શકાય.

એ પછી વીરચંદ ગાંધી ખ્રિસ્તી ધર્મના પ્રચારક પાદરીઓ પર કટાક્ષ કરતાં કહે છે કે કેટલાક અતિ મહત્ત્વાકાંક્ષી લોકો પોતાને સેન્ટ પોલ માને છે અને ધારે છે કે તેઓ ઇચ્છશે તે થશે. આવા પોલ ભારતના લોકોનું સામૂહિક ધર્માતરણ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ પછી એમનાં સ્વપ્નો વિફળ જતાં તેઓ ભારતથી પાછા આવીને આખી જિંદગી હિંદુ ધર્મની નિંદા કરવામાં ઘસી નાખે છે.

વીરચંદ ગાંધી અહીં એક માર્મિક અને સચોટ વિચાર આપે છે. તેઓ કહે છે કે કોઈ પણ ધર્મ પર આક્ષેપો કરવા એ દલીલ ગણાય નહીં અને સ્વધર્મની આત્મપ્રશંસા એ સત્યનો પુરાવો મનાય નહીં. પાદરી પેન્ટાકોસ્ટની આવી ટીકા પ્રત્યે મને ખૂબ દયા આવે છે. એમ કહીને તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે દક્ષિણ ભારતનાં કેટલાંક હિંદુ મંદિરોમાં અમુક પ્રસંગોએ સ્ત્રી-ગાયિકાઓને સંગીત માટે નિમંત્રણ આપવામાં આવે છે એ સાચું અને આમાંની કેટલીક શંકાસ્પદ ચારિત્ર્ય ધરાવતી હોય છે. આ બાબત હિંદુ સમાજ જાણે છે અને તેથી આ અનિષ્ટને દૂર કરવા માટે સઘળા પ્રયત્નો પણ કરે છે. આ સ્ત્રીઓને મંદિરના મુખ્ય ભાગમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને પૂજારણોની જે વાત કરવામાં આવે છે, તો હિમાલયથી માંડીને કેપ કોમોરિન સુધી ક્યાંય એકે મહિલા પૂજારણ નથી. જો આવા આક્ષેપો પ્રમાણેનો સમાજ હિંદુ ધર્મે સર્જ્યો હોત તો આ ધર્મે કયા બળે એવા સમાજનું નિર્માણ કર્યું હશે કે જેને માટે ગ્રીક ઇતિહાસવેત્તાએ કહ્યું,

જૂઠ્ઠી માહિતી અને અસત્ય વિધાન

'કોઈ હિંદુને અસત્ય બોલતો જાણ્યો નથી અને કોઈ હિંદુ સ્ત્રી ક્યારેય અપવિત્ર હોય એવું જાણ્યું નથી.' આટલું કહ્યા પછી વીરચંદ ગાંધીએ પ્રબળ ટંકાર કર્યો કે હિંદુસ્તાનના જેવી ચારિત્રશીલ સ્ત્રીઓ અને વિનમ્ર પુરુષો આજેય બીજે ક્યાં જોવા

મળે છે ?

પોતાના વક્તવ્યના અંતિમ ભાગમાં વીરચંદ ગાંધી કહે છે કે, 'જેઓ ભારતની આવી નિંદા કરે છે, તેમને માટે હું અત્યંત દિલગીરી અનુભવું છું. પણ મારા માટે સાંત્વનારૂપ બાબત એ છે કે એમને મળતી માહિતી છેક ત્રીજા કે ચોથા સ્તોત્ર (ફોર્થ હેન્ડ ઇન્ફર્મેશન)માંથી મળેલી હોય છે. જે વાસ્તવિક સત્ય કરતાં વહેમો અને માન્યતાઓથી ખચિત હોય છે.'

સર્વત્ર ધર્માદર

પર ધર્મની નિંદા કરવાની પાદરીની ટીકાનો સ્પષ્ટ ઉત્તર આપવા સાથે એક પ્રસંગ કહીને વીરચંદ ગાંધીએ ધર્મો ધર્મો વચ્ચે પરસ્પર થતાં આક્ષેપોની વ્યર્થતા બતાવી. અનેકાન્તદૃષ્ટિના આરાધક એવા જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધી પાસે મતસહિષ્ણુતા, ઉદાર દૃષ્ટિકોણ અને પરસ્પરને પામવાની ભાવના હોય એ સ્વાભાવિક હતું. જાણે એ ભાવનાનો પડઘો પાડતા હોય તેમ વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં ધર્મો ધર્મો વચ્ચે પરસ્પર આદરભાવનાનો અભિગમ રજૂ કર્યો. એમણે એક હૃદયસ્પર્શી દૃષ્ટાંત આપ્યું. મુસ્લિમ યાત્રાળુઓનું એક જહાજ હજ કરવા માટે મક્કા જતું હતું. રસ્તામાં પોર્ચુગીઝોએ એ વહાણને આંતરીને કબજે કર્યું. વહાણમાં કરેલી લૂંટને પરિણામે મળેલા સરસામાનમાં પવિત્ર કુરાનની કેટલીક પ્રતો હતી, જે કૂતરાઓના ગળે બાંધીને એમને ઓરમુઝ શહેરની શેરીઓમાં ફેરવવામાં આવ્યા. બન્યું એવું કે પોર્ટુગીઝોએ કબજે કરેલું જહાજ સમ્રાટ અકબરના સૈનિકોએ પકડયું અને એમને એમાંથી બાઈબલની કેટલીક પ્રત મળી. અકબર એની માતાને ચાહતો હતો અને એની માતા ચુસ્ત મુસલમાન હતી. એમણે જ્યારે જાણ્યું કે ખ્રિસ્તીઓના હાથે પવિત્ર ગ્રંથ કુરાનનું અપમાન થયું છે ત્યારે એણે વિચાર્યું કે અકબર બાઈબલ સાથે એ જ રીતે વર્તાવ કરે.

આ સમયે અકબરે કહ્યું,'માતા, પેલા અજ્ઞાની લોકો પવિત્ર કુરાનની મહત્તા સમજતા નહોતા. એમણે દાખવેલી વર્તણૂક એ એમની અજ્ઞાનતાનું કારણ હતી, પણ હું તો કુરાન અને બાઈબલ બંનેની મહત્તાથી પરિચિત છું, આથી હું એ અજ્ઞાની લોકો જેવો વ્યવહાર કરી શકું નહીં.'

ભ્રાંત ધારણાઓ પર આઘાત

વીરચંદ ગાંધીએ આ માર્મિક દૃષ્ટાંત દ્વારા સભાગૃહમાં એક ઉન્નત વાતાવરણ સર્જી દીધું.

વીરચંદ ગાંધીએ પાદરી પેન્ટાકોસ્ટના આક્ષેપોનો આપેલો જવાબ એ એક ભારતીય વિદ્વાન અને ધર્મ વિચારકે આપેલો ઉત્તર છે. આક્ષેપો, અપશબ્દો અને પ્રહારોનો પ્રત્યુત્તર કેવી સ્વસ્થતા અને શિષ્ટતાથી આપી શકાય એ વીરચંદ ગાંધીએ દર્શાવ્યું. એમના હૃદયમાં દેશની પરાધીનતા શૂળની માફક ભોંકાતી હતી. અનેક ખ્રિસ્તી સજ્જનો સાથે ગાઢ મૈત્રી હોવા છતાં ભારતમાં વટાળપ્રવૃત્તિ કરતા મિશનરીઓની કામગીરી સામે વીરચંદ ગાંધી સતત પ્રબળ વિરોધના અવાજ ઉઠાવતા રહ્યા. આ મિશનરીઓએ પ્રચારજાળ રચીને હિંદુ ધર્મ, સમાજ અને મૂલ્યો એ ત્રણે પર પ્રહાર કર્યા હતા ત્યારે વીરચંદ ગાંધીએ વિદેશવાસી ખ્રિસ્તી સમુદાયની સમક્ષ પોતાના દેશની સત્ય હકીકતો પ્રસ્તુત કરીને અમેરિકા અને બ્રિટનના લોકોના મનમાં ઠસાવવામાં આવેલી ભ્રાંત ધારણાઓ પર કુઠારાઘાત કર્યો. એ સમયના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી આ ત્રણે પ્રભાવક પુરુષોએ ભારતમાં ચાલતી ખ્રિસ્તી પાદરીઓની ધર્માતર-પ્રવૃત્તિ સામે તીવ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. એ નોંધવું ઘટે કે તેમ છતાં અમેરિકા અને બ્રિટનના ઘણા ખ્રિસ્તી મહાનુભાવો આ ત્રણે મહાપુરુષોના સાથીઓ કે અનુયાયીઓ બન્યા હતા.

વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં ૨૫ સપ્ટેમ્બરે આ પ્રત્યુત્ત આપ્યો અને ૨૬ સપ્ટેમ્બરના 'શિકાગો ટાઈમ્સ' અખબારે પોતાની નોંધમાં લખ્યું.

'ભારતમાં છસ્સો જેટલી પૂજારણો છે જે વેશ્યા છે ! ' એમ કહીને રેવરન્ડ જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટે નિમ્ન કક્ષાની ભાષા પ્રયોજીને ભારતની અઘટિત ટીકા કરી. ' આવી મલિન ઇરાદાવાળી ટીકાનો જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધીએ તાર્કિક અને ગરિમાપૂર્ણ પ્રત્યુત્તર વાળ્યો.' આવી નોંધ કરીને આ અખબારે વીરચંદ ગાંધીનું પ્રવચન અક્ષરશ : પ્રગટ કર્યું. (ક્રમશ:)